Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાતઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ ‘માફ’ કરવામાં આવ્યા? ગોપાલ ઈટાલિયાને થઈ એવી ગેરસમજ...

    ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ ‘માફ’ કરવામાં આવ્યા? ગોપાલ ઈટાલિયાને થઈ એવી ગેરસમજ તમને ન થાય તે માટે વાંચો શું છે લૉન ‘રાઇટ ઑફ’ અને ‘વેવ ઑફ’ વચ્ચેનો તફાવત

    મૂળ તફાવત એ છે કે લૉન રાઇટ ઑફ માત્ર બેન્કની સરળતા માટે કરવામાં આવે છે, તેનાથી ઋણ માફ થતું નથી અને પછી પણ લૉન લેનાર પર ચૂકવણી કરવાનું ભારણ રહે છે. બેન્ક પણ પછીથી લૉન પરત મેળવવા માટે અન્ય માર્ગો અપનાવી શકે.

    - Advertisement -

    ગુજરાતભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. લાખો હૅક્ટર પાક નષ્ટ થઈ ગયો છે અને ઉત્તરથી લઈને દક્ષિણ અને મધ્યથી લઈને કચ્છ-સૌરાષ્ટ્ર સુધી અસરો જોવા મળી છે. હાલ રાજ્ય સરકાર સરવે કરી રહી છે. વચ્ચે સરકારના મંત્રીઓએ સ્થળ મુલાકાતો પણ કરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

    તાજેતરમાં મુખ્યમંત્રીએ એક પોસ્ટમાં જણાવ્યું કે તેમની સરકાર વિવિધ વિસ્તારોના ખેડૂતોની સ્થિતિ વિશે જાણકારી મેળવી રહી છે અને નુકસાનની સમીક્ષા અને સરવેની કામગીરી પણ ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. તેમણે આશ્વાસન આપ્યું કે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર નુકસાનમાં સહાયરૂપ થવા માટે ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે.

    એક તરફ સરકાર પોતાને જે કરવાનું છે એ કામ કરી રહી છે. બીજી તરફ વિપક્ષમાં બેઠેલી અતિઉત્સાહી આમ આદમી પાર્ટી એ જ કરી રહી છે, જેની તેને આદત છે. હોહા કરીને, હોબાળો મચાવીને માઇલેજ લેવાનો. અત્યારે કામગીરી ચાલી રહી છે ત્યારે AAPના નેતાઓ પ્રેસ કૉન્ફરન્સ કરીને મુદ્દા ઊભા કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાહત પેકેજ જાહેર થશે એટલે બહાર આવીને કહેશે કે અમારા કારણે આ થયું. જેવું તેમણે મંત્રીમંડળ વિસ્તરણ વખતે કર્યું હતું. દરેક વાતમાં ક્રેડિટ ખાવા દોડી જવાની તેમના શેઠની ટેવ ગુજરાતના આપિયાઓએ અહીં પણ અપનાવી લીધી છે.

    - Advertisement -

    આ જ ક્રમમાં વિસાવદરથી ધારાસભ્ય બની ગયેલા અને ફાંકા ફોજદારી જેમનો પર્યાય બનતો જાય છે એવા ગોપાલ ઇટાલિયાએ તાજેતરમાં એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને ખેડૂતોને થયેલા નુકસાનની વાત કરીને સરકારના સરવે પર પ્રશ્નો ઉઠાવ્યા. આ જ પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે દાવો કર્યો કે સરકારે ઉદ્યોગપતિઓની 16 લાખ કરોડની લૉન માફ કરી દીધી છે, અને તેના માટે કોઈ સરવે પણ કરવો પડ્યો નથી, પરંતુ ખેડૂતો માટે સરવે કરવાનાં નાટક કરવામાં આવે છે.

    ગોપાલ પોતાને વકીલ ગણાવે છે, પણ તેમને આ લૉન વગેરેમાં ઝાઝી ગતાગમ નહીં હોય તેવું કમસેકમ તેમની વાત પરથી લાગે છે. અહીં બીજી એક વાત, ગોપાલ કહે છે કે ભાજપના મળતિયાઓ અને સરકાર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓની લૉન માફ કરવામાં આવી. લૉનનું શું થયું એ તો પછીનો વિષય છે, પહેલો વિષય એ છે કે સરકાર સાથે જોડાયેલા ઉદ્યોગપતિ એટલે શું? આ રાજકીય ટિપ્પણી છે એ ગોપાલને પણ ખબર છે. સાબિત કરવાનું કહેવામાં આવે તો ગેંગેફેંફેં થઈ જવાય એ તેઓ પણ જાણે છે. જો પ્રોજેક્ટ મેળવવા એ સરકાર સાથે સંકળાયેલા હોવાનું કહેવાય તો જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે એ પંજાબમાં પણ અનેક ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યા છે.

    અહીં બીજો એક વિષય એ પણ છે કે ગોપાલ કહે છે કે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા પહેલાં સરવેનાં ‘નાટક’ કરવામાં આવે છે. પરંતુ જો સરવે કરવામાં નહીં આવે તો ક્યાં કેટલું નુકસાન થયું એ કઈ રીતે જાણી શકાય? સરકાર રાહત પેકેજ કઈ રીતે ઘોષિત કરે? જો સરવે વગર આડેધડ કોઈ રેન્ડમ આંકડો મૂકીને સરકાર ન ચાલી શકે એની સરકારને ખબર છે એટલે તેઓ સત્તામાં છે અને ફાંકા ફોજદારો વિપક્ષમાં.

    લૉન વેવ ઑફ કરવી અને રાઈટ ઑફ કરવી એટલે શું? બંનેમાં શું મૂળ તફાવત છે?

    ગોપાલ ઈટાલિયાનો દાવો છે કે ભાજપ સરકારે 16 લાખ કરોડની ઉદ્યોગપતિઓની લૉન માફ કરી દીધી. આ આંકડો ગોપાલનો નથી, ભૂતકાળમાં કોંગ્રેસીઓ અને રાહુલ ગાંધી પણ તેને રમતો મૂકી ચૂક્યા છે અને સંદર્ભ વગર, અધૂરી માહિતી સાથે પ્રોપગેન્ડા ચલાવ્યા કરે છે. તેને સમજવા માટે લૉન રાઇટ ઑફ અને વેવ ઑફ વચ્ચેનો ભેદ સમજવો પડે.

    બેન્કને લૉન ન ચૂકવાઈ હોય એ સ્થિતિમાં આ બંને શબ્દો ‘રાઈટ ઑફ’ અને ‘વેવ ઑફ’નો ઉપયોગ કરવામાં આવે છે. બંને જુદા-જુદા હેતુઓ માટે વપરાય છે અને બેન્ક અને લૉન લેનાર બંનેને અસર પણ જુદી કરે છે.

    જ્યારે બેન્ક લૉન રાઇટ ઑફ કરે ત્યારે તેનો અર્થ એ થાય કે બેન્ક તેટલી રકમ પોતાના પ્રોફિટ કેલ્ક્યુલેશનમાંથી બાદ કરી દે છે. ત્યારબાદ તેને ‘બેડ લૉન’ કે ‘નોન પરફોર્મિંગ એસેટ’ તરીકે ઓળખવામાં આવે. પરંતુ તેનો અર્થ એવો ન કરી શકાય કે લૉન ‘માફ’ કરી દેવામાં આવી. લૉન લેનાર પર દેવું યથાવત જ રહે છે અને બેન્ક ત્યારબાદ પણ અન્ય માર્ગો દ્વારા લૉનની ભરપાઈ કરાવી શકે. ફેર માત્ર એટલો કે બેન્ક તેટલી રકમ પોતાના નફા-નુકસાનની ગણતરીમાં લેતી નથી.

    ઉદાહરણ લઈએ તો એક બેન્કે એક નાના ઉદ્યોગને ₹10 લાખની લૉન આપી છે. થોડા સમય પછી એ ધંધો બંધ થઈ ગયો અને લૉન ચૂકવવાની બંધ કરી દીધી. ત્રણ વર્ષ બેન્કે રાહ જોયા બાદ લૉન રાઇટ ઑફ કરી દેવામાં આવી. પરંતુ હજુ પણ બિઝનેસ પર લૉન ચૂકવવાની કાયદાકીય તલવાર લટકતી જ રહે છે. બેન્ક પછી પણ આ રકમ પરત મેળવી શકે. ઉદ્યોગને કોઈ રાહત મળતી નથી.

    પ્રશ્ન થાય કે બેન્ક આમ શા માટે કરે છે? કારણ છે પોતાની બેલેન્સ શીટ જળવાય રહે તેના માટે. તેનાથી બેન્કની સાચી નાણાકીય સ્થિતિ પણ જાણી શકાય. બીજું, લોસ્ટ મની પર ટેક્સ ક્લેમ થઈ શકે. RBI પોતે કહે છે કે જો લાંબા સમય સુધી લૉન ન ચૂકવાય અને પરત મેળવવાની સંભાવનાઓ ઓછી હોય તો બેન્કે લૉન રાઇટ ઑફ કરવી જ જોઈએ. જેથી બેડ લૉનની સ્થિતિ ખબર પડે. ઉપરાંત, બેન્ક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓને અમુક બેડ લૉન વેચી શકે. જેથી થોડીઘણી પણ રિકવરી કરી શકાય.

    બીજું આવે છે– લૉન વેવ ઑફ કરવી. આનો અર્થ એ થાય કે લૉન લેનારની સંપૂર્ણ લૉન જ રદ કરી દેવામાં આવે. દેવું માફ કરી દેવામાં આવે અને ત્યારબાદ તેણે કોઈ ચૂકવણી કરવાની રહેતી નથી. એક વખત વેવ ઑફ થયા પછી બેન્ક પૈસા માગી પણ ન શકે.

    આવું જોકે સામાજિક કે રાજકીય કારણોસર જ થાય છે, નાણાકીય બાબતોમાં આવું જોવા મળતું નથી. સામાન્ય રીતે ખેડૂતોની લૉન માફ કરી દેવામાં આવે છે. ક્યારેક સરકારો ગ્રામ્ય વિસ્તારોમાં દબાણ ઘટાડવા માટે લૉન માફીની ઘોષણા કરે છે.

    મૂળ તફાવત એ છે કે લૉન રાઇટ ઑફ માત્ર બેન્કની સરળતા માટે કરવામાં આવે છે, તેનાથી ઋણ માફ થતું નથી અને પછી પણ લૉન લેનાર પર ચૂકવણી કરવાનું ભારણ રહે છે. બેન્ક પણ પછીથી લૉન પરત મેળવવા માટે અન્ય માર્ગો અપનાવી શકે. જ્યારે વેવ ઑફનો અર્થ થાય કે લૉન માફ કરવી અને રદ કરી દેવી.

    16 લાખ કરોડની કથિત ‘લૉન માફી’નું શું સત્ય છે?

    ગોપાલ ઇટાલિયા (કે અન્ય વિપક્ષી નેતાઓ) જે 16 લાખ કરોડની લૉન માફ કરવાની વાત કરે છે એ ‘રાઇટ ઑફ’ થઈ છે. એટલે તેને ‘માફ કરવી’ ન કહેવાય. આ આંકડો પણ છેલ્લાં 10 વર્ષનો છે. માર્ચ 2025માં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ આંકડો આપ્યો હતો અને માહિતી જણાવી હતી.

    પરંતુ આવું જણાવનારાઓએ આગળ એ નથી કહેતા કે આ જ જવાબમાં નાણામંત્રીએ એ સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રકારના રાઈટ ઑફથી દેવું જેમના માથે હોય તેઓ જવાબદારીમાંથી મુક્ત થતા નથી અને તેથી તેનો તેમને કોઈ લાભ નહીં મળે.

    નાણામંત્રીએ આગળ એ પણ જણાવ્યું હતું કે, લૉન રાઇટ ઑફ કરવામાં આવ્યા બાદ પણ બેન્કોએ જુદા-જુદા કાયદાકીય વિકલ્પો તપાસવાના ચાલુ જ રાખ્યા છે. જેમકે, સિવિલ કોર્ટ કે ડેટ રિકવરી ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરવા, SARFAESI એક્ટ હેઠળ પગલાં લેવાં કે પછી નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ હેઠળ કેસ દાખલ કરવા– આ બધા થકી લૉન પરત કઈ રીતે મેળવી શકાય તે માટે બેન્કો સતત પ્રયાસ ચાલુ જ રાખે છે.

    ઉપરાંત, જો લૉન NPA તરીકે વર્ગીકૃત કરવામાં આવે તો બેન્કો રિકવરી માટે જુદાં-જુદાં પગલાં, જેમકે સિવિલ કોર્ટ કે લૉન રિકવરી ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરવા કે એક્ટ હેઠળ કાર્યવાહી કરવી વગેરે તુરંત શરૂ કરી દે છે.

    એટલે અહીં ઉદ્યોગપતિઓ કે આ લૉન લેનારાઓની લૉન ‘માફ’ નથી કરી દેવામાં આવી, માત્ર બેન્કો પોતાના કામની સરળતા ખાતર તેને ‘બેડ લૉન’ કે ‘NPA’ તરીકે વર્ગીકૃત કરી દે છે, પણ પછીથી પણ વસૂલાત ચાલુ જ રાખે છે. નાણામંત્રીએ પણ આ સ્પષ્ટતા કરી હતી, પણ વિપક્ષીઓને અધૂરી માહિતી ઉપાડીને તેની ઉપર હોબાળો મચાવવાની જૂની આદત છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં