શું તમે ક્યારેય વિચાર્યું છે કે નકશા પર દોરેલી કેટલીક રેખાઓ કોઈ દેશનું નસીબ અને આખી દુનિયાનું ભૂગોળ કેવી રીતે બદલી શકે છે? ફેબ્રુઆરી 2026. આ તારીખ નોંધી રાખજો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની ધરતી પર પગ મૂકે છે અને જેરૂસલેમથી એક એવા સમાચાર બહાર આવે છે જે ઇસ્લામાબાદથી લઈને બેઇજિંગ અને તેહરાન સુધી ફફડાટ મચાવી દે છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ એક શબ્દનો પ્રયોગ કરે છે —‘હેક્સાગોન એલાયન્સ’ (Hexagon Alliance).
એક એવું ગઠબંધન જેના કેન્દ્રમાં ભારત છે. પરંતુ આ કોઈ સામાન્ય મિત્રતા નથી. આ જવાબ છે 2025ના એ લોહિયાળ મંજરનો, જ્યારે ભારત-પાકિસ્તાન અને ઇઝરાયેલ-ઈરાન વચ્ચેની મિસાઇલોએ આકાશ કાળું કરી દીધું હતું.
આજના આ વિશ્લેષણમાં આપણે એ ‘સીક્રેટ બ્લૂપ્રિન્ટ’ને ડિકોડ કરીશું જે ભારતને દુનિયાનું ‘Net Security Provider’ બનાવવા જઈ રહ્યું છે. જિયો-પોલિટિક્સની આ રમત હવે આગળના લેવલ પર પહોંચી ગઈ છે.
હેક્સાગોન એલાયન્સનો જન્મ – શા માટે અને કેવી રીતે?
ઇઝરાયેલી કેબિનેટની રવિવારની બેઠકમાં (22 ફેબ્રુઆરી 2026) નેતન્યાહુએ ભારતને એક ‘મહત્વપૂર્ણ આધાર’ એટલે કે એક અત્યંત અનિવાર્ય સ્તંભ ગણાવ્યો. તેમના વિઝન મુજબ આ ‘હેક્સાગોન’ 6 વિસ્તારોને એકબીજા સાથે જોડે છે. પરંતુ સવાલ એ છે કે ઇઝરાયેલને અચાનક આ સુરક્ષા કવચની જરૂર કેમ પડી? અહીં નેતન્યાહુએ બે મોટા જોખમોનો ઉલ્લેખ કર્યો છે:
પ્રથમ: કટ્ટરપંથી શિયા એક્સિસ (ઈરાન, હિઝબુલ્લાહ, હમાસ).
બીજું: ઉભરી રહેલું કટ્ટરપંથી સુન્ની એક્સિસ.
આ બંનેની વચ્ચે ફસાયેલું ઇઝરાયેલ હવે પોતાની સુરક્ષા માટે માત્ર અમેરિકાના ભરોસે રહેવા માંગતું નથી. તેને હવે એક એવી મહાશક્તિની જરૂર છે જેની પાસે મેનપાવર (માનવબળ) પણ હોય, વિશાળ માર્કેટ પણ હોય અને નવી ટેકનોલોજીને અપનાવવાની ભૂખ પણ હોય. અને એ શક્તિ માત્ર ભારત જ છે.
2025નો એ ‘સામરિક વળાંક’ જેણે બધું જ બદલી નાખ્યું
ઇતિહાસ સાક્ષી છે કે મોટા ગઠબંધનો હંમેશા યુદ્ધની કૂખેથી જ જન્મે છે. ‘હેક્સાગોન એલાયન્સ’ પાછળ 2025ની એવી બે ઘટનાઓ જવાબદાર છે, જેણે ભારત અને ઇઝરાયેલની રાતોની ઊંઘ ઉડાવી દીધી હતી.
ઑપરેશન સિંદૂર(મે2025): તમને યાદ હશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ભયાનક સંઘર્ષ ચાલ્યો હતો. ભારતે પહલગામમાં થયેલા આતંકી હુમલાના ગુનેગારોને પાઠ ભણાવવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને વળતો પ્રહાર કર્યો હતો. ભારતે પોતાની સંપ્રભુતા બચાવી અને દુનિયાને સંદેશ આપ્યો કે આજનું ભારત કેટલું બદલાઈ ગયું છે. પરંતુ, આ બધાની વચ્ચે એક કડવું સત્ય પણ સામે આવ્યું અને તે હતું ચીનની ટેકનોલોજી. પાકિસ્તાનના J-10C લડાયક વિમાનો અને PL-15 મિસાઇલોએ આપણી વાયુસેનાને આકરી ટક્કર આપી. આપણને અહેસાસ થયો કે હવે માત્ર પરંપરાગત હથિયારોથી કામ નહીં ચાલે, આપણને જોઈએ છે એક અભેદ્ય સુરક્ષા કવચ.
ઑપરેશન રાઇઝિંગ લાયન(જૂન2025): ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે 12 દિવસનું સીધું યુદ્ધ. ઈરાને 500 બેલેસ્ટિક મિસાઇલો છોડી. ઇઝરાયેલનું ‘આયર્ન ડોમ’ (Iron Dome) સફળ તો રહ્યું, પરંતુ ઈરાને સાબિત કરી દીધું કે તે ઇઝરાયેલના ઘરમાં ઘૂસીને ઘા પહોંચાડી શકે છે.
આ બંને દેશોએ એક જ પાઠ શીખ્યો – દુશ્મન પાસે ચીની અને ઈરાની ટેકનોલોજીનું ઘાતક કોમ્બિનેશન છે. જેનો એકલા હાથે જવાબ આપવો હવે શક્ય નથી.
‘ઇસ્લામિક નાટો’નો ઉદય – ભારતની ઘેરાબંધી?
પરંતુ વાતમાં એક નવો ટ્વિસ્ટ છે. સપ્ટેમ્બર 2025માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાને એક ‘સ્ટ્રેટેજિ કમ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ’(SMDA) પર હસ્તાક્ષર કર્યા. નિષ્ણાતોએ તેને ‘ઇસ્લામિક નાટો’ નામ આપ્યું છે.
- પરમાણુ કવચ: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ઈશારો કર્યો કે તેમના પરમાણુ હથિયારો હવે સાઉદી અરેબિયાના રક્ષણ માટે પણ ઉપલબ્ધ છે.
- ચીની ઘૂસણખોરી: પાકિસ્તાન દ્વારા ચીનના ખતરનાક હથિયારો હવે ગલ્ફ દેશોના બજારોમાં પહોંચી રહ્યા છે.
હવે પરિસ્થિતિ સમજો, એક તરફ ચીન-પાકિસ્તાન-સાઉદી-તૂર્કીનું જોડાણ બની રહ્યું છે તો બીજી તરફ ભારત માટે પોતાનું ‘કાઉન્ટર-બેલેન્સ’(વળતો જવાબ) તૈયાર કરવું અનિવાર્ય હતું. ‘હેક્સાગોન એલાયન્સ’ એ જ વળતો પ્રહાર છે.
હેક્સાગોનના 6 સ્તંભ – કોણ, ક્યાં અને શા માટે?
આ ગઠબંધન માત્ર કાગળ પરનો શેર નથી, પરંતુ તેના દરેક સભ્યની પોતાનો એક ‘Superpower’ છે.
| સ્તંભ (Pillar) | મુખ્ય ખેલાડી | રણનીતિક ભૂમિકા |
| દક્ષિણ એશિયા | ભારત | ગ્લોબલ સાઉથનું નેતૃત્વ, વિશાળ સેના અને આર્થિક ઊંડાણ. |
| પશ્ચિમ એશિયા | ઇઝરાયેલ | કટિંગ-એજ મિલિટરી ટેકનોલોજી, મોસાદનું ગુપ્તચર નેટવર્ક. |
| ભૂમધ્ય સમુદ્ર | ગ્રીસ અને સાયપ્રસ | યુરોપ માટે દરિયાઈ પ્રવેશદ્વાર અને ગેસ પાઈપલાઈનનો માર્ગ. |
| આરબ જગત | UAE | તોતિંગ રોકાણ અને અબ્રાહમ કરારની તાકાત. |
| આફ્રિકા | ઇથિયોપિયા | લાલ સમુદ્રની (Red Sea) સુરક્ષા અને સમુદ્રી ચાંચિયાગીરી પર નિયંત્રણ. |
| પૂર્વ એશિયા | નામ ગુપ્ત | સપ્લાય ચેન અને ચિપ મેન્યુફેક્ચરિંગનો સપોર્ટ. |
આ ચાર્ટ પરથી સ્પષ્ટ સંદેશ મળે છે કે ‘હેક્સાગોન એલાયન્સ’ ખરેખર એક એવી મજબૂત ટીમ છે જ્યાં દરેક ખેલાડીની પોતાની ખાસ ભૂમિકા છે. આમાં ભારત પોતાની વિશાળ અર્થવ્યવસ્થા અને પ્રતિષ્ઠા સાથે ‘લીડર’ની ભૂમિકામાં છે, કારણ કે ભારત માત્ર લશ્કરી શક્તિ નથી, પરંતુ પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે IMECના (ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર) આર્થિક માર્ગ તરીકે પણ કામ કરે છે.
તેવી જ રીતે, ઇઝરાયેલ પોતાની ઘાતક મિસાઇલ ટેકનોલોજી અને જાસૂસી નેટવર્ક (Intelligence) સાથે આ ટીમનો ‘માસ્ટરમાઇન્ડ’ છે. UAE આમાં નાણાકીય વ્યવસ્થા અને સામાન પહોંચાડવાના માર્ગો (Logistics) સંભાળી રહ્યું છે, જ્યારે ગ્રીસ અને સાયપ્રસ યુરોપ માટે દરિયાઈ રસ્તો ખોલે છે. સાથોસાથ ઇથિયોપિયા સમુદ્રમાં જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે અને એક ગુપ્ત એશિયાઈ દેશ ટેકનોલોજીની સપ્લાય ચેનને મજબૂત બનાવે છે.
મિશન સુદર્શન ચક્ર – ભારત બનશે અભેદ્ય
વડા પ્રધાન મોદીની ઇઝરાયેલ મુલાકાતનો સૌથી મોટો ફાયદો 8.6 બિલિયન ડોલરનો(આશરે₹72,000 કરોડ) સંરક્ષણ કરાર છે. પરંતુ આને માત્ર હથિયારોની ખરીદી ન સમજતા, આ વાસ્તવમાં ‘મિશન સુદર્શન ચક્ર’નો પાયો છે. PM મોદીએ લાલ કિલ્લા પરથી જે મિશનની જાહેરાત કરી હતી, તેનો મુખ્ય હેતુ ભારતના આકાશમાં એક એવી અદ્રશ્ય દીવાલ ઊભી કરવાનો છે જેને કોઈ પણ દુશ્મન ભેદી ન શકે.
આમાં ઇઝરાયેલ આપણું સૌથી મોટું ભાગીદાર છે, જે ભારતને એક એવી સ્માર્ટ ડિફેન્સ સિસ્ટમ બનાવવામાં મદદ કરશે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી(AI) ચાલશે અને પલક ઝપકાવતા જ દુશ્મનની મિસાઇલ કે ડ્રોનને હવામાં જ ફૂંકી મારશે.
ભારત હવે ઇઝરાયેલ પાસેથી એવી ‘ટોપ સિક્રેટ’ ટેકનોલોજી મેળવી રહ્યું છે જે ઇઝરાયેલે આજ સુધી તેના સૌથી ખાસ મિત્રોને પણ આપી નથી. આ માત્ર હથિયારોનો સોદો નથી, પરંતુ એક રીતે ટેકનોલોજીની આખી ચાવી ભારતને સોંપવા સમાન છે. આનો અર્થ એ છે કે હવે આ અત્યાધુનિક હથિયારો ભારતની પોતાની ફેક્ટરીઓમાં જ બનશે.
આમાં ત્રણ અદભૂત વસ્તુઓનો સમાવેશ થાય છે:
- આયર્ન બીમ(Iron Beam): આ એક ‘લેઝરગન’ છે. જ્યાં દુશ્મનના ડ્રોનને તોડી પાડવા માટે પહેલાં કરોડો રૂપિયાની મિસાઈલ ખર્ચવી પડતી હતી, હવે માત્ર ₹250-300ની ($3) વીજળી ખર્ચીને દુશ્મનનું કરોડોનું ડ્રોન રાખ થઈ જશે.
- એરો અને ડેવિડસ્લિંગ(Arrow & David’s Sling): આ લાંબા અંતરના એવા શિકારીઓ છે જે ચીન કે પાકિસ્તાન તરફથી આવતી મોટી મોટી મિસાઈલોને રસ્તામાં જ ખતમ કરી દેશે.
- AI નેટવર્ક ગ્રિડ: આ આખા દેશની રક્ષા પ્રણાલી માટે એક ‘સુપરબ્રેઈન’ જેવું છે. હજારો રડાર અને સેન્સર મળીને પલક ઝપકાવતા જ જણાવી દેશે કે ખતરો ક્યાં છે અને પોતે જ તરત એક્શન લેશે.
આર્થિક ગલિયારો અને ‘પેક્સ સિલિકા’ (Pax Silica)
આજના સમયમાં યુદ્ધ માત્ર સરહદો પર જ નહીં, પરંતુ બજારોમાં પણ લડાય છે. હેક્સાગોન એલાયન્સનું આર્થિક એન્જિન છે IMEC (ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર). આ રસ્તો પાકિસ્તાનને બાયપાસ કરીને ભારતને સીધું યુરોપ સાથે જોડે છે.
અને તેની ઉપર એક નવો માસ્ટર સ્ટ્રોક છે— ‘પેક્સ સિલિકા’. 20 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતે અમેરિકાના આ ટેક-ગઠબંધન પર હસ્તાક્ષર કર્યા. આનો મુખ્ય હેતુ શું છે? સેમીકન્ડક્ટર અને AI ની દુનિયામાંથી ચીનની દાદાગીરી ખતમ કરવી.
‘પેક્સ સિલિકા’ વાસ્તવમાં દુનિયાની નવી ‘ટેકનોલોજી આધારિત શાંતિ’નું નામ છે, જેનું નેતૃત્વ અમેરિકા કરી રહ્યું છે અને ભારત તેમાં એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યું છે. તેનો સૌથી મોટો ઉદ્દેશ્ય હાઈ-ટેક દુનિયા, ખાસ કરીને સેમીકન્ડક્ટર (ચિપ્સ), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મહત્વપૂર્ણ ખનિજોની (Critical Minerals) સપ્લાય ચેન પરથી ચીનનો દબદબો નાબૂદ કરવાનો છે.
સરળ શબ્દોમાં કહીએ તો આ લોકશાહી દેશોની એક એવો ‘ડિજિટલ ક્લબ’ છે જે એ સુનિશ્ચિત કરવા માંગે છે કે ભવિષ્યની સૌથી એડવાન્સ ટેકનોલોજી પર કોઈ એક સરમુખત્યાર દેશનો કબજો ન હોય. ભારત માટે આમાં સામેલ થવાનો અર્થ છે— દેશમાં ચિપ બનાવતી મોટી ફેક્ટરીઓનું આગમન, AIના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બનવું અને પોતાની ‘ડિજિટલ સંપ્રભુતા’ને સુરક્ષિત કરવી.
એટલે કે, ઇઝરાયેલની સોફ્ટવેર પાવર અને ભારતની એન્જિનિયરિંગ શક્તિ મળીને એક એવો ‘ડિજિટલ કિલ્લો’ બનાવી રહ્યા છે જેને ભેદવો બેઇજિંગ માટે અશક્ય હશે.
પડકારો અને ‘ગ્રે ઝોન’ – શું બધું જ આટલું સરળ છે?
પરંતુ જેમ બધી ચમકતી વસ્તુ સોનું નથી હોતી, બરાબર તેમ જ હેક્સાગોન એલાયન્સના રસ્તામાં કેટલાક કાંટા પણ છે. જેમ કે:
- ઈરાન ફેક્ટર: ભારતે આ વર્ષે ચાબહાર બંદર માટે બજેટ ફાળવ્યું નથી, જેનાથી ઈરાન અમુક અંશે નારાજ છે. જો આપણે સંપૂર્ણપણે ઇઝરાયેલના પક્ષમાં જઈશું તો શું આપણે આપણો ‘નોર્થ-સાઉથ કોરિડોર’ ગુમાવી દઈશું?
- ICC નેક્સસ: ગ્રીસ અને સાયપ્રસ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના (ICC) સભ્યો છે. ICCએ નેતન્યાહુ વિરુદ્ધ વોરંટ જારી કરેલું છે. આવી સ્થિતિમાં આ દેશો ગઠબંધનની બેઠકો કેવી રીતે યોજશે? આ એક મોટી કાયદાકીય મૂંઝવણ છે.
- મજહબી નેરેટિવ: પાકિસ્તાન આ ગઠબંધનને ‘મુસ્લિમ ઉમ્માહ’ વિરુદ્ધનું કાવતરું ગણાવી રહ્યું છે. ભલે UAE ભારતની સાથે હોય, પરંતુ જમીની સ્તરે કટ્ટરપંથને ભડકાવવો એ પાકિસ્તાનની જૂની રમત છે.
નવું ભારત, નવી વ્યવસ્થા
આ ‘હેક્સાગોન એલાયન્સ’ દર્શાવે છે કે ભારત હવે સ્ટ્રેટેજિક ઓટોનોમીના (વ્યૂહાત્મક સ્વાયત્તતા) ખોળિયામાંથી બહાર નીકળીને સ્ટ્રેટેજિક રિયલિઝમ (વ્યૂહાત્મક વાસ્તવવાદ) તરફ વધી રહ્યું છે. આપણે હવે માત્ર શાંતિની વાતો નથી કરતા, પરંતુ શાંતિને સુરક્ષિત કરવા માટે શક્તિશાળી ગઠબંધન બનાવતા પણ જાણીએ છીએ.
જોકે, આ એલાયન્સ સાથે કેટલાક સવાલો ચોક્કસપણે જોડાયેલા છે. જેમ કે શું ભારત આ ગઠબંધન દ્વારા ચીન અને પાકિસ્તાનના ‘ઇસ્લામિક નાટો’ને માત આપી શકશે? અથવા શું આપણે પશ્ચિમ એશિયાની એ આગમાં કૂદી રહ્યા છીએ જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ હશે?
આ આર્ટીકલ મૂળ હિન્દીમાં લખાયેલો છે, મૂળ આર્ટીકલ વાંચવા અહીં ક્લિક કરો.


