હોમપેજરાજકારણબેંગલુરુની ભયાનક નાસભાગ અને હવે કોલકાતાની અરાજકતા: વિપક્ષ-શાસિત રાજ્યોમાં કાયદા-વ્યવસ્થાને નેવે મૂકીને...

બેંગલુરુની ભયાનક નાસભાગ અને હવે કોલકાતાની અરાજકતા: વિપક્ષ-શાસિત રાજ્યોમાં કાયદા-વ્યવસ્થાને નેવે મૂકીને કેમ થાય છે આયોજન?

સવાલ માત્ર કોલકાતા કે બેંગલુરુનો નથી. સવાલ એ છે કે શું આપણે એવા શાસન મોડલને સ્વીકારીશું જે અરાજકતા પછી પસ્તાવા પર ચાલે છે કે પછી એ મોડલ પસંદ કરીશું જે અરાજકતાને જન્મ લેતાં જ રોકી દે છે.

- Advertisement -

ભારતમાં રમતો અને જાહેર કાર્યક્રમોને લઈને ઉત્સાહ કોઈ નવી વાત નથી. ક્રિકેટ હોય, ફૂટબોલ હોય કે કોઈ આંતરરાષ્ટ્રીય આઇકનની હાજરી, ભારતીય દર્શકો ભાવનાઓમાં વહી જવાનું જાણે છે. પણ અહીંથી જ શાસનની ખરી કસોટી શરૂ થાય છે. લાગણીઓ ઉભરાય ત્યારે સરકારની જવાબદારી હોય છે કે તે વ્યવસ્થા જાળવી રાખે, નાટકનો હિસ્સો ન બને. દુર્ભાગ્યે તાજેતરની ઘટનાઓ દર્શાવે છે કે બિન-NDA શાસિત રાજ્યોમાં આ જવાબદારી વારંવાર નિષ્ફળ જઈ રહી છે.

કોલકાતામાં લિયોનેલ મેસ્સીના કાર્યક્રમમાં ઊભી થયેલી અરાજકતા અને તે પહેલાં બેંગલુરુમાં RCBની જીતની ઉજવણી દરમિયાન થયેલી જીવલેણ નાસભાગ, આ અલગ-અલગ ઘટનાઓ નથી. આ એક જ પ્રશાસનિક વિચારધારાના અલગ-અલગ પરિણામો છે. એકમાં જનતાનો વિશ્વાસ કચડાયો, બીજીમાં જનતા પોતે કચડાઈ.

કોલકાતા: વૈશ્વિક મંચ પર બેનકાબ થયું પ્રશાસન

કોલકાતામાં મેસ્સીનું આગમન માત્ર એક રમતગમતનો કાર્યક્રમ નહોતો. આ ભારતની આંતરરાષ્ટ્રીય છબી સાથે જોડાયેલો એક મોટો અવસર હતો. વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણ જેવા વિશાળ સ્ટેડિયમમાં જો સૌથી મૂળભૂત વાત સુનિશ્ચિત થવી જોઈતી હતી તો તે છે ભીડનું નિયંત્રણ, સ્પષ્ટ સુરક્ષા અને વીઆઈ વ્યવસ્થાપનથી દૂરી.

- Advertisement -

પણ જે થયું એ કોઈ અસંગઠિત મેળા જેવું હતું. જેવી મેસ્સીની કાર મેદાનમાં પહોંચી કે સુરક્ષા-વ્યવસ્થા મિનિટોમાં ધરાશાયી થઈ ગઈ. ખેલાડી, પોલીસ, આયોજકો, મંત્રી, વીવીઆઈપી – બધા એક જ જગ્યાએ, એક જ દિશામાં. સુરક્ષાના નામે માત્ર માઇકથી વિનંતી થઈ રહી હતી કે, “કૃપા કરીને મેદાન ખાલી કરો.” આ વાક્ય પોતે જ સ્વીકારોક્તિ હતું કે સરકારે નિયંત્રણ ગુમાવી દીધું છે.

હજારો યુવાનો, જે મોંઘી ટિકિટો લઈને આવ્યા હતા, તેઓ મેસ્સીને બરાબર જોઈ પણ શક્યા નહીં. પ્રેસ બોક્સમાં બેઠેલા લોકો પણ અંદાજો લગાવતા રહ્યા કે આ મહાન ફૂટબોલર આખરે છે ક્યાં. મેદાનમાં હાજર ફોટોગ્રાફરો પણ મૂંઝવણમાં હતા. આ અવ્યવસ્થા નહીં, પણ સ્પષ્ટ અરાજકતા અને નેતૃત્વના અભાવનું પરિણામ છે.

સ્થિતિ વધુ ત્યારે બગડી જ્યારે TMCના નેતાઓની ભીડે કાર્યક્રમને રમત કરતાં વધુ સત્તાના પ્રદર્શનમાં ફેરવી દીધો. પરિણામ એ આવ્યું કે ‘મેસ્સી-મેસ્સી’ના નારા થોડા જ સમયમાં હુલ્લડો અને રોષમાં પરિવર્તિત થઈ ગયા. તોડફોડ થઈ, સ્ટેડિયમની સંપત્તિને નુકસાન પહોંચ્યું અને આખરે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો.

માત્ર 22 મિનિટમાં મેસ્સીને કોઈ ઔપચારિક કાર્યક્રમ વગર મેદાનમાંથી બહાર કાઢી દેવાયો. આ માત્ર એક કાર્યક્રમની નિષ્ફળતા નહીં, પરંતુ ભારત જેવા દેશ માટે વૈશ્વિક શરમની પણ વાત હતી. જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય આઇકન દેશમાં આવે છે તો દુનિયા આખીની નજરો ત્યાં મીટ માંડી રહી હોય છે અને તેવામાં આવી અરાજકતા સ્પષ્ટપણે ભારતની છબીને નુકસાન કરી શકે છે.

માફી અને તપાસ: નિષ્ફળ શાસનનું પારંપરિક બહાનું

ઘટના પછી મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા માફી માંગવી અને તપાસ સમિતિની જાહેરાત કરવી કોઈ નવી સ્ક્રિપ્ટ નથી. આ તે જ જૂની પેટર્ન છે, પહેલાં અવ્યવસ્થા, પછી પસ્તાવો. સવાલ એ નથી કે તપાસ કોણ કરશે, સવાલ એ છે કે આવી સ્થિતિ બનવા જ કેમ દેવામાં આવી? કાયદો-વ્યવસ્થા કોઈ પ્રતિક્રિયાત્મક વિષય નથી. તે પૂર્વ-યોજના, અનુશાસન અને સ્પષ્ટ નિર્ણયોની માંગ છે. પણ વિપક્ષ-શાસિત રાજ્યોમાં શાસન અવારનવાર ‘ઘટના પછીના વ્યવસ્થાપન’ સુધી જ મર્યાદિત રહી જાય છે. 

બેંગલુરુ: જ્યારે બેદરકારીએ લીધો નિર્દોષોનો જીવ

આવું જ 2024માં બેંગલુરુમાં થયું હતું. RCBની 18 વર્ષ પછી થયેલી IPL જીત પર ઉમટનારી ભીડનું અનુમાન કોઈ પણ લગાવી શકતું હતું. તેમ છતાં કર્ણાટક સરકાર અને સ્થાનિક પ્રશાસન નિષ્ફળ રહ્યાં. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભીડને નિયંત્રિત કરવા માટે ન પૂરતી બેરિકેડિંગ હતી, ન સ્પષ્ટ પ્રવેશ-નિકાસ માર્ગ, ન ઇમરજન્સી પ્રતિક્રિયાની મજબૂત વ્યવસ્થા હતી. 

પરિણામ- જીવલેણ નાસભાગ, ચીખો અને 11 નિર્દોષ લોકોનાં મોત. આ કોઈ કુદરતી આફત નહોતી. આ એક માનવ-નિર્મિત ત્રાસદી હતી, જેના મૂળમાં સરકારની બેદરકારી અને નિર્ણયહીનતા હતી. ભીડ વ્યવસ્થાપનના મૂળભૂત સિદ્ધાંતોને અવગણવામાં આવ્યા અને તેની કિંમત સામાન્ય નાગરિકોએ પોતાના જીવથી ચૂકવી.

આ જ તે બિંદુ છે, જ્યાં તફાવત સ્પષ્ટ દેખાય છે. મુંબઈમાં ટીમ ઇન્ડિયાની T20 વર્લ્ડ કપ જીત પર કાઢવામાં આવેલી પરેડ તરફ નજર કરીએ. મરીન ડ્રાઇવ જેવા સંવેદનશીલ વિસ્તારમાં NDA નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારે બહુ-સ્તરીય સુરક્ષા, સ્પષ્ટ રૂટ પ્લાનિંગ અને મજબૂત પોલીસ તહેનાતી સાથે આયોજન કર્યું હતું. લાખો લોકો એકઠા થયા, પણ કોઈ મોટી ઘટના ન ઘટી. આ સાબિત કરે છે કે ભીડ પોતે જ સમસ્યા નથી. સમસ્યા ઊભી થાય છે નબળા શાસનથી. 

કોલકાતા અને બેંગલુરુની ઘટનાઓ એક જ વિચારધારા ઉજાગર કરે છે. વિપક્ષ-શાસિત રાજ્યોમાં શાસન કરતાં પ્રતીકો અને ઇમેજ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. સખ્તાઈ અમલમાં મૂકવામાં ડર લાગે છે, કારણ કે ‘અલોકપ્રિય’ થવાનો ભય હોય છે. પોલીસને અનુશાસનનું સાધન બનાવવાને બદલે રાજકીય દબાણમાં રાખવામાં આવે છે. જ્યારે સ્થિતિ કાબૂ બહાર જતી રહે છે, ત્યારે તે જ જૂની પરંપરાગત ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે, માફી, વળતર અને તપાસ. પણ કાયદો-વ્યવસ્થા કોઈ વૈકલ્પિક સુવિધા નથી. આ જ સરકારની ક્ષમતાનો પાયો હોય છે. 

ભારતમાં કેવી સરકારની જરૂર?

કોલકાતામાં લાઠીચાર્જ વચ્ચે મેસ્સીને ચુપચાપ રવાના કરી દેવો અને બેંગલુરુમાં લોકો કચડાઈને મરી જવા, આ સંયોગ નથી. આ તે શાસન-નિષ્ફળતાના લક્ષણો છે, જે વિપક્ષ-શાસિત રાજ્યોમાં વારંવાર સામે આવી રહ્યા છે. ભારતને એવી સરકારોની જરૂર નથી જે દરેક ભયાનક ઘટના પછી માફી માંગે. ભારતને એવી સરકારો જોઈએ જે આવી ઘટનાઓ થવા જ ન દે. જે કાયદો-વ્યવસ્થાને પ્રાથમિકતા સમજે, અડચણ નહીં.

હવે સવાલ માત્ર કોલકાતા કે બેંગલુરુનો નથી. સવાલ એ છે કે શું આપણે એવા શાસન મોડલને સ્વીકારીશું જે અરાજકતા પછી પસ્તાવા પર ચાલે છે કે પછી એ મોડલ પસંદ કરીશું જે અરાજકતાને જન્મ લેતાં જ રોકી દે છે. બિન-NDA શાસિત રાજ્યોએ વારંવાર દર્શાવ્યું છે કે કાયદો-વ્યવસ્થા જેવી મૂળભૂત બાબતમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા છે. અને આ જ નિષ્ફળતા દર વખતે સામાન્ય નાગરિકોને ભારે પડે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં