Saturday, March 7, 2026
More
    હોમપેજગુજરાતગુજરાતમાં કમોસમી વરસાદ, પાક નુકસાનીનો સરવે અને ‘આપ’નું રાજકારણ: સિર્ફ હંગામા ખડા...

    ગુજરાતમાં કમોસમી વરસાદ, પાક નુકસાનીનો સરવે અને ‘આપ’નું રાજકારણ: સિર્ફ હંગામા ખડા કરના મકસદ

    રોજ ‘આપ’ નેતાઓ પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા છે અને વાતનો સૂર એવો છે કે સરકાર ખેડૂતોના મુદ્દા પર ધ્યાન આપી રહી નથી. તેઓ પૂછી રહ્યા છે કે પેકેજ જાહેર કરવામાં કેમ નથી આવી રહ્યું? તેમને તાત્કાલિક પરિણામો જોઈએ છે.

    - Advertisement -

    કવિ દુષ્યંત કુમારની બહુ જાણીતી પંક્તિઓ છે,

    ‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં,

    સારી કોશિશ હૈ કી સૂરત બદલની ચાહિયે.’

    - Advertisement -

    નવા-નવા ક્રાંતિકારી બનેલા, ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરવા માગતા આપિયાઓ માટે લખવું હોય તો કહેવાય કે ‘સિર્ફ હંગામા ખડા કરના’ જ આ લોકોનો મકસદ છે. મોટેભાગે તેમને પરિણામોમાં રસ ઝાઝો હોતો નથી. ‘આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું’ના વાયદાઓ બતાવીને પાર્ટીની સ્થાપના થયા બાદ આવા જ વાયદાઓના જોરે દિલ્હીમાં સત્તા તો મેળવી પણ એક દાયકા પછી પણ કામો ઠેરનાં ઠેર રહ્યાં તો 2025ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ દરવાજો દેખાડી દીધો. હવે છેલ્લાં થોડાં વર્ષોથી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પણ સ્થાન મેળવવાના પ્રયાસો કરી રહી છે.

    2022ની વિધાનસભા ચૂંટણીમાં મોટાપાયે પ્રયાસ કર્યા પછી પણ ‘આપ’ને ધારેલી સફળતા ન મળી. પાંચ બેઠકો પર જીત થઈ હતી એ પાર્ટીના બેનર પર નહીં પણ ઉમેદવારોની જીત હતી એ દેખીતી વાત છે. ત્યારબાદ સંગઠન પણ મોટેભાગે નિષ્ક્રિય રહ્યું અને સ્થાનિક ચૂંટણીઓથી માંડીને લોકસભા ચૂંટણીમાં પણ કશું નોંધપાત્ર ઉકાળી શકાયું નથી. હવે વિધાનસભા ચૂંટણી બે વર્ષ છેટી છે ત્યારે ફરી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કશુંક નવાજૂની કરવાના ઇરાદે સળવળાટ કરવા માંડ્યો છે, પણ આ વખતે ‘સ્ટ્રેટેજી’ થોડી બદલી છે.

    આમ આદમી પાર્ટી છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં અમુક ચોક્કસ જૂથો, સમુદાયોને ટાર્ગેટ કરીને રાજકારણ રમતી દેખાય છે. પાટીદાર સમુદાય ગુજરાતની દરેક ચૂંટણીઓમાં કિંગમેકરની ભૂમિકા ભજવે છે એ સનાતન સત્ય છે અને એ આંકડાઓ પરથી પણ ખબર પડે છે. રાજકીય પાર્ટીઓના રાજકારણ માટે કામ આવતો બીજો આવો એક સમુદાય છે–ખેડૂતો. હમણાં બોટાદ APMCમાં કદડા પ્રથાનો વિષય બનાવીને આમ આદમી પાર્ટીએ બહુ હોબાળો મચાવ્યો અને કિસાન મહાપંચાયતનું નાટક કર્યું એ આખરે હિંસામાં પરિણમ્યું. ખેડૂતોના ‘મસીહા’ બનવાની ફાંકા ફોજદારી કરનારા નેતાઓ હાલ જેલમાં છે. જે સામાન્ય નાગરિકો ‘ક્રાંતિ’ કરવાનો ફાંકો લઈને તથાકથિત આંદોલનમાં જોડાયા હતા તેઓ હવે જામીન શોધી રહ્યા છે. પછીથી કમોસમી વરસાદ પડ્યો એમાં પણ પાર્ટીએ આફતમાં અવસર શોધી કાઢ્યો.

    ખેડૂતોના (ફોર ધેટ મેટર કોઈ પણ સમુદાયના) મસીહા બનવામાં ‘આપ’ના નેતાઓને ભારે રસ છે. પણ જેન્યુઇન સમસ્યાઓનું સમાધાન શોધવામાં નહીં. હાલ પાર્ટી જે પ્રકારે રાજકારણ કરી રહી છે તેનાથી સ્પષ્ટ જણાય છે કે તેમનું મૂળ ફોકસ એ જ છે કે ખેડૂતોના પ્રશ્નોને મુદ્દા બનાવીને રાજકારણ ચમકાવવામાં આવે. ખેડૂતોની જે ખરી સમસ્યાઓ છે તેના ઉકેલમાં બહુ રસ નથી.

    ઑક્ટોબર અંતમાં ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો. અનેક ઠેકાણે વાવાઝોડાની પણ અસર દેખાઈ અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું. આ પહેલી ઘટના નથી, ભૂતકાળમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે, ખેડૂતોને નુકસાન ગયું છે અને તેના માટે જે કંઈ કરવું પડે એ સરકારો કરતી રહે છે. કારણ કે સરકારનું એ કામ છે.

    કમોસમી વરસાદ પછી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે. એ પ્રક્રિયા છે. વર્ષોથી ચાલતી આવે છે. આ વખતે પણ કમોસમી વરસાદ પછી સરકારે સરવેની કામગીરી હાથ ધરી છે. ગુજરાત વિસ્તારની દૃષ્ટિએ ઠીકઠાક મોટું રાજ્ય છે. 34 જિલ્લાઓ છે. તમામમાં સરવે કરવો, ગામડાંમાં ફરીને ખેડૂતોના પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરવી– આ બધામાં સ્વાભાવિક થોડો સમય લાગી શકે. આ બધું રાતોરાત થઈ જતું નથી.

    હાલ રાજ્યભરમાં સરવે ચાલી રહ્યો છે. તમામ જિલ્લાઓમાં મંત્રીઓએ મુલાકાત લીધી, ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ સ્થળતપાસ કરી રહ્યા છે, જુદાં-જુદાં ગામોમાં ફરીને નુકસાનીનો સરવે હાથ ધરી રહ્યા છે. સરકાર કહી ચૂકી છે કે પાક નુકસાનીનો સરવે પૂર્ણ થાય, સરકાર પાસે રિપોર્ટ પહોંચે એટલે તરત જ ખેડૂતો માટે રાહત-સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.

    સરકારે ગુજરાતભરમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનના સરવે માટે આદેશ આપ્યા છે, જેની ઉપર દરેક જિલ્લાના પ્રભારી મંત્રીઓને દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓ હાલ ગામેગામ ફરીને સરવે કરી રહ્યા છે. અધિકારીઓ ગામોમાં જઈને ત્યાંના સરપંચો, આગેવાનોને સાથે રાખીને સરવે કરી રહ્યા છે. આ સરવે પૂર્ણ થયા બાદ તમામ જિલ્લાઓના રિપોર્ટ રાજ્ય સરકારને જશે. સરકારની કેબિનેટ બેઠક મળશે અને તેમાં રાહત-પેકેજની રકમ નક્કી કરવામાં આવશે. ખેડૂતોને મદદ કઈ રીતે પહોંચાડવી તેની ઉપર નિર્ણય થશે. સરકાર આ બધું કરી રહી છે.

    બીજી તરફ વિપક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી શું કરી રહી છે? રોજ પ્રેસ કૉન્ફરન્સ કરીને હોબાળો મચાવવાનું કામ. તેમાં ફાવટ ન આવે તો તથ્યો ટ્વિસ્ટ કરીને, પ્રોપગેન્ડાના જોરે એવું સાબિત કરવાનું કે સરકાર સદંતર નિષ્ક્રિય બેસી રહી છે અને જો ‘આપ’ ગુજરાતમાં ન હોત તો ખેડૂતોની વાત જ સાંભળવામાં આવી ન હોત, ન રાહત પેકેજની વાત હોત. હકીકત જ્યારે એ છે કે ગુજરાતમાં ‘આપ’ના ‘અ’નું અસ્તિત્વ ન હતું ત્યારે પણ પાક નુકસાનીના સરવેની પ્રક્રિયા આ જ રીતે ચાલતી હતી અને રાહત પેકેજ પણ ઘોષિત કરવામાં આવતાં હતાં.

    રોજ ‘આપ’ નેતાઓ પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા છે અને વાતનો સૂર એવો છે કે સરકાર ખેડૂતોના મુદ્દા પર ધ્યાન આપી રહી નથી. તેઓ પૂછી રહ્યા છે કે પેકેજ જાહેર કરવામાં કેમ નથી આવી રહ્યું? તેમને તાત્કાલિક પરિણામો જોઈએ છે. જો સરકારે સરવે વગર જ અંદાજના આધારે પેકેજ જાહેર કર્યું હોત તો આ જ લોકોએ પ્રેસ કૉન્ફરન્સ કરીને બૂમો પાડી હોત કે સરકારે સરવે હાથ ધરીને જમીની પરિસ્થિતિ જાણવાની પણ તસ્દી ન લીધી.

    સાથે પ્રોપગેન્ડાનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. હમણાં જ વિસાવદરથી ધારાસભ્ય બની ગયેલા ગોપાલ ઈટાલિયાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં બાલિશ તર્ક એવો આપ્યો કે છેલ્લાં 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ કરવામાં આવ્યા ત્યારે કોઈ સરવે હાથ ધરવામાં આવ્યો ન હતો પણ ખેડૂતોને પેકેજ આપવા માટે સરવે કરવો પડે છે.

    અહીં હકીકત એ છે કે 16 લાખ કરોડની લૉન રાઈટ ઑફ કરવામાં આવી હતી. રાઇટ ઑફ કરવાનો અર્થ ‘માફ કરવું’ ન થાય. એનો સરળ અર્થ એ છે કે બેન્કને નજીકના ભવિષ્યમાં એ લૉનની રકમ પરત મળવાની સંભાવના નથી એટલે નફા-નુકસાનની ગણતરીમાંથી તેને બાદ કરવામાં આવે છે. ત્યારબાદ પણ બેન્કો કાયદાકીય અને અન્ય વિકલ્પોના આધારે લૉન રિકવર કરી શકે અને કરે જ છે. જે નાણામંત્રીના લોકસભામાં આપવામાં આવેલા જવાબને ટાંકીને ગોપાલે આ બધી વાત કરી હતી એ જ જવાબમાં નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે આનો અર્થ એ નથી કે લૉન માફ કરવામાં આવી છે, બેન્કો અન્ય વિકલ્પો દ્વારા રિકવરી પ્રક્રિયા ચાલુ રાખશે. પણ ગોપાલ આ બધું પણ જણાવે તો એનો ધંધો ચાલે તેમ નથી!

    બીજો એક ફાલતુ વિષય શોધી કાઢવામાં આવ્યો હતો. તાજેતરમાં મંત્રી બનેલા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પાક નુકસાનીની સમીક્ષા કરવા એક ગામમાં ગયા ત્યાં નુકસાન જોઈને સહજ રીતે તેમનાથી બોલાઈ ગયું હતું કે ‘પાકમાંથી કેટલી વાસ આવે છે.’ અહીં તેમનો ભાવ ખેડૂતો પ્રત્યે, તેમને થયેલા નુકસાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો હતો.

    પણ ‘આપ’ના પ્રચાર માટે યુટ્યુબ પર દુકાનો ખોલી બેઠેલા સ્વઘોષિત પત્રકારોમાંથી અમુકે આ ક્લિપ કાપીને એ સંદર્ભ સાથે ફેરવી કે ગુજરાત સરકારના મંત્રીને ખેડૂતોના પાકમાંથી વાસ આવે છે! તેની ઉપરથી પછીથી ગોપાલે વિડીયો બનાવી નાખ્યો. આ વિડીયો પછીથી યુટ્યુબ ચેનલોએ ફેરવ્યો અને સરકારના મંત્રીઓને વિષયની ગંભીરતા નથી એવું તૂત ચલાવ્યું. આ લોકોની આ રીતે ઇકોસિસ્ટમ કામ કરે છે.

    આ બધું સૂચવે છે કે કોઈને કોઈ રીતે આમ આદમી પાર્ટી એવું સાબિત કરવા મથી રહી છે કે સમગ્ર વિષયમાં જો કોઈ ખેડૂતોના હિતચિંતકો હોય તો એ ‘આપ’ના નેતાઓ જ છે, બાકી કોઈને કશું નિસબત નથી. જ્યારે હકીકત એ છે કે સરકાર હજુ સરવે કરી રહી છે, એ તેમનું કામ છે. તેમાં સમય લાગી શકે છે. બીજી તરફ આપિયાઓ પાસે બીજું કોઈ કામ નથી, એટલે તેઓ આ રીતે પ્રેસ કૉન્ફરન્સો કરીને ટાઇમપાસ કરી રહ્યા છે, હોબાળો મચાવીને ‘સરકાર આમ કેમ કરતી નથી, તેમ કેમ કરતી નથી’ની બૂમો પાડ્યા કરે છે. કાલે ઉઠીને સરકાર રાહત-સહાય પેકેજ જાહેર કરશે એટલે ક્રેડિટ લેવા સૌથી પહેલાં આ લોકો દોડી આવશે, તમારે લખવું હોય તો લખી રાખો!

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં