હોમપેજગુજરાતભારત-EU વચ્ચે ઐતિહાસિક વ્યાપાર કરાર: ગુજરાતને કઈ રીતે થશે લાભ?

ભારત-EU વચ્ચે ઐતિહાસિક વ્યાપાર કરાર: ગુજરાતને કઈ રીતે થશે લાભ?

ભારતને આ કરારથી શું ફાયદો થઈ શકે અને કેમ અગત્યની છે એ આપણે અગાઉ એક લેખમાં જોઈ ગયા. અહીં ગુજરાતને થતા લાભો પર ધ્યાન કેન્દ્રિત કરીએ.

- Advertisement -

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આખરે ઐતિહાસિક ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ (મુક્ત વ્યાપાર કરાર) પર હસ્તાક્ષર થયા છે. ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે પધારેલાં યુરોપિયન યુનિયનનાં અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મંગળવારે (27 જાન્યુઆરી) નવી દિલ્હીમાં 16મી ભારત-EU સમિટ યોજાઈ, જેમાં આ ડીલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાની ઘોષણા કરવામાં આવી.

બંને દેશો વચ્ચે વર્ષોની વાતચીત બાદ 2022માં ફરી એક વખત સક્રિયપણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આખરે વાટાઘાટો અને અનેક તબક્કાની બેઠકો બાદ બંને દેશો કરાર સુધી પહોંચ્યા છે. આ કરારને ‘મધર ઑફ ઑલ ડીલ્સ’ નામ આપવામાં આવ્યું છે. અનેક રીતે એ ઐતિહાસિક સાબિત થશે.

યુરોપિયન યુનિયનમાં જર્મની, ફ્રાન્સ, ઇટલી, બેલ્જિયમ, સ્પેન સહિતના 27 દેશોનો સમાવેશ થાય છે. દુનિયાનાં સૌથી મોટાં માર્કેટ પૈકીનું એક છે. ભારત અને EU વચ્ચે 2024-25માં 11.5 લાખ કરોડનો (136 બિલિયન ડૉલર) વેપાર થયો હતો તેનાથી અંદાજો લગાવી શકાય કે બંને કેવડા મોટા ભાગીદારો છે. 2024-25માં ભારતમાંથી લગભગ 6.4 લાખ કરોડની નિકાસ માત્ર યુરોપીય દેશોમાં થઈ છે. જ્યારે ઇમ્પોર્ટ 5.1 લાખ કરોડનું હતું.

- Advertisement -

ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને EU બીજી. બંને થઈને ગ્લોબલ GDPનો 25% હિસ્સો અને વૈશ્વિક વ્યાપારનો 1/3 હિસ્સો ધરાવે છે. સરકાર કહે છે કે આ બંને અર્થવ્યવસ્થાઓના એકીકરણથી વ્યાપાર અને રોકાણની અભુતપૂર્વ તકો ઊભી થશે જે બંને માટે લાભદાયી સાબિત થશે.

ભારતને આ કરારથી શું ફાયદો થઈ શકે અને કેમ અગત્યની છે એ આપણે અગાઉ એક લેખમાં જોઈ ગયા. અહીં ગુજરાતને થતા લાભો પર ધ્યાન કેન્દ્રિત કરીએ.

પહેલાં એ સમજીએ કે ગુજરાત વૈશ્વિક વ્યાપારના નકશા પર કેમ અગત્યનું સ્થાન ધરાવે છે. મોટું કારણ એ છે કે આપણી પાસે સૌથી લાંબો દરિયાકાંઠો છે. 1600 કિલોમીટર સત્તાવાર આંકડો હતો. નવી માપન પદ્ધતિ આવ્યા પછી આ આંકડો પણ વધ્યો છે. ભારતની કાર્ગો મૂવમેન્ટમાંથી લગભગ 40% માત્ર ગુજરાત જ સંભાળે છે અને ગુજરાતના માર્ગે જ જાય છે. ભારતની કુલ નિકાસમાં 30% હિસ્સો ગુજરાતનો છે. ગુજરાત પાસે કંડલા, મુન્દ્રા, પીપાવાવ, હજીરા વગેરે જેવાં ભૌગોલિક, રણનીતિક મહત્ત્વ ધરાવતાં બંદરો છે. આ બધાં પાસાં જોતાં EU સાથે હોઈ વ્યાપાર કરાર થાય તો તેની સીધી અસર ગુજરાત પર પણ જોવા મળે.

કેમિકલ-ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી

ગુજરાત કેમિકલ અને ઈન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીનું મોટું હબ છે. દહેજ, અંકલેશ્વર, વાપી, વડોદરા વગેરે શહેરોમાં આ ક્ષેત્રના અનેક ઉદ્યોગો છે. જ્યાંથી કેમિકલ, પેટ્રોકેમિકલ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરમીડિયેટ વગેરેની નિકાસ થાય છે. EU આ બધાં ઉત્પાદનોનું મોટું ગ્રાહક છે. લાંબાગાળા માટે એક્સપોર્ટ ઓર્ડર મળે તો એ ઉત્પાદકોને જ ફાયદાકારક હશે.

ગુજરાત સૌથી મોટાં ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ રાજ્યો પૈકીનું એક છે. લગભગ 30-35% ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. રાજ્યમાં અનેક નાની-મોટી ફાર્મા કંપનીઓ કાર્યરત છે. બીજી તરફ EU સૌથી મોટાં ફાર્માસ્યુટિકલ માર્કેટ પૈકીનું એક છે, જે દવાઓ, એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ્સ વગેરે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરે છે. આમ તો ગુજરાતની અનેક ફાર્મા કંપનીઓ યુરોપના દેશોમાં નિકાસ કરે જ છે, પણ એપ્રુવલ પ્રોસેસ, રેગ્યુલેટરી ચેક, વેઈટિંગ પિરિયડ વગેરે જેવાં અમુક પરિબળોના કારણે અમુક પડકારો આવતા હતા. હવે આ કરારથી આ બધી બાબતોમાં ઘણી હળવાશ થઈ રહેશે અને નિકાસકારોને સરળતા થઈ પડશે. એ પણ એક એન્ગલ છે કે કંપનીઓએ અત્યારે દરેક EU દેશના અલગ નિયમ પ્રમાણે કામ કરવું પડે છે, જેના કારણે પ્રક્રિયામાં સમય લાગે છે. વધુ સારા સંકલનના કારણે આ બધામાં પણ ફેરફાર આવશે.

હીરા ઉદ્યોગને પણ મળશે ફાયદો

ગુજરાત હીરા ઉદ્યોગનું પણ એક મોટું કેન્દ્ર છે અને ગ્લોબલ ડાયમંડ કટિંગ અને પોલિશિંગના લગભગ 80-85% માત્ર સુરત સંભાળે છે. બીજી તરફ બેલ્જિયમનું એન્ટવર્પ દુનિયાનાં સૌથી મોટાં ડાયમંડ ટ્રેડિંગ હબ પૈકીનું એક છે. અત્યારે પણ સુરત અને યુરોપ વચ્ચે હીરાનો વેપાર ધમધોકાર ચાલે છે. જેમાં લોજિસ્ટિક, ઓછા પેપરવર્ક અને સરળ સર્ટિફિકેશન પ્રોસેસ વગેરેના કારણે હજુ વધારો જોવા મળશે.

બીજું, સુરત લેબ-ગ્રોન ડાયમંડ્સનું ગ્લોબલ સેન્ટર બની ગયું છે. બીજી તરફ યુરોપમાં સસ્ટેનેબલ ડાયમન્ડની માંગ વધુ છે. જેના એક્સપોર્ટ માટે પણ માર્ગ વધુ મોકળો બનશે.

રિન્યુએબલ એનર્જી

રિન્યુએબલ એનર્જીમાં પણ ગુજરાત દેશમાં આગળ પડતું છે. જેમાં સોલાર પાર્ક, વિન્ડ એનર્જી કોરિડોર, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે. EU બીજી તરફ હવે ગ્રીન અને લો કાર્બન એનર્જી સપ્લાય ચેન તરફ આગળ વધી રહ્યું છે. EU કંપનીઓ ગુજરાતને એક ઉત્પાદન અને રોકાણ માટેના કેન્દ્ર તરીકે જોશે એ સ્વાભાવિક છે.

એન્જિનિયરિંગ ગુડ્સ અને મરીન પ્રોડક્ટ

ભારતમાંથી એન્જિનિયરિંગ ગુડ્સની પણ મોટા પ્રમાણમાં EU નિકાસ થાય છે. આ ક્ષેત્રનું પણ ગુજરાતમાં સારું એવું અસ્તિત્વ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, સાણંદ, હાલોલ વગેરે શહેરોમાં ઓટો કોમ્પોનન્ટ્સ, મશીનરી, ઇલેક્ટ્રિક સાધનો, પંપ, વાલ્વ, ઇન્ડસ્ટ્રીયલ ટૂલ વગેરેનું ઉત્પાદન થાય છે. આ કરારનો ફાયદો એન્જિનિયરિંગ ક્ષેત્રને પણ પહોંચશે.  

આવું જ મરીન પ્રોડક્ટ્સને લઈને જોવા મળી શકે છે. ગુજરાતમાં વેરાવળ, પોરબંદર, માંગરોળ, ઓખા અને દ્વારકા વગેરે જેવા કાંઠાવિસ્તારોમાં ફિશિંગ અને સીફૂડ પ્રોસેસિંગ સેન્ટરો જોવા મળે છે. જ્યાંથી યુરોપિયન સેન્ટરોમાં એક્સપોર્ટ વધુ સરળ અને અસરકારક થઈ શકશે.

MSMEને કઈ રીતે થશે લાભ?

એન્જિનિયરિંગ ગુડ્સ, ટેક્સટાઇલ, કેમિકલ્સ, ઓટો કોમ્પોનન્ટ્સ, સિરામિક, ફૂડ પ્રોસેસિંગ વગેરે અનેક ક્ષેત્રોમાં હજારો MSME (લઘુ-મધ્યમ-નાના ઉદ્યોગો) કાર્યરત છે. જ્યાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન થતું હોવા છતાં અમુક નાનાં એકમો માર્કેટ સુધી પૂરતી પહોંચ ન હોવા કારણે, અમુક નિયમો અને પેપરવર્કમાં જોવા મળતા પડકારોના કારણે, સર્ટિફિકેશન કોસ્ટના કારણે અમુક સમસ્યાઓનો સામનો કરતા હતા.

આ કરાર બાદ પ્રક્રિયાઓ-નિયમો વગેરે સરળ થઈ જશે અને વ્યાપારનો માર્ગ મોકળો બનશે. જેથી MSMEને યુરોપના ખરીદદારો સુધી પહોંચવામાં પણ હવે પ્રમાણમાં સરળતા રહેશે. ખાસ કરીને નાના ઉત્પાદકો માટે EU માર્કેટ સુધી સરળ પહોંચ હોય તો લાંબાગાળે ફાયદો વધુ મળી શકે.

ગુજરાતની પરિસ્થિતિને જોતાં, વ્યાપારમાં પહેલેથી મેળવેલા સ્થાનને જોતાં આ કરારથી અનેક સંભાવનાઓનાં દ્વાર ખૂલી ગયાં છે. ગુજરાત પાસે પહેલેથી પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, વૈશ્વિક વ્યાપારનો પૂરતો અનુભવ છે, એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઈન્ડસ્ટ્રી છે, ઉત્પાદન પણ એટલું જ થાય છે. જેથી આ ડીલથી જેને સૌથી વધુ લાભ પહોંચશે એવાં રાજ્યોમાં ગુજરાતનું પણ નામ સામેલ કરીએ તો અતિશયોક્તિ ન કહેવાય.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં