દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Elections) જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકારણ પણ હિલોળા લઈ રહ્યું છે. મોદી (Modi) અને ભાજપને (BJP) ઊંધેકાંધ પાડી દેવાના ધ્યેયને લઈને એક ઝંડા તળે એકઠું થયેલું INDI ગઠબંધન (INDI Alliance) પણ હવે બરફની જેમ ઓગળવા લાગ્યું છે. કોંગ્રેસની (Congress) હાલત એવી થઈ છે, જેવી સૂર્ય વગર ચંદ્રની થાય છે. આ તમામ સમીકરણો હમણાંથી જ જોવા મળ્યાં છે. બાકી લોકસભા ચૂંટણીમાં INDI ગઠબંધનનો ઉત્સાહ સાતમા આસમાને હતો. થોડો કંકાસ પણ હતો જ, પરંતુ હમણાંની સ્થિતિ જોતાં નહિવત કહેવાય. હવે INDI ગઠબંધનની પાર્ટીઓ સામસામે તલવારો ખેંચવામાં પણ સંકોચ કરી શકે તેમ નથી.
લોકસભા ચૂંટણી વખતે પણ આંતરિક વિખવાદ તો હતા જ. જેવી રીતે ગુરુત્વાકર્ષણની અસર અંતરીક્ષમાં અદ્રશ્ય થઈ જાય છે, તેવી જ રીતે લોકસભા વખતે પંજાબ અને પશ્ચિમ બંગાળમાં INDI ગઠબંધન અદ્રશ્ય થઈ ગયું હતું. દિલ્હી જેવા AAPના ગઢ ગણાતા વિસ્તારમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધનની ફરજ પડી હતી. જોકે, તેમ છતાં એક પણ બેઠક ન જીતી શક્યા તે અલગ બાબત છે. તે સમયે અખિલેશે તો આખું યુપી માથે લીધું હતું અને INDI ગઠબંધનને સીટ શેરિંગના મામલે ફીણ કઢવી દીધા હતા. આ બધી બાબતોમાં વિરોધાભાસ હોવા છતાં ગઠબંધન એક ઝંડા હેઠળ રહી શક્યું હતું. પરંતુ હવે તો પરિસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે.
પ્રાદેશિક પક્ષો પણ હવે તો કોંગ્રેસને મારી રહ્યા છે ડણફાં
રાજકારણની હાલની સ્થિતિ જોતાં ગુજરાતના માલધારીઓની એક તરકીબ (જાણીજોઈને વાપરવામાં આવેલો શબ્દ છે) યાદ આવી રહી છે. જેવી રીતે માલધારીઓ એક લાઠીના જોરે તમામ પશુઓને એક હરોળમાં અને એક સાથે લઈ જાય છે, તેવી જ રીતે રાજકારણમાં કોંગ્રેસના જોરે તમામ પક્ષો એક હરોળમાં અને એક સાથે આવી ગયા હતા. પરંતુ હવે કોંગ્રેસ ન તો તે લાઠી જેટલી શક્તિશાળી છે અને ન તો સક્ષમ. (જોકે, એક દાયકાથી કોંગ્રેસ મડદાં ગળી ગયેલા અજગરની જેમ પડી છે.) મોદી અને ભાજપની ઉપરાછાપરી વિજય જોયા બાદ હવે પ્રાદેશિક પક્ષો સમજતા થઈ ગયા છે કે, કોંગ્રેસમાં પહેલાં જેવુ જોર નથી રહ્યું. માત્ર સમજતા થયા એવું જ નથી, પરંતુ ઉગીને ઊભી થયેલી પ્રાદેશિક પાર્ટીઓ પણ સિનિયર કોંગ્રેસને ડફણાં મારવામાં સહેજ પણ સંકોચ નથી અનુભવી રહી અને કોંગ્રેસના અંતરાત્મામાંથી માત્ર એટલા જ શબ્દો નીકળી રહ્યા છે કે..”યે દુઃખ કાહે ખતમ નહીં હોતા બે.”
તાજા ઉદાહરણ જોઈએ તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના તરફડી રહી છે. પાર્ટીએ પોતાના મુખપત્ર ‘સામના’માં કોંગ્રેસને નિષ્ફળ ગણાવી દીધી છે. સામનાના સંપાદકીય લેખમાં કહેવાયું છે કે, કોંગ્રેસ હવે લડવા લાયક નથી રહી. સાથે એવી સલાહ પણ આપવામાં આવી છે કે, કોંગ્રેસે પ્રાદેશિક પાર્ટીઓને ઓછી ન આંકવી જોઈએ. કારણ કે, કોંગ્રેસમાં એકમાં એટલી ક્ષમતા નથી કે, તે કોઈપણ રાજ્યમાં એકલાહાથે લડી બતાવે. શિવસેનાએ આજની તમામ પરિસ્થિતિ માટે કોંગ્રેસને દોષી ગણાવી છે.
માત્ર એટલું જ નહીં, પરંતુ શિવસેના અને સમાજવાદી પાર્ટી વચ્ચે પણ ધિંગાણું થઈ ગયું છે. સપાએ મહાવિકાસ અઘાડી સાથેનો છેડો ફાડી નાખ્યો છે. સપાએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પર ‘હિંદુવાદી’ એજન્ડા અપનાવવાનો આરોપ લગાવી દીધો છે. તે સિવાય પણ પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને વારંવાર લપડાક આપી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તો કોંગ્રેસની જગ્યાએ તેમને INDI ગેંગના લીડર બનાવવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી દીધી છે અને શિવસેના, RJD જેવી પ્રાદેશિક પાર્ટીઓએ તેને સમર્થન પણ આપ્યું છે. એટલું જ નહીં, પરંતુ અમુક વાર તો કોંગ્રેસને જ ગઠબંધનમાંથી હાંકી કાઢવા સુધીની વાતો થઈ ગઈ છે!
હરિયાણા અને મહારાષ્ટ્રને નજર સામે હારતા જોઈને હવે પ્રાદેશિક પાર્ટીઓનો કોંગ્રેસમોહ તૂટી ગયો છે. હવે તેઓ કોંગ્રેસને ‘શક્તિ’ તરીકે નહીં, પરંતુ ‘પસ્તી’ તરીકે જોઈ રહ્યા છે અને તેનું સૌથી મોટું કારણ પણ કોંગ્રેસ પોતે જ છે. લોકસભા બાદ પોતાને INDI ગઠબંધનના સર્વેસર્વા માનતી કોંગ્રેસને હવે તેમની જ ટોળકીના પ્રાદેશિક પક્ષો લાફા મારી રહ્યા છે. હવે તમામ પ્રાદેશિક પક્ષોને સમજાય ગયું છે કે, કોંગ્રેસ શક્તિહીન, નિસ્તેજ અને નકામી બની ગઈ છે, તેથી તેને હવે ‘રાજા ભોજ’ નહીં, પણ ટોળકીના ‘બોજ’ તરીકે જોવામાં આવી રહી છે.
દિલ્હીમાં AAP-કોંગ્રેસ બની ગયા શત્રુ, લોકસભા ચૂંટણીમાં કર્યું હતું ગઠબંધન
તાજેતરનું સૌથી ઉત્તમ ઉદાહરણ AAP-કોંગ્રેસમાં ચાલી રહેલા ડખા છે. એક સમયે ખભેખભો રાખીને ચાલી રહેલા કેજરીવાલ અને રાહુલ ગાંધી એકબીજાના લોહીના તરસ્યા બન્યા બની ગયા છે. જે એકબીજાના ‘પૂરક’ હતા, તે હવે એકબીજા માટે ‘નરક’ બની ગયા છે. બંને એકબીજા પર ‘ભાજપના સાથી’ હોવાના આરોપો લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી તો હવે દિલ્હીના નદીનાળાના વિડીયો બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. વધુમાં કચરાના પહાડ અને ગંદકીના વિડીયો પોસ્ટ કરી-કરીને કેજરીવાલને ઉશ્કેરી રહ્યા છે. બીજી તરફ કેજરીવાલ અને તેમની પાર્ટી પણ કોંગ્રેસને હાથોહાથ લઈ રહ્યા છે.
હમણાં જ રાહુલ ગાંધીએ કેજરીવાલને ખોટા વાયદા કરનારા અને ખોટો પ્રચાર કરનારા ગણાવી દીધા હતા. જે બાદ કેજરીવાલે પણ સીધો રાહુલ ગાંધી પર હુમલો કરી દીધો હતો. કેજરીવાલે તો એવું પણ કહી દીધું કે, રાહુલ ગાંધીની લડાઈ કોંગ્રેસ બચાવવાની છે અને તેમની લડાઈ દેશ બચાવવાની છે. શું વાત છે.. મોટા-મોટા કૌભાંડમાં આરોપી બનીને તિહાડ જેવા પ્રતિષ્ઠિત સ્થાન પર આત્મજ્ઞાન પ્રાપ્ત કરી આવેલા વ્યક્તિઓ હવે દેશ બચાવવા નીકળી પડ્યા છે. ખેર, બંનેની લડાઈ માત્ર સત્તા માટેની છે. તેનાથી વિશેષ કોઈપણ વસ્તુ નથી. સત્તાના મોહથી જ આખું INDI ટોળકું એકઠું થયું હતું અને સત્તાના મોહથી જ ફરી વિખરાઈ રહ્યું છે અને એ પણ થશે કે, સત્તાના મોહથી આ જ ટોળકું ફરી એકઠું થશે અને ફરી વિખરાશે. આ ચક્ર જ્યાં સુધી મોદીશાસન છે, ત્યાં સુધી અવિરત ચાલતું રહેશે.
ધ્યેય વગર માણસ અને વિચારધારા વગરનું સંગઠન નિસ્તેજ અને નકામા છે
ભાજપ અને તેના સહયોગી પક્ષો વચ્ચે એક સ્પષ્ટ સુસંગતતા છે, જે એકબીજી પાર્ટીઓને જોડવાનું કામ કરે છે. જ્યારે INDI ગઠબંધનની તો કોઈ વિચારધારા જ નથી. INDI ટોળકીમાં ભિન્ન-ભિન્ન વિચારધારા ધરાવતી પાર્ટીઓ છે, પરંતુ તેમાં કોમન વિચારધારા નહિવત છે. હા.. મોદીને હરાવવાની હોડ એકમાત્ર એવો વિષય છે, જેમાં તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈ શકે છે અને થઈ પણ હતી. પરંતુ, સ્પષ્ટ વિચારધારા વગર બનેલું ટોળકું પણ આખરે પશુવત બની રહે છે. INDI ગેંગની સૌથી મોટી પાર્ટી છે કોંગ્રેસ. હવે કોંગ્રેસની પોતાની જ કોઈ વિચારધારા નથી. જોકે, હિંદુવિરોધી અને દેશવિરોધી બાબતોમાં કોંગ્રેસ કઈ તરફ વધારે વળે છે એ તો જગજાહેર છે. પરંતુ એકંદરે તે પાર્ટી વિચારધારાની બાબતમાં હજુ પણ કન્ફ્યુઝ છે.
કોંગ્રેસની જેવી હાલત છે, તેવી જ હાલત INDI ગઠબંધનની પણ છે. INDI ગઠબંધનનો એકમાત્ર ધ્યેય હતો ભાજપ અને મોદીને પાડી દેવાનો. કેમ પાડવા? શું કરવું? કઈ વિચારધારા હશે? આ બધી જ બાબતો કોઈને ખબર નહોતી, બસ પાડી દેવાના ફાંકા રાખી લડવા માટે એક થઈ જવાનો પ્લાન હતો. પરંતુ ભાજપ-મોદી તો દૂર રહી ગયા, પણ પોતે જ પરાણે ઉગાવી કાઢેલું વિશાળ વટવૃક્ષ પડવા લાગ્યું છે અને શરૂઆત પણ ખૂબ ભયંકર થઈ છે.
એક પુસ્તક વાંચતાં-વાંચતાં એક વાક્ય નજર સામે આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘ધ્યેય વગર માણસ અને વિચારધારા વગર સંગઠન નિસ્તેજ અને નકામા છે.’ બસ, આ જ સાર છે અને આ જ વાસ્તવિકતા. INDI ગઠબંધનના બધા પક્ષો જે રીતે એકબીજાના માથા વાઢવા તૈયાર થઈ રહ્યા છે, તે માત્ર વિચારધારાનો અભાવ અને સત્તા પામવાનો મોહ છે. બાકી જેને, સત્તાનો મોહ નથી તેવો સંન્યાસી પણ દેશ તો ચલાવી જ શકે છે અને પહેલાં કરતાં વધુ સારી રીતે ચલાવી શકે છે. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું ને, માત્ર કર્મ કરતાં રહો…ફળની આશા ન રાખો. આ જ જીવનનો સાર છે. ચાહે એ રાજકારણ હોય કે જીવન. દેશ માટે જે ભલું કરશે તેને સત્તાનો મોહ નહીં રહે. કારણ કે, જનતા સામેથી તેના રાજ્યાભિષેકની તૈયારી કરશે.
હમણાં તો દિલ્હીની જનતાના અંતરાત્મામાંથી નીકળેલા શબ્દો કઈક એવા છે… “सिंहासन खाली करो कि जनता आती है।”