Tuesday, May 7, 2024
More
    હોમપેજમંતવ્યનરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની અવગણના કરી; કાયમની જેમ મોદીનું લોકસભામાં ભાષણ તડાફડી...

    નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીની અવગણના કરી; કાયમની જેમ મોદીનું લોકસભામાં ભાષણ તડાફડી બોલાવતું કેમ ન હતું?

    કદાચ એ સમયે નરેન્દ્ર મોદી ચૂંટણી મોડમાં આવી જશે અને એથી આપણને એમનાં ભાષણમાં તે સમયે તડાફડી જરૂર જોવા મળી શકે છે. પરંતુ તે માટે આપણે હજી એક વર્ષ રાહ જોવી રહી.

    - Advertisement -

    જ્યારે પણ લોકસભાનું સત્ર ચાલુ હોય ત્યારે વડાપ્રધાન વર્ષમાં ઓછામાં ઓછું એક વખત પોતાનું ભાષણ આપતાં હોય છે. આ ભાષણ ત્યારે હોય છે જ્યારે તેઓ રાષ્ટ્રપતિના સંયુક્ત ગૃહોને કરેલા સંબોધનના આભાર પ્રસ્તાવનાં જવાબ માટે બોલતાં હોય છે. ગઈકાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિનાં સંબોધન પર થયેલી ચર્ચાનો જવાબ લોકસભામાં આપ્યો હતો. પરંતુ આ વખતે નરેન્દ્ર મોદીનાં ભાષણમાં તડાફડી નહીવત જોવા મળી હતી જે લગભગ દર વર્ષે જોવા મળતી હોય છે.

    હજી વડાપ્રધાને રાજ્યસભામાં આ જ મામલે જવાબ આપવાનો બાકી છે એટલે એવી અપેક્ષા રાખી શકાય કે એ સમયે નરેન્દ્ર મોદીનાં ભાષણમાં તડાફડી સાંભળવા જરૂર મળશે. તમે નરેન્દ્ર મોદીનાં પ્રશંસક હોવ કે વિરોધી પરંતુ એક બાબતે તમે જરૂર સહમત થશો કે લોકસભામાં જ્યારે પણ તેઓ બોલે છે ત્યારે તેમનો જવાબ મુદ્દાસર અને હોમવર્ક સાથે હોય છે. હા તેમનું ભાષણ મજા પમાડે તેવું અસ્ખલિત જરૂર હોય છે પરંતુ તેની સાથે સાથે તેઓ ચર્ચા દરમ્યાન આવરી લેવામાં આવેલાં મોટાભાગનાં મુદ્દે ચૂક્યાં વગર બોલતાં હોય છે.

    ગઈકાલે (8th February 2023) પણ પોતાનાં ભાષણમાં નરેન્દ્ર મોદીએ તેમની અગાઉ બોલેલાં તમામ વક્તાઓમાંથી જે મુખ્ય મુદ્દાઓ બોલવામાં આવ્યા હતાં તેમને આવરી લઈને પોતાનું ભાષણ આપ્યું હતું. પરંતુ દર વખતની જેમ આ વખતે તણખાં તો હતાં પરંતુ મોદીનાં ભાષણમાં તડાફડી જોવા નહોતી મળી. એક રીતે જોવા જઈએ તો આ ભાષણમાં રાહુલ ગાંધીની સદંતર નહીં તો સારીએવી અવગણના જરૂર કરવામાં આવી હતી.

    - Advertisement -

    આમ જુઓ તો હાર્વર્ડ અને લાલચોક સિવાય રાહુલ ગાંધીને સીધાં વાગે એવાં કોઈજ ઊડતાં તીર ગઈકાલે નરેન્દ્ર મોદીએ પોતાનાં જવાબમાં છોડ્યાં ન હતાં. હા તેમણે અન્ય વિપક્ષી નેતાઓનાં આરોપોને પોતાની રીતે નકારી જરૂર કાઢ્યાં હતાં, પરંતુ જેની રાહ જોવાઈ રહી હતી એ રાહુલ ગાંધીને તેમણે સતત ઇગ્નોર જ કર્યા.

    આ પાછળનું કારણ શું હોઈ શકે? એક કારણ જે ઉડીને આંખે વળગે છે તે એવું છે કે રાહુલ ગાંધીએ પોતાનાં ભાષણમાં મોટેભાગે અદાણી, અદાણી અને અદાણીનું જ નામ લીધું હતું. અદાણીનાં નામે મોદી પર આક્રમણ કરીને તેઓ સમાન્ય પ્રજાનું ધ્યાન ખેંચી શકશે અને તેમને સમજાવી શકશે કે મોદી ભ્રષ્ટ છે એ પ્રકારનો વિચાર કદાચ રાહુલ ગાંધી ધરાવે છે.

    કદાચ આ જ કારણ છે કે રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રા દરમ્યાન પણ આ જ રીતે અદાણી પર હુમલાઓ કર્યા હતાં અને મોદી સરકારને મુખ્યધારાના મીડિયાના શબ્દોમાં કહીએ તો ‘ઘેરવાનો પ્રયાસ’ કર્યો હતો. પરંતુ આપણે જાણીએ જ છીએ કે આ રીતે મોદી ભ્રષ્ટ છે એ પ્રકારનો પ્રચાર ભારતની પ્રજાને રિજવી શકવાનો નથી. જો જમીન ઉપર રાહુલ ગાંધીનો આ પેંતરો સફળ નથી ગયો તો લોકસભામાં પણ ન જવો જોઈએ તેનું પૂરું ધ્યાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાખ્યું હતું.

    કારણ સ્પષ્ટ છે. જો નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીનાં અદાણી પરનાં મોં-માથાં વગરના આરોપોનો જવાબ આપ્યો હોત તો રાહુલ ગાંધીને મોદી મહત્વ આપી રહ્યાં છે એ વાતને લઈને ગાંધી પરિવારનાં ચમચા, ડબ્બા, થાળીઓ સમગ્ર સોશિયલ મીડિયામાં તેમજ મેઈન સ્ટ્રીમ મીડિયામાં ગજવી મુકત. બીજું, જો નરેન્દ્ર મોદીએ પણ અદાણી મામલે મુદ્દાસર જવાબ આપવામાં પોતાનો સમય આપ્યો હોત તો કોંગ્રેસનો એ આરોપ કે મોદી સરકાર અને અદાણી વચ્ચે કશુંક છે એ સાબિત થઇ ગયું છે એવો પ્રચાર પણ એ કરત.

    આ જ કારણ છે કે ગઈકાલે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને બહુ વતાવ્યા નહીં અને ફક્ત એક કે બે મુદ્દે જ તેમનાં પર કટાક્ષ કરીને તેમને જવા દીધાં હતાં. કદાચ કુશળ રાજનેતાનું આ પણ એક લક્ષણ છે કે દરેક મુદ્દે પોતાનાં વિરોધીને જવાબ આપવો જરૂરી નથી. અમુક મુદ્દાને એમનેમ રહેવા દઈને કે સ્પર્શ કર્યા વગર એને એની મેળે શાંત કરી દેવો જ યોગ્ય રહેતો હોય છે.

    તેમ છતાં એટલું જરૂરથી કહી શકાય કે ગઈકાલે મોદીનાં ભાષણમાં તડાફડી ભલે ન બોલી પરંતુ તેમણે પોતાનો, પોતાની સરકારનો અને પોતાની સરકારની નીતિઓનો પ્રચાર આ ભાષણમાં સુપેરે કરી દીધો હતો. હજી આવતાં વર્ષે એટલેકે લોકસભા ચૂંટણી 2024 પહેલાં એક વખત રાષ્ટ્રપતિનાં ભાષણ પરની ચર્ચાનો જવાબ આપવાનો પ્રસંગ જરૂર આવશે. કદાચ એ સમયે નરેન્દ્ર મોદી ચૂંટણી મોડમાં આવી જશે અને એથી આપણને એમનાં ભાષણમાં તે સમયે તડાફડી જરૂર જોવા મળી શકે છે. પરંતુ તે માટે આપણે હજી એક વર્ષ રાહ જોવી રહી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં