
ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’ મામલે સર્જાયેલા વિવાદમાં હવે દિલ્હી પોલીસે એક FIR દાખલ કરીને તપાસ સ્પેશિયલ સેલને સોંપી છે. 9 ફેબ્રુઆરીના રોજ પોલીસે હજુ સુધી પ્રકાશિત ન થયેલા પુસ્તકને ડિજિટલ માધ્યમમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ફરતું કરવા મામલે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પ્રકાશક પેંગ્વિન ઇન્ડિયાનું એક નિવેદન પણ આવ્યું, જેમાં તેમણે હાથ ઊંચા કરી દીધા હતા.
નોંધનીય છે કે જનરલ નરવણેનું પુસ્તક હજુ સુધી સત્તાવાર રીતે પ્રકાશિત થયું નથી, તેમ છતાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર તેની પીડીએફ (PDF) ફાઇલ અને અમુક અંશો વાયરલ થઈ રહ્યા છે. આ બાબતે દિલ્હી પોલીસે FIR નોંધી છે.
બીજી તરફ પબ્લિશિંગ હાઉસ ‘પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા’એ 10 ફેબ્રુઆરી 2026ના રોજ સ્પષ્ટતા કરી છે કે માત્ર તેની પાસે જ પુસ્તકના પ્રકાશનના હકો છે અને પુસ્તક હજુ પ્રકાશિત થયું નથી. કોઈ પણ પ્રિન્ટ કે ડિજિટલ કોપી જાહેરમાં વેચાઈ કે વિતરિત થઈ નથી. તેમણે કહ્યું કે જો કોઈ કોપી સર્ક્યુલેટ થઈ રહી હોય તો તે કૉપીરાઇટ ઉલ્લંઘન છે અને તેઓ કાયદાકીય કાર્યવાહીમાં સહકાર આપવા માટે પણ તૈયાર છે.
Statement from the publisher. pic.twitter.com/pksacg3EeT— Penguin India (@PenguinIndia) February 9, 2026
હવે પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે અત્યંત સુરક્ષિત ગણાતી આ હસ્તપ્રત પબ્લિશિંગ હાઉસ અથવા અન્ય કોઈ સ્ત્રોત પરથી કેવી રીતે લીક થઈ. આમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટ અને કોપીરાઈટ ભંગની કલમો હેઠળ તપાસ ચાલી રહી છે.
એજન્સીઓને શંકા છે કે આ અપ્રકાશિત સામગ્રીમાં એવી વિગતો હોઈ શકે છે જે હજુ સુધી સેન્સર અથવા રિવ્યુ કરવામાં આવી નથી, જેનો દુરુપયોગ દેશવિરોધી તત્ત્વો કરી શકે છે.
શું છે આખો મામલો
જનરલ મનોજ મુકુંદ નરવણે (નિવૃત્ત) ભારતીય સેનાના ચીફ ઑફ આર્મી સ્ટાફ તરીકે ડિસેમ્બર 2019થી એપ્રિલ 2022 સુધી સેવા આપી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન 2020માં ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર તણાવ સર્જાયો અને ગલવાનમાં હિંસક ઘટનાઓ પણ બની હતી. તેમણે પુસ્તકમાં આ સમય દરમ્યાનની અમુક ઘટનાઓનું વર્ણન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ પુસ્તક મે 2024માં પ્રકાશિત થાવાનું હતું અને પ્રકાશન પેંગ્વિન કરી રહ્યું છે. પુસ્તકની જાહેરાત પણ થઈ ગઈ હતી અને પ્રિ-ઓર્ડર પણ શરૂ થઈ ગયા હતા પરંતુ પછીથી રક્ષા મંત્રાલયે પુસ્તક અટકાવી દીધું હતું. કારણ કે સેનાના વરિષ્ઠ અધિકારીઓએ નિવૃત્તિ પછી આવી કોઈ પણ સંવેદનશીલ માહિતી પ્રકાશિત કરવા માટે રક્ષા મંત્રાલયની મંજૂરી લેવી પડે છે. આ પુસ્તકમાં ઘણા સંવેદનશીલ વિષયોનું વર્ણન હોવાનું કહેવાય છે, જેના કારણે મંજૂરી અટકી ગઈ છે. 2024થી જ પુસ્તક મંજૂરી માટે પેન્ડિંગ છે અને તેને ક્લિયરન્સ મળ્યું નથી.
રાહુલ ગાંધીનો અપ્રકાશિત પુસ્તક વાંચવાનો પ્રયાસ
ફેબ્રુઆરી 2026માં સંસદના બજેટ સત્ર દરમ્યાન રાષ્ટ્રપતિના અભિભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચા પર બોલતી વખતે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આ પુસ્તકની મેન્યુસ્ક્રિપ્ટ પર આધારિત એક મેગેઝિનના લેખમાંથી અમુક અંશો વાંચવાનો પ્રયાસ કર્યો હતો અને ચીન મુદ્દે સરકારને ટાર્ગેટ કરવા ગયા હતા. જોકે સત્તાપક્ષ તરફથી વાંધો એ ઉઠાવવામાં આવ્યો કે રાહુલ અપ્રકાશિત પુસ્તકને આ રીતે ગૃહમાં ટાંકી શકે નહીં. ત્યારબાદ સ્પીકરે પણ તેમને લોકસભાના નિયમો સમજાવ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીએ જીદ ન છોડીને વાંચવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા, જેના કારણે લોકસભા અનેક વખત સ્થગિત થઈ હતી.
ત્યારબાદ રાહુલ ગાંધી સંસદ ભવન પરિસરમાં આ પુસ્તકની એક નકલ લઈને પહોંચ્યા હતા. જેનાથી પ્રશ્ન એ થયો કે જો પુસ્તક પ્રકાશિત ન થયું હોય તો રાહુલ ગાંધી પાસે તેની નકલ ક્યાંથી આવી. બીજી તરફ સોશિયલ મીડિયા પર પુસ્તકની PDF વાયરલ થવા માંડી હતી. જેના કારણે હવે દિલ્હી પોલીસે FIR દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલામાં પબ્લિશિંગ હાઉસ પણ શંકાના ઘેરામાં છે કારણ કે પુસ્તક પ્રકાશિત થયા પહેલાં તે માત્ર બે જ પાર્ટીઓ પાસે હોય શકે– જનરલ નરવણે, જેઓ પોતે પુસ્તકના લેખક છે અને બીજું પ્રકાશન ગૃહ. જનરલ નરવણે એક પૂર્વ સેનાધ્યક્ષ તરીકે આ રીતે પ્રકાશન પહેલાં પુસ્તક સાર્વજનિક ન કરે એ સ્વાભાવિક છે, જેથી શંકાની સોય હવે પ્રકાશન ગૃહ તરફ છે. જોકે ગૃહ કહી રહ્યું છે કે તેનો કોઈ વાંક નથી અને તપાસમાં સહયોગ આપવા માટે તૈયાર છે.

