11 ઑગસ્ટ, 1979નો એ ગોઝારો દિવસ, જે ગુજરાતના ઇતિહાસમાં એક કાળો અધ્યાય બનીને રહી ગયો છે. 46 વર્ષ બાદ આજે પણ તે ઘટનાને યાદ કરતા શરીરમાં કંપારી છૂટી જાય છે. આ ઘટના હતી મોરબી શહેરમાં આવેલા વિનાશક જળપ્રલયની. તે સમયે મોરબીની નજીક આવેલા મચ્છુ-2 ડેમની દીવાલ તૂટી હતી અને તેના કારણે આખું શહેર જળસમાધિ લઈ બેઠું હતું. આ હોનારત ભારતની સૌથી ભયંકર કુદરતી આફતોમાંની એક ગણાય છે, જેનો જળપ્રવાહ મોરબીની સાથે-સાથે હજારો જીવોને વહાવીને લઈ ગયો. મચ્છુ નદી પર બાંધેલો આ ડેમ સિંચાઈ અને પાણી પુરવઠા માટે નિર્માણ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારે વરસાદ અને ડેમની રચનાગત ખામીઓએ આ દુર્ઘટનાને આમંત્રણ આપ્યું.
મચ્છુ-2 ડેમની હોનારતનું મુખ્ય કારણ હતો અતિભાર વરસાદ. ઑગસ્ટ, 1979માં સૌરાષ્ટ્રમાં ચોમાસું અત્યંત તીવ્ર હતું. સતત ત્રણ દિવસના ધોધમાર વરસાદે મચ્છુ નદીમાં પાણીનો પ્રવાહ વધારી દીધો. ડેમની ક્ષમતા 3,500 મિલિયન ઘનફૂટ હતી, પરંતુ વરસાદ અને ઉપરવાસથી આવતા પાણીના પ્રવાહે ડેમને ઓવરફ્લો કરી દીધો. ડેમની ડિઝાઇનમાં ખામીઓ, અપૂરતી જાળવણી અને પૂરનું પાણી છોડવા માટેની અપૂરતી વ્યવસ્થાએ આ દુર્ઘટનાને નોતરી. 11 ઑગસ્ટની બપોરે લગભગ 3:30 વાગ્યે ડેમનો નવાગામ તરફનો ભાગ તૂટી ગયો અને હજારો ક્યુસેક પાણીનો પ્રવાહ મોરબી શહેર અને આસપાસના 68 ગામોમાં ધસી આવ્યો, જેના કારણે વિનાશક પરિણામો સર્જાયા.
અહેવાલો અનુસાર, આ હોનારતે હજારો પરિવારોનો વિનાશ વેર્યો. લગભગ 1800-2500 લોકોના જીવ લીધા, હજારો લોકો ગુમ થયા, કેટલાય લોકો જે તણાઈ ગયા હતા એમના મૃતદેહ પણ મળી શક્યા નહીં. મોરબીના ઉદ્યોગો, ફેક્ટરીઓ, દુકાનો, ખેતરો, શાળાઓ લાખો રૂપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર પાણીમાં ફેરવાઈ ગયું. લાખો પશુઓનો જીવ ગયો જેના કારણે પશુપાલકો પણ બેરોજગાર બન્યા, પૂરના પાણીએ ખેતરોની જમીનોને ધોવાણ કરી, જેના કારણે ખેતી માટેની જમીનની ફળદ્રુપતા ઘટી.
ઘટના એટલી ભયાનક અને પીડાદાયક હતી કે આજે 4 દાયકા બાદ પણ સૌરાષ્ટ્રમાં મચ્છુના લોકગીતો ગવાય છે. આ હોનારતને યાદ કરતા અનેક લોકગીતો આજે લોકહૈયે વસી ગયા છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે પણ આ ઘટનાને યાદ કરીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.
બચાવ કામગીરીમાં RSSની ભૂમિકા
મચ્છુ ડેમ તૂટયો તે સમયે બાદ આખા શહેરમાં જળપ્રલય ઊભું થયું હતું. આ દુર્ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હતા. બધી બાજુ કાટમાળ અને મૃતદેહો પડેલા જોવા મળતા હતા. ત્યારે પણ RSSના સ્વયંસેવકો સ્વયંભૂ રીતે સેવા માટે સામે આવ્યા હતા. જે જગ્યાએ કિચડ અને મૃતદેહોની દુર્ગંધના કારણે કોઈ પ્રવેશ નહોતું કરી રહ્યું, એવી જગ્યાઓએ જઈને આ સ્વયંસેવકોએ સ્થાનિક લોકોની મદદ કરી હતી.
સ્થિતિ એટલી ભયાવહ હતી કે જે ટીમો રાહત કાર્યમાં જોડાઈને સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી હતી, તેમને પણ પાછળથી બીમારીનો ભોગ બનવું પડ્યું હતું. ઘણા દિવસો સુધી તેમના શરીરમાં દુઃખાવા જેવી ફરિયાદ હતી. ઉપરાંત, તે દુર્ગંધ પણ તેના મગજમાંથી ઉતરવાનું નામ લેતી ન હતી. કહેવાય છે કે જ્યારે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે સમગ્ર મોરબી સ્મશાન સમાન બની ગયું હતું.
આ હોનારત બાદ તાત્કાલિક ધોરણે રાહતકાર્યો શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, આર્મી અને વિવિધ સંગઠનોએ ભાગ લીધો. ભારતીય ઇતિહાસમાં નોંધાયેલું છે કે દેશના કોઈપણ ખૂણે આવી દુર્ઘટના બને ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) કાર્યકર્તાઓ ખડેપગે બચાવકામગીરી કરતા હોય છે. આ આપત્તિના સમયે RSSએ રાહત અને બચાવ કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવી, એવા મૃતદેહોનો પણ અગ્નિસંસ્કાર કર્યો જેમને વહીવટીતંત્રની ટીમો જોવા પણ તૈયાર નહોતી.
એ સમયે અને ઘટના બાદ છપાયેલા ઘણા અહેવાલો સૂચવે છે કે RSSના સ્વયંસેવકો આપત્તિના સમયે પહેલા દિવસથી જ બચાવ કાર્યોમાં સક્રિય થયા હતા. તેમણે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જોખમ ઉઠાવ્યું, ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા અને મૃતદેહોને બહાર કાઢવામાં મદદ કરી હતી. સ્થાનિક સ્વયંસેવકો ઉપરાંત, રાજકોટ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાંથી RSSના કાર્યકરો ઝડપથી મોરબી પહોંચ્યા અને બચાવ કાર્યોમાં જોડાયા હતા.

RSSએ પીડિતો માટે ખોરાક, પાણી, ધાબળા, કપડાં અને દવાઓની વ્યવસ્થા કરી હતી. તેમણે ગામડાઓ અને શહેરના દૂરના વિસ્તારોમાં પણ રાહત સામગ્રી પહોંચાડી હતી. સ્વયંસેવકોએ અસ્થાયી આશ્રયસ્થાનો ઊભા કર્યા હતા, જ્યાં ઘર વગરના લોકોને આશરો આપવામાં આવ્યો હતો. આ આશ્રયસ્થાનોમાં ખોરાક અને પાણીની વ્યવસ્થા પણ RSS દ્વારા કરવામાં આવી હતી.
RSSની સૌથી મોટી તાકાત તેની સંગઠિત રચના છે, જે દર વખતે દેખાઈ આવે છે. આ ઘટના બાદ પણ સ્વયંસેવકોએ સ્થાનિક વહીવટ, પોલીસ અને સેના સાથે સંકલન કરીને રાહત કાર્યોને વ્યવસ્થિત બનાવ્યા હતા. તેમણે ગામડાઓ અને શહેરના વિવિધ વિસ્તારોમાં ટીમો બનાવી, જે ચોક્કસ કામો જેવા કે બચાવ, રાહત વિતરણ અને ઘાયલોની સંભાળ માટે કાર્ય કરી રહી હતી.

RSSના સ્વયંસેવકોએ માત્ર શારીરિક રાહત જ નહીં, પરંતુ પીડિતોનું મનોબળ વધારવામાં પણ મદદ કરી. તેમણે લોકોને હિંમત આપી અને આશા જગાવી કે આપત્તિમાંથી પુનઃસ્થાપન શક્ય છે. સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સ્થાપીને RSSએ સમુદાયની એકતાને મજબૂત કરી. હોનારત બાદ RSSએ મોરબીમાં પુનર્વસનના પ્રયાસોમાં પણ ભાગ લીધો. તેમણે શાળાઓ, સમુદાયિક કેન્દ્રો અને ધાર્મિકસ્થળોના પુનઃનિર્માણમાં પણ સહયોગ આપ્યો.
8 હાજર સ્વયંસેવકોનો સેવાયજ્ઞ
તત્કાલીન પરિસ્થિતિ અંગે જાણવા ઑપઇન્ડિયાએ જૂનાગઢના પ્રદીપભાઈ ખીમાણીનો સંપર્ક કર્યો હતો. તેમણે આ અંગે વિસ્તૃત માહિતી હતી. પ્રદીપભાઈ 1972થી એટલે કે, બાલ્યકાળથી સંઘ સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું હતું કે, “એ સમયે મોબાઈલ નહોતા એટલે તાત્કાલિક ત્યાં પહોંચવું શક્ય નહોતું, લેન્ડલાઈન પણ ખૂબ ઓછા હતા એટલે જેમ-જેમ સમાચાર મળતા, તેમ-તેમ ગુજરાતભરમાંથી સ્વયંસેવકો ટ્રક ભરીને રાજકોટ પહોંચતા હતા. મોરબીમાં નિવાસ કરી શકાય એવી કોઈ જ વ્યવસ્થા નહોતી, એટલે અમે રાજકોટ રોકાતા, સવારે 7-8 વાગે ટ્રક ભરીને નીકળતા અને મોરબી પહોંચતા અને સાંજે પાંચેક વાગ્યે પરત આવી જતાં.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “લગભગ 8000થી વધુ સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયા હતા, તેમની અલગ અલગ ટીમો બનાવીને અલગ-અલગ કામ સોંપવામાં આવ્યા હતા જે અનુસાર બધા કામ કરતા હતા. એ સમયે સંસાધનોનો અભાવ હતો એટલે મૃતદેહો હાથથી જ ઉપાડવા પડતાં. મૃતદેહોની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે જો તમારો હાથ સહેજ જોરથી અડી જાય તો એમાંથી પરુ નીકળવા લાગતું અને ખૂબ દુર્ગંધ આવતી. એટલે અમને હેન્ડગ્લવ્સ અને માસ્ક આપવામાં આવ્યા હતા.”

તેમણે કામગીરી અંગે જણાવ્યું કે, “લોકોના ઘરોમાં ગાય-ભેંસ, પશુઓ, માણસો બધાના મૃતદેહો સાથે મળત. આ બધા મૃતદેહોને ભેગા કરી અમે પેટ્રોલ-ડીઝલ વડે તેનો અગ્નિસંસ્કાર કરતા, કારણ કે પૂરના કારણે લાકડા પણ મળતા નહોતા.” તેમણે જણાવ્યું કે આ સમયે હાલના પીએમ નરેન્દ્ર મોદી પણ તેમની સાથે આ સેવાકાર્યમાં જોડાયેલા હતા.
વધુમાં આ હોનારતમાં સેવાયજ્ઞ કરી ચૂકેલા ભગીરથભાઈ દેસાઈએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં અનેક માહિતી આપી હતી. વર્તમાનમાં તેઓ RSSના પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “મોરબી હોનારતના સમાચાર સૌ પ્રથમ અમને હેમ રેડિયો પરથી જાણવા મળ્યા હતા, ત્યારપછી તાત્કાલિક બેઠકનું આયોજન કરીને નક્કી કરવામાં આવ્યું કે પ્રાથમિક ધોરણે કઈ-કઈ બાબતોની વધુ આવશ્યકતા છે, જેના આધારે તબક્કાવાર કામગીરી નક્કી કરવામાં આવી.”
તેમણે જણાવ્યું કે, તેમણે અમદાવાદમાં સંઘ કાર્યાલય પર રહીને રાશનકીટ, ભોજનની કીટો, મેડીકલ કીટ વગેરે જરૂરિયાતનો સામાન પહોંચાડવા માટે સંકલન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતના બધા જિલ્લાઓમાંથી 3-4 ટુકડીઓ બનાવીને મોરબી ખાતે રવાના કરવામાં આવી. આ ટુકડીઓએ લોકોના ઘરોમાં 5-6 ફૂટનો કાદવ દૂર કર્યો, મૃતદેહો બહાર કાઢ્યા, તેમનો અગ્નિસંસ્કાર કર્યો. લોકો સુધી રાશન-મેડીકલ કીટ પહોંચાડી. આ બધી જ કામગીરી તબક્કાવાર કરવામાં આવી.” તેમણે જણાવ્યું કે, લગભગ એકથી દોઢ મહિના સુધી RSSના 7થી 8 હજાર જેટલા સ્વયંસેવકોએ આ કાર્ય ચાલુ રાખ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે, “માત્ર બચાવકામગીરી પુરતું જ સંઘનું કાર્ય માર્યાદિત નહોતું, પરિસ્થિતિ સામાન્ય થવા લાગી એમ સંઘે આખેઆખા 2 ગામોનું પુનર્વસન કરાવવાનું બેડું ઝડપ્યું હતું. લગભગ 6થી 7 મહિનાની અંદર વિનાશ પામેલા ગામોમાંથી 2 ગામોનું પુનર્વસન કરવામાં આવ્યું જેમાંથી એક ગામ મુસ્લિમ બહુમતીવાળું હતું. છતાંય, સ્વયંસેવકોએ કોઈપણ ભેદ રાખ્યા વિના તે ગામના પુર્નવસનની જવાબદારી ઉપાડી હતી. જેના ઉદ્ઘાટન સમયે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈએ પણ RSSના સ્વયંસેવકોની કામગીરીની બિરદાવી હતી.” આ ઉપરાંત ભગીરથ દેસાઈએ નરેન્દ્ર મોદીની કામગીરી વિશે પણ માહિતી આપી હતી અને સંસ્મરણો વાગોળ્યા હતા.
PM નરેન્દ્ર મોદીએ પણ લીધો હતો બચાવકામગીરીમાં ભાગ
વર્ષ 2022માં જ્યારે મોરબીમાં 200 વર્ષ જૂનો પુલ તુટ્યો ત્યારે 19 ઑગસ્ટ 1979ના રોજ PM નરેન્દ્ર મોદીએ એક અખબારને આપેલ ઈન્ટરવ્યુનો ફોટો ઘણો વાયરલ થયો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, “મોરબી ઉપર આફત ઉતરી હોવાના સમાચાર મળતાં જ તા. 12મી ઑગસ્ટે RSSની પ્રથમ ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી અને રસ્તા પર રઝળતા 30 જેટલા મૃતદેહને એકત્ર કરી અંતિમક્રિયા કરી હતી. આ સ્વયંસેવકો પાણીમાં ફસાયેલા મોરબીવાસીઓને તેમની જરૂરિયાતો વિશે પૂછપરછ કરીને પરત આવ્યા હતા અને પછી તરત જ બધી વ્યવસ્થા કરીને પરત ગયા હતા તથા સંઘના સેંકડો કાર્યકરોએ રાત-દિવસ ખડેપગે રહીને મોરબીવાસીઓને મદદ કરી હતી.”
આ જ અખબારી અહેવાલમાં PM મોદીએ જણાવ્યું છે કે, “મોરબીની પ્રથમ મુલાકાતથી જ અમને પરિસ્થિતિની ભયાનકતાનો ખ્યાલ આવી ગયો હતો અને સંઘના સહકાર્યવાહકના નેતૃત્વ હેઠળ સેંકડો કાર્યકરો કામે લાગ્યા હતા. સૌપ્રથમ અમે મૃતદેહોને ખસેડવાનું કામ હેન્ડગ્લોવ્ઝ પહેરીને શરૂ કર્યું હતું. મૃતદેહો એવા તો દુર્ગંધ મારતા હતા કે પોલીસ પરિવારના 27 મૃતદેહ પોલીસ ઉઠાવવા તૈયાર નહોતી, પરંતુ અમારી સંઘસેનાએ આ અત્યંત કપરું કામ ઉપાડી લીધું હતું.”
તેમણે જણાવ્યું હતું કે એ સમયે સ્વયંસેવકો પાસે બુટની પણ સુવિધા નહોતી. છતાં, પગમાં વાગે કે લોહી વહે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સ્વયંસેવકોએ રાહત અને બચાવકામગીરી અટકાવી નહોતી. તેમણે જણાવ્યું હતું કે, “અમારા સ્વયંસેવકો દરરોજ 30થી 40 મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા હતા. એ કામ પૂરું થયા પછી સંઘના સ્વયંસેવકોએ સફાઈનું કામ ઉપાડ્યું હતું. ગામમાં દરેકે-દરેક મોહલ્લામાં ફરી ફરીને સંઘના કાર્યકરોએ ત્યારે નરેન્દ્રભાઈ તથા અન્ય સ્વયંસેવકોની આગેવાની હેઠળ સફાઈ કામગીરી પણ કરી હતી.”
1979ની મોરબી મચ્છુ હોનારત એ ગુજરાતના ઇતિહાસની એક દુઃખદ ઘટના હતી, જેમાં RSSના સ્વયંસેવકોએ તેમની ઝડપી, સંગઠિત અને નિષ્ઠાવાન કામગીરી દ્વારા પીડિતોની મદદ કરી હતી. નોંધનીય છે કે, દેશના કોઈપણ ખૂણે, કોઈ દુર્ઘટના બને ત્યારે RSSના સ્વયંસેવકો અવિરત સેવાકાર્ય માટે હાજર જ હોય છે, પછી એ મોરબી હોનારત હોય, 2001માં આવેલ ભૂકંપ હોય, કોરોના મહામારી હોય કે પ્લેન ક્રેશ હોય. આ બધી ઘટનાઓ RSSની સામાજિક જવાબદારી અને માનવતાની સેવાની અદમ્ય વૃત્તિની સાક્ષી પૂરે છે.


