Monday, June 23, 2025
More
    હોમપેજરાજકારણચિન્નાસ્વામી સ્ટેડિયમના કાર્યક્રમને લઈને KSCAએ કર્ણાટક સરકારને લખેલ પત્ર આવ્યો સામે: સિદ્ધારમૈયાએ...

    ચિન્નાસ્વામી સ્ટેડિયમના કાર્યક્રમને લઈને KSCAએ કર્ણાટક સરકારને લખેલ પત્ર આવ્યો સામે: સિદ્ધારમૈયાએ કહ્યું- અમે તો માત્ર પરવાનગી આપી હતી, કાર્યક્રમ તો અસોસિએશનનો હતો

    સિદ્ધારામૈયાએ આયોજનમાં ખામીઓની જવાબદારી લેવાને બદલે KSCA, RCB અને DNA એન્ટરટેઇનમેન્ટ પર આરોપ મૂક્યો અને તેમની સામે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે RCBના માર્કેટિંગ હેડ નિખિલની ધરપકડ પણ થઈ ચૂકી છે.

    - Advertisement -

    IPLમાં RCBની જીત (RCB Victory Parade) બાદ થયેલી ઉજવણીમાં ઘટેલી દુર્ઘટનાને લઈને મામલો ગરમાયો છે. અત્યારસુધી એવા અહેવાલો હતા કે આ ઉજવણી માટે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશને (KSCA) પરવાનગી લીધી નહોતી. ત્યારે હવે KSCA તરફથી એક પત્ર (Permission Letter) સામે આવ્યો છે જે 3 જૂને લખાયેલો છે. ઉપરાંત તેમાં RCBની જીત થાય તો ઉજવણી કરવામાં આવશે એવો ઉલ્લેખ છે. આ મામલે CM સિદ્ધારમૈયાનું (Siddaramaiah) નિવેદન પણ સામે આવ્યું છે, જે જોતા લાગી રહ્યું છે કર્ણાટકની કોંગ્રેસ સરકાર (Karnataka Congress Government) આ દુર્ઘટનાની જવાબદારી લેવામાંથી છેડો ફાડવાનો પ્રયત્ન કરી રહી છે.

    અહેવાલ અનુસાર KSCAએ 3 જૂન, 2025ના રોજ વિધાન સૌધા ખાતે RCBની વિજય ઉજવણી માટે પરવાનગી માગતો પત્ર કર્ણાટક સરકારને લખ્યો હતો. KSCAએ મુખ્યમંત્રી સિદ્ધારામૈયાને સંબોધીને લખેલા પત્રમાં વિધાન સૌધાના ભવ્ય પગથિયાં પર RCBની જીતની ઉજવણી માટે ઔપચારિક સમારોહની પરવાનગી માગી હતી.

    પત્રમાં જણાવાયું હતું કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે, અને તે મુજબ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. કાર્યક્રમ બપોરે 4થી 5 વાગ્યા દરમિયાન યોજવાનું આયોજન હતું જેમાં મુખ્યમંત્રી સિદ્ધારામૈયા દ્વારા ટીમનું સન્માન કરવામાં આવશે, અને ત્યારબાદ વિધાનસૌધાથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધી ખુલ્લી બસમાં વિજય પરેડનું આયોજન હતું.

    - Advertisement -

    આ ઉપરાંત 4 જૂને RCBએ X પર પોસ્ટ પણ કરી હતી જેમાં લખ્યું હતું કે, “RCB વિક્ટરી પરેડ: આજે સાંજે 5 વાગ્યે… ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય પરેડ પછી ઉજવણી કરવામાં આવશે. અમે બધા ચાહકોને પોલીસ અને અન્ય અધિકારીઓ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરીએ છીએ, જેથી દરેક વ્યક્તિ શાંતિથી રોડ શોનો આનંદ માણી શકે.”

    KSCAએ માંગી હતી પોલીસ વ્યવસ્થા

    KSCAએ સ્પષ્ટપણે સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસની મદદ માંગી હતી, કારણ કે ત્યાં મોટી ભીડ એકઠી થવાની અપેક્ષા હતી. KSCAએ પોલીસને 3 જૂનની સાંજે જાણ કરી હતી અને વિક્ટરી સેલિબ્રેશન માટે સુરક્ષા વ્યવસ્થાની વિનંતી કરી હતી. જોકે, પોલીસે આયોજન માટે પૂરતો સમય ન હોવાનું જણાવીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

    યોગ્ય આયોજનને મંજૂરી આપવા માટે બેંગલુરુ પોલીસે ઉજવણી ઓછામાં ઓછી બે દિવસ મુલતવી રાખવાનું સૂચન કર્યું હતું. કારણ કે બે મેળાવડા એકસાથે યોજાય તો દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી. અહેવાલ મુજબ એક કાર્યક્રમ વિધાન સૌધાની બહાર જ્યાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યપાલ RCB ટીમને સન્માનિત કરવાના હતા, અને બીજો કાર્યક્રમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજવાનો હતો.

    ‘આ KSCAનો કાર્યક્રમ, સરકારનો નહીં’

    ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત બાદ 4 જૂને બોલાવાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં ભાગ લઈ રહી નથી, જેનું આયોજન KSCA દ્વારા કરવામાં આવ્યું હતું.

    તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, “વિધાન સૌધા ખાતે એક લાખથી વધુ લોકો એકઠા થયા હતા, પરંતુ સદભાગ્યે, ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. જોકે, 35,000 લોકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં, લગભગ બે થી ત્રણ લાખ લોકો હાજર રહ્યા હતા. આ સંપૂર્ણપણે અણધાર્યું હતું.” મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારે નહીં, પણ KSCAએ સ્ટેડિયમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

    KSCA, RCB પર સિદ્ધારમૈયાનો આરોપ

    તેમણે કહ્યું કે સરકારની ભૂમિકા પરવાનગી આપવા અને પોલીસ સુરક્ષા પૂરી પાડવા સુધી મર્યાદિત હતી. સિદ્ધારમૈયાએ કહ્યું કે, “અમે ફક્ત પરવાનગી આપી હતી અને સુરક્ષા માટે સમગ્ર બેંગલુરુ પોલીસ દળને તૈનાત કર્યું હતું. સરકારે સ્ટેડિયમ કાર્યક્રમનું આયોજન કર્યું ન હતું.” સિદ્ધારામૈયાએ આયોજનમાં ખામીઓની જવાબદારી લેવાને બદલે KSCA, RCB અને DNA એન્ટરટેઇનમેન્ટ પર આરોપ મૂક્યો અને તેમની સામે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે RCBના માર્કેટિંગ હેડ નિખિલની ધરપકડ પણ થઈ ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં