Saturday, April 4, 2026
More
    હોમપેજરાજકારણવડા પ્રધાને સેનાને કહ્યું હતું– 'જો ઉચિત સમજો વો કરો', તો ખોટું શું...

    વડા પ્રધાને સેનાને કહ્યું હતું– ‘જો ઉચિત સમજો વો કરો’, તો ખોટું શું કહ્યું હતું?

    આખા પ્રસંગમાંથી રાહુલ ગાંધી અને કોંગ્રેસે વડા પ્રધાનના ‘જો ઉચિત સમજો વો કરો’ વાક્યને ઉપાડી લીધું અને એવું કહેવાનું શરૂ કર્યું કે વડા પ્રધાન સમય આવ્યે નિર્ણય લઈ શક્યા ન હતા!

    - Advertisement -

    (અલ્પવિરામ, 8 ફેબ્રુઆરી, રવિવાર)

    છેલ્લા પાંચ દિવસથી કોંગ્રેસી યુવરાજ રાહુલ ગાંધી, તેમને નવા-નવા પોલિટિકલ ડ્રામા કરવા માટે સ્ક્રિપ્ટ લખી આપનારા તેમના સલાહકારો, ‘જનનાયક’ની છબી ઘડવા માટે મહેનત-મજૂરી કરતા અમુક ઈકોસિસ્ટમના પત્રકારો મળીને આપણને એવું સમજાવવા માટે મથી રહ્યા છે કે નરેન્દ્ર મોદી એક ડરપોક અને વખત આવ્યે નિર્ણય ન લઈ શકનારા વડા પ્રધાન છે. મોદીની વાસ્તવિક છબીથી સદંતર વિપરીત આ નરેટિવ ઘડવા માટે આધાર લેવામાં આવી રહ્યો છે એક મેગેઝિનના એક લેખનો, જે મેગેઝિન અને લેખ લખનાર ઉપર કહી એ ઈકોસિસ્ટમનાં અગત્યનાં પ્યાદાં છે.

    હમણાં સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. પરંપરા પ્રમાણે સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધન કરે. રાષ્ટ્રપતિના આ સંબોધન બાદ બંને ગૃહમાં એક ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરવામાં આવે. તે પહેલાં સત્તા પક્ષ-વિપક્ષના સાંસદો તેની ઉપર ચર્ચા કરે. આ વર્ષે પણ આમ જ થયું. 1 ફેબ્રુઆરીએ લોકસભામાં બજેટ રજૂ થયું અને 2 ફેબ્રુઆરીએ આ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ. ભાજપ તરફથી મંત્રી સર્બાનંદ સોનાવાલે પ્રસ્તાવ રજૂ કર્યો, સાંસદ તેજસ્વી સૂર્યાએ તેને સમર્થન આપ્યું. ત્યારબાદ વારો આવ્યો વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીનો.

    - Advertisement -

    રાહુલ ગાંધીએ આમ તો રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવાનું હતું પણ તેઓ વાતનો વિષય રાષ્ટ્રીય સુરક્ષા અને ચીન પર લઈ ગયા. પછીથી સરકારને ટાર્ગેટ કરવા માટે લોકસભામાં ‘કારવાં’ મેગેઝિનમાં તેના આગલા જ દિવસે (1 ફેબ્રુઆરી) પ્રકાશિત થયેલો એક લેખ વાંચવા બેઠા પણ સ્પીકરે તેમને અધવચ્ચેથી અટકાવી દીધા. સત્તા પક્ષે પણ વાંધો ઉઠાવ્યો. કારણ આપવામાં આવ્યું કે અપ્રકાશિત પુસ્તકના આધારે કોઈ છાપું, મેગેઝિન કશુંક લખી નાખે તેની ઉપરથી ગૃહમાં ચર્ચા ન થાય. સાથે રાહુલને નિયમો પણ સમજાવ્યા પણ તેઓ માનવા તૈયાર ન હતા. આખરે એ દિવસે ત્રણ વખત લોકસભા સ્થગિત થઈ. બીજા દિવસે પણ એ જ માથાકૂટ ચાલી. ત્રીજા અને ચોથા દિવસે પણ. લોકસભા થોડી-થોડી મિનિટોમાં સ્થગિત થતી રહી. લોકસભામાં વડા પ્રધાન મોદી ભાષણ આપવાના હતા એ પણ શક્ય ન બન્યું અને આખરે વડા પ્રધાનના જવાબ વગર જ પ્રસ્તાવ પસાર કરાયો.

    રાહુલ ગાંધી ‘કારવાં’નો લેખ ટાંકી રહ્યા છે એ સુશાંત સિંઘ નામના એક હાડોહાડ ડાબેરી, મોદીવિરોધી, હિંદુત્વવિરોધી પત્રકારે લખ્યો છે. મજાની વાત એ પણ છે કે 1 ફેબ્રુઆરીએ આ લેખ લખાયો અને 2 ફેબ્રુઆરીએ સવારે રાહુલ ગાંધી તે લઈને સંસદ પણ પહોંચી ગયા. ઇકોસિસ્ટમ કેટલી મજબૂત છે તેનું આ વધુ એક ઉદાહરણ છે.

    આ લેખ સુશાંતે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ લખેલા એક પુસ્તક પર આધારિત હોવાનું કહ્યું છે. જનરલ નરવણે 2019થી 2022 સુધી ભારતીય સેનાના પ્રમુખ રહ્યા. 2022માં નિવૃત્તિ બાદ 2024માં તેમણે એક પુસ્તક લખ્યું, જેમાં તેમનાં સંસ્મરણો છે. પુસ્તક મે 2024માં પ્રકાશિત થવાનું હતું, પણ તેની જાણકારી બહાર આવતાં રક્ષા મંત્રાલયે કામચલાઉ ધોરણે રોક લગાવી અને પુસ્તક સમીક્ષા હેઠળ મૂક્યું. હજુ પુસ્તકને ક્લિયરન્સ મળ્યું નથી. મળે નહીં ત્યાં સુધી બજારમાં આવી શકે નહીં. જોકે પુસ્તકની અમુક નકલો છપાઈ પણ ગઈ છે.

    વાતને થોડી અવળા પાટે ચડાવીએ તો રક્ષા મંત્રાલયનો પુસ્તક રિવ્યૂ કરવાનો નિર્ણય સાવ અસ્થાને કે અયોગ્ય નથી. રક્ષા અધિકારીઓ સામાન્ય રીતે આવાં પુસ્તકો લખતા હોય છે, પણ નિવૃત્તિનાં અમુક વર્ષો પછી. ત્યારે સ્થિતિ ઘણીખરી બદલાય ચૂકી હોય, જે મિશનો વિશેની વાત હોય તેની ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય. ઉદાહરણ તરીકે આજે કોઈ કારગિલ કે 1971ના યુદ્ધ વિશે આખાં પુસ્તકો લખી નાખે તોય બહુ વાંધો ન આવે, કારણ કે એ ઑપરેશનોને હવે વર્ષો વીતી ગયાં છે. દેશ-દુનિયા-સેના બધું જ બદલાઈ ગયું છે. પણ જનરલ નરવણે માટે આ ગાળો માત્ર 2 જ વર્ષનો હતો. ઉપરાંત પુસ્તકમાં અમુક પ્રસંગો લખવામાં આવ્યા છે એ વિવાદો 2024માં ચાલુ જ હતા. ચીન સાથેનો સરહદીય વિવાદ તેનું ઉદાહરણ છે. આ વિગતો સાર્વજનિક થવાથી ભારતની સેના કઈ રીતે વિચારે છે, ઉપરના સ્તરે નિર્ણયો કઈ રીતે લેવાય છે, કઈ રીતે રણનીતિ ઘડાય છે– આ બધી વિગતો પણ બહાર આવવાનો ભય રહે. ટૂંકમાં રક્ષા મંત્રાલય તેની રીતે યોગ્ય જગ્યાએ છે.

    પુસ્તક આવ્યું નથી પણ પત્રકારો ક્યાંકથી તેની ટ્રાન્સક્રિપ્ટ મેળવી લે છે. એવું પણ નથી કે કારવાંએ પહેલી વખત આ વિગતો સાર્વજનિક કરી છે, અગાઉ ઘણાં મીડિયા સંસ્થાનો જનરલ નરવણેના આ પુસ્તકની વિગતો પર લખી ચૂક્યાં છે. પણ આ વખતે બદમાશી એ કરવામાં આવી કે જનરલ નરવણેના શબ્દો રજૂ કરીને તેને કન્ટેસ્કચ્યુલાઇઝ કરવામાં આવ્યા અને તેમાં મીઠું-મરચું ઉમેરીને આ ગેંગ જે સમજાવવા માગે છે એ આપણા માથે મારવાના પ્રયાસ કરવામાં આવ્યા. વાસ્તવમાં તો જનરલ નરવણેએ પણ એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો નથી કે વડા પ્રધાન કે સરકાર નિર્ણય લેવામાં પાછળ પડ્યાં હતાં. આ બધી આ પત્રકારો અને રાહુલ ગાંધીના મગજની ઊપજ છે.

    આ સમગ્ર વિવાદનું કેન્દ્ર ક્યાં છે એ સમજીએ.

    જનરલ નરવણેએ પુસ્તકમાં એક પ્રસંગ લખ્યો છે– ઑગસ્ટ 2020નો. આ એ સમય હતો જ્યારે ચીન સાથે પૂર્વ સરહદે તણાવભરી પરિસ્થિતિ હતી. બે મહિના પહેલાં જૂન 2020માં ગલવાનમાં ચીની સેના ઘૂસી આવી હતી અને તેના કારણે બંને સેનાઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું, જેમાં ભારતના વીસ જવાનો વીરગતિ પામ્યા. સામે ચીનની સેનાના પણ અનેક જવાનો માર્યા ગયા.

    પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે 31 ઑગસ્ટ 2020ની રાત્રે પૂર્વ લદ્દાખમાં એક પોઈન્ટ પર ચીનની સેનાની અમુક ટેન્કો આગળ વધતી હોવાની જાણકારી સેનાના ઉચ્ચ અધિકારીઓને મળી. સેનાનો નોર્ધન કમાન્ડ સંભાળતા અધિકારીએ આ જાણકારી તત્કાલીન સેનાધ્યક્ષ અને પુસ્તકના લેખક જનરલ નરવણેને આપી.

    ભારતમાં સેનાનાં ઑપરેશનો પર અંતિમ મહોર સરકાર સ્તરેથી લાગે છે. એટલે જનરલ નરવણેએ રક્ષામંત્રી રાજનાથ સિંઘ, વડા પ્રધાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ જયશંકર વગેરે ટોચના નેતૃત્વને એક પછી એક ટેલિફોનિક વાતચીત થકી આ બાબતની જાણકારી આપી અને આગળ શું કરવું તેની ચર્ચા કરી.

    આ તરફ ચીની ટેન્કો આગળ વધી રહી હતી એટલે સેનાના અધિકારીઓ આદેશની રાહ જોતા હતા. સરકાર સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. પરિસ્થિતિ જોતાં જનરલ નરવણેએ ફરી રક્ષામંત્રી રાજનાથ સિંઘને ફોન કર્યો અને આગળ શું કરવું તેના આદેશો માગ્યા. બીજી તરફ સેનાધ્યક્ષે પોતાની રીતે સ્થિતિનો તાગ મેળવવા માટે બેઠકો શરૂ કરી. આખરે થોડી જ વારમાં રક્ષામંત્રીનો ફોન સેનાધ્યક્ષને આવ્યો અને જણાવ્યું કે તેમણે વડા પ્રધાન મોદી સાથે ચર્ચા કરી છે અને વડા પ્રધાનનો સંદેશ પહોંચાડવા માટે આ ફોન કર્યો છે.

    વડા પ્રધાનનો સંદેશ શું હતો? સેનાધ્યક્ષ પુસ્તકમાં લખે છે– ‘જો ઉચિત સમજો વો કરો.’ તમને જે કંઈ યોગ્ય લાગે એ પગલાં લો.

    ત્યારબાદ સેનાધ્યક્ષે મોરચો સંભાળીને તેમના નોર્ધન કમાન્ડ સંભાળતા લેફ્ટ. જનરલને અમુક આદેશો આપ્યા. એ સ્થિતિ એવી હતી કે દેશ કોરોના જેવી મહામારી સામે પહેલેથી લડતો હતો. ચીની સેના સામે યુદ્ધે ચડી શકાય એમ ન હતું. પરિસ્થિતિ સામાન્ય હોય તોપણ સામાન્ય રીતે બે સેનાઓ આ રીતે યુદ્ધે ચડતી નથી. યુદ્ધ ગંભીર વિષય છે. એટલે સેનાએ સૂઝબૂઝથી કામ લીધું અને ભારતીય ટેન્કો સરહદ પર એ રીતે ગોઠવી દીધી કે ચીનની સેનાને સંદેશ મળી જાય, પણ પહેલો પ્રહાર કરવાની આ પક્ષે ના પાડવામાં આવી, જેથી ચીનને એસ્ક્લેટ કરવાનું બહાનું ન મળે. ટૂંકમાં સેનાએ બુદ્ધિચાતુર્યથી કામ લીધું અને પછી થયું પણ એવું કે ચીની સેના અટકી ગઈ, બીજા દિવસે બંને કમાન્ડરોએ બેઠકો કરી.

    આ આખા પ્રસંગમાંથી રાહુલ ગાંધી અને કોંગ્રેસે વડા પ્રધાનના ‘જો ઉચિત સમજો વો કરો’ વાક્યને ઉપાડી લીધું અને એવું કહેવાનું શરૂ કર્યું કે વડા પ્રધાન સમય આવ્યે નિર્ણય લઈ શક્યા ન હતા!

    પહેલી વાત એ છે કે આ જે કંઈ સામગ્રી છે એ અપ્રકાશિત પુસ્તકમાંથી લેવાઈ છે. છતાં તેને ફેસ વેલ્યુ પર લઈએ તોય પ્રશ્ન એ છે કે આમ કહેવાને બદલે વડા પ્રધાને શું કરવું જોઈતું હતું?

    શું વડા પ્રધાન આ પરિસ્થિતિમાં સેનાને એમ કહે કે તમે આ બે અને પેલી બે એમ ચાર ટેન્કો આ પોઈન્ટ ઉપર મોકલો, પેલી એક ટુકડીને આ રાઇફલો આપીને આ પોઈન્ટ ઉપર તહેનાત કરી દો અને વાયુસેનાનાં બે આ અને એક પેલું એમ ત્રણ હેલિકોપ્ટર અહીં મૂકી દો? એ કામ સેનાનું છે. એ સ્થિતિમાં સરકાર માઇક્રો મેનેજમેન્ટ ન કરે. કરવા બેસાય પણ નહીં. સરકારે ત્યારે સેનાને છૂટો દોર આપવાનો હોય કે તમને જે કંઈ ઉચિત લાગે એ કાર્યવાહી કરો. સરકાર તમારી પડખે, તમારી સાથે ઊભી છે. નિર્ણયનાં જે કોઈ પરિણામો આવે એ અમે (એટલે સરકાર) ઢાલ બનીને ઝીલી લઈશું.

    સેનાએ આ પરિસ્થિતિમાં કોઈ બીજો નિર્ણય લીધો હોત તો શું સરકારે એમ કહ્યું હોત કે આમાં અમે કંઈ જાણતા નથી એ તો સેનાની કાર્યવાહી હતી? સ્વાભાવિક પણે ના. સરકાર કોઈ પણ સ્થિતિમાં પડખે જ રહી હોત. એટલે મોદીએ જવાબદારીમાંથી છટકવાનું નહીં પણ શાણપણભર્યું કામ કર્યું હતું. તેમણે એક જ વાક્યમાં સેનાને છૂટો દોર આપી દીધો હતો. સેનાએ પણ પછીથી પોતાની રીતે કામ લીધું અને સ્થિતિ પાર પાડી.

    એ સ્થિતિમાં વડા પ્રધાને જે કરવું જોઈએ એ જ તેમણે કર્યું હતું. શું એક તરફ ચીની ટેન્કો આવી રહી હોય, દર મિનિટે સ્થિતિ બદલાય રહી હોય ત્યાં તેઓ નકશો લઈને ક્યાં શું સ્થિતિ છે એ સમજવા બેસે? ના. એ બધું પછીનું કામ છે. પહેલાં તો સેનાને ફ્રી હેન્ડ આપીને કહેવાનું હોય કે તમે પહેલાં સ્થિતિ પર કાબુ મેળવી લો, બાકીનું કામ પછી પણ થઈ શકે. મોદીએ એ જ કર્યું હતું.

    મોદી કે સરકાર જવાબદારીમાંથી છટકી ગયાં હતાં એ કહેવું એ પ્રોપગેન્ડા છે. જાણીજોઈને ફેલાવવામાં આવતો નરેટિવ છે અને આગળ એક પૂર્વ સેનાધ્યક્ષને કરવામાં આવી રહ્યા છે, જેમણે પોતે ક્યાંય આવું કહ્યું નથી.

    વાસ્તવમાં જનરલ નરવણેએ પણ એમ કહ્યું નથી કે સરકાર જવાબદારીમાંથી પાછળ ખસી ગઈ હતી અને સેનાના માથે જવાબદારી નાખી દીધી હતી. તેમણે માત્ર પ્રસંગ વર્ણવ્યો છે. તેને સંદર્ભો આપવાનું કામ આ ગેંગ કરી રહી છે.

    મજાની વાત એ છે કે સુશાંતે એ જ લેખમાં એ સ્વીકાર્યું છે કે જનરલ નરવણેએ ક્યાંય પણ વડા પ્રધાન મોદીની ટીકા કરી નથી. ઉપરથી અનેક બાબતોમાં મોદીની પ્રશંસા કરી છે. ઉદાહરણ આપવામાં આવ્યું છે વડા પ્રધાન નિવાસસ્થાને યોજાયેલી એક બેઠકનું, જેમાં પીએમ મોદીએ ઉપયોગમાં ન હોય તેવી લાઇટો બંધ કરી દેવા માટે સ્ટાફને જણાવ્યું હતું. આ પ્રસંગ ટાંકીને જનરલ નરવણેએ વડા પ્રધાનની પ્રશંસા કરી છે. બીજા પણ ઘણા પ્રસંગો છે.

    ટૂંકમાં આ આખી વાતમાં રાઈનો પહાડ બનાવવાનું અને કામ વગરની સેનાને ઘસડીને સરકાર સામે બંદૂક ફોડવાનું કામ થઈ રહ્યું છે. રાહુલ ગાંધીએ તો સંભવતઃ આખો લેખ પણ વાંચ્યો નહીં હોય, પણ તેમને કાયમ અમુક સામગ્રી પકડાવીને હોબાળો મચાવવા માટે છૂટા મૂકી દેવામાં આવે છે, એવું આ વખતે પણ થયું છે. જોકે સરકાર પક્ષેથી ભૂલ એ થઈ કે શરૂઆતમાં ઓવરરિએક્શન આપી દીધું હતું. રાહુલની વાતોનું સરળ કાઉન્ટર એ લેખ પરથી જ થઈ શક્યું હોત. કારણ કે લેખના ફેક્ટચેકિંગ માટે એ લેખ જ પૂરતો છે, બીજે ક્યાંય જવાની જરૂર ન પડે!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં