Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપહેલાં જ દિવસે પોતાની ટીમ જાડેજાનાં આક્રમણ સામે ઢળી પડતી ન જોઈ...

    પહેલાં જ દિવસે પોતાની ટીમ જાડેજાનાં આક્રમણ સામે ઢળી પડતી ન જોઈ શકનાર ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલે બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો

    મળતાં સમાચાર અનુસાર મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે આ વિવાદનું સંજ્ઞાન લેતાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાને પ્રથમ દિવસની રમત પત્યા બાદ મળવા બોલાવ્યાં હતાં.

    - Advertisement -

    બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું મહત્વ હવે ધ એશિઝ કરતાં પણ અનેકગણું વધી ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી આ ટેસ્ટ સિરીઝ પર છેલ્લાં ઘણાં વર્ષોથી ટીમ ઇન્ડિયાનું પ્રભુત્વ હવે ઓસ્ટ્રેલિયનોને ખટકી રહ્યું છે. એમાં પણ ગઈકાલે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો દ્વારા પોતાની ટીમ આ સિરીઝમાં ભારતને આરામથી હરાવી દેશે એવા દાવાઓથી સાવ વિરુદ્ધ રવિન્દ્ર જાડેજાનાં આક્રમણ સામે ઢળી પડતાં હવે તેમની હતાશા સાવ સામે આવી ગઈ છે. એક ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલે જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે.

    ગઈકાલે ટેસ્ટ સિરીઝનાં પ્રથમ દિવસે જ રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 177 પર સીમિત કરી દીધું હતું. રવિન્દ્ર જાડેજા લાંબી ઈજા બાદ આ જ ટેસ્ટ મેચથી પુનરાગમન કરી રહ્યાં છે અને આ દરમ્યાન તેમની આંગળીઓમાં હજી પણ દુઃખાવો થઇ રહ્યો છે. આ ઉપરાંત નવા બોલની સીમ પણ કડક હોય છે અને આથી નવા બોલથી સતત બોલિંગ કરવાને લીધે પણ જાડેજાની આંગળીઓમાં ઘા પડી ગયાં હોય એથી પણ તેમણે કોઈ ઓઇન્ટમેન્ટથી રાહત મેળવવાનો પ્રયાસ કર્યો હોય એ પણ શક્ય છે.

    ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલે ભારતીય ફાસ્ટ બોલર મુહમ્મદ સિરાજ જ્યારે જાડેજાની દુઃખતી આંગળી પર પેઈન રિલીવર ક્રીમ લગાડી રહ્યો હતો તે ભાગને ટ્વીટ કરીને વિવાદ ઉભો કર્યો હતો. આ ચેનલે જાડેજા પર બોલ ટેમ્પરીંગનો આરોપ મુક્યો હતો. પોતાની ટ્વીટમાં ફોક્સ સ્પોર્ટ્સે લખ્યું છે, “રસપ્રદ. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સ દરમ્યાન એક પ્રશ્નાર્થ ચિન્હ લગાવતી ઘટના જોવા મળી હતી જેનાં પર હવે ચર્ચા શરુ થઇ ગઈ છે.”

    - Advertisement -

    ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને પરણિત હોવા છતાં પોતાની પ્રેમિકાને સેક્સટીંગ કરવાનાં આરોપ હેઠળ ફક્ત કપ્તાનપદ જ નહીં પરંતુ ટીમમાંથી પણ રવાના કરી દેવામાં આવેલા ટીમ પેઇને પણ આ ઘટનાને હવા દેતાં તેને રસપ્રદ ગણાવી હતી. જ્યારે ભારતીય ટીમ તકલીફમાં હોય કે પછી ભારતનાં કોઇપણ ક્રિકેટર પર નાખી દેવાં જેવો આરોપ પણ લાગ્યો હોય ત્યારે કાયમ ગીધની જેમ તૂટી પડતાં ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ વહેતી ગંગામાં હાથ ધોવાનાં પ્રયાસો કર્યા હતાં.

    વોને પોતાની ટ્વીટમાં કહ્યું હતું કે, “એ (જાડેજા) પોતાની આંગળી પર શું લગાવી રહ્યો છે? આવું તો ક્યારેય જોવા મળ્યું નથી.”

    મળતાં સમાચાર અનુસાર મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે આ વિવાદનું સંજ્ઞાન લેતાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાને પ્રથમ દિવસની રમત પત્યા બાદ મળવા બોલાવ્યાં હતાં. જ્યાં શર્માએ મેચ રેફરીને જણાવ્યું હતું કે ICCનાં નિયમ અનુસાર બોલ પર કોઈપ્રકારનું ક્રીમ કે ઓઇન્ટમેન્ટ લગાડી શકાતું નથી પરંતુ આંગળી પર લગાડવાની છૂટ હોય છે.

    ઓસ્ટ્રેલિયન બેટર સ્ટિવ સ્મિથે પણ આ ઘટના પર પોતાનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે જાડેજાએ પોતાનાં હાથમાં જ્યારે બોલ હતો ત્યારે ક્રીમ લગાડવાની જરૂર ન હતી. તેણે પહેલાં બોલ અમ્પાયરને હવાલે કરવો જોઈતો હતો અને ત્યારબાદ ક્રીમ લગાડવું જોઈતું હતું.

    મજાની વાત એ છે કે જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલે મુક્યા બાદ પણ ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે મેચ રેફરી સમક્ષ અધિકારીક ફરિયાદ નોંધાવી નથી. આમ, ફોક્સ સ્પોર્ટ્સ, ટીમ પેઈન અને માઈકલ વોન દ્વારા એક નાનકડી બાબતે મારવામાં આવેલા કૂદકાઓ વ્યર્થ ગયાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં