Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરફેલના દાઝેલાએ અદાણીની છાશ ફૂંકી ફૂંકીને પીવી જોઈએ – કોંગ્રેસની મોદીને ભ્રષ્ટ...

  રફેલના દાઝેલાએ અદાણીની છાશ ફૂંકી ફૂંકીને પીવી જોઈએ – કોંગ્રેસની મોદીને ભ્રષ્ટ સાબિત કરવાનાં પ્રયાસો ક્યારેય સફળ નહીં થાય

  એ વખતે 2019ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હતી અને આ વખતે 2024ની લોકસભાની ચૂંટણી ફક્ત પંદર મહિના જ દૂર છે. આ પંદર મહિનામાં જેટલો લાભ લેવો હોય એટલો લાભ લઈને અદાણી નામની નિસરણીનો સહારો લઈને કોંગ્રેસ મોદી ભ્રષ્ટ છે એવું સાબિત કરવા માંગે છે.

  - Advertisement -

  સફળ ધંધાદારી લોકો અથવાતો ખેલાડીઓ ક્યારેય ટૂંકાગાળાનાં લક્ષાંક ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ નથી બનાવતાં. આ પાછળનું કારણ એ છે કે ટૂંકાગાળાનું લક્ષ્ય લાંબી સફળતા તો નથી જ અપાવતું પરંતુ કદાચ કાયમી નિષ્ફળતા જરૂર અપાવી શકે છે. મોદી ભ્રષ્ટ છે આ પ્રકારનું નેરેટીવ ઉભું કરીને તેને સાબિત કરવાનાં કોંગ્રેસનાં પ્રયાસો કાયમ નિષ્ફળ જ જવાનાં છે. આ હકીકત તમામને ખબર હોવાં છતાં અને નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ નખશીખ પ્રમાણિક  હોવાનું વારંવાર સાબિત થવા છતાં કોંગ્રેસ હજી પણ સત્યનો સામનો કરતાં બચે છે.

  આજકાલ કોંગ્રેસ મોદી ભ્રષ્ટ છે એવું અદાણી ઇન્ડસ્ટ્રીઝની શેરબજારની પડતીને ધ્યાનમાં લઈને સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેનાં આ પ્રયાસમાં સહુથી હાસ્યાસ્પદ ધટના આજે બનવાની છે જ્યારે કોંગ્રેસ LIC અને SBIનાં મુખ્ય કાર્યાલયો સમક્ષ ધરણા પર બેસવાની છે. થોડુંક પણ અર્થશાસ્ત્ર કોઈને આવડતું હોય અને શેરબજારની થોડીક પણ માહિતી હોય તો એ શક્ય જ નથી કે કોઇપણ સંસ્થા તેની તમામ મૂડી કોઈ એક કંપનીના શેરમાં રોકે.

  પણ આ તો કોંગ્રેસ છે તેને લાંબાગાળાનું નહીં  પણ ટૂંકાગાળાનું લક્ષ્ય હાંસલ કરીને દેશમાં પુનઃ પોતાનું શાસન સ્થાપવું છે અને એટલેજ તે આ પ્રકારનો હાસ્યાસ્પદ વિરોધ આજે કરી રહી છે. મોદી ભ્રષ્ટ છે એવું આ વખતે કોંગ્રેસ એટલા માટે માને છે કારણકે તેણે જ એક નેરેટીવ ઉભો કર્યો હતો કે મોદી સરકાર બે ઉદ્યોગપતિઓ અનુક્રમે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સરકાર છે અને ગરીબ વિરોધી છે. હવે હિન્ડેનબર્ગ રીપોર્ટ બાદ શેરબજારમાં અદાણી ગ્રુપનાં મોટાભાગના શેરની કિંમત અડધાથી પણ નીચે જતી રહી છે.

  - Advertisement -

  પોતાનાં જ નેરેટીવને આગળ વધારવા કોંગ્રેસ એવું કહેવા માંગે છે કે જોયું અમે કહ્યું હતું કે આ સરકાર અદાણીની સરકાર છે એટલે અદાણી ગ્રુપ ડૂબી રહ્યું છે (કોંગ્રેસનાં મતે) એટલે દેશ આખો પણ આર્થિકરીતે તૂટી પડશે. આપણે શેરબજારની આંટીઘૂંટીમાં નહીં પડીએ પરંતુ ફરીથી એમ કહી શકાય કે ટેક્નિકલી અદાણી  જૂથના શેરની કિંમત ઓછી થવા સાથે એ કંપનીની આર્થિક સદ્ધરતા સાથે સંબંધ છે ખરો પણ એટલો નથી કે જેને કારણે કંપની અથવાતો એ આખું જૂથ જ તૂટી પડે.

  પણ આ તો કોંગ્રેસ છે એને મોદી ભ્રષ્ટ છે એ સાબિત કરવું છે અથવાતો એવો ઢંઢેરો પીટવો છે જેથી લોકમાનસ તેની તરફે થાય. અગાઉ પણ આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે છેલ્લાં એક દાયકામાં અને ખાસકરીને જ્યારથી સોશિયલ મીડિયાનો ઉદય થયો છે લોકો હવે ફક્ત કહેલી વાતો પર જ વિશ્વાસ નથી કરતાં.

  સામાન્ય માણસ જેને કોઇપણ બાબતનું ટેક્નીકલ જ્ઞાન ન હોય તે પણ ગુગલની મદદ લઈને બેઝીક જ્ઞાન તો લઇ જ લે છે અને પછી નિર્ણય કરે છે કે કોઇપણ રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવેલા આરોપમાં કેટલી સત્યતા છે. પણ આ તો કોંગ્રેસ છે જે હજી પણ આઝાદીનાં વર્ષમાં જીવે છે એટલે એણે રફેલની જેમ અદાણીની બાબતમાં પણ ટેક્નીકલ જ્ઞાનની સાવ વિરુદ્ધ જઈને મોદી વિરુદ્ધ પોતાનો મોરચો ખોલી દીધો.

  રફેલમાં મામલો શું હતો? કોંગ્રેસે એવો દાવો કર્યો હતો અને આરોપ મુક્યો હતો કે મોદીનાં કહેવાથી રફેલ બનાવતી દાસ્સો એવિએશને તેમનાં મિત્ર અનીલ અંબાણીને ઓફસેટ પાર્ટનર બનાવી દીધાં. સંસદમાં આ મામલે થયેલી ચર્ચામાં પૂર્વ નાણામંત્રી અને રક્ષામંત્રી સ્વ. અરુણ જેટલીએ મુદ્દાવાર જવાબ આપ્યો હતો. જેટલીએ ઓફસેટ પાર્ટનર એટલે શું અને આ વિધિ કેવી રીતે થાય છે.

  અરુણ જેટલીના એ જવાબમાં ઓફસેટ એટલે શું એ સ્પષ્ટ થઇ જતાં કોંગ્રેસનો એ દાવો કે મોદીએ તેમનાં મિત્રને ફાયદો કરાવ્યો છે એ હવામાં ઉડી ગયો હતો. યાદ રહે કોંગ્રેસે મોદી સરકાર વિરુદ્ધ રફેલ મુદ્દે સુપ્રિમ કોર્ટના એ આદેશ કે આ ડીલમાં કોઈજ ભ્રષ્ટાચાર નથી થયો એ પ્રકારનો ફેંસલો આપ્યા બાદ પણ લોકસભામાં હોબાળો મચાવ્યો હતો.

  એ વખતે 2019ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી હતી અને આ વખતે 2024ની લોકસભાની ચૂંટણી ફક્ત પંદર મહિના જ દૂર છે. આ પંદર મહિનામાં જેટલો લાભ લેવો હોય એટલો લાભ લઈને અદાણી નામની નિસરણીનો સહારો લઈને કોંગ્રેસ મોદી ભ્રષ્ટ છે એવું સાબિત કરવા માંગે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ વખતે પણ ટેક્નિકલી કોંગ્રેસ ભીંત ભૂલી છે.

  શેરબજારનો કે પછી કંપની મામલાઓનો કોઇપણ નિષ્ણાત એમ નથી કહી રહ્યો કે અદાણી ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગશે કે તે દેવાળું ફૂંકશે. પરંતુ કોંગ્રેસ કોઇપણ પ્રકારની ટેક્નીકલ માહિતી લીધા વગર રફેલની જેમ જ અદાણીના બહાને મોદીને હરાવવાના પ્રયાસો કરી રહી છે જે પ્રજાની નજરે અત્યારે બિલકુલ બાલીશ જણાઈ રહ્યાં છે.  

  અહીં એક આડવાત કરવાનું પણ મન થાય છે. હજી થોડાં જ દિવસ અગાઉ જ કોંગ્રેસની કરોડોનાં ખર્ચે આયોજિત ભારત જોડો યાત્રા પૂર્ણ થઇ છે. આ યાત્રાએ પણ નેરેટીવ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જે હતો કે ભારતમાં નફરત ફેલાઈ છે અને એ પણ મોદીના શાસનમાં એટલે અમે લોકોનાં હ્રદય જોડવા નીકળ્યાં છીએ. ખરેખર તો આટલી બધી મહેનત કર્યા બાદ, આટલો બધો ખર્ચો કર્યા બાદ અને આટલા બધાં કિલોમીટર ચાલ્યા બાદ કોંગ્રેસે એ નેરેટીવને વળગી રહેવાનું હતું.

  ચાલો તેને વળગી ન રહે તો પણ આ નેરેટીવ સતત લોકોનાં મનમાં ઠસાવવાનો પ્રયાસ તેની ચર્ચા કરીને આ યાત્રાના મૂળ હેતુને કદાચ સફળ બનાવત. પણ યાત્રા પુરી થઇ અને હિન્ડેનબર્ગ રીપોર્ટ આવી ગયો અને કોંગ્રેસ પોતાની જ ભારત જોડો યાત્રા ભૂલી ગઈ, એની મહેનતને ભૂલી ગઈ અને અદાણી અદાણીના જાપ જપવા લાગી.

  શરૂઆતમાં આપણે વાત કરી હતી ટૂંકાગાળા અને લાંબાગાળાના લક્ષ્યાંકો વિષે. કોંગ્રેસને સત્તામાં પરત તો આવવું છે પણ ટૂંકાગાળાના લક્ષાંક જેવાકે રફેલ એક અદાણીનો ટેક્નિકલી બેઝલેસ નેરેટીવ ઉભો કરીને મોદી ભ્રષ્ટ છે એવું પ્રજાનાં મનમાં પરાણે ઠસાવીને. પણ પ્રજા સમજુ છે અને આગળ જણાવ્યું તેમ આટઆટલા આરોપો બાદ પણ મોદી વારંવાર નખશીખ પ્રમાણિક નેતા તરીકે ઉભરી આવે છે.

  આથી, આ પ્રકારના ટૂંકાગાળાના લક્ષ્ય સાથે મોદી ભ્રષ્ટ છે એ તો સાબિત નહીં જ થાય પરંતુ કોંગ્રેસ વધુને વધુ સમય સત્તાથી જરૂર દુર રહેશે એ પાક્કું છે. કોંગ્રેસ મજબુત થાય એ માટેનાં ઘણાં વિચારો અને સૂચનો મજબુત લોકશાહીમાં વિશ્વાસ ધરાવતાં તમામ લોકો કાયમ કહેતાં હોય છે પરંતુ કોંગ્રેસ પોતાનાં જ સ્વપ્નમાં રાચે છે. પરિણામે રફેલનાં દૂધથી દાઝેલી કોંગ્રેસ અદાણીની છાશ ફૂંકી ફૂંકીને નથી પી રહી એટલે એમાં પણ એ 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં જરૂર દાઝશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં