Wednesday, June 25, 2025
More

    ચિન્નાસ્વામી સ્ટેડિયમ ભાગદોડ કેસમાં RCBના માર્કેટિંગ હેડ સહિત ચારની ધરપકડ: 11નાં મોત બાદ નોંધાયો હતો ગુનો

    ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી ભાગદોડ (Stampede) મામલે બેંગલુરુ પોલીસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના (RCB) માર્કેટિંગ હેડની ધરપકડ કરી છે. આ સિવાય પણ અન્ય ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

    ભાગદોડ મામલે બેંગલુરુના કબ્બન પાર્ક પોલીસ મથકે સ્વયં સંજ્ઞાન લઈને FIR દાખલ કરવામાં આવી છે. જેમાં ઇરાદાપૂર્વક હત્યા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. FIR બાદ પોલીસે બેંગલુરુ એરપોર્ટ પરથી RCB માર્કેટિંગ હેડ નિખિલ સોસાલેની ધરપકડ કરી હતી. ઉપરાંત પોલીસે અન્ય ત્રણ લોકોની પણ અટકાયત કરી છે. આ બધાની કબ્બન પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટરની ફરિયાદ બાદ નોંધાયેલી FIRમાં RCBને આરોપી નંબર 1, DNA એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આરોપી નંબર 2 અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન વહીવટી સમિતિને આરોપી નંબર 3 બનાવવામાં આવ્યાં છે.

    FIRમાં દાવો કરવામાં આવ્યો છે કે કાર્યક્રમનું આયોજન કરવા માટે જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી. RCB, DNA ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ અને રાજ્ય ક્રિકેટ એસોસિએશને જરૂરી પરવાનગી વિના જીતની ઉજવણી કરી હતી. RCBએ કહ્યું કે તેની સામે FIR દાખલ થયા પછી તે કાયદાકીય કાર્યવાહીમાં સહકાર આપશે.

    નોંધનીય છે કે 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર લાખો ચાહકો RCBએ પહેલીવાર IPL ટાઇટલ જીતવાના ઉજવણીમાં જોડાવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન ભાગદોડમાં 11 લોકોનાં મોત થયાં હતાં અને 56 અન્ય ઘાયલ થયા હતા. આ કેસ તપાસ માટે CID ને સોંપવામાં આવ્યો છે.