મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભાની ચૂંટણીમાં INDI ગઠબંધનની (INDI Alliance) કારમી હાર બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) આ ગઠબંધનને સંભાળવાની તેમની જૂની ઈચ્છાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ INDI ગઠબંધનનું નેતૃત્વ કરવા તૈયાર છે. જોકે, કોંગ્રેસે (Congress) મમતા બેનર્જીના નિવેદનનો વિરોધ કર્યો છે, જ્યારે સમાજવાદી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેના જૂથની શિવસેનાએ તેનું સમર્થન કર્યું છે.
એક ઇન્ટરવ્યુમાં, તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જીએ કહ્યું કે, તેમણે જ INDI ગઠબંધન બનાવ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, જો આ ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા લોકો તેને યોગ્ય રીતે ચલાવી શકતા નથી તો તેમને (મમતાને) એક તક આપવામાં આવવી જોઈએ. મમતાએ વધુમાં કહ્યું કે, તે બંગાળથી આ ગઠબંધનનું નેતૃત્વ કરવા તૈયાર છે. નોંધવા જેવું છે કે, કોંગ્રેસ હાલમાં આ ગઠબંધનનું નેતૃત્વ કરી રહી છે.
મમતા બેનર્જીના નિવેદન બાદ સર્જાયો વિવાદ
મમતા બેનર્જીના નિવેદન બાદ વિપક્ષી ગઠબંધનમાં ફરી વિવાદ સર્જાયો છે. આ સાથે મમતા બેનર્જીની વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષા ફરી એકવાર સ્પષ્ટ થઈ ગઈ છે. મમતા બેનર્જીના નિવેદનને સમર્થન આપતા શિવસેના (UBT)ના સંજય રાઉતે કહ્યું, “અમે પણ ઈચ્છીએ છીએ કે, તેઓ વિપક્ષી INDI ગઠબંધનના મુખ્ય ભાગીદાર બને. મમતા બેનર્જી હોય, અરવિંદ કેજરીવાલ હોય કે શિવસેના, અમે બધા સાથે છીએ. અમે ટૂંક સમયમાં મમતા બેનર્જી સાથે વાત કરવા કોલકાતા જઈશું.”
ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા ઉદયવીર સિંઘે પણ મમતા બેનર્જીના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમણે શનિવારે (7 ડિસેમ્બર 2024) કહ્યું કે, “આ લોકસભા ચૂંટણીમાં સપાએ યુપીમાં 80માંથી 37 બેઠકો જીતી. પશ્ચિમ બંગાળમાં TMCને 42માંથી 29 બેઠકો મળી છે. આ બંને રાજ્યોમાં ભાજપે 35 બેઠકો ગુમાવી છે. જો તમામ પક્ષો સંમત થશે તો સપા મમતા બેનર્જીને સમર્થન આપશે.”
બીજી તરફ ડાબેરીઓએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. વામપંથી નેતા ડી રાજાએ કહ્યું , “કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. પરિસ્થિતિ INDIA બ્લોકની બેઠકની માંગ કરે છે. કોંગ્રેસે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં તેના ગઠબંધન ભાગીદારોને સમાયોજિત કર્યા નથી. જો કોંગ્રેસે INIDA બ્લોકના સાથીઓની વાત સાંભળી હોત તો લોકસભા અને હરિયાણા-મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો અલગ હોત.”
મમતા બેનર્જીના નિવેદન પર, યુપીના સહારનપુરથી કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું, “મમતાજી એક મોટા નેતા છે, પરંતુ રાહુલ ગાંધી સિવાય દેશમાં કોઈ પણ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવાની સ્થિતિમાં નથી.” દરમિયાન જ કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે કહ્યું કે, મમતા બેનર્જીને કદાચ તેવું લાગતું હશે, પરંતુ કોંગ્રેસને એવું કશું લાગતું નથી. કોંગ્રેસના લોકો તેમની પાર્ટીના હિસાબે ચાલે છે.
RJD લાલુ યાદવને માને છે INDI ગઠબંધનના સર્જક
બીજી તરફ, લાલુ યાદવની પાર્ટી RJDએ INDI ગઠબંધન મમતા બેનર્જી દ્વારા રચવામાં આવેલું હોવાના દાવાને ફગાવી દીધો છે. RJDના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, “ભાજપ વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનના વાસ્તવિક આર્કિટેક્ટ લાલુ પ્રસાદ યાદવ છે. તેમની પહેલ પર ગઠબંધનની પ્રથમ બેઠક પટનામાં યોજાઈ હતી. તેમાં મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો. દરેક પોતપોતાના રાજ્યોમાં ભાજપ સામે લડી રહ્યા છે.”
ભાજપે INDI ગઠબંધનમાં ઉભા થઈ રહેલા વિરોધના અવાજ પર પ્રહારો કર્યા છે. ભાજપે કહ્યું કે, વિપક્ષી નેતાઓને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર વિશ્વાસ નથી. તેઓ હજુ પણ રાહુલ ગાંધીને રાજકારણના કાચા ખેલાડી માને છે. ભાજપે કહ્યું કે, વિપક્ષમાં એવા ઘણા લોકો છે જેઓ રાહુલ ગાંધીને રાજકીય રીતે નિષ્ફળ માને છે.
ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું, “INDI ગઠબંધનમાં ખાનદાન અનેક અને ઈચ્છા એક જેવી સ્થિતિ છે. દરેક વ્યક્તિની પોતાની ઈચ્છા છે. તેઓ ગઠબંધનના વડા બનવા માંગે છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓ ક્યારેય સરકારમાં આવવાના નથી.” JDU નેતા નીરજ કુમારે કહ્યું કે, ભ્રષ્ટાચારના આધારે જેલમાંથી સરકાર ચલાવી રહેલા ઘટક પક્ષોમાં મતભેદ છે.