Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાત‘જેટલા હિન્દુડા હાથમાં આવે તેને મારી નાખો, આજે જીવતા છોડવા નથી’: વડોદરાના...

    ‘જેટલા હિન્દુડા હાથમાં આવે તેને મારી નાખો, આજે જીવતા છોડવા નથી’: વડોદરાના ભોજમાં મસ્જિદ પાસેથી પસાર થતી રામયાત્રા પર મુસ્લિમ ટોળાએ કર્યો હતો હુમલો- FIRમાં સામે આવી ભયાવહ વિગતો

    પાદરા તાલુકાના વડુ પોલીસ મથકે 16 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને બાકીના ટોળા સામે FIR દાખલ કરવામાં આવી છે. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. FIRમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે મુસ્લિમ ટોળાએ ભગવાનની શોભાયાત્રા લઈને જતા હિંદુઓને મારી નાખવાના ઈરાદે એકસંપ થઈને હુમલો કર્યો હતો. 

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થયા. દેશ જ નહીં પણ દુનિયાભરના હિંદુઓએ આ દિવસને એક ઉત્સવની જેમ મનાવ્યો. ઠેરઠેર ભગવાનની શોભાયાત્રાઓ આયોજિત કરવામાં આવી હતી. પરંતુ આ દિવસ પણ હિંસામાંથી બાકાત રહી શક્યો નહીં. ગુજરાતનાં બે નગરોમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો તો મહારાષ્ટ્રના થાણેમાં પણ ભયંકર હિંસા થઈ. ગુજરાતમાં રવિવારે ખેરાલુમાં પથ્થરમારો થયો તો સોમવારે વડોદરાના ભોજમાં શ્રીરામની શોભાયાત્રા લઈને જતા હિંદુઓ પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો.

    વડોદરાના પાદરા તાલુકાના ગામ ભોજમાં બનેલી આ ઘટના બાદ પાદરા તાલુકાના વડુ પોલીસ મથકે 16 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ અને બાકીના ટોળા સામે FIR દાખલ કરવામાં આવી છે. જેની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. FIR જણાવે છે કે કઈ રીતે ભોજમાં મુસ્લિમ ટોળાએ ભગવાનની શોભાયાત્રા લઈને જતા હિંદુઓને મારી નાખવાના ઈરાદે એકસંપ થઈને હુમલો કર્યો હતો. 

    22 જાન્યુઆરીના રોજ વડુ પોલીસ મથકે નોંધાવવામાં આવેલી આ FIRમાં ફરિયાદી સ્વયં પોલીસ બની છે. હેડ કોન્સ્ટેબલે ફરિયાદમાં જણાવ્યું કે, અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના અવસરે ભોજ ગામમાં ભગવાન રામને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે PSI, પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડ, GRDના કુલ 22 જવાનો બંદોબસ્તમાં હાજર હતા. 

    - Advertisement -

    શોભાયાત્રા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બની ઘટના

    અગાઉથી કરવામાં આવેલા આયોજન મુજબ બપોરે 2 કલાકે આ યાત્રા ભોજ ગામના રામજી મંદિરેથી નીકળી હતી અને તેમાં હિંદુ સમુદાયના લગબહગ 500થી 700 વ્યક્તિઓ હાજર હતા. યાત્રામાં 3 ડી.જેનાં વાહનો પણ સામેલ હતાં. યાત્રા નીકળીને બપોરે લગભગ 3:35 વાગ્યાના અરસામાં ગામની નગીના મસ્જિદની સામે આવી પહોંચી હતી. આ સમયે શોભાયાત્રાના આયોજકોએ ડી. જે બંધ કરાવી દીધું હતું અને યાત્રા આગળ વધારી દીધી હતી. 

    FIR અનુસાર, બરાબર આ જ સમયે ભોજમાં આવેલી નગીના મસ્જિદની સામેની ગલીમાંથી મુસ્લિમોનું ટોળું એકસંપ થઈને હાથમાં પથ્થરો લઈને આવી પહોંચ્યો હતું અને તેઓ ‘આજે તો બે-ચાર હિન્દુડાઓને ઓછા કરી જ નાખવા છે એટલે ફરી આવાં ધતિંગ કરે નહીં’; ‘’જેટલા હિન્દુડા હાથમાં આવે તેને મારી નાખો’; ‘આજે આ લોકોને જીવતા નથી છોડવા..’ જેવી રાડો પાડતા હુમલો કરવા માટે યાત્રા તરફ આગળ વધતા હતા.

    તસવીર- FIRની નકલ

    પોલીસની વાત પણ ન માનતાં આખરે લાઠીચાર્જ કરીને ભગાડ્યા

    આ પ્રકારની બૂમો સાંભળતાં જ શોભાયાત્રામાં સામેલ લોકો ગભરાય ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ મુસ્લિમ ટોળાએ શોભાયાત્રામાં સામેલ માણસોને મારી નાખવાના ઇરાદે તેમની ઉપર પથ્થર અને ઈંટ ફેંક્યા હતા, જેના કારણે અમુકને ઈજા પણ પહોંચી હતી. 

    પોલીસે ફરિયાદમાં જણાવ્યું છે કે, મુસ્લિમ ટોળાના માણસો બીભત્સ ગાળો બોલતા-બોલતા શોભાયાત્રા તરફ ધસી આવ્યા હતા અને સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ રોકવા છતાં તેમની વાત ન માની હતી. આખરે શોભાયાત્રામાં સામેલ લોકોનું રક્ષણ કરવું જરૂરી લાગતાં પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો અને હુમલાખોર ટોળાને વિખેરી નાખ્યું હતું. પોલીસે બળપ્રયોગ કરતા હુમલો કરનારાઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. 

    આ હુમલામાં કુલ 8 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાંથી 6 મહિલાઓ છે. જ્યારે વડુ પોલીસ મથકના કોન્સ્ટેબલને પણ ઈજા પહોંચી હતી. તમામને પછીથી સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

    હિંદુઓએ લગાવેલા ભગવા ઝંડા પણ બે દિવસ પહેલાં હટાવી દેવાયા હતા

    આ ઉપરાંત, FIRમાં અન્ય એક બાબતનો ઉલ્લેખ પણ જોવા મળે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શોભાયાત્રા અગાઉ હિંદુઓએ તેના રૂટ પર ભગવા ઝંડા લગાવ્યા હતા, પરંતુ તે ગત 18 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે કાઢીને ફેંકી દેવામાં આવ્યા હતા. જેને લઈને યાત્રાના આયોજકોએ પછીથી વડુ પોલીસ મથકે અરજી આપી હતી. 

    સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 120B, 143, 144, 147, 148, 149, 152, 153A, 295A, 323, 332, 324, 307, 427, 294(b), 505(2), 505(3) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 13 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જ્યારે બાકીનાની શોધખોળ હાલ ચાલી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં