Wednesday, January 15, 2025
More
    હોમપેજદેશ2 યુદ્ધજહાજ, 1 સબમરીન….સેના દિવસે રાષ્ટ્રને સમર્પિત: વાંચો INS સુરત, INS નીલગિરી...

    2 યુદ્ધજહાજ, 1 સબમરીન….સેના દિવસે રાષ્ટ્રને સમર્પિત: વાંચો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીર વિશે, કેમ ‘ગેમ ચેન્જર’ સાબિત થશે આ શસ્ત્રો?

    સબમરીનનું નિર્માણ ફ્રાન્સના નેવી ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સબમરીન નવીનતમ ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેના કારણે દુશ્મનો માટે પાણીની અંદર તેની સામે લડવું લગભગ અશક્ય છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બુધવારે (15 જાન્યુઆરી) મહારાષ્ટ્રની (Maharashtra) મુલાકાત લીધી. અહીં રાષ્ટ્રીય સેના દિવસના અવસર પર તેમણે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ભારતીય નૌકાદળનાં 2 ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો- INS સુરત (INS Surat), INS નીલગિરી (INS Nilgiri) અને એક સબમરીન INS વાઘશીર (INS Vaghsheer)- રાષ્ટ્રને સમર્પિત કર્યાં.

    એક દિવસ પહેલાં PM મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “આવતીકાલે, 15 જાન્યુઆરી આપણી નૌકાદળ ક્ષમતાઓ માટે એક વિશેષ દિવસ બનવા જઈ રહ્યો છે. ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળનાં લડાયક જહાજોનો સમાવેશ થવાથી સંરક્ષણમાં ‘ગ્લોબલ લીડર’ બનવાના આપણા પ્રયાસોને વેગ મળશે અને આત્મનિર્ભરતા તરફ આપણી ગતિ વધુ વેગવાન બનાવશે.”

    આ ત્રણેય યુદ્ધપોત સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં છે. તમામનું નિર્માણ માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ ખાતે થયું. INS સુરત એક સ્ટીલ્થ ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર છે. INS નીલગિરી એ પ્રોજેક્ટ 17Aનું પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ છે. જ્યારે INS વાઘશીર એક સ્કોર્પિયન-ક્લાસ સબમરીન છે. ત્રણેય વિશે વિગતવાર માહિતી મેળવીએ.

    - Advertisement -

    સ્ટીલ્થ ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર- INS સુરત

    INS સુરત એ ભારતીય નૌકાદળના પ્રોજેકટ 15B હેઠળ બનાવવામાં આવેલ ચોથું અને છેલ્લું સ્ટીલ્થ ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. 7 નવેમ્બર, 2019ના રોજ INS સુરતના નિર્માણનો આરંભ કરાયો હતો અને 17 મે 2022ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ યુદ્ધજહાજમાં અદ્યતન રડાર સિસ્ટમ અને સ્ટીલ્થ ફિચર્સ છે, જે દુશ્મન પર ઘાતક હુમલા કરવાની ક્ષમતા પૂરી પાડે છે.

    વિશ્વના સૌથી ખતરનાક યુદ્ધજહાજોમાં સામેલ થયેલું આ INS સુરત સ્વદેશી સ્ટીલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. તે માઝગાંવ ડોક લિમિટેડ (MDL) ખાતે બનાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે દેશમાં અત્યાર સુધી બનેલાં તમામ યુદ્ધ જહાજોમાં આ સૌથી ઓછા સમયમાં પૂર્ણ થયેલું જહાજ છે. તેનું નામ ગુજરાતની વ્યાપારી રાજધાની અને મુંબઈ પછી પશ્ચિમ ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું વ્યાપારી કેન્દ્ર સુરત પરથી રાખવામાં આવ્યું છે.

    INS સુરત 7,400 ટનના ડિસપ્લેસમેન્ટની સાથે 164 મીટર લંબાઈ ધરાવે છે. INS સુરતને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે દુશ્મનનું રડાર તેને ટ્રેક કરી શકશે નહીં. તે સર્ફેસ ટુ સર્ફેસ પ્રહાર કરતી મિસાઇલોથી સજ્જ છે. ઉપરાંત તેમાં વર્ટિકલ સર્ફેસથી હવામાં પ્રહાર કરનારાં બે લૉન્ચર છે. દરેક લૉન્ચરમાંથી 16 મિસાઇલો છોડી શકાય છે.

    ઉપરાંત INS સુરત બ્રહ્મોસ એન્ટી-શિપ મિસાઇલ સિસ્ટમથી પણ સજ્જ છે. જેની મદદથી એક સમયે 16 બ્રહ્મોસ મિસાઇલો છોડી શકાય છે. સબમરીનનો નાશ કરવા માટે રોકેટ લૉન્ચર અને ટોર્પિડો લૉન્ચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં રેલ લેસ હેલિકોપ્ટર ટ્રાવર્સિંગ જેવી આધુનિક સિસ્ટમો પણ લગાવવામાં આવી છે, જેથી ખરાબ હવામાનમાં પણ હેલિકોપ્ટરને કોઈ નુકસાન ન થાય.

    પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ: INS નીલગિરી

    INS નીલગિરી એ ભારતીય નૌકાદળના પ્રોજેકટ 17A હેઠળનું પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે દરિયાઈ સુરક્ષાને નવી દિશા આપશે. તેને 28 ડિસેમ્બર 2017ના રોજ તેનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું અને 28 સપ્ટેમ્બર 2019ના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. તેને ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ફ્રિગેટ એટલે સેનાનું એવું નાનું જહાજ, જે અન્ય મોટાં જહાજો સાથે તેમની સુરક્ષા માટે મોકલવામાં આવે છે.

    INS નીલગિરી 6,670 ટન વજન અને 149 મીટર લંબાઈ ધરાવતી સ્ટીલ્થ ફ્રિગેટ છે. ભારતે બ્લુ વોટર ઑપરેશન માટે INS નીલગિરી તૈયાર કર્યું છે. તેને ઉન્નત ક્ષમતા, લાંબી દરિયાઈ યોગ્યતા અને અદ્યતન સ્ટીલ્થ સુવિધાઓ સાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. તે સ્વદેશી ફ્રિગેટ્સની આગલી પેઢીનું પ્રતિનિધિત્વ કરશે.

    INS નીલગિરી દુશ્મનના જમીની લક્ષ્યો તેમજ સમુદ્રમાં પાણીની અંદર સબમરીનને નિશાન બનાવી શકે છે. INS નીલગિરીને દુશ્મનની નજરથી બચી શકે તે માટે ખાસ કરીને રડાર સિગ્નેચર ઘટાડવા માટે બનાવવામાં આવ્યું છે. INS નીલગિરિ દુશ્મનોના મોત સમાન છે. તેની ગતિ 30 કિમી પ્રતિ કલાક છે. તે એર ડિફેન્સ ગન અને 8 લાંબા અંતરની સર્ફેસ ટુ એર પ્રહાર કરતી મિસાઇલોથી સજ્જ છે.

    ENS નીલગિરી એન્ટી-સર્ફેસ અને એન્ટી શીપ વોરફેર માટે બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે. તે એન્ટી સબમરીન યુદ્ધ માટે વરુણાસ્ત્ર, એન્ટી-સબમરીન રોકેટ લોન્ચરથી સજ્જ છે. INS નીલગિરીમાં બે હેલિકોપ્ટર ઉતરી શકે છે. ઉપરાંત તે મલ્ટી ફંક્શન ડિજિટલ રડારથી સજ્જ છે. ઉપરાંત તેમાં સુપરસોનિક સર્ફેસ ટુ નોર્મલ સર્ફેસ અને મધ્યમ રેન્જ સર્ફેસથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલો તૈનાત કરવામાં આવી છે.

    સ્કોર્પિન-ક્લાસની છઠ્ઠી સબમરીન INS વાઘશીર

    INS વાઘશીર એ ભારતીય નૌકાદળના સ્કોર્પિન-ક્લાસ પ્રોજેકટ 75 હેઠળ નિર્માણ કરવામાં આવી છે. INS વાઘશીર પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરેલી છઠ્ઠી અને છેલ્લી ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીન છે. વાઘશીરનું નામ હિંદ મહાસાગરમાં જોવા મળતી રેતીની માછલી પરથી રાખવામાં આવ્યું છે. જેને ડીપ સી પ્રીડીયેટર (ઊંડા સમુદ્રનો શિકારી) તરીકે પણ ઓળખવામાં આવે છે.

    નોંધનીય છે કે આ સબમરીનનું નિર્માણ ફ્રાન્સના નેવી ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યું છે. આ સબમરીન નવીનતમ ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેના કારણે દુશ્મનો માટે પાણીની અંદર તેની સામે લડવું લગભગ અશક્ય છે. તે દુશ્મન વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના અવાજ વિના તેનું મિશન પાર પાડી શકે છે.

    ઉપરાંત તેને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તે છુપી રીતે તેના ટાર્ગેટ વીંધી શકે છે. INS વાઘશીર 67 મીટર લાંબી, 40 ફૂટ ઉંચી અને 1,550 ટનની સબમરીન છે. ભવિષ્યમાં તેમાં એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટેક્નોલોજી ઉમેરવાની સંભાવના છે જે તેની ક્ષમતામાં વધુ વધારો કરશે. પાણીની અંદર તેની ગતિ 35 કિમી પ્રતિ કલાક અને પાણીની સપાટી પર તે 20 કિમી પ્રતિ કલાક છે.

    આ સબમરીન ટોર્પિડો અને એન્ટી-શિપ મિસાઇલોથી ચોક્કસ હુમલા કરવામાં નિપુણ છે. નોંધનીય છે કે INS- વાઘશીર એન્ટી-ટોર્પિડો કાઉન્ટરમેઝર સિસ્ટમથી પણ સજ્જ છે. આ સબમરીન એકસાથે 18 ટોર્પિડો અથવા એન્ટી-શિપ મિસાઇલ લોડ કરી શકે છે અને 30થી વધુ માઇન્સથી સજ્જ છે. આ સબમરીન એન્ટી સર્ફેસ અને એન્ટી સબમરીન ઓપરેશન કરવામાં નિપુણ છે.

    ખલાસી-મહિલા અધિકારીઓ માટે વિશેષ સુવિધાઓ

    આ યુદ્ધ જહાજો અને સબમરીનમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓ માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતીય નૌકાદળમાં સમાનતાને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પગલું ભારતીય નૌકાદળમાં મહિલાઓની ભાગીદારીને પણ પ્રોત્સાહિત કરે છે.

    INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીરના સામેલ થવાથી ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક તાકાતમાં નોંધપાત્ર વધારો થશે. આ યુદ્ધજહાજો અને સબમરીન ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરશે. સાથે વૈશ્વિક સ્તરે ભારતીય નૌસેનાની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવશે. આ અદ્ભુત શક્તિઓ ભારતના દુશ્મનો પર હાવી થવા માટે તૈયાર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં