રડતાં બાળકોને બાથરૂમમાં પૂરી દીધાં, વૉશિંગ મશીન પર બેસાડ્યાં… બેંગલુરુની આઈટી કંપનીના ડે કેર સેન્ટરનો વિડીયો વાયરલ, 5 મહિલાઓ સામે FIR

બેંગલુરુમાં આવેલા એક ડે કેર સેન્ટરમાં બેથી ત્રણ વર્ષના માસૂમ બાળકો સાથે અત્યંત ક્રૂર અને અમાનુષી વ્યવહાર કરવામાં આવતો હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. વિડીયો પરથી જાણવા મળ્યું છે કે અહીં રડતાં બાળકોને શાંત રાખવા માટે તેમને ફ્રન્ટ-લોડિંગ વોશિંગ મશીનના ડ્રમમાં બેસાડી દેવામાં આવતાં હતાં. એટલું જ નહીં, શૌચાલયના જેટ સ્પ્રે વડે તેમના મોં પર જોરથી પાણી છાંટવામાં આવતું અને તેમને બાથરૂમમાં પૂરી દેવામાં આવતાં હતાં.

આ ભયાનક અત્યાચારનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ સમગ્ર ઘટનાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે કેવી રીતે ડે કેરની સંભાળ રાખનારાઓ બાળકોને ડરાવવા-ધમકાવવા માટે વેસ્ટર્ન ટોઇલેટ સીટ પર બેસાડી રાખતા અને બાથરૂમમાં બંધ કરી દેતા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ પીડિત બાળકોના માતા-પિતા અને સામાન્ય લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

આ મામલે તુરંત એક્શન લેતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ અમાનુષી કૃત્ય બદલ ડે કેર સેન્ટરની પાંચ મહિલા કેરગીવર્સ વિરુદ્ધ FIR નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ ગંભીર મુદ્દો ‘કર્ણાટક રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ સમક્ષ પણ પહોંચ્યો છે, જે આ મામલે પ્રશાસન પાસેથી પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે.

આ ઘટના ફ્રેન્ચ આઈટી કંપની ‘કેપજેમિની’ના બેંગલુરુ સ્થિત HAL કેમ્પસની અંદર ચાલતા ડે કેર સેન્ટરની હોવાનું જાણવા મળ્યું છે. આઈટી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પોતાના બાળકોને સુરક્ષિત સમજીને અહીં મૂકી જતા હતા. જોકે, આ ડે કેર કેપજેમિની કંપની પોતે ચલાવતી હતી કે કોઈ બહારની એજન્સી દ્વારા સંચાલિત હતું, તે અંગે હજુ તપાસ ચાલી રહી છે.

આ ઘટના બાદ કેપજેમિની કંપનીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે કર્મચારીઓ અને તેમના પરિવારોની સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપની આ મામલે તપાસ કરી રહેલા અધિકારીઓને પૂરો સહકાર આપી રહી છે. સાવચેતીના પગલારૂપે કંપનીએ હાલ પૂરતું આ ડે કેર સેન્ટર અસ્થાયી ધોરણે બંધ કરી દીધું છે. હાલ પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે.