‘કોઈને છોડવામાં નહીં આવે’: મુસ્લિમ કટ્ટરપંથીઓના હુમલા બાદ બહિયલમાં હર્ષ સંઘવીએ કરી માતાજીની આરતી

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રિ દરમિયાન સાંપ્રદાયિક તણાવ ફૂટી નીકળ્યો હતો. આ ઘટનામાં મુસ્લિમોના ટોળાએ પથ્થરમારો કરીને ઘરો, દુકાનો અને મંદિર પર હુમલો કર્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી હતી અને 66 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને ત્યાં આરતી કરી છે તથા સ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે.

અહેવાલ મુજબ પાંચમાં નોરતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બહિયલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીની આરતી કરીને કડક સંદેશ આપ્યો હતો. તેમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓ બહિયલ પહોંચ્યા ત્યારે ‘ગુજરાત પોલીસ ઝિંદાબાદ’ અને ‘જય શ્રીરામ’ના નારા લાગ્યા હતાં.

‘કોઈને છોડવામાં આવશે નહીં, નુકસાનની ભરપાઈ કરાશે’

આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં સંઘવીએ કહ્યું હતું કે, “બહિયલમાં મા અંબાની માંડવીમાં હુલ્લડ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસે ઘરમાં અને અભરાઈએ છુપાઈને બેઠેલા તોફાનીઓને શોધી કાઢ્યા હતાં. જે ઘરોમાં છુપાયા હતા તે ઘરના દરવાજા તોડી એક-એક તોફાનીઓને પકડ્યા હતાં. જે કોઈ પાસે આ ઘટનાનો વિડીયો હોય તે પોલીસને આપે. જેથી પોલીસ તોફાનીઓની ઓળખ કરે અને નુકસાનીની ભરપાઈ થઈ શકે. જે લોકો ભાગી ગયા છે તેમને બચાવનાર અને છુપાવનાર લોકોને પણ ગુનેગાર ગણીને કાર્યવાહી કરાશે.”

5ના રિમાન્ડ મંજૂર

નોંધનીય છે કે 26 સપ્ટેમ્બરના રોજ પોલીસે 66 આરોપીઓને ધરપકડ કરી અને તેમને જ્યુડિશિયલ કોર્ટમાં પ્રસ્તુત કર્યા હતા. કોર્ટે મુખ્ય 5 આરોપીઓ – રિયાઝ કુરેશી, સિદ્દીક રાઠોડ, શરીફ પરમાર, ઈરફાન કુરેશી અને શાહનવાઝ રાઠોડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સિવાય બાકીના 61 આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

વધુમાં, 83 અજ્ઞાત આરોપીઓ અને 200 કરતાં વધુ હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓની FIR નોંધી છે. આ ઉપરાંત, ગામના સરપંચ કાલુ અબ્દુલ મલિકને હિંસામાં સામેલ માનવામાં આવેલ છે અને તે ફરાર છે. પોલીસ તેની શોધમાં લાગી છે. નાયબ સરપંચ અબ્દુલ કાદિર ગુલાબનાબી ચૌધરીને પણ પોલીસે ચેતવણી આપી છે. 60 કરતાં વધુ આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું, જેમાં કડક પોલીસ વ્યવસ્થા હતી.

ઉલ્લેખનીય છે કે આ હિંસામાં ઘરો, દુકાનો, વાહનો અને સરકારી મિલકતને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને 5 કરતાં વધુ દુકાનોમાંથી લૂંટફાટ થઈ અને આગચંપી કરવામાં આવી છે. પોલીસ અને ફાયર બ્રિગેડના વાહનો સહિત ખાનગી વાહનોને પણ આગ લગાવવામાં આવી હતી. હાલમાં સ્થિતિ શાંત છે, પરંતુ પોલીસ ફરાર આરોપીઓની શોધ અને તપાસ કરી રહી છે. સરકારે નુકસાનગ્રસ્તોને ન્યાય અને ભરપાઈની ખાતરી આપી છે.