Wednesday, September 11, 2024
More
    હોમપેજગુજરાતમહેસાણાના ખેરાલુમાં રામયાત્રા પર પથ્થરમારો, મસ્જિદ નજીક ઘટના બની હોવાનું હિંદુ સંગઠનોએ...

    મહેસાણાના ખેરાલુમાં રામયાત્રા પર પથ્થરમારો, મસ્જિદ નજીક ઘટના બની હોવાનું હિંદુ સંગઠનોએ જણાવ્યું: પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો

    આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં યાત્રામાં સામેલ લોકોનું ટોળું ઊભેલું જોવા મળે છે. નજીકમાં પોલીસની જીપ પણ દેખાય છે. નજીકમાં એક ઇમારતના ધાબા પરથી અમુક મહિલાઓ અને યુવકો પથ્થરો ફેંકતાં જોવા મળે છે.

    - Advertisement -

    મહેસાણાના ખેરાલુમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અગાઉ આયોજિત ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના નગરના હાટડીયા વિસ્તારમાં બની હતી. યાત્રા એક મસ્જિદ પાસે પહોંચી ત્યારે તેની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું હિંદુ સંગઠનોનું કહેવું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે.

    આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં યાત્રામાં સામેલ લોકોનું ટોળું ઊભેલું જોવા મળે છે. નજીકમાં પોલીસની જીપ પણ દેખાય છે. નજીકમાં એક ઇમારતના ધાબા પરથી અમુક મહિલાઓ અને યુવકો પથ્થરો ફેંકતાં જોવા મળે છે. થોડા જ સમયમાં મહિલાઓ ત્યાંથી હટી જાય છે અને કેટલાક અન્ય યુવકો હાથમાં બોથડ પદાર્થ લઈને આવે છે. તેઓ પણ યાત્રા પર પથ્થર વરસાવી રહ્યા છે. નીચે ઉભેલા લોકોમાં અફરાતફરી જોવા મળી રહી છે.

    ઑપઇન્ડિયા સાથે વાતચીતમાં પોલીસે ઘટનાની પુષ્ટિ કરી

    ઘટના બાદ ખેરાલુ પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ટીયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ ખેરાલુ પોલીસ તેમજ LCB અને SOGનો સ્ટાફ તેમજ જિલ્લા પોલીસવડા વગેરે ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ખેરાલુ પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે.

    - Advertisement -

    મસ્જિદ પાસે પહોંચતાં જ પથ્થરો વરસવાના શરૂ થઈ ગયા: હિંદુ સંગઠનો

    મળતી માહિતી અનુસાર, 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો સહિત મહિલાઓ અને બાળકો જોડાયાં હતાં. દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેરાલુ પોલીસ પણ બંદોબસ્ત માટે યાત્રા સાથે જોડાઈ હતી. યાત્રા હાટડીયા વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે પહોંચતાં જ મુસ્લિમ મહોલ્લામાંથી પથ્થર વરસવાનું શરૂ થઇ ગયું હતું.

    આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાએ વિસનગર બજરંગ દળના સંયોજક પ્રતિક દવેનો સંપર્ક સાધ્યો હતો. તેમણે ઘટના વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, “હાલ ખેરાલુમાં ભરેલા અગ્નિ જેવો માહોલ છે. ભગવાન રામના આવવાની ખુશીમાં ખેરાલુના હિંદુઓએ એક શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. આ શોભાયાત્રા મુસ્લિમ વસ્તી ધરાવતા હાટડીયા વિસ્તાર પાસેથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન મસ્જિદ પાસે પહોંચતાં જ આ ઘટના ઘટી હતી. આ પહેલાં પણ અહીં આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે. પથ્થરમારો કરનાર લોકોમાં મહિલાઓ પણ હતી. તેમને પોલીસનો ડર જ ન હોય તેમ પોલીસની હાજરીમાં યાત્રા પર પથ્થરમારો કર્યો હતો.”

    બજરંગ દળના એક કાર્યકર્તાએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, “યાત્રા શાંતિપૂર્વક પસાર થઇ રહી હતી. હાટડીયા વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસે પહોંચતાં જ પાછળના ધાબા પરથી મહિલાઓ અને પુરુષોના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો. યાત્રામાં 2 ટ્રેકટરમાં મહિલાઓ બેઠી હતી. અચાનક હુમલો થતાં અફરાતફરી મચી જવા પામી હતી. યાત્રામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. હાજર પોલીસ પણ કશું સમજે તે પહેલાં પથ્થર વરસવાના શરૂ થઇ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં