
ઉત્તરાખંડ સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્યમાં વર્ષોથી કાર્યરત ‘મદરેસા શિક્ષણ બોર્ડ’ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધું છે. આવું કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. 1 જુલાઈથી હવે રાજ્યમાં નવો લઘુમતી શિક્ષણ અધિનિયમ અમલમાં આવ્યો છે, જેના હેઠળ મુસ્લિમ સમુદાય સહિત તમામ માન્યતા પ્રાપ્ત લઘુમતીઓની શાળાઓનું સંચાલન એક જ સત્તામંડળ હેઠળ થશે.
મદરેસા બોર્ડના સ્થાને હવે ‘ઉત્તરાખંડ સ્ટેટ ઓથોરિટી ફોર માઈનોરિટી એજ્યુકેશન’ની (USAME) સ્થાપના કરવામાં આવી છે. આ નવી ઓથોરિટી હેઠળ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ એમ તમામ છ લઘુમતી સમુદાયો દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ આ નવી ઓથોરિટીનું ઉદ્ઘાટન કર્યું હતું.
નોંધનીય છે કે અત્યાર સુધી રાજ્યમાં મદરેસાઓનું સંચાલન મદરેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ, 2016 અને 2019ના નિયમો હેઠળ થતું હતું. હવે આ બંને કાયદા રદ કરીને માઇનોરિટી એજ્યુકેશન એક્ટ, 2025 અને નવા નિયમો અમલમાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 452 નોંધાયેલી મદરેસાઓ છે, જે હવે નવી વ્યવસ્થા હેઠળ આવશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય કોઈ સમુદાયની પરંપરાને નુકસાન પહોંચાડવા માટે નહીં, પરંતુ તમામ બાળકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાના હેતુથી લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ પોતાના સાંસ્કૃતિક મૂળ સાથે જોડાયેલા રહે તે સાથે વિજ્ઞાન, ગણિત, કમ્પ્યુટર અને કૌશલ્ય આધારિત શિક્ષણ પણ મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઓથોરિટીનું માળખું અને અભ્યાસક્રમ
આ નવી શૈક્ષણિક ઓથોરિટીમાં કુલ 12 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, કાયદાના પ્રોફેસરો અને નિવૃત્ત શિક્ષકો સામેલ છે, જેઓ લઘુમતી સંસ્થાઓ માટે આધુનિક અને ગુણવત્તાસભર અભ્યાસક્રમ તૈયાર કરશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ નિયામક, લઘુમતી કલ્યાણ નિયામક અને સામાજિક કાર્યકરોને પણ આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે
નવી વ્યવસ્થા મુજબ દરેક લઘુમતી શૈક્ષણિક સંસ્થાએ પહેલાં ઉત્તરાખંડ બોર્ડ સાથે એફિલિએશન મેળવવું પડશે અને ત્યારબાદ USAME પાસેથી માન્યતા લેવી પડશે. સમગ્ર અરજી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. માન્યતા ત્રણ શૈક્ષણિક વર્ષ માટે માન્ય રહેશે અને સમયસર રિન્યુ કરવાની પ્રક્રિયા કરવી પડશે. અરજીની તપાસ દરમિયાન સંસ્થાની લઘુમતી ઓળખ, જમીન, નાણાકીય સ્થિતિ, સ્ટાફની લાયકાત અને સામાજિક સૌહાર્દ જાળવવાની પ્રતિબદ્ધતા જેવા મુદ્દાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
2025માં બનાવાયો હતો કાયદો, હમણાં અમલમાં આવ્યો
આ કાયદો વર્ષ 2025માં બનાવવામાં આવ્યો હતો. સરકારના જણાવ્યા મુજબ અનેક મદરેસાઓ ગેરકાયદે ચાલતી હોવાનું સામે આવ્યું હતું. આવી 200 મદરેસાઓને સીલ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ એક ખાસ ‘સ્ટ્રેટેજિક એડવાઇઝરી કમિટી’ બનાવવામાં આવી હતી, જેના રિપોર્ટના આધારે આ નવો કાયદો ઘડાયો હતો. આ કમિટીમાં એવા સભ્યો પણ સામેલ હતા જેમણે ઉત્તરાખંડમાં ‘યુનિફોર્મ સિવિલ કોડ’નો (UCC) મુસદ્દો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

