‘પહલગામ આતંકી હુમલાને અવગણી ન શકાય’: કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરને તાત્કાલિક પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતી અરજી પર શંકા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રને કહ્યું કે, પહલગામમાં તાજેતરના આતંકવાદી હુમલા સહિત વર્તમાન પરિસ્થિતિને અવગણી શકાય નહીં.

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે તેવું આશ્વાસન અપાયું હતું. તેમણે સૂચનાઓ મેળવવા માટે 8 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.

બીજી તરફ અરજદારોએ દલીલ કરી હતી કે કલમ 370 નાબૂદ કરવાના 2023ના ચુકાદામાં કોર્ટે ચૂંટણી પછી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના સરકારના વચન પર આધાર રાખ્યો હતો. પરંતુ 21 મહિના વીતી ગયા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઝહૂર અહમદ ભટ અને ખુર્શીદ અહમદ મલિક દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યનો દરજ્જો આપવામાં વિલંબ નાગરિકોના અધિકારોને અસર કરે છે અને સંઘવાદને નબળો પાડે છે. ત્યારે કોર્ટે સરકારની વિનંતી પર કેસની સુનાવણી 8 અઠવાડિયા માટે મુલતવી રાખી છે.

2019માં કલમ 370 નાબૂદ કર્યા પછી, જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી અને કેન્દ્રશાસિત પ્રદેશમાં NC-કોંગ્રેસ ગઠબંધન સત્તામાં છે.