જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ હજારો વર્ષોથી વહેતી સનાતન ચેતનાનું જીવંત કેન્દ્ર છે. જ્યાં એક તરફ ગિરનારની પર્વતમાળા ઋષિ-મુનિઓની તપોભૂમિ રહી છે, ત્યાં બીજી તરફ ભવનાથ મહાદેવ તે આધ્યાત્મિક ઊર્જાનો ધ્રુવતારો છે, જે આ ભૂમિને શિવમય બનાવે છે.
મહાશિવરાત્રિના અવસરે અહીં ભરાતો મેળો ભલે જનસામાન્યને આકર્ષે છે, પરંતુ આ મંદિરનો ઇતિહાસ, તેનું સ્થાપત્ય અને તેની સાથે જોડાયેલી પૌરાણિક પરંપરાઓ પોતે એક વિસ્તૃત આખ્યાન છે. આ સ્થળ ગુજરાતના જૂનાગઢથી માત્ર કેટલાક કિલોમીટર દૂર આવેલું છે, પરંતુ તેનું મહત્વ દેશભરમાં ફેલાયેલું છે, ખાસ કરીને મહાશિવરાત્રિના મેળા દરમિયાન, જેને ‘લઘુકુંભ’ કહેવાય છે.
ગિરનાર અને શિવ પરંપરા: વૈદિક-પૌરાણિક સંદર્ભ
ગિરનાર પર્વતનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં ‘રેવતક’ અથવા ‘રેવતાચલ’ નામથી મળે છે. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં ગિરનાર વિસ્તારને અત્યંત પવિત્ર શિવભૂમિ તરીકે વર્ણવવામાં આવ્યો છે. શિવ પુરાણમાં વર્ણન છે કે જ્યાં-જ્યાં તપ અને સંયમની પરાકાષ્ઠા હોય છે, ત્યાં શિવનો વાસ હોય છે અને ગઢ ગિરનાર તે પૈકીનું એક તપોધામ છે.
સ્થાનિક માન્યતા અનુસાર ભવનાથ મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ છે. એટલે કે તે કોઈ માનવ દ્વારા સ્થાપિત નથી, પરંતુ સ્વયં પ્રગટ થયું છે. આ જ કારણે તેમને ‘ભવના નાથ’ એટલે કે સૃષ્ટિના સ્વામી દેવાધિદેવ તરીકે પૂજવામાં આવે છે. ગિરનાર વિસ્તાર જૈન, વૈષ્ણવ અને શૈવ પરંપરાઓનો સંગમ રહ્યો છે, પરંતુ અહીં જે અખંડ શૈવ પરંપરાની ધારા દેખાય છે, તેનું કેન્દ્ર ભવનાથ મહાદેવ છે.
ભવનાથ મંદિરની કથા સ્કંદ પુરાણના પ્રભાસ ખંડ અને વસ્ત્રપથ ક્ષેત્ર માહાત્મ્યમાં વર્ણવાઈ છે. પુરાણ અનુસાર એક વખત ભગવાન શિવ કૈલાસ છોડીને પૃથ્વી પર આવ્યા અને ગિરનારને (રૈવતાચળ અથવા ઉજ્જયંત પર્વત) પસંદ કરી ત્યાં તપ કરવા બેઠા. પાર્વતીજીને આ વાત ન જણાવી, તેથી તેઓ શિવની શોધમાં નીકળ્યાં. દેવો અને પાર્વતીએ તપ કર્યું ત્યારે શિવજી ભવનાથ રૂપે સ્વયંભૂ પ્રગટ થયા. આ પ્રાગટ્ય વૈશાખ સુદ પૂનમના દિવસે થયું હોવાની માન્યતા છે. ત્યારબાદ માતા પાર્વતી પણ ગરવા ગઢ ગિરનારમાં અંબિકારૂપ ધારણ કરીને આસનસ્થ થયાં
બીજી પ્રસિદ્ધ કથા મુજબ શિવ અને પાર્વતી આકાશમાર્ગે રથમાં વિહરતાં હતાં ત્યારે માતા પાર્વતીનું દિવ્ય ઘરેણું (આભૂષણ અથવા વસ્ત્ર) મૃગીકુંડ પાસે પડ્યું. તેને કારણે આ ક્ષેત્ર ‘વસ્ત્રપૂત ક્ષેત્ર’ તરીકે પવિત્ર બન્યું અને શિવલિંગ અહીં સ્વયંભૂ પ્રગટ થયું. આ કથા ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતના લોકોત્સવો અને મેળા’ પુસ્તકમાં પણ વર્ણવાઈ છે (પૃષ્ઠ 12-13).
સ્કંદ પુરાણમાં ગિરનારને શિવ-વિષ્ણુ-દેવીના સંગમનું સ્થળ ગણવામાં આવ્યું છે. શિવજીએ અહીં આસન જમાવ્યું, માતા પાર્વતીએ અંબિકારૂપે વાસ કર્યો અને વિષ્ણુએ દામોદરરૂપે દામોદર કુંડમાં નિવાસ કર્યો. આમ, ભવનાથ મંદિર એક ત્રિવેણી સંગમ જેવું છે, જ્યાં ત્રણેય દેવતાઓની કૃપા વરસે છે.
ઐતિહાસિક-પૌરાણિક પૃષ્ઠભૂમિ
ભવનાથ મંદિરનું નિર્માણ માનવીઓ દ્વારા થયું નથી, તે શિવના દૈવીય પ્રાગટ્યનું પરિણામ છે. પુરાણોમાં તેને પૌરાણિક કાળનું માનવામાં આવે છે અને કેટલીક લોકમાન્યતાઓમાં તેને મહાભારત કાળ (લગભગ 5000 વર્ષ પહેલાં) સુધી જોડવામાં આવે છે. અહીં બે શિવલિંગ છે. નાનું સ્વયંભૂ અને મોટું, જેની સ્થાપના અમરાત્મા અશ્વત્થામાએ કરી હોવાની કથા પ્રચલિત છે.
ગિરનાર પર્વતને ચોર્યાસી સિદ્ધોનું નિવાસસ્થાન માનવામાં આવે છે. નવનાથ, 84 સિદ્ધો, 64 જોગણી અને 52 વીરોના બેસણાં અહીં છે. લોકવાયકા મુજબ અશ્વત્થામા, પાંડવો, ગોપીચંદ અને ભરથરી જેવા અમરાત્માઓ શિવરાત્રિની મધરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથના દર્શને આવે છે અને ભવનાથના કુંભ મેળામાં સાધુ વેશ ધારણ કરીને ભ્રમણ કરે છે.
મંદિરની આસપાસના સ્થળો, જેમ કે સુદર્શન તળાવ (અશોકકાળનું) – ઈ.સ. પૂર્વે 3જી સદીના છે, પરંતુ મંદિર પોતે તેનાથી પણ પ્રાચીન છે. સમય સાથે તે જીર્ણ થયું અને પુનઃનિર્માણ-જીર્ણોદ્ધાર થયા, છેલ્લે 2001ના ભૂકંપ પછી પણ તેને અડીખમ બનાવવામાં આવ્યું હતું.
ઇતિહાસકારો અનુસાર વર્તમાન રચનાનું નિર્માણ મધ્યકાલીન યુગમાં થયું હોવાનું માનવામાં આવે છે. જૂનાગઢ વિસ્તાર પર મૌર્ય, ગુપ્ત, ચાલુક્ય (સોલંકી) અને પછીથી ચુડાસમા રાજાઓનું શાસન રહ્યું છે. ખાસ કરીને 10મીથી 12મી સદીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સોલંકી શાસકો દ્વારા અનેક શિવાલયોનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ભવનાથ મંદિરની સ્થાપત્ય શૈલીમાં પણ સોલંકી યુગની ઝલક મળે છે, ખાસ કરીને પથ્થરની કોતરણી અને ગર્ભગૃહની રચનામાં.
જોકે ઉપલબ્ધ અભિલેખો મર્યાદિત છે, તેમ છતાં સ્થાનિક પરંપરા અને પ્રાદેશિક ઇતિહાસકારોનો મત છે કે મંદિરનું મૂળ સ્વરૂપ પ્રાચીન છે, જેને વિવિધ કાળમાં જીર્ણોદ્ધાર દ્વારા સંરક્ષિત રાખવામાં આવ્યું છે.
સ્થાપત્ય શૈલી
ભવનાથ મહાદેવ મંદિરનું સ્થાપત્ય અત્યંત ભવ્યતાનું પ્રદર્શન કરતું નથી, પરંતુ તેમાં તપ અને સાધનાની ગંભીરતા ઝલકે છે. મંદિરનું ગર્ભગૃહ તુલનાત્મક રીતે નાનું છે, જ્યાં શિવલિંગ સ્થાપિત છે. શિખર પરંપરાગત નાગર શૈલીનું છે, જે ઉત્તર ભારતની મંદિર વાસ્તુશૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. પથ્થરની રચના, મર્યાદિત અલંકાર અને કુદરતી પરિવેશ સાથે સામંજસ્ય તેની વિશિષ્ટતા છે.
અહીં સ્થાપત્યનો હેતુ માત્ર સૌંદર્ય નથી, પરંતુ આધ્યાત્મિક એકાગ્રતા છે, જાણે આખી રચના સાધકને પોતાના ભીતરની યાત્રા માટે પ્રેરિત કરતી હોય.
નાગા સાધુ પરંપરા અને આધ્યાત્મિક રહસ્ય
ભવનાથ મહાદેવનું નામ આવતાં જ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ નીકળતી નાગા સાધુઓની ‘રવેડી’નું દૃશ્ય યાદ આવી જાય છે. શૈવ અખાડાઓની પરંપરાના સંરક્ષક ગણાતા નાગા સન્યાસીઓ આ સ્થળને વિશેષ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર ગણે છે. માન્યતા છે કે મહાશિવરાત્રિની રાતે સ્વયં શિવ ગિરનાર વિસ્તારમાં વિચરણ કરે છે. આ પરંપરા માત્ર ધાર્મિક આયોજન નથી, પરંતુ સનાતન સન્યાસ પરંપરાની અવિરત ચાલતી ધારાનું પણ પ્રતીક છે.
જૂનાગઢની સાંસ્કૃતિક ઓળખમાં ભવનાથ મહાદેવનું સ્થાન કેન્દ્રીય છે. અહીં માત્ર પૂજા-અર્ચના જ નહીં, પરંતુ સામાજિક-સાંસ્કૃતિક સંવાદ પણ થાય છે. સદીઓથી આ સ્થળ સાધકો, યાત્રાળુઓ અને સંતોનાં મિલનનું કેન્દ્ર રહ્યું છે. ગિરનારની તળેટીમાં આવેલું આ મંદિર આજે પણ એ જ રીતે જીવંત છે, જેવી રીતે સદીઓ પહેલાં હતું.
જ્યારે આપણે ભવનાથ મહાદેવ તરફ જોઈએ છીએ ત્યારે માત્ર એક મંદિર જ નથી જોતા. આપણે એવી પરંપરા જોઈએ છીએ જે વેદોની ઋચાઓથી લઈને પુરાણોની કથાઓ સુધી વિસ્તરેલી છે. આ મંદિર દર્શાવે છે કે ભારતની આધ્યાત્મિકતા માત્ર ગ્રંથોમાં મર્યાદિત નથી, પરંતુ ભૂગોળમાં પણ અંકિત છે. ગિરનારનાં શિખરો પર અથડાતી હવા આજે પણ એ જ સંદેશ પુનરાવર્તિત કરતી હોય છે — શિવ શાશ્વત છે અને તેમની પરંપરા પણ. ભવનાથ મહાદેવ આ જ શાશ્વતતાનું સાક્ષાત પ્રતીક છે — અડિગ, શાંત અને અનંત.


