હોમપેજદેશ6 વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે ફરી શરૂ થયો સરહદી વેપાર: જાણો શું...

6 વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે ફરી શરૂ થયો સરહદી વેપાર: જાણો શું છે શિપકી લા પાસ, કેમ મહત્વનો છે આ માર્ગ અને કઈ વસ્તુઓનો થાય છે વેપાર

શિપકી લા સહિતના પરંપરાગત વેપાર માર્ગો ફરી ખુલવા સાથે માત્ર છ વર્ષથી અટકેલો વેપાર જ શરૂ થયો નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં વસતા લોકો માટે નવી આશાઓ પણ જાગી છે. જોકે આ વેપાર હજુ પણ સંપૂર્ણપણે નિયંત્રિત વ્યવસ્થા હેઠળ જ રહેશે અને તેમાં માત્ર અધિકૃત સ્થાનિક વેપારીઓને જ ભાગ લેવાની મંજૂરી મળશે.

- Advertisement -

કોરોના મહામારી, ત્યારબાદ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે સર્જાયેલો સૈન્ય તણાવ અને લગભગ છ વર્ષ સુધી બંધ રહેલી સરહદી લેવડદેવડ બાદ હવે ભારત અને ચીન વચ્ચેનો પરંપરાગત સરહદી વેપાર ફરી શરૂ થયો છે. હિમાચલ પ્રદેશના ઐતિહાસિક શિપકી લા પાસ મારફતે વેપારને ફરી મંજૂરી મળતા સદીઓ જૂના સિલ્ક રૂટનો એક મહત્વનો અધ્યાય પણ ફરી ખુલ્યો છે. ઉત્તરાખંડના લિપુલેખ અને સિક્કિમના નાથુ લા જેવા અન્ય પરંપરાગત માર્ગો પર પણ સરહદી વેપાર ફરી શરૂ થવાની પ્રક્રિયા આગળ વધી રહી છે.

હિમાલયની દુર્ગમ પહાડીઓ વચ્ચેથી પસાર થતા આ માર્ગો માત્ર માલસામાનની આપ-લે માટે જ જાણીતા નથી. તેઓ ઇતિહાસ, સંસ્કૃતિ, સ્થાનિક જનજાતિઓની આજીવિકા, સરહદી સુરક્ષા અને ભારત-ચીન સંબંધો સાથે પણ ગાઢ રીતે જોડાયેલા છે. આખરે શિપકી લા પાસ શું છે, ભારત-ચીન સરહદી વેપારનો ઇતિહાસ કેટલો જૂનો છે, તે વર્ષો સુધી કેમ બંધ રહ્યો અને હવે ફરી શરૂ થવાનું મહત્વ શું છે.

સદીઓ જૂનો છે વેપારનો ઇતિહાસ

ભારત અને ચીન વચ્ચે આજે જે સરહદી વેપારની વાત થાય છે, તેની શરૂઆત આધુનિક સમયની નથી. હકીકતમાં આ વેપાર સદીઓથી ભારત અને તિબેટ વચ્ચે ચાલતા પરંપરાગત વેપારનું જ વિસ્તૃત સ્વરૂપ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમના સરહદી વિસ્તારોમાં રહેતા સ્થાનિક જનજાતિ સમુદાયો વર્ષોથી તિબેટ સાથે ઊન, મીઠું, જડીબુટ્ટીઓ, કૃષિ ઉત્પાદનો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની આપ-લે કરતા આવ્યા હતા.

- Advertisement -

તે સમયના વેપારીઓ માટે આ માર્ગો માત્ર વ્યવસાયનો રસ્તો નહોતા, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક સંપર્કનું પણ માધ્યમ હતા. હિમાલય પાર કરતા કાફલાઓ દ્વારા થતો આ વેપાર જ પ્રાચીન સિલ્ક રૂટના અનેક મહત્વના ભાગોમાંનો એક માનવામાં આવે છે. જોકે હાલ તિબેટ પર ચીનનો કબજો છે એટલે વેપાર પણ ચીન સુધી વિસ્તર્યો છે.

પંચશીલ કરાર પછી વેપારને મળ્યું સત્તાવાર સ્વરૂપ

ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ બંને દેશો વચ્ચેના આ પરંપરાગત વેપારને કાયદેસર અને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે વર્ષ 1954માં ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર થયો હતો. આ કરાર હેઠળ હિમાચલ પ્રદેશનો શિપકી લા પાસ, ઉત્તરાખંડનો લિપુલેખ પાસ અને સિક્કિમનો નાથુ લા પાસ સરહદી વેપાર માટે સત્તાવાર કેન્દ્ર તરીકે સ્વીકારવામાં આવ્યાં.

આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ સરહદી વિસ્તારોમાં વસતા સ્થાનિક જનજાતિ સમુદાયોની જીવનજરૂરિયાતો પૂરી કરવો અને તેમને રોજગારના વધારાના અવસર ઉપલબ્ધ કરાવવાનો હતો. બંને દેશો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસોમાં પણ આ વ્યવસ્થા મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી.

પંચશીલ કરાર બાદ શરૂ થયેલો આ વેપાર લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં સમગ્ર સરહદી વ્યવસ્થા ખોરવાઈ ગઈ. સુરક્ષા કારણોસર ભારતે પોતાના ઉત્તરીય સરહદી વિસ્તારોમાં કડક નિયંત્રણો લાગુ કર્યા અને સરહદી વેપાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો.

તે પછી દાયકાઓ સુધી આ માર્ગો પર કોઈ સત્તાવાર વેપાર થયો નહીં. સરહદો સૈન્ય દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ બની ગઈ અને સ્થાનિક વેપારીઓની સદીઓ જૂની પરંપરા અચાનક થંભી ગઈ.

પછી ફરી કેવી રીતે શરૂ થયો વેપાર?

ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં ધીમે-ધીમે સુધારો થતાં ફરી સરહદી વેપાર શરૂ કરવા અંગે ચર્ચાઓ શરૂ થઈ. બંને દેશો વચ્ચે 13 ડિસેમ્બર, 1991ના રોજ સરહદી વેપાર પુનઃ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ કરાર થયો.

ત્યારબાદ તબક્કાવાર વિવિધ વેપાર માર્ગો ફરી ખુલવા લાગ્યા. વર્ષ 1992માં ઉત્તરાખંડનો લિપુલેખ પાસ વેપાર માટે ખુલ્યો. ત્યારબાદ 1994માં હિમાચલ પ્રદેશનો શિપકી લા પાસ ફરી કાર્યરત બન્યો. સૌથી અંતે વર્ષ 2006માં સિક્કિમનો નાથુ લા પાસ પણ વેપાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.

આ પછી લગભગ દોઢ દાયકા સુધી આ વેપાર મોસમી ધોરણે નિયમિત ચાલતો રહ્યો. દર વર્ષે નિર્ધારિત સમયગાળા દરમિયાન સ્થાનિક નોંધાયેલા વેપારીઓને વેપાર કરવાની મંજૂરી આપવામાં આવતી હતી.

ફરી કેમ બંધ થયો?

વર્ષ 2019ના અંતમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાતાં આંતરરાષ્ટ્રીય સરહદો પર કડક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા. જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ભારત-ચીન સરહદી વેપાર પણ સ્થગિત કરવામાં આવ્યો.

હજુ કોરોનાની અસર સંપૂર્ણપણે ઓછી થઈ નહોતી ત્યાં જ મે-જૂન 2020 દરમિયાન પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગંભીર અથડામણ થઈ. બંને દેશો વચ્ચે સરહદ પર ભારે સૈન્ય તહેનાની વધી ગઈ અને સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને સરહદી વેપારની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી.

ગલવાન બાદ ભારત-ચીન સંબંધોમાં આવેલા તણાવના કારણે શિપકી લા, લિપુલેખ અને નાથુ લા સહિતના પરંપરાગત વેપાર માર્ગો લગભગ છ વર્ષ સુધી બંધ રહ્યા.

હવે ફરી શરૂ થયો વેપાર

છ વર્ષ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક તબક્કાની રાજદ્વારી ચર્ચાઓ, સરહદી બેઠકો અને સુરક્ષા સંબંધિત સમીક્ષાઓ થઈ. ત્યારબાદ સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને ફરી નિયંત્રિત રીતે વેપાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

વેપાર ફરી શરૂ થવાથી સરહદી વિસ્તારોમાં રહેતા સ્થાનિક વેપારીઓ અને જનજાતિ સમુદાયોને ફરી રોજગારનો મહત્વપૂર્ણ સ્ત્રોત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વેપાર હજુ પણ કડક નિયમો અને મર્યાદિત સમયગાળા હેઠળ જ થશે.

શું સામાન્ય લોકો અહીં વેપાર કરી શકે?

ઘણા લોકોના મનમાં સવાલ થાય કે જો સરહદી વેપાર શરૂ થયો છે તો શું કોઈપણ વેપારી અથવા સામાન્ય નાગરિક આ માર્ગોનો ઉપયોગ કરી શકે? જવાબ છે- ના. ભારત-ચીન સરહદી વેપાર સામાન્ય આંતરરાષ્ટ્રીય વેપાર જેવો નથી. આ એક વિશેષ અને નિયંત્રિત સરહદી વેપાર વ્યવસ્થા છે, જેમાં માત્ર સરહદી જિલ્લાઓના નોંધાયેલા સ્થાનિક વેપારીઓને જ ભાગ લેવાની મંજૂરી હોય છે.

ઉદાહરણ તરીકે હિમાચલ પ્રદેશના કિન્નૌર, ઉત્તરાખંડના પિથોરાગઢ અથવા અન્ય સંબંધિત સરહદી વિસ્તારોમાં રહેતા લોકો જ વેપાર માટે અરજી કરી શકે છે. તેમની સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિગતવાર પૃષ્ઠભૂમિ ચકાસણી કરવામાં આવે છે. સુરક્ષા મંજૂરી મળ્યા બાદ જ તેમને વેપાર માટે વિશેષ પાસ આપવામાં આવે છે.

આ સમગ્ર વ્યવસ્થા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જો આ માર્ગો દરેક માટે ખુલ્લા મૂકી દેવામાં આવે તો ઘૂસણખોરી, દાણચોરી, ગેરકાયદે નેટવર્ક અને સંવેદનશીલ સૈન્ય વિસ્તારોમાં જાસૂસી જેવા જોખમો વધી શકે છે.

કઈ વસ્તુઓનો વેપાર થાય છે?

આ સરહદી વેપારની સૌથી રસપ્રદ બાબતોમાંની એક એ છે કે અહીં આધુનિક ઉદ્યોગોમાં વપરાતા ભારે મશીનો, ઇલેક્ટ્રોનિક્સ, વાહનો અથવા મોટા ઔદ્યોગિક ઉત્પાદનોની આપ-લે થતી નથી. ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) અને ચીનના સંબંધિત સત્તાધિકારીઓ પરસ્પર સંમતિથી વેપાર માટે મંજૂર વસ્તુઓની યાદી નક્કી કરે છે.

ભારત તરફથી સ્થાનિક હસ્તકલા, હાથવણાટનાં કાપડ, પરંપરાગત મસાલા, ગોળ, સૂકા મેવા, ચોખા, વનસ્પતિ તેલ, ચા, કૉફી, તાંબા અને કાંસાના વાસણો, તૈયાર કપડાં તેમજ પહાડી વિસ્તારોમાં મળતી કેટલીક ઔષધીય વનસ્પતિઓ જેવી વસ્તુઓ નિકાસ કરવામાં આવે છે.

બીજી તરફ તિબેટના બજારોમાંથી મુખ્યત્વે પરંપરાગત કાચો માલ અને સ્થાનિક ઉત્પાદનો ભારત આવે છે. વેપાર માત્ર પૂર્વનિર્ધારિત યાદીમાં સમાવિષ્ટ વસ્તુઓ સુધી જ મર્યાદિત રહે છે. મંજૂર યાદી બહારની કોઈ વસ્તુની આપ-લે કાયદેસર ગણાતી નથી.

આ વેપારનું મહત્વ માત્ર અર્થતંત્ર પૂરતું નથી

ભારત અને ચીન વચ્ચે થતો કુલ વેપાર અબજો ડૉલરનો છે. તેની સરખામણીએ આ સરહદી વેપારનું આર્થિક મૂલ્ય કદાચ નાનું લાગે, પરંતુ તેનું સામાજિક અને વ્યૂહાત્મક મહત્વ ઘણું મોટું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમના સરહદી વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વેપાર આવકનું મહત્વપૂર્ણ સાધન છે. કઠોર હવામાન અને મર્યાદિત રોજગારીના વિકલ્પો વચ્ચે દર વર્ષે થોડા મહિનાનો આ વેપાર અનેક પરિવારો માટે આર્થિક આધાર બની રહે છે.

સાથે જ સરહદી વિસ્તારોમાં સ્થાનિક વસતિ મજબૂત રહેવી પણ દેશની સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી એક તરફ ભારત સરકાર સરહદી વિસ્તારોમાં માર્ગો, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ વિકસાવી રહી છે તો બીજી તરફ પરંપરાગત વેપાર માર્ગોને પણ નિયંત્રિત રીતે ફરી કાર્યરત બનાવી રહી છે.

શિપકી લા સહિતના પરંપરાગત વેપાર માર્ગો ફરી ખુલવા સાથે માત્ર છ વર્ષથી અટકેલો વેપાર જ શરૂ થયો નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં વસતા લોકો માટે નવી આશાઓ પણ જાગી છે. જોકે આ વેપાર હજુ પણ સંપૂર્ણપણે નિયંત્રિત વ્યવસ્થા હેઠળ જ રહેશે અને તેમાં માત્ર અધિકૃત સ્થાનિક વેપારીઓને જ ભાગ લેવાની મંજૂરી મળશે. તેમ છતાં સદીઓ જૂની આ પરંપરાનો ફરી આરંભ ભારત-ચીન સરહદી વિસ્તારો માટે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં