Wednesday, April 1, 2026
More
    Home Blog Page 1032

    ‘સોમનાથમાંથી છોકરીઓને ગાયબ કરી દેવામાં આવતી હતી’ કહેનાર મૌલાના મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ છેવટે સોમનાથ ટ્રસ્ટ હરકતમાં આવ્યું

    ઓલ ઇન્ડિયા ઈમામ એસોસિએશનના સદર મૌલાના મુહમ્મદ સાજીદ રશીદી વિવાદાસ્પદ અને કોમવાદી નિવેદનો આપવા માટે જાણીતા છે. ગયા મહીને તેમણે કરોડો હિદુઓની આસ્થાના પ્રતિક એવા સોમનાથ મંદિર અંગે અભદ્ર ટીપ્પણી કરી હતી. હવે મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

    સોમનાથ મંદિર અને પ્રભાસપાટણમાં આવેલાં તમામ મંદિરોનું સંચાલન કરતાં સોમનાથ ટ્રસ્ટે મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનમાં આધિકારિક રીતે ફરિયાદ નોંધાવી છે. સોમનાથ ટ્રસ્ટ વતી ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ વિધર્મી દ્વારા હિંદુ ધર્મની લાગણીને ધક્કો પહોંચાડવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

    મૌલાનાએ સોમનાથ અંગે એક ન્યુઝ સંસ્થાને આપેલા ઇન્ટરવ્યુમાં સોમનાથ પર ગઝની દ્વારા કરવામાં આવેલા આક્રમણને સાચું ઠેરવ્યું હતું. આ ઉપરાંત મૌલાના મુહમ્મદ સાજીદ રશીદીએ દાવો કર્યો હતો કે ગઝનીએ સોમનાથમાં ખરાબ કામો થતાં હોવાથી આક્રમણ કર્યું હતું. તેમણે આગળ ઉમેર્યું હતું કે સોમનાથ મંદિરમાંથી છોકરીઓને તે સમયે ગાયબ કરી દેવામાં આવતી હોવાની માહિતી પોતાનાં ગુપ્તચરો દ્વારા મળ્યાં બાદ જ ગઝનીએ તેનાં પર આક્રમણ કર્યું હતું.

    મૌલાનાની આ પ્રકારની અભદ્ર ટીપ્પણી બાદ તેમનાં વિરુદ્ધ સમગ્ર ગુજરાતના અને દેશનાં હિંદુ સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આટલું જ નહીં પરંતુ ગુજરાતમાં આવેલાં તળાજામાં હિંદુઓએ ગયા મહિનાના અંતમાં તળાજા પોલીસ સ્ટેશને જઈને મૌલાના મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગણી કરી હતી. પરંતુ પોલીસે તે બાબતે ઇનકાર કરી દેતાં આ તમામે સમગ્ર રાત્રી પોલીસ સ્ટેશનની સામે જ ધરણાં કર્યા હતાં.

    ત્યારબાદ ધરણાં કરનાર તમામને સમજાવીને આ મામલે પોલીસ ઘટતું કરશે તેની ખાતરી આપવામાં આવી હતી. તળાજાની ઘટના બાદ હવે લગભગ દસ દિવસે સોમનાથ ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે અને તેણે મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદની પુષ્ટિ કરતાં પ્રભાસપાટણ પોલીસનાં એક અધિકારીએ કહ્યું છે કે મૌલાના મુહમ્મદ સાજીદ રશીદી વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની ધારા 153(A) તેમજ 295(A) અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

    મૌલાના મુહમ્મદ સાજીદ રાશીદી અગાઉ અયોધ્યામાં બનનાર ભવ્ય રામ મંદિર અંગે પણ આ જ પ્રકારે વિવાદિત ટીપ્પણી કરી ચુક્યા છે. સોમનાથ મામલે હવે પ્રભાસપાટણનાં પોલીસ ઇન્સ્પેક્ટર આગળ તપાસ કરશે.

    પહેલાં જ દિવસે પોતાની ટીમ જાડેજાનાં આક્રમણ સામે ઢળી પડતી ન જોઈ શકનાર ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો

    બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું મહત્વ હવે ધ એશિઝ કરતાં પણ અનેકગણું વધી ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી આ ટેસ્ટ સિરીઝ પર છેલ્લાં ઘણાં વર્ષોથી ટીમ ઇન્ડિયાનું પ્રભુત્વ હવે ઓસ્ટ્રેલિયનોને ખટકી રહ્યું છે. એમાં પણ ગઈકાલે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો દ્વારા પોતાની ટીમ આ સિરીઝમાં ભારતને આરામથી હરાવી દેશે એવા દાવાઓથી સાવ વિરુદ્ધ રવિન્દ્ર જાડેજાનાં આક્રમણ સામે ઢળી પડતાં હવે તેમની હતાશા સાવ સામે આવી ગઈ છે. એક ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલે જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે.

    ગઈકાલે ટેસ્ટ સિરીઝનાં પ્રથમ દિવસે જ રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 177 પર સીમિત કરી દીધું હતું. રવિન્દ્ર જાડેજા લાંબી ઈજા બાદ આ જ ટેસ્ટ મેચથી પુનરાગમન કરી રહ્યાં છે અને આ દરમ્યાન તેમની આંગળીઓમાં હજી પણ દુઃખાવો થઇ રહ્યો છે. આ ઉપરાંત નવા બોલની સીમ પણ કડક હોય છે અને આથી નવા બોલથી સતત બોલિંગ કરવાને લીધે પણ જાડેજાની આંગળીઓમાં ઘા પડી ગયાં હોય એથી પણ તેમણે કોઈ ઓઇન્ટમેન્ટથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હોય એ પણ શક્ય છે.

    ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલે ભારતીય ફાસ્ટ બોલર મુહમ્મદ સિરાજ જ્યારે જાડેજાની દુઃખતી આંગળી પર પેઈન રિલીવર ક્રીમ લગાડી રહ્યો હતો તે ભાગને ટ્વીટ કરીને વિવાદ ઉભો કર્યો હતો. આ ચેનલે જાડેજા પર બોલ ટેમ્પરીંગનો આરોપ મુક્યો હતો. પોતાની ટ્વીટમાં ફોક્સ સ્પોર્ટ્સે લખ્યું છે, “રસપ્રદ. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સ દરમ્યાન એક પ્રશ્નાર્થ ચિન્હ લગાવતી ઘટના જોવા મળી હતી જેનાં પર હવે ચર્ચા શરુ થઇ ગઈ છે.”

    ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને પરણિત હોવા છતાં પોતાની પ્રેમિકાને સેક્સટીંગ કરવાનાં આરોપ હેઠળ ફક્ત કપ્તાનપદ જ નહીં પરંતુ ટીમમાંથી પણ રવાના કરી દેવામાં આવેલા ટીમ પેઇને પણ આ ઘટનાને હવા દેતાં તેને રસપ્રદ ગણાવી હતી. જ્યારે ભારતીય ટીમ તકલીફમાં હોય કે પછી ભારતનાં કોઇપણ ક્રિકેટર પર નાખી દેવાં જેવો આરોપ પણ લાગ્યો હોય ત્યારે કાયમ ગીધની જેમ તૂટી પડતાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ વહેતી ગંગામાં હાથ ધોવાનાં પ્રયાસો કર્યા હતાં.

    વોને પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે, “એ (જાડેજા) પોતાની આંગળી પર શું લગાવી રહ્યો છે? આવું તો ક્યારેય જોવા મળ્યું નથી.”

    મળતાં સમાચાર અનુસાર મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે આ વિવાદનું સંજ્ઞાન લેતાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાને પ્રથમ દિવસની રમત પત્યા બાદ મળવા બોલાવ્યાં હતાં. જ્યાં શર્માએ મેચ રેફરીને જણાવ્યું હતું કે ICCનાં નિયમ અનુસાર બોલ પર કોઈપ્રકારનું ક્રીમ કે ઓઇન્ટમેન્ટ લગાડી શકાતું નથી પરંતુ આંગળી પર લગાડવાની છૂટ હોય છે.

    ઓસ્ટ્રેલિયન બેટર સ્ટિવ સ્મિથે પણ આ ઘટના પર પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે જાડેજાએ પોતાનાં હાથમાં જ્યારે બોલ હતો ત્યારે ક્રીમ લગાડવાની જરૂર ન હતી. તેણે પહેલાં બોલ અમ્પાયરને હવાલે કરવો જોઈતો હતો અને ત્યારબાદ ક્રીમ લગાડવું જોઈતું હતું.

    મજાની વાત એ છે કે જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલે મુક્યા બાદ પણ ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે મેચ રેફરી સમક્ષ અધિકારીક ફરિયાદ નોંધાવી નથી. આમ, ફોક્સ સ્પોર્ટ્સ, ટીમ પેઈન અને માઈકલ વોન દ્વારા એક નાનકડી બાબતે મારવામાં આવેલા કૂદકાઓ વ્યર્થ ગયાં છે.

    હિંદુ મહિલા સાથે લગ્ન કરી ધર્માંતરણ કરવા માટે કર્યું હતું દબાણ, ગાંધીનગરની કોર્ટે આરોપી ઇસ્માઇલ ખાનની જામીન અરજી ફગાવી

    ગાંધીનગરની એક હિંદુ મહિલા સાથે મિત્રતા કેળવીને અમદાવાદ બોલાવીને ધાકધમકી આપીને લગ્ન કર્યા બાદ ધર્માંતરણ માટે દબાણ કરતા ઇસ્માઇલ ખાનની જામીન અરજી ગાંધીનગરની કોર્ટે ફગાવી દીધી છે. 

    આરોપી ઇસ્માઇલની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકારી વકીલોએ કોર્ટ સમક્ષ દલીલ મૂકી હતી કે હાલના સમયમાં યુવતીઓને બળજબરીથી ધર્માંતરણ કરાવવાના અને લલચાવી-ફોસલાવીને બળાત્કાર કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ કિસ્સામાં પણ આરોપીએ પીડિતાની જાનથી મારી નાંખીને, બ્લેકમેલ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરી શારીરિક શોષણ કર્યું હતું. 

    વકીલોએ આગળ દલીલ મૂકી કે તપાસ અને રિમાન્ડ દરમિયાન આરોપી વિરુદ્ધના તમામ પુરાવાઓ મળ્યા હતા અને આરોપીનો ગુનામાં મોટી અને મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. કોર્ટ સમક્ષ એ પણ જણાવવામાં આવ્યું કે, તે રિવોલ્વર રાખે છે અને અગાઉ પીડિતાને ગોળી મારીને મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. ઉપરાંત, ગુનાના અન્ય આરોપીઓ પણ નાસતા ફરતા હોવાથી જેથી તેના જામીન રદ કરવામાં આવવા જોઈએ. 

    દલીલોને ધ્યાને રાખીને ગાંધીનગરની એડિશનલ સેશન્સ જજે આરોપીના જામીન નામંજૂર કરી દીધા હતા. 

    આ મામલો ગત 18 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. ગાંધીનગરના પેથાપુરની એક મહિલાએ ઇસ્માઇલ ખાન અને મૌલાના સહિત 8 ઈસમો સામે ફરિયાદ દાખલ કરાવીને બળજબરીથી લગ્ન કરાવીને ધર્માંતરણ માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

    35 વર્ષીય હિંદુ મહિલાના લગ્ન વરસોડા ગામે કરવામાં આવ્યા હતા. આ લગ્ન થકી મહિલાને ત્રણ સંતાનો પણ હતા પરંતુ લગ્નજીવન બરાબર ચાલતું ન હતું અને પારિવારિક જીવનમાં ઝઘડા થવાના કારણે યુવતી તેની માતાના ઘરે આવી ગઈ હતી. આ દરમિયાન સેક્ટર 26માં આવેલ એક બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ આ મહિલા સાથે પોતાના ‘માનેલા ભાઈ’ ઇસ્માઇલ બાદલ ખાન મલેકનો સંપર્ક કરાવ્યો હતો.

    મહિલાની ફરિયાદ પ્રમાણે તેની અને ઇસ્માઇલની મુલાકાત વધવા લાગી હતી. જેના કારણે તેમનો પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બંધાવવાના કારણે લગ્નજીવનમાં વધુ ખટરાગ પેદા થયો અને અંતે છૂટાછેડાનો વારો આવ્યો હતો. છૂટાછેડા થયા બાદ યુવતીનો જન્મદિવસ આવતા જ મુસ્લિમ યુવકે તેને અમદાવાદ સરપ્રાઈઝ પાર્ટી આપવા માટે બોલાવી હતી અને ત્યારે જ મસ્જિદમાં લઈ જઈને ધાક-ધમકી આપીને લગ્ન કર્યા હતા.

    આ મામલે પેથાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તે જ દિવસે મોડી રાત્રે આરોપી ઇસ્માઇલની ધરપકડ કરી લેવામાં આવતી હતી. 

    ‘ફાઈન આર્ટ્સમાં આ બાબતો બહુ સામાન્ય છે’: MS યુનિવર્સીટીમાં હિંદુ દેવી-દેવતાનાં વાંધાજનક ચિત્રો બનાવનાર વિદ્યાર્થીને હાઇકોર્ટ તરફથી રાહત, યુનિવર્સીટીનો નિર્ણય રદ કર્યો

    મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં હિંદુ દેવી-દેવતાઓનાં આપત્તિજનક ચિત્રો બનાવનાર વિદ્યાર્થીને યુનિવર્સીટીએ બરતરફ કર્યા બાદ તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે હાઇકોર્ટે વિદ્યાર્થીને રાહત આપીને MS યુનિવર્સીટીનો નિર્ણય રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે, તપાસ ગફલતભરી હતી અને તેમાં ઝડપ દાખવવામાં આવી હતી. 

    મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા બરતરફ કરવામાં આવેલા વિદ્યાર્થી કુંદન મહતોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને યુનિવર્સીટીના નિર્ણયને પડકાર્યો હતો અને દલીલ મૂકી હતી કે તેને પોતાનો પક્ષ મૂકવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો. વિદ્યાર્થીના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેનાં ચિત્રો પ્રદર્શનનો ભાગ ન હતાં અને માત્ર પરીક્ષાનો ભાગ હતાં. 

    મામલાની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે, મામલામાં ઝડપી અને ગફલતભરી તપાસ કરવામાં આવી હતી. ફેકલ્ટી સામેની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ આ પગલાં લઇ શકાયાં હોત. તમે એક વિદ્યાર્થીને કઈ રીતે બહાર કરી શકો? પ્રદર્શન જાહેર ન હતું. યુનિવર્સીટી તેને પરીક્ષામાં નાપાસ કરી શકી હોત અને તે અપમાનજનક હોવાનું કારણ અપાયું હોત. આ કોઈ મોટો ગુનો નથી. યુનિવર્સીટીએ તેમની કાર્યવાહી માટે યોગ્ય કારણો આપવાં પડશે.”

    કોર્ટે વિદ્યાર્થીને આવતીકાલથી જ ક્લાસમાં બેસવા માટેની પરવાનગી આપતાં ટિપ્પણી કરી કે, “ગુરુની શું ભૂમિકા હોય છે? શું શાળામાં કોઈ વિદ્યાર્થી ગેરવર્તન કરે તો શિક્ષક તેની આંખ બંધ કરી દે છે? તમારી ફેકલ્ટીના સભ્યોએ મન ખુલ્લાં રાખવાં જોઈએ. ફાઈન આર્ટ્સમાં આવી બધી બાબતો (ચિત્રો) સામાન્ય છે. તમને તો સારી રીતે ખબર હોવી જોઈએ કારણ કે તમારી યુનિવર્સીટી એમએફ હુસૈનના સમયથી પ્રખ્યાત છે.”

    ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં વિવાદિત ચિત્રો બનાવાયાં હતાં, હિંદુ સંગઠનોએ કર્યો હતો વિરોધ

    આ મામલો 5 મે, 2022ના રોજ સામે આવ્યો હતો, જ્યારે વડોદરાની MS યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીની કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી જેમાં પ્રદર્શનમાં હિંદુ દેવી-દેવતાઓનાં વિવાદિત ચિત્રો લગાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ABVP અને હિંદુ સંગઠનોએ હોબાળો મચાવીને તાત્કાલિક પગલાં લેવા માટે આવેદન આપ્યું હતું અને કાર્યવાહી ન થવા પર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. 

    પ્રદર્શનમાં સામેલ ચિત્રો અને આર્ટ વર્ક પૈકી કેટલાંક હિંદુ દેવી-દેવતાઓના કટ આઉટ પણ સામેલ હતાં. જે તૈયાર કરવા માટે ન્યૂઝપેપરના કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હિંદુ દેવી-દેવતાઓનાં કટ-આઉટ બનાવવા માટે જે ન્યૂઝપેપર કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ બળાત્કારની ઘટનાઓના સમાચારવાળા હતા. જેના કારણે સમગ્ર વિવાદ સર્જાયો હતો.

    ત્યારબાદ આ મામલે એક સમિતિની રચના કરવામાં આવી હતી અને જેના રિપોર્ટ બાદ દેવી-દેવતાઓનાં આપત્તિજનક ચિત્રો બનાવનાર કુંદન મહતો નામના વિદ્યાર્થીને MS યુનિવર્સીટીએ બરતરફ કરી દીધો હતો. હવે હાઇકોર્ટે તેને રાહત આપી છે. 

    ટ્વિટરની સબ્સ્ક્રિપ્શન સર્વિસ આખરે ભારતમાં પણ લૉન્ચ કરાઈ: જાણીએ શું છે ‘Twitter Blue’, શું હશે ચાર્જ

    ટ્વિટરે પોતાની સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ ભારતમાં લૉન્ચ કરી દીધી છે. જેના થકી યુઝરોને કેટલાંક ખાસ ફીચર્સ મળશે અને જેના માટે અમુક રકમ ટ્વિટરને ચૂકવવી પડશે. બુધવારે (9 ફેબ્રુઆરી, 2023) ભારત, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ સહિતના દેશોમાં ટ્વિટર બ્લુ લૉન્ચ કરવામાં આવ્યું હતું. 

    તસ્વીર: twitter

    ટ્વિટર બ્લુ એક સબ્સ્ક્રિપ્શન સર્વિસ છે, જેના થકી યુઝરોને કેટલીક ખાસ સુવિધાઓ મળી શકશે. જેનું મુખ્ય આકર્ષણ છે- બ્લુ ટિક. સબસ્ક્રાઇબર્સને વેરિફિકેશન બાદ આ બ્લુ ટિક આપવામાં આવશે. ઉપરાંત પણ કેટલાંક ખાસ ફીચર્સ મળશે.

    ‘ટ્વિટર બ્લુ’ સબ્સ્ક્રિપ્શન માટે યુઝરોને બે પ્રકારના પ્લાન આપવામાં આવ્યા છે. જેમાંથી એક વાર્ષિક છે અને બીજો માસિક. પહેલા પ્લાનમાં યુઝરે મહિનાના 566.67 એમ વર્ષના 6,800 ચૂકવવાના રહેશે જ્યારે બીજા પ્લેનમાં દર મહિને 650 રૂપિયા કપાશે. જેથી એકસાથે એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન લેનારને એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. 

    એન્ડ્રોઇડ અને iOS યુઝરો માટે આ સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત 900 રૂપિયા જેટલી છે. અમેરિકામાં ટ્વિટર બ્લુની કિંમત આઠ ડોલર જેટલી છે. 

    ટ્વિટર બ્લુના સબસ્ક્રાઇબર્સને કેટલાંક ખાસ ફીચર્સ મળશે. જેમકે, તેમને ટ્વિટરના રિપ્લાય, સર્ચ અને મેંશન બોક્સમાં પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત, તેમના માટે ટ્વિટર પર 50 ટકા ઓછી જાહેરાતો જોવા મળશે. આ યુઝરો ટ્વિટર પર લાંબા વિડીયો પોસ્ટ કરી શકશે તેમજ ટ્વિટર દ્વારા નવાં રોલ આઉટ થતાં ફીચર્સ પણ અન્ય સામાન્ય યુઝરો કરતાં વહેલાં મળી શકશે. 

    ઉપરાંત, આ યુઝરો ટ્વિટ કર્યાની 30 મિનિટમાં પાંચ વખત પોતાનું ટ્વિટ એડિટ કરી શકશે. હાલ ટ્વિટર ઉપર એવો કોઈ વિકલ્પ નથી જેથી ટ્વિટ એડિટ થઇ શકે. ઉપરાંત, તેઓ અમુક ટ્વિટ્સને બુકમાર્ક પણ કરી શકે તેવી સુવિધા આપવામાં આવશે. 

    રિપોર્ટ્સ અનુસાર, ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબર્સ મોબાઈલ ફોનમાં ટ્વિટરનું એપ આઇકન પણ બદલી શકશે. સબ્સ્ક્રિપ્શન માટે યુઝરોએ ટ્વિટર બ્લુ પર જઈને પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તેમનો મોબાઈલ નંબર વેરીફાય થયા બાદ બ્લુ ટિક આપવામાં આવશે. કંપની અનુસાર, તેમાં એકાદ અઠવાડિયાનો સમય લાગી શકે છે. 

    ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્કે માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટર ખરીદ્યા બાદ ઘણા ફેરફારો આવી રહ્યા છે. આ પહેલાં વિવિધ સરકારી અકાઉન્ટ્સ, કંપનીઓ અને વ્યક્તિઓને આપવામાં આવતાં બ્લુ ટિક અકાઉન્ટ્સના કલર બદલવામાં આવ્યા હતા. જે અનુસાર, સરકારનાં અધિકારીક અકાઉન્ટ્સને ગ્રે, બિઝનેસ અકાઉન્ટ્સને ગોલ્ડન અને સામાન્ય અકાઉન્ટ્સને બ્લુ ટિક આપવામાં આવ્યાં હતાં. 

    આ ઉપરાંત, પણ ટ્વિટર અને તેના અલ્ગોરિધમમાં પણ અનેક ફેરફારો થયા છે. 

    ‘હું માફી નહીં માંગુ…’: સંસદ સભ્ય પર અપશબ્દનો ઉપયોગ કરનારા મહુઆ મોઇત્રાને કોઈ જ પસ્તાવો નથી, કહ્યું – મારું sorry સાંભળવા પહેલાં…

    ભાજપના નેતાને ભરી સંસદમાં હ*મી બોલ્યા બાદ TMC સંસદ સભ્ય મહુઆ મોઇત્રાએ માફી માંગવાની ના પાડી દીધી છે. તેમણે સંસદીય બાબતોનાં મંત્રી પ્રહલાદ જોશીની વાતનો સંદર્ભ લેતાં કહ્યું હતું કે જો તેમને મારી માફી સાંભળવી હશે તો તેમણે ખુબ રાહ જોવી પડશે.

    ઇન્ડિયા ટુડે સાથે વાત કરતાં મહુઆ મોઇત્રાએ માફી માંગવા બાબતે કહ્યું, “જો તેમણે માફી સાંભળવી હશે તો તેમણે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. તેમણે તેમનાં બિલકુલ સન્માનીય નથી એવા સંસદ સભ્યને પૂછવું જોઈએ જે મારી વાતની વચ્ચે વાંદરાની જેમ કુદી પડ્યાં હતાં અને મારી સ્પીચ બગાડી હતી.”

    મહુઆએ કહ્યું કે, “મને લાગે છે કે મારી પાસે માફીની અપેક્ષા રાખતાં પહેલાં તેમનાં સંસદ સભ્યે મારી માફી માંગવી જોઈએ.”

    ઉલ્લેખનીય છે કે મંગળવારે સંસદમાં થતી ચર્ચા દરમ્યાન મહુઆ મોઇત્રાએ પોતાનું ભાષણ પૂર્ણ કર્યા બાદ અન્ય સાંસદનું ભાષણ હજી શરુ થઇ રહ્યું હતું ત્યારે અચાનક જ  ઉભા થઈને ભાજપના સંસદ સભ્ય રમેશ બીધુડીને હ*મી કહ્યાં હતાં. ત્યારબાદ લોકસભામાં હંગામો મચી ગયો હતો. પ્રહલાદ જોશીએ ત્યારબાદ મહુઆને માફી માંગવાનું કહ્યું. મહુઆએ માફી માંગવાની તો ના પાડી જ પરંતુ તેમણે આ આખા મુદ્દામાં પિતૃસત્તાને ઘુસાડી દીધી હતી.

    તેમણે પોતાની ભાષા પર થયેલા વિવાદને લઈને કહ્યું, “ભાજપ કહી રહી છે કે એક મહિલા થઈને હું આ પ્રકારનાં શબ્દોનો ઉપયોગ કેવી રીતે કરી શકું? તો શું મારે એના માટે પુરુષ હોવું જોઈતું હતું? આ તો પિતૃસત્તા છે. મને આશ્ચર્ય છે કે ભાજપ અમને સંસદીય શિષ્ટાચાર શીખવી રહી છે. દિલ્હીનાં એ પ્રતિનિધીએ મારી સાથે ગેરવર્તન કર્યું છે. હું સફરજનને સફરજન જ કહીશ નારંગી નહીં. જો તેઓ મને વિશેષાધિકાર સમિતિમાં લઇ જશે તો હું ત્યાં મારો પક્ષ રાખીશ.

    TMC સંસદ સભ્યે અદાણીના મુદ્દે પણ ટીપ્પણી કરી હતી અને સત્ય છુપાવવા માટે ભાજપ પર અસંખ્ય આરોપો લગાવ્યાં હતાં. તેમણે સમાચાર એજન્સી ANIને કહ્યું, “પહેલી વખત આપણે બધાં ભારતના લોકોને એ દેખાડવા માટે સક્ષમ થયાં છીએ કે અદાણીગેટ શું હતું. ભાજપ છેલ્લાં ત્રણ વર્ષથી તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મને ખુશી છે કે તમામ વિપક્ષી દળો ભેગા થઈને સામે આવ્યાં છે. ભારતનાં લોકો અદાણીગેટના ગોટાળાને જોઈ શકે છે.

    ‘જેટલો કાદવ ઉછાળશો, કમળ એટલું જ ખીલશે’: રાજ્યસભામાં ગર્જ્યા પીએમ નરેન્દ્ર મોદી, કહ્યું- દેશ એક પરિવારની જાગીર નથી

    બુધવારે (8 ફેબ્રુઆરી, 2023) સંસદના નીચલા ગૃહ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર સંબોધન કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં  બોલ્યા હતા. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે પીએમ મોદીએ વિકાસકાર્યોની વાતો કરી હતી તો વિપક્ષ પર કટાક્ષ પણ કર્યા હતા. 

    સંબોધનની શરૂઆતમાં વિપક્ષને લઈને પીએમ મોદીએ શાયરાના અંદાજમાં કહ્યું કે, જેટલો કાદવ ઉછાળશો, તેટલું જ વધારે કમળ ખીલશે. કમળ ખીલવવામાં તમારું (વિપક્ષ) પ્રત્યક્ષ અને પરોક્ષ જે પણ યોગદાન છે તે માટે હું તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક લોકોના વાણી-વ્યવહાર માત્ર ગૃહ જ નહીં પરંતુ દેશને નિરાશ કરનારાં છે. 

    60 વર્ષમાં કોંગ્રેસે ખાડા જ ખાડા કર્યા હતા 

    કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું કે, “2014માં આવીને મેં ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો, માહિતી મેળવી ત્યારે ખબર પડી કે 60 વર્ષમાં કોંગ્રેસના પરિવારે ખાડા જ ખાડા કરી નાંખ્યા હતા. ત્યારે તેઓ ખાડા ખોદી રહ્યા હતા અને 6 દાયકા વેડફી નાંખ્યા તે સમયે દુનિયાના નાના-નાના દેશો પણ સફળતાના શિખરો સર કરી રહ્યા હતા.” 

    વડાપ્રધાને કહ્યું કે, “જેમને રોજગાર અને નોકરી વચ્ચેનો ફર્ક ખબર નથી તેઓ અમને ઉપદેશ આપી રહ્યા છે. નવા-નવા નરેટિવ ઘડવા અને અધૂરી બાબતોને લઈને જુઠ્ઠાણું ફેલાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે, છેલ્લાં નવ વર્ષમાં અર્થવ્યવસ્થાનો વિસ્તાર થયો છે અને નવા સેક્ટરમાં રોજગારની તકો ઉભી થઇ છે. 

    ભૂતકાળની સરખામણીએ વર્તમાન સરકારનાં કામો ગણાવ્યાં 

    વડાપ્રધાને કહ્યું કે, “તેમણે (ભૂતકાળની સરકારો) બેંકોનું એકીકરણ એ ઇરાદે કર્યું હતું કે ગરીબોને બેંકોના અધિકારો મળે, પરંતુ દેશના અડધાથી વધુ લોકો બેન્કના દરવાજા સુધી પણ પહોંચી શક્યા ન હતા. અમે સ્થાયી સમાધાન શોધીને જનધન ખાતાં ખોલ્યાં અને જેનાથી દેશના ગામ સુધી પ્રગતિને લઇ જવાનું કામ થયું છે.”

    તેમણે ઉમેર્યું કે, સ્વતંત્રતાથી 2014 સુધી માત્ર 14 કરોડ LPG ગેસ કનેક્શન હતાં. લોકો તેમના સાંસદો પાસે ભલામણ માટે જતા હતા. પરંતુ અમે દરેક ઘરમાં LPG કનેક્શન આપવાનું નકી કર્યું અને અનેક પડકારો છતાં 32 કરોડથી વધુ પરિવારોને ગેસ કનેક્શન પૂરાં પાડવામાં આવ્યાં.

    ‘જનતા વારંવાર કોંગ્રેસને નકારી રહી છે’: પીએમ મોદી 

    પીએમ મોદીએ આગળ કહ્યું કે, અમે દેશને વિકાસનું એક એવું મોડેલ આપી રહ્યા છીએ જેમાં હિતધારકોને તેમના દરેક અધિકારો મળે. તેમણે કહ્યું કે, દેશ વારંવાર કોંગ્રેસને નકારી રહ્યો છે પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસ પોતાની કરતૂતો છોડી રહી નથી. જનતા તેમને માત્ર જોઈ જ રહી નથી પરંતુ સજા પણ આપી રહી છે. 

    તેમણે આગળ કહ્યું કે, દરેક યોજનાના લાભાર્થીઓ સુધી સો ટકા લાભ કેવી રીતે પહોંચે તે અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ અને સાચી પંથ-નિરપેક્ષતા તો એ જ છે અને અમારી સરકાર સતત આ માર્ગ પર આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યું કે, અમે એક એવી કાર્ય સંસ્કૃતિ લઈને આવ્યા છીએ, જે દેશમાં મારુ-તારું, પોતાનું-પારકું જેવા ભેદોનો નાશ કરશે. તે તુષ્ટિકરણનની આશંકાઓને સમાપ્ત કરી દેશે. 

    ‘જેમને પૈસા નથી મળ્યા તેમનું બૂમો પાડવું સ્વાભાવિક છે’ 

    રાજ્યસભામાં બોલતી વખતે પીએમ મોદી આગળ કહે છે કે, જનધન, આધાર અને મોબાઈલ આ એ ત્રિશક્તિ છે જેનાથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં 27 લાખ કરોડ રૂપિયા DBT (Direct Benefit Transfer)ના માધ્યમથી સીધા હિતધારકોનાં ખાતાંમાં ગયા છે. જેનાથી 2 લાખ કરોડથી વધુ રૂપિયા જે કોઈ ઇકો-સિસ્ટમના હાથમાં જઈ શકતા હતા તે બચી ગયા. તેમણે ગૃહમાં બૂમબરાડા પાડતા વિપક્ષી સાંસદોને લઈને કહ્યું કે, જેમને આ પૈસા નથી મળ્યા, તેમનું બૂમો પાડવું સ્વાભાવિક છે. 

    વડાપ્રધાને કહ્યું કે, 600 જેટલી સરકારી યોજનાઓ માત્ર ગાંધી-નહેરુ પરિવારના નામ ઉપર છે. કોઈ કાર્યક્રમમાં નહેરુજીના નામનો ઉલ્લેખ નહીં થાય તો કેટલાક લોકોનું લોહી ગરમ થઇ જાય છે. મને બહુ આશ્ચર્ય થાય છે. અમારાથી ક્યારેક નહેરુજીનું નામ છૂટી જતું હશે, અને છૂટી જતું હશે તો અમે સુધારી લઈશું. પરંતુ મને એ નથી સમજાતું કે તેમની પેઢીનો કોઈ વ્યક્તિ નહેરુ અટક રાખવાથી ડરે કેમ છે? નહેરુ અટક રાખવામાં શું શરમ છે? તમને કે પરિવારને મંજૂર નથી અને તમે અમારી પાસે હિસાબ માંગો છો?

    આ દેશ કોઈ પરિવારની જાગીર નથી’ 

    પીએમ મોદીએ કહ્યું કે, “કેટલાક લોકોએ સમજવું પડશે આ સદીઓ જૂનો દેશ સામાન્ય માણસના પરસેવા અને પુરુષાર્થથી બનેલો દેશ છે. જનજનની, પેઢીઓની પરંપરાથી બનેલો દેશ છે. આ દેશ કોઈ પરિવારની જાગીર નથી.” 

    એક માણસ કેટલાય પર ભારે પડી રહ્યો છે

    રાજ્યસભામાં ભાષણને અંતે વડાપ્રધાન મોદી આગળ કહે છે કે, “દેશ જોઈ રહ્યો છે, એક માણસ કેટલાય ઉપર ભારે પડી રહ્યો છે. દ્રઢતા સાથે ચાલ્યો છું, દેશ માટે જીવી રહ્યો છું. દેશ માટે કંઈક કરવા નીકળ્યો છું. જેથી આ રાજનીતિક ખેલ ખેલનારાઓમાં આ જુસ્સો નથી. તેઓ બચવાનો રસ્તો શોધી રહ્યા છે.” 

    ટર્મ પૂરી થયા બાદ પણ આવાસ ખાલી ન કર્યાં, ગુજરાત વિધાનસભાના 25 પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવાયો: અગાઉ અપાઈ હતી નોટિસ

    ગુજરાત વિધાનસભાએ 25 જેટલા પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દીધો છે. ઘણા ધારાસભ્યોએ ટર્મ પૂરી થઇ ગયા બાદ પણ તેમનાં આવાસ ખાલી કર્યાં ન હતાં, જેને લઈને નોટિસ પણ પાઠવવામાં આવી હતી તો હવે તેમનો છેલ્લા મહિનાનો પગાર અટકાવાયો છે. 

    સરકારી ઘરો ખાલી ન કરતા અને વિવિધ બિલ ન ભરતા ધારાસભ્યો સામે ગુજરાત સરકારે કડક વલણ દાખવ્યું છે. જે અંતર્ગત નિયમ વિરુદ્ધ સરકારી આવાસોનો ઉપયોગ કરતા પૂર્વ ધારાસભ્યોને ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે તેમજ જો તેમનાં ઘરનાં બિલ બાકી હશે તો છેલ્લા મહિનાનો પગાર પણ અટકાવાશે

    રિપોર્ટ્સ અનુસાર, ક્વાર્ટર ખાલી ન કરનારા અને નો ડ્યુ સર્ટિફિકેટ જમા ન કરાવનારા ધારાસભ્યોનો પગાર અટકાવવામાં આવ્યો છે. અહેવાલોમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઘણા પૂર્વ ધારાસભ્યોના ક્વાર્ટરના ગેસ અને ટેલિફોનના બિલ બાકી હતાં, જેના કારણે સરકારી તિજોરી ઉપર ભારણ વધી રહ્યું હતું.  

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અમુક ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા ન હતા. જેથી નવી વિધાનસભા શરૂ થતાં જૂના ધારાસભ્યોની ટર્મ પૂરી થઇ ગઈ હતી. પરંતુ તેમ છતાં પણ કેટલાક પૂર્વ MLAએ આવાસ ખાલી ન કરતાં નવા ધારાસભ્યોને મકાન ફાળવવામાં મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે 17 જેટલા પૂર્વ ધારાસભ્યોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી, હવે આ પૂર્વ ધારાસભ્યોનો પગાર અટકાવી દેવામાં આવ્યો છે.

    ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મંત્રીઓનાં નિવાસસ્થાનો તો છે જ પરંતુ તમામ ધારાસભ્યો માટે પણ ક્વાર્ટર ફાળવવામાં આવે છે. હાલ સેક્ટર 21માં ધારાસભ્યોના નિવાસસ્થાન છે, જ્યાં કુલ 168 ક્વાર્ટર છે. જોકે, હાલ ધારાસભ્યો માટે નવાં નિવાસસ્થાનો બનાવવામાં આવી રહ્યાં છે. 

    ધારાસભ્યો માટે બનતાં આ નવાં આવાસ ગાંધીનગરના સેક્ટર 17માં બની રહ્યાં છે. 3 બેડરૂમ, હોલ-કિચન ધરાવતાં આ ક્વાર્ટર્સમાં તમામ સુવિધાઓ હશે અને તમામમાં ACની સુવિધાઓ પણ હશે. આ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે અને હાલ કામ ચાલી રહ્યું છે. 

    ભૂતકાળમાં પણ ઘણી વખત આવી બાબતો સામે આવી છે જ્યારે પોતાની ટર્મ પૂરી થયા બાદ પણ નેતાઓએ પોતાને ફાળવવામાં આવેલાં સરકારી નિવાસસ્થાનો ઉપર કબજો જમાવી લીધો હોય અને ખાલી કર્યાં ન હોય. જેમાં ધારાસભ્યોથી લઈને ગાંધી પરિવારના સભ્યો સુધીના નેતાઓ સામેલ છે. 

    ગુજરાતનો દારૂ બહાર વેચીને પીવાનું પ્રોત્સાહન આપવાની વાત કરતા કોંગ્રેસ નેતા લલિત વસોયા, સીએમને પત્ર લખીને કહ્યું- પ્રતિબંધ ન હોય ત્યાં દારૂ વેચી દો

    વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસી નેતા લલિત વસોયા મીડિયામાં બહુ દેખાતા ન હતા પણ આખરે બુધવારે (8 ફેબ્રુઆરી, 2023) તેમણે આ ‘વનવાસ’ પૂરો કર્યો અને મુખ્યમંત્રીને એક પત્ર લખીને ચર્ચામાં આવી ગયા. આ પત્રમાં દારૂ અંગે કોંગ્રેસ નેતાએ સીએમ સમક્ષ કેટલીક માંગ કરી છે. 

    કોંગી નેતા લલિત વસોયા દ્વારા સીએમને લખવામાં આવેલા પત્રમાં તેમણે દારૂબંધીના કાયદા હેઠળ ગુજરાત પોલીસ દ્વારા કરોડો રૂપિયાના વિદેશી દારૂ-બિયર પકડવામાં આવતા હોવાની બાબતની પ્રશંસા કરી છે. આગળ તેમણે સરકારે વિધાનસભામાં આપેલી આંકડાકીય માહિતીને ટાંકતાં જણાવ્યું કે, વર્ષ 2020-21માં 215.62 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ અને 16.20 કરોડનો બિયરનો જથ્થો પકડાયો હતો અને જેનો પોલીસે નાશ કર્યો હતો. 

    ગુજરાત પોલીસે નાશ કરેલા દારૂ-બિયરને લઈને કોંગ્રેસ નેતાએ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે કે આ દારૂનો નાશ કરવાના બદલે દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં જ્યાં દારૂબંધી નથી ત્યાં તેને હરાજીથી વેચી દેવામાં આવે અને તેની જે રકમ મળે તેને પોલીસ અથવા તો પોલીસ પરિવારના વેલફેર ફંડમાં વાપરવામાં આવે કે વીરગતિ પામતા જવાનોના પરિવારજનો માટે મદદરૂપ થવામાં આવે. 

    પ્રથમ દ્રષ્ટિએ કોંગ્રેસ નેતાનો આ વિચાર પવિત્ર અને સારો લાગે તેવો છે પરંતુ પોલીસ પરિવારને કે વીરગતિને પ્રાપ્ત જવાનોના પરિવારોને અન્ય રીતે પણ મદદરૂપ થઇ જ શકાય તેમ છે અને મદદ થઇ પણ રહી છે. એ તો નાગરિકોની અને સરકારની ફરજ કહેવાય. એ બીજી રીતે થઇ શકે, એના માટે દારૂ જ વિકલ્પ હોય તેમ નથી. 

    દેશનાં ઘણાં રાજ્યોમાં દારૂબંધી નથી એ વાત સાચી છે પરંતુ તેનો અર્થ એ નથી થતો કે ત્યાં દારૂ સ્વાસ્થ્ય માટે સારો છે. ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય માટે જ દારૂ હાનિકારક હોય અને સરહદ પાર કરીને મહારાષ્ટ્ર જાઓ તો ત્યાં એ ફાયદાકારક એમ ન હોય! એટલું જ કે ત્યાં દારૂબંધી નથી, પરંતુ દારૂ ત્યાં પણ હાનિકારક જ છે. 

    દારૂને બીજાં રાજ્યોમાં વેચીને, સીધી કે આડકતરી રીતે પ્રોત્સાહન આપીને ગુજરાતે પાપમાં શું કામ પડવું જોઈએ? એવું તો છે નહીં કે ત્યાં જઈને એ સારો બની જશે. ટૂંકમાં, દારૂનો નાશ થાય એ જ સૌથી અગત્યની બાબત છે. લલિતભાઈની ભાવના સારી છે, પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ વિચારીએ તો જે થઇ રહ્યું છે તે બરાબર જ થઇ રહ્યું છે. 

    નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની અવગણના કરી; કાયમની જેમ મોદીનું લોકસભામાં ભાષણ તડાફડી બોલાવતું કેમ ન હતું?

    જ્યારે પણ લોકસભાનું સત્ર ચાલુ હોય ત્યારે વડાપ્રધાન વર્ષમાં ઓછામાં ઓછું એક વખત પોતાનું ભાષણ આપતાં હોય છે. આ ભાષણ ત્યારે હોય છે જ્યારે તેઓ રાષ્ટ્રપતિના સંયુક્ત ગૃહોને કરેલા સંબોધનના આભાર પ્રસ્તાવનાં જવાબ માટે બોલતાં હોય છે. ગઈકાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિનાં સંબોધન પર થયેલી ચર્ચાનો જવાબ લોકસભામાં આપ્યો હતો. પરંતુ આ વખતે નરેન્દ્ર મોદીનાં ભાષણમાં તડાફડી નહીવત જોવા મળી હતી જે લગભગ દર વર્ષે જોવા મળતી હોય છે.

    હજી વડાપ્રધાને રાજ્યસભામાં આ જ મામલે જવાબ આપવાનો બાકી છે એટલે એવી અપેક્ષા રાખી શકાય કે એ સમયે નરેન્દ્ર મોદીનાં ભાષણમાં તડાફડી સાંભળવા જરૂર મળશે. તમે નરેન્દ્ર મોદીનાં પ્રશંસક હોવ કે વિરોધી પરંતુ એક બાબતે તમે જરૂર સહમત થશો કે લોકસભામાં જ્યારે પણ તેઓ બોલે છે ત્યારે તેમનો જવાબ મુદ્દાસર અને હોમવર્ક સાથે હોય છે. હા તેમનું ભાષણ મજા પમાડે તેવું અસ્ખલિત જરૂર હોય છે પરંતુ તેની સાથે સાથે તેઓ ચર્ચા દરમ્યાન આવરી લેવામાં આવેલાં મોટાભાગનાં મુદ્દે ચૂક્યાં વગર બોલતાં હોય છે.

    ગઈકાલે (8th February 2023) પણ પોતાનાં ભાષણમાં નરેન્દ્ર મોદીએ તેમની અગાઉ બોલેલાં તમામ વક્તાઓમાંથી જે મુખ્ય મુદ્દાઓ બોલવામાં આવ્યા હતાં તેમને આવરી લઈને પોતાનું ભાષણ આપ્યું હતું. પરંતુ દર વખતની જેમ આ વખતે તણખાં તો હતાં પરંતુ મોદીનાં ભાષણમાં તડાફડી જોવા નહોતી મળી. એક રીતે જોવા જઈએ તો આ ભાષણમાં રાહુલ ગાંધીની સદંતર નહીં તો સારીએવી અવગણના જરૂર કરવામાં આવી હતી.

    આમ જુઓ તો હાર્વર્ડ અને લાલચોક સિવાય રાહુલ ગાંધીને સીધાં વાગે એવાં કોઈજ ઊડતાં તીર ગઈકાલે નરેન્દ્ર મોદીએ પોતાનાં જવાબમાં છોડ્યાં ન હતાં. હા તેમણે અન્ય વિપક્ષી નેતાઓનાં આરોપોને પોતાની રીતે નકારી જરૂર કાઢ્યાં હતાં, પરંતુ જેની રાહ જોવાઈ રહી હતી એ રાહુલ ગાંધીને તેમણે સતત ઇગ્નોર જ કર્યા.

    આ પાછળનું કારણ શું હોઈ શકે? એક કારણ જે ઉડીને આંખે વળગે છે તે એવું છે કે રાહુલ ગાંધીએ પોતાનાં ભાષણમાં મોટેભાગે અદાણી, અદાણી અને અદાણીનું જ નામ લીધું હતું. અદાણીનાં નામે મોદી પર આક્રમણ કરીને તેઓ સમાન્ય પ્રજાનું ધ્યાન ખેંચી શકશે અને તેમને સમજાવી શકશે કે મોદી ભ્રષ્ટ છે એ પ્રકારનો વિચાર કદાચ રાહુલ ગાંધી ધરાવે છે.

    કદાચ આ જ કારણ છે કે રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમ્યાન પણ આ જ રીતે અદાણી પર હુમલાઓ કર્યા હતાં અને મોદી સરકારને મુખ્યધારાના મીડિયાના શબ્દોમાં કહીએ તો ‘ઘેરવાનો પ્રયાસ’ કર્યો હતો. પરંતુ આપણે જાણીએ જ છીએ કે આ રીતે મોદી ભ્રષ્ટ છે એ પ્રકારનો પ્રચાર ભારતની પ્રજાને રિજવી શકવાનો નથી. જો જમીન ઉપર રાહુલ ગાંધીનો આ પેંતરો સફળ નથી ગયો તો લોકસભામાં પણ ન જવો જોઈએ તેનું પૂરું ધ્યાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાખ્યું હતું.

    કારણ સ્પષ્ટ છે. જો નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીનાં અદાણી પરનાં મોં-માથાં વગરના આરોપોનો જવાબ આપ્યો હોત તો રાહુલ ગાંધીને મોદી મહત્વ આપી રહ્યાં છે એ વાતને લઈને ગાંધી પરિવારનાં ચમચા, ડબ્બા, થાળીઓ સમગ્ર સોશિયલ મીડિયામાં તેમજ મેઈન સ્ટ્રીમ મીડિયામાં ગજવી મુકત. બીજું, જો નરેન્દ્ર મોદીએ પણ અદાણી મામલે મુદ્દાસર જવાબ આપવામાં પોતાનો સમય આપ્યો હોત તો કોંગ્રેસનો એ આરોપ કે મોદી સરકાર અને અદાણી વચ્ચે કશુંક છે એ સાબિત થઇ ગયું છે એવો પ્રચાર પણ એ કરત.

    આ જ કારણ છે કે ગઈકાલે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને બહુ વતાવ્યા નહીં અને ફક્ત એક કે બે મુદ્દે જ તેમનાં પર કટાક્ષ કરીને તેમને જવા દીધાં હતાં. કદાચ કુશળ રાજનેતાનું આ પણ એક લક્ષણ છે કે દરેક મુદ્દે પોતાનાં વિરોધીને જવાબ આપવો જરૂરી નથી. અમુક મુદ્દાને એમનેમ રહેવા દઈને કે સ્પર્શ કર્યા વગર એને એની મેળે શાંત કરી દેવો જ યોગ્ય રહેતો હોય છે.

    તેમ છતાં એટલું જરૂરથી કહી શકાય કે ગઈકાલે મોદીનાં ભાષણમાં તડાફડી ભલે ન બોલી પરંતુ તેમણે પોતાનો, પોતાની સરકારનો અને પોતાની સરકારની નીતિઓનો પ્રચાર આ ભાષણમાં સુપેરે કરી દીધો હતો. હજી આવતાં વર્ષે એટલેકે લોકસભા ચૂંટણી 2024 પહેલાં એક વખત રાષ્ટ્રપતિનાં ભાષણ પરની ચર્ચાનો જવાબ આપવાનો પ્રસંગ જરૂર આવશે. કદાચ એ સમયે નરેન્દ્ર મોદી ચૂંટણી મોડમાં આવી જશે અને એથી આપણને એમનાં ભાષણમાં તે સમયે તડાફડી જરૂર જોવા મળી શકે છે. પરંતુ તે માટે આપણે હજી એક વર્ષ રાહ જોવી રહી.