Thursday, April 2, 2026
More
    Home Blog Page 1031

    ‘તમે ભ્રષ્ટાચારની વાત કરે છો? પહેલાં જઈને ડેટોલથી મોં ધોઈ આવો’: લોકસભામાં આરોપ લગાવી રહ્યા હતા કોંગ્રેસી સાંસદો, મળ્યો નાણામંત્રી નિર્મલા સિતારમનનો જવાબ

    હાલ લોકસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમ્યાન શુક્રવારે (10 ફેબ્રુઆરી, 2023) બજેટ પરની સામાન્ય ચર્ચા પર નાણાંમંત્રી નિર્મલા સિતારમને જવાબ આપ્યો હતો. આ જ સંબોધન દરમિયાન તેમણે આર્થિક બાબતોને લઈને કોંગ્રેસ પાર્ટીનાં બેવડાં ધોરણોની પોલ ખોલી તો એક ટિપ્પણી પણ કરી હતી, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. 

    નાણાંમંત્રીના સંબોધન દરમિયાન વિપક્ષ તરફથી ‘ભ્રષ્ટાચાર’ શબ્દ સાંભળવા મળતાં જ નિર્મલા સિતારમને હળવાશભરી ટિપ્પણી કરી અને કહ્યું કે, કોંગ્રેસીઓએ ભ્રષ્ટાચારની વાતો કરવા પહેલાં ડેટોલથી મોં ધોઈ આવવું જોઈએ. 

    નાણાંમંત્રી નિર્મલા સિતારમન લોકસભામાં જણાવી રહ્યાં હતાં કે નરેન્દ્ર મોદી સરકારે નવેમ્બર 2021 અને જૂન 2022માં ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે જનતા પરનો બોજો ઓછો થાય તે માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમુક રાજ્યો આનાથી વિપરીત ચાલી રહ્યા છે. 

    તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો કે કઈ રીતે હિમાચલ પ્રદેશની સરકારે ચૂંટણી જીત્યાના તરત પછી ડીઝલ ઉપરનો VAT વધારી દીધો હતો. આ બાબત પર વિપક્ષ તરફથી સાંસદોએ ઉભા થઈને બોલવા માંડતાં નાણામંત્રીએ કહ્યું કે, કોંગ્રેસની આ જ આદત રહી છે. તેઓ આરોપ લગાવશે પરંતુ જવાબ મળે ત્યારે તેઓ બૂમો પાડે છે અને વોકઆઉટ કરી જાય છે. 

    આ દરમિયાન વિપક્ષ તરફથી કોઈ સાંસદે મોદી સરકાર પર ‘ભ્રષ્ટાચાર’નો આરોપ લગાવતાં નાણામંત્રીએ આ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, “ભ્રષ્ટાચાર ઉપર તમે? ડેટોલથી મોં સાફ કરી લો કોંગ્રેસીઓ. ભ્રષ્ટાચાર ઉપર તમે વાત કરી રહ્યા છો?”

    આ જ ભાષણમાં વિત્તમંત્રી નિર્મલા સિતારમને રાજસ્થાનમાં આજે મુખ્યમંત્રી અશોક ગેહલોતે કરેલી ગડબડનો પણ ઉલ્લેખ કર્યો હતો. અશોક ગેહલોત ‘ભૂલથી’ ગયા વર્ષનું બજેટ ઉપાડી લાવ્યા હતા અને એટલું જ નહીં લગભગ આઠેક મિનિટ સુધી ગૃહમાં આ જૂનું બજેટ જ વાંચતા રહ્યા હતા. આખરે એક ધારાસભ્યે તેમને ટકોર કરતા ભૂલનો ખ્યાલ આવ્યો હતો. 

    આ ઘટનાને લઈને નાણામંત્રીએ કહ્યું, “રાજસ્થાનમાં ગડબડ છે, ગયા વર્ષના બજેટ આ વર્ષે વાંચવામાં આવી રહ્યાં છે. હું જાણું છું કે આવું કોઈની પણ સાથે થઇ શકે છે. પરંતુ ભગવાનને પ્રાર્થના કરું કે આવી સ્થિતિ કોઈ પણ વ્યક્તિ માટે ન સર્જે જેથી તેઓ ગયા વર્ષનું વજેટ આ વર્ષે વાંચે. ભૂલ કોઈની પણ થઇ શકે. પણ આજે થયું છે તો મારે ઉલ્લેખ કરવો પડ્યો.”

    જગ્યાઓ ખાલી પડે તે પહેલાં જ સુપ્રીમ કોર્ટે લિસ્ટ મોકલ્યું: કોલેજિયમના 25 વર્ષના ઇતિહાસમાં પ્રથમ ઘટના, ગુજરાત સહિત 5 રાજ્યોના ચીફ જસ્ટિસ માટે નામોની ભલામણ

    સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુરુવારે (09 ફેબ્રુઆરી 2023) હાઈકોર્ટ માટે ચીફ જસ્ટિસનાં નામોની ભલામણ કરી છે. કોલેજિયમ સિસ્ટમની રચના બાદ 25 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે પદ ખાલી પડે તે પહેલાં જ નિમણૂક માટે જજોના નામોની ભલામણ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઈકોર્ટ માટે ચીફ જસ્ટિસનાં નામોની ભલામણ કરી છે, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટ માટે જસ્ટિસ પ્રીતિંકર દિવાકર, કલકત્તા હાઈકોર્ટ માટે જસ્ટિસ ટી.એસ.શિવજ્ઞાનમ, છત્તીસગઢ હાઈકોર્ટ માટે જસ્ટિસ રમેશ સિંહા, ગુજરાત હાઈકોર્ટ માટે જસ્ટિસ સોનિયા જી ગોકાણી અને મણિપુર હાઈકોર્ટ માટે જસ્ટિસ ધીરજસિંહ ઠાકુરના નામોની ભલામણ કરી છે.

    ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચૂડ સહિત ત્રણ સભ્યોની કોલેજિયમનું કહેવું છે કે અલ્હાબાદ હાઇકોર્ટના હાલના ચીફ જસ્ટિસ રાજેશ બિંદલને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી રહી છે. આ માટે કેન્દ્ર સરકારની મંજૂરી પણ મળી ગઇ છે. આવી સ્થિતિમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસનું પદ ખાલી રહેશે. ખાલી પડેલી આ જગ્યા માટે જસ્ટિસ પ્રીતિંકર દિવાકરની નિમણૂકની ભલામણ કરવામાં આવી છે.

    તેવી જ રીતે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક થઇ રહી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના પદ માટે જસ્ટિસ સોનિયા જી ગોકાણીના નામની ભલામણ કરવામાં આવી રહી છે, જે અગામી સમયમાં ખાલી થવા જઈ રહ્યું છે.

    જસ્ટિસ સોનિયા જી ગોકાણી ગુજરાત હાઇકોર્ટના સૌથી સિનિયર જજ છે. છત્તીસગઢ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરૂપ ગોસ્વામી 10 માર્ચે નિવૃત્ત થઈ રહ્યા છે. આથી કોલેજિયમે આ પદ માટે જસ્ટિસ રમેશ સિન્હાના નામની ભલામણ કરી છે.

    કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની મુદત 30 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થાય છે. આ પદ માટે કોલેજિયમ દ્વારા સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમના નામની ભલામણ કરવામાં આવી છે.

    મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પી.વી.સંજય કુમારને પણ સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવામાં આવી રહી છે. કોલેજિયમે મણિપુર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઇકોર્ટના સૌથી સિનિયર જજ જસ્ટિસ ધીરજસિંહ ઠાકુરના નામની ભલામણ કરી છે. જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુર ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ટીએસ ઠાકુરના ભાઈ છે.

    ‘ધંધા કરના હૈ તો મુજે હર મહિને 15 હજાર દેના પડેગા’: વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા સુરતના માથાભારે હાસિમ સિદ્દીકી સામે FIR, શોધખોળ શરૂ

    ફિલ્મી ઢબે વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા સુરતના માથાભારે ઈસમ હાસિમ સિદ્દીકી સામે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સિદ્દીકીએ એક વેપારીને ધમકાવીને દર મહિને 15 હજાર આપવા માટે કહ્યું હતું, જેને લઈને તેણે પોલીસનો સંપર્ક કરી તેની સામે ફરિયાદ દાખલ કરી હતી. 

    લિંબાયત વિસ્તારમાં આવેલ મસ્જિદની સામે ગાંધીચોકમાં રહેતો ઈલિયાસ ખાલિદ જનાબ આ જ વિસ્તારમાં ઇલેક્ટ્રિક અને હાર્ડવેરની દુકાન ચલાવે છે. તેણે પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે, ગત 8 જાન્યુઆરીની સાંજે માથાભારે હાસિમ સિદ્દીકી અને તેના ત્રણ સાગરીતોએ તેની દુકાને આવીને ધમકી આપી હતી અને 15 હજાર રૂપિયા પડાવી લીધા હતા. 

    ફરિયાદ અનુસાર, હાસિમે વેપારીને ધમકી આપીને કહ્યું હતું કે, “તું ક્યું ઇધર ધંધા કરતા હૈ, તુજે યહાં ધંધા કરના હૈ તો મુજે હર મહિને 15 હજાર રૂપિયા દેના પડેગા.” ત્યારબાદ ધમકીથી ડરી જનાર વેપારીએ હાસિમને 15 હજાર રૂપિયા આપી દીધા હતા. તેણે જણાવ્યું કે, ત્યારબાદ પણ તેને હાસિમ અને તેના સાગરીતો તરફથી જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. 

    આ સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેને લઈને વેપારી પોલીસ મથકે પહોંચ્યો હતો અને હાસિમ સહિત ચારેય સામે ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે આઇપીસીની કલમ 384 (વસૂલી) FIR દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

    પોલીસ અનુસાર, હાસિમ સહિતના તમામ આરોપીઓ હાલ ફરાર છે અને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

    અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે હાસિમ

    એક રિપોર્ટ અનુસાર, લિંબાયત વિસ્તારમાં રહેતા હાસિમ સિદ્દીકી વિરુદ્ધ અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ખંડણી, લૂંટ, મારામારી, હત્યાના પ્રયાસ વગેરે ગંભીર ગુનાઓ સામેલ છે. તે મૂળ બિહારનો વતની છે અને વર્ષોથી સુરતમાં રહીને ગુનાખોરીમાં સંડોવાયેલો છે. 

    હાસિમના તમામ સાગરિતો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. જેમાંથી અમુક પોતાના વતનમાં પણ ગુનાઓ આચરી ચૂક્યા હોવાનું અને ફરાર હોવાનું જાણવા મળ્યું છે. હાસિમ સિદ્દીકીની ગેંગ વેપારીઓને ધાકધમકી આપીને ઉઘરાણી કરવાનું કામ કરે છે. ખાસ કરીને લિંબાયત, ઉધના, ઉન અને સચિન વિસ્તારોમાં આ ગેંગ સક્રિય છે. 

    અનેક ગુનાઓમાં સંડોવાયેલા હાસિમ અને તેની ગેંગથી પોલીસ પણ ત્રાસી ચૂકી હતી પરંતુ પૂરતી ફરિયાદો ન હોવાના કારણે પહોંચી શકતી ન હતી. હવે તાજેતરમાં વધુ એક ફરિયાદ થઇ હોવાથી પોલીસે આ સમગ્ર ગેંગ પર સકંજો કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેમને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે તજવીજ હાથ ધરી છે. 

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ધારાવાહિકમાં નવા ટપુની એન્ટ્રી: જાણો કોણ કરશે રાજ અનડકટને રિપ્લેસ

    છેલ્લા ઘણાં વર્ષોથી આખા દેશના ઘર ઘરમાં આગવું સ્થાન બનાવનાર ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંથી ભાગ્યેજ કોઈ અજાણ હશે, એકાદ વર્ષથી કેટલાક કલાકારોના શો છોડ્યા બાદ હવે ફરી એક વાર ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે, તેવામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ધારાવાહિકમાં નવા ટપુની એન્ટ્રી થવા જઈ રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. નિર્માતાઓએ જુના ટપુ એટલે કે રાજ અનડકટને રિપ્લેસ કરી નવા ટપુનું સિલેકશન કરી દીધું છે,

    અહેવાલો અનુસાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ધારાવાહિકમાં જે નવા ટપુની એન્ટ્રી થવાની છે, તેનું નામ નિતીશ ભલુની છે, જે મુજબ ખબરો મળી રહી છે તે મુજબ નિતીશે શૂટ કરવાની તૈયારીઓ પણ કરી દીધી છે. તેના કરિયરની વાત કરીએ તો આ પહેલા તે “ડોલી મેરે અંગના” શોમાં જોવા મળ્યો હતો. પણ તારક મહેતા જેવા મોટા શો માં જોડાયા બાદ તેના કરિયરમાં મોટો વળાંક આવવાની પૂરે પૂરી શક્યતાઓ છે, કારણકે ટીઆરપીના મામલામાં આ શો છેલ્લા 15 વર્ષોથી પોતાનું સ્થાન બનાવીને સતત ચાલી રહ્યો છે. અહેવાલોનું માનવામાં આવે તો બહું જલ્દી આ બાબતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે.

    રાજ અનડકટને રિપ્લેસ કરશે નિતીશ ભલુની

    ગયા વર્ષે રાજ અનડકટે આ શોને અલવિદા કહી દીધું હતું. જે દર્શકો માટે બહું મોટો આંચકો હતો. કારણ કે શો ચાલુ થયો ત્યારથી ટપુના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. રાજ અનડકટ બીજા પ્રોજેક્ટમાં જોડાયા હતા, જેના કારણે તેમણે આ શો છોડી દીધો હતો. ત્યારથી રાજ અનડકટને દર્શકો ખૂબ યાદ કરતા હતા. તાજેતરમાં જ અસિત મોદીએ કહ્યું હતું કે શોના ગુમ થયેલા તમામ પાત્રો ટૂંક સમયમાં પાછા ફરશે અને આ બાબતે ખરેખર કામ શરૂ થઈ ગયું છે. રાજ અનડકટ પહેલાં આ રોલ ભવ્ય ગાંધીએ કર્યો હતો અને તે ટેલિવિઝનનું આઇકોનિક પાત્ર બની ગયું હતું.

    ઉલ્લેખનીય છે કે રાજ અનડકટ એટલે કે ‘ટપુ’એ શો છોડ્યા બાદ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં રાજે લખ્યું હતું કે, ‘બધાને નમસ્તે, હવે સમય આવી ગયો છે કે તમામ સવાલો અને અટકળો પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે. નીલા ફિલ્મ પ્રોડક્શન અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથેની મારી સફર હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ છે. કઈક નવું શીખવાની, મિત્રો બનાવવાની અને મારી કારકિર્દીનાં શ્રેષ્ઠ વર્ષો ગાળવાની આ એક મહત્વની સફર હતી. હું તે દરેકનો આભાર માનું છું જેમણે મને આ યાત્રામાં ટેકો આપ્યો. TMKOCની આખી ટીમ, મારા મિત્રો, કુટુંબીજનો અને અલબત્ત તમે બધાએ મને ખુબ પ્રેમ આપ્યો. ‘

    ‘અગ્નિપથ’ને મુસ્લિમોના ‘નરસંહાર’ માટેની યોજના ગણાવતા હતા PFIના આતંકીઓ: મહારાષ્ટ્ર ATSની ચાર્જશીટમાં ખુલાસો, બંધારણની જગ્યાએ ‘શરિયા’ લાગુ કરવા માંગતા હતા

    ગત 2 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે (ATS) પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન PFIના પાંચ આતંકવાદીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ આતંકવાદીઓ PFI સામેની રાષ્ટ્રવ્યાપી કાર્યવાહી દરમિયાન પકડાયા હતા. જેમની ઓળખ મઝહર ખાન, સાદિક શેખ, મોહમ્મદ ઇકબાલ ખાન, મોમિન મિસ્ત્રી અને આસિફ હુસૈન ખાન તરીકે થઇ હતી. મહારાષ્ટ્ર ATSના મુંબઈ યુનિટે આ તમામની ધરપકડ કરી હતી. આ તમામની ધરપકડ અને તપાસ બાદ સામે આવ્યું છે કે કઈ રીતે તેઓ અગ્નિપથ યોજનાને લઈને દુષ્પ્રચાર ફેલાવી રહ્યા હતા.

    પાંચ આરોપીઓ સામે મહારાષ્ટ્ર એટીએસે દાખલ કરેલી 600 પાનાંની ચાર્જશીટમાં ભારતને 2047 સુધીમાં ઇસ્લામી દેશ બનાવવા માટે ઘડવામાં આવી રહેલાં કાવતરાંનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ‘વિઝન 2047’ ડોક્યુમેન્ટ, જેની ઉપર ગત જુલાઈ 2022માં ઑપઇન્ડિયાએ વિગતવાર એક્સક્લુઝિવ રિપોર્ટ આપ્યો હતો, તેને પણ આ ચાર્જશીટમાં સાથે જોડવામાં આવ્યું હતું. આ ડોક્યુમેન્ટ પોલીસને દરોડાની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી મળ્યું હતું. 

    PFI દ્વારા કઈ રીતે કાવતરાં ઘડવામાં આવી રહ્યાં હતાં અને તેને સફળ બનાવવા માટે કઈ રીતે તેની સાથે જોડાયેલા લોકો કૃત્યોને અંજામ આપી રહ્યા હતા, તેની વિગતવાર માહિતી આ ચાર્જશીટમાં આપવામાં આવી છે. 

    PFIના સભ્યો અને પકડાયેલા પાંચ આરોપીઓને લઈને ચાર્જશીટમાં આ ખુલાસાઓ કરવામાં આવ્યા છે. 

    -PFI અને આતંકવાદી સંગઠનો માટે કામ કરતા ઇસ્લામીઓ દેશ સામે ષડ્યંત્ર રચી રહ્યા હતા. 

    -PFIના સભ્યો દ્વારા મહારાષ્ટ્રના ચેમ્બુર, ધારાવી, કુરલા, થાણે, નેરુલ, પનવેલ અને મુંબ્રામાં ગુપ્ત બેઠકો યોજવામાં આવી હતી અને જેમાં તેમણે દેશવિરોધી કૃત્યોને અંજામ આપવાની અને મુસ્લિમોને કટ્ટરપંથી બનાવીને ભારતને વર્ષ 2047 સુધીમાં ઇસ્લામિક દેશ બનાવવાની ચર્ચા કરી હતી. 

    -PFIએ આ કૃત્યોમાં મુસ્લિમોને સામેલ કરીને તેમને સરકાર ઇસ્લામ વિરુદ્ધ કામ કરતી હોવાનું કહીને હિંદુઓ સામે એકજૂટ કરવા માટેની યોજના ઘડી હતી. 

    -PFIનો ઉદ્દેશ્ય ભારતના બંધારણની જગ્યાએ ઇસ્લામિક શરિયા લાગુ કરવાનો પણ હતો. 

    -તેઓ ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગતા હતા. 

    -તેઓ ઇચ્છતા હતા કે મુસ્લિમોને ‘મુસ્લિમો’ તરીકે જ ઓળખવામાં આવે અને ભારતીયો તરીકે નહીં. 

    -મુસ્લિમો જોખમમાં છે અને તેમની ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો હોવાના પ્રોપેગેન્ડાને આગળ ધપાવવામાં PFIએ ભૂમિકા ભજવી હતી અને આમ કરીને તેઓ મુસ્લિમોના હાથમાં હથિયારો પકડાવવા માંગતા હતા. 

    -ભારતને ઇસ્લામિક દેશ બનાવવા માટે અને લોકશાહીનો તખ્તાપલટ કરવા માટે PFIએ વિદેશી સંગઠનોની મદદ લેવાની અને ભંડોળ એકઠું કરવાની યોજના બનાવી હતી. 

    -આરોપીઓમાંથી એકને કાયદાકીય બાબતોનું પણ જ્ઞાન હતું અને જે બાકીનાને મદદ કરતો હતો. 

    -એક આરોપી મુસ્લિમ યુવકોને ભરતી કરવાની વિરુદ્ધમાં હતો. 

    અગ્નિપથ વિશે દુષ્પ્રચાર ફેલાવ્યો, કહ્યું- યોજના ‘મુસ્લિમોના નરસંહાર’ માટે લાવવામાં આવી 

    તપાસ દરમિયાન ATSને આરોપીઓની ચેટ પણ હાથ લાગી હતી, જેમાં અગ્નિપથ યોજનાને ‘મુસ્લિમોના નરસંહાર’ માટે લાવવામાં આવી હોવાનું ગણાવવામાં આવ્યું છે. આ મેસેજ એક દાનિશ મલિક નામના શખ્સે મોકલ્યો હતો. ત્યારબાદ આ પ્રોપેગેન્ડાની મદદથી PFIએ મુસ્લિમોને ભારત સરકાર સામે ભડકાવવાનું કામ કર્યું હતું. 

    મેસેજનું શીર્ષક હતું, ‘અગ્નિપથ કે સંઘીઓની વાનરસેના.’ મેસેજમાં કહેવામાં આવું કે અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના હિંદુ યુવાનોને ભરતી કરવામાં આવશે અને તેમને હથિયારો અને અન્ય સૈન્ય તાલીમ આપવામાં આવશે. 5 વર્ષ સેનામાં સેવા આપ્યા બાદ તેઓ બહાર આવી જશે. અગ્નિપથ યોજનાને ‘ઇઝરાયેલ જેવી નીતિ’ ગણાવીને કહેવામાં આવ્યું કે દેશના દરેક ભાગમાં હથિયારોની તાલીમ મેળવેલા હિંદુઓ પોતાનાં જૂથ બનાવી દેશે અને તાલીમ મેળવેલા હોવાના કારણે તેઓ ડરીને ભાગી જશે નહીં.

    PFI આતંકીઓ પાસેથી મળી આવેલી ચેટ્સ

    આ મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે આ અગ્નિપથ યોજના RSS મોડ્યુલનો જ એક ભાગ છે જ્યાં તેઓ હિંદુઓને શસ્ત્રોની તાલીમ આપે છે. આગળ કહેવામાં આવ્યું કે, ઇઝાયેલી પોલિસીની જેમ મુસ્લિમોના નરસંહાર માટેની યોજના શરૂ કરી દેવામાં આવી છે અને અગ્નિપથ તેનો જ ભાગ છે. 

    મેસેજમાં ભારતીય સેના દ્વારા અગ્નિપથ યોજના લાવવા પાછળનાં કારણો પણ જણાવવામાં આવ્યાં છે. 

    -સંઘીઓ (હિંદુઓ) મુસ્લિમો સામે ભારતીય સેના તહેનાત કરી શકતા નથી.

    -તેઓ તેમ કરે તો સરહદીય સુરક્ષાને અસર પહોંચશે. 

    -મુસ્લિમો સામે સેના ઉતારી દે તો જે રીતે રોહિંગ્યા મુસ્લિમોના ‘નરસંહાર’ના કારણે આખા વિશ્વમાં તેમણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું તેવી જ સ્થિતિ હિંદુઓ (સંઘીઓ)ની પણ થશે. 

    -હિંદુઓ મુસ્લિમો સામે સેના ઉતારી શકે નહીં કારણ કે સેના સંગઠિત થઇ જાય તો તેઓ પીએમ મોદીને સત્તા પરથી ઉતારીને પોતે મેળવી લેશે અને આ નવું નથી અને ઘણા દેશોમાં પહેલાં થઇ ચૂક્યું છે. 

    PFI અનુસાર, આ કારણોસર ‘સંઘીઓ’એ મુસ્લિમો સામે સીધી રીતે સેના નથી ઉતારી પરંતુ અગ્નિપથ યોજના લાવવામાં આવી છે જેથી મુસ્લિમોના ‘નરસંહાર’ માટે તેઓ હિંદુઓને તાલીમ આપી શકે. 

    મેસેજમાં આગળ જણાવવામાં આવ્યું કે, તમામ મુસ્લિમો, સુન્નીઓ, શિયાઓ, વહાબીઓએ એક થઈને અગ્નિપથ યોજનામાં ભરતી થવું જોઈએ. મેસેજમાં આગળ લખવામાં આવ્યું છે કે, મુસ્લિમો કદાચ અગ્નિપથમાં જોડાય તોપણ તેમને સામેલ કરવામાં આવે તેવી સંભાવનાઓ ઓછી છે કારણ કે આ યોજના ઇસ્લામના વિરોધીઓ માટે જ લાવવામાં આવી છે. 

    PFIનો એકમાત્ર ઉદ્દેશ્ય 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક રાષ્ટ્રમાં બદલવાનો છે, એ જ રીતે આ મેસેજ પાછળનો ઈરાદો પણ સ્પષ્ટ છે. આતંકી સંગઠનોનો સંદર્ભ આપીને PFI મુસ્લિમોને એ જણાવવા માંગતું હતું કે અગ્નિપથ યોજના ઇસ્લામના વિરોધીઓ દ્વારા હિંદુઓને તાલીમ આપવા માટે બનાવવામાં આવી છે, જેથી જ્યારે જરૂર પડે ત્યારે હિંદુઓ ભાગે નહીં અને સામનો કરે. તેઓ આગળ ઈચ્છે છે કે વધુને વધુ મુસ્લિમો આ યોજના માટે ભરતી થાય જેથી તેઓ પોતાની પણ એક સેના બનાવી શકે. 

    અહીં નોંધવું જરૂરી છે કે 24 જૂન, 2022ના રોજ ઇસ્લામિક સંગઠન ‘ધ એસોશિએશન ઑફ મુસ્લિમ પ્રોફેશનલ્સ’ દ્વારા મુસ્લિમ યુવાનોને વધુને વધુ સંખ્યામાં અગ્નિપથ યોજનામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ કેન્દ્ર સરકારની આ યોજનાનું સમર્થન કરે છે અને આ સંદેશ વિવિધ શહેરોની મસ્જિદોના મૌલવીઓ અને ઇમામો દ્વારા દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવવો જોઈએ. 

    અહીં એ પણ ઉલ્લેખ જરૂરી છે કે આ સંગઠનના અધ્યક્ષ આમિર ઈદ્રિસી ભૂતકાળમાં ભારતીય સેના વિરુદ્ધ આક્ષેપો લગાવી ચૂક્યા છે અને ઇસ્લામવાદી વિચારોના સમર્થક છે. 2015માં તેમણે ડાબેરી પ્રોપેગેન્ડા ન્યૂઝ આઉટલેટ ‘ધ હિંદુ’ના એક લેખનું સમર્થન કર્યું હતું, જેમાં આતંકવાદી યાકુબ મેમણની ફાંસીને ‘અમાનવીય’ અને ‘અયોગ્ય’ ગણાવવામાં આવી હતી. 

    ઉપરાંત, ઓગસ્ટ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ યુએઈ દ્વારા પહેલા હિંદુ મંદિર માટે જમીન ફાળવવામાં આવ્યા બાદ તેઓ બાબરી મસ્જિદ વિવાદ વચ્ચે લઇ આવ્યા હતા. 

    વધુ રસપ્રદ બાબત એ છે કે, ઇસ્લામવાદીઓએ જ્યાં ઇશનિંદાના નામે ઉત્પાત મચાવ્યો હતો એવા કાનપુરમાં પણ 300થી વધુ મસ્જિદોમાંથી મુસ્લિમ યુવાનોને અગ્નિવીરમાં સામેલ થવા માટે અપીલ કરવામાં આવી હતી. 

    મિશન 2047 ડોક્યુમેન્ટ 

    PFIના આ ડોક્યુમેન્ટનો મૂળ ઉદ્દેશ્ય ભારતમાં અસ્થિરતા સર્જીને ‘કાયર હિંદુઓ’ને હરાવીને તેમની ઉપર ઇસ્લામી પ્રભુત્વ સ્થાપિત કરીને તેમને પોતાને આધીન કરવાનો છે. સંગઠનનું લક્ષ્યાંક હતું કે દેશ સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધીમાં ભારતમાં ઇસ્લામનું શાસન સ્થાપિત થઇ ગયું હોવું જોઈએ. તેમનો ઉદ્દેશ્ય હિંદુઓ અને તેમના નેતાઓ ઉપર હુમલો કરીને નિયંત્રણ મેળવવાનો હતો, જે સામાન્યતઃ ‘ગઝવા-એ-હિંદ’ તરીકે પણ ઓળખાય છે. 

    ગઝવા-એ-હિંદનો અર્થ થાય છે હિંદુસ્તાન ઉપર હુમલો કરીને બિનમુસ્લિમો ઉપર હુમલા કરીને તેમને મારી નાંખવા અથવા ઇસ્લામમાં પરિવર્તિત કરી નાંખવા. આ પ્રકારનાં યુદ્ધ ‘કાફિરો’ સામે થાય છે, જેને ગઝવા કહેવાય છે. 

    (આ ડોક્યુમેન્ટને લઈને ઑપઇન્ડિયાનો વિસ્તૃત લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    ચીન અને ઓસ્ટ્રેલીયાનો લિથિયમ પર દબદબો ખતમ: જમ્મુ કાશ્મીરમાં મળી આવ્યો લાખો ટન ભંડાર; જાણો ખનન મંત્રાલયે શું આપી માહિતી

    આધુનિક ઉર્જા સ્ત્રોત માટે વર્તમાન સમય અને ભવિષ્ય માટે લિથિયમ પર આખી દુનિયા નિર્ભર છે, અને ચીન અને ઓસ્ટ્રેલીયા તેના લિથિયમના ભંડારના રીઝર્વને કારણે આખા વિશ્વમાં પોતાનો દબદબો બનાવતું આવ્યું છે, પણ હવે ભારત સરકારના ખનન મંત્રાલયે આપેલી માહિતી બાદ આ બંને દેશોનો દબદબો હવે ઘટવા જઈ રહ્યો છે, કારણકે જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો લાખો ટનનો ભંડાર મળી આવ્યો છે. ખનન મંત્રાલયે આપેલી આ જાણકારી ભારતનું અગામી ભવિષ્ય ઉર્જાવાન છે તેવું કહી શકાય.

    અહેવાલો મુજબ જમ્મુ કાશ્મીરમાં લિથિયમનો લાખો ટનનો ભંડાર મળી આવ્યો છે, જેની માહિતી ભારતના ખનન મંત્રાલયે ગુરુવારે (9 જાન્યુઆરી 2023) ના રોજ જાહેર કરી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હમાના વિસ્તારમાં 5.9 મિલિયન ટનના લિથિયમ અંદાજિત સંસાધન (જી 3) શોધી કાઢ્યું છે. આ બાબતે ખાણ સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, “પ્રથમ વખત લિથિયમનો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે અને તે પણ જમ્મુ-કાશ્મીરમાં. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ) દ્વારા કરવામાં આવેલા સંશોધન પર જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં લિથિયમનો લાખો ટનનો ભંડાર મળી આવ્યો છે.

    લિથિયમ માટે અન્ય દેશો પર નિર્ભર હતું ભારત

    વાસ્તવમાં લિથિયમ એવી ધાતુ છે જે કોઈ પણ બેટરીના મહત્વના ઘટકોમાંનો એક છે. અગાઉ, ખાણ મંત્રાલયે કહ્યું હતું કે ઉભરતી તકનીકો માટે મહત્વપૂર્ણ ખનિજ પુરવઠાની સાંકળને મજબૂત બનાવવા માટે, સરકાર ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનામાંથી લિથિયમ સહિત ખનિજોને સુરક્ષિત કરવા માટે ઘણા સક્રિય પગલાં લઈ રહી છે. હાલમાં, ભારત લિથિયમ, નિકલ અને કોબાલ્ટ જેવા કેટલાક ખનિજોની આયાત પર આધારિત છે.

    ફોનથી લઈને સોલાર પેનલ સુધી લિથિયમની જરૂર

    સેન્ટ્રલ જિયોલોજિકલ પ્રોગ્રામિંગ બોર્ડની 62મી બેઠક સંબોધતા ખાણ ખનીજ સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું હતું કે, મોબાઈલ ફોન હોય કે સોલાર પેનલ, દરેક જગ્યાએ મહત્વના ખનીજોની જરૂર પડે છે. તેમણે કહ્યું હતું કે, દેશ માટે આત્મનિર્ભર બનવા માટે મહત્ત્વપૂર્ણ ખનીજોની શોધ અને સંસધિત કરવું ખુબ મહત્ત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો સોનાની આયાતમાં ઘટાડો કરવામાં આવશે તો અમે આત્મનિર્ભર બનીશું. “

    લિથિયમને શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે

    લિથિયમ એ એક એવી મહત્વપૂર્ણ ધાતુ છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવવા માટે થાય છે. મોદી સરકાર દેશમાં જાહેર અને ખાનગી પરિવહન બંને ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ અને બેંગલુરુ જેવા મોટા શહેરોને ઈલેક્ટ્રિક વાહનો પર વધુને વધુ નિર્ભર બનાવવાની યોજના છે. આ માટે લિથિયમ રિઝર્વ હોવું ખૂબ જ જરૂરી છે.

    ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ શોધ કરનાર જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ની સ્થાપના ભારત સરકાર દ્વારા 1851માં રેલવે માટે કોલસાના ભંડારની શોધ કરવા માટે કરવામાં આવી હતી. ત્યારથી, જીએસઆઇ (GSI) દેશમાં વિવિધ ક્ષેત્રોમાં આવશ્યક ભૂસ્તરશાસ્ત્રની માહિતીના ભંડાર તરીકે વિકસ્યું છે એટલું જ નહીં, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભૂ-વૈજ્ઞાનિક સંગઠનનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે.

    પાંચ વર્ષ જૂના કેસમાં હાર્દિક પટેલ નિર્દોષ જાહેર, પોલીસની પરવાનગીનું ઉલ્લંઘન કરીને રાજકીય ભાષણ આપવાનો મામલો: જામનગરની કોર્ટે ચુકાદો આપ્યો

    ધારાસભ્ય અને પૂર્વ PAAS નેતા હાર્દિક પટેલને વિવાદાસ્પદ ભાષણના કેસમાં જામનગરની કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આજે જામનગર જ્યુડિશિયલ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. હાર્દિક પટેલ સાથે પાસ કન્વીનર અંકિત ઘેડીયાને પણ દોષમુક્ત ઠેરવવામાં આવ્યા છે. 

    જામનગરની સેશન્સ કોર્ટમાં આજે આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ પહેલાં કોર્ટે તમામ દલીલો પૂર્ણ કરી લીધી હતી. ત્યારબાદ આજે કોર્ટે હાર્દિક પટેલના વકીલોની દલીલ ગ્રાહ્ય રાખીને નિર્દોષ ઠેરવવા માટે ચુકાદો આપ્યો હતો. 

    આ મામલો વર્ષ 2017નો છે. પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન 4 નવેમ્બર 2017ના રોજ પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક સભા યોજવામાં આવી હતી. સભા યોજ્યા અગાઉ શૈક્ષણિક હેતુસર તેની મંજૂરી લેવામાં આવી હતી પરંતુ પછીથી તેમાં રાજકીય ભાષણ થતાં કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

    ત્યારથી આ મામલે જામનગરની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. દરમ્યાન, ગત જાન્યુઆરી મહિનામાં સુનાવણી વખતે હાર્દિક પટેલે પણ કોર્ટમાં હાજરી આપી હતી અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. 

    મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, કથિત ઘટનાના 70 દિવસ બાદ આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ વિલંબ પાછળનું કારણ સમજાવવામાં પ્રોસિક્યુશન નિષ્ફ્ળ રહ્યું છે.

    કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે, મામલાની તપાસ માટે આ ભાષણ અપાયાના સ્થળની મુલાકાત લેવામાં આવી ન હતી અને કોઈ પણ સાક્ષીએ હાર્દિક પટેલે રાજકીય નિવેદનો આપ્યાની જુબાની આપી ન હતી. કોર્ટે એ પણ અવલોકન કર્યું કે, પોલીસ દ્વારા સભાની પરવાનગી આપ્યા સમયે મૂકેલી શરતો પણ સ્પષ્ટ ન હતી અને તપાસ પણ યાંત્રિક રીતે કરવામાં આવી હતી. 

    ચુકાદા બાદ કોર્ટ પરિસરની બહાર હાર્દિક પટેલે તેમના વકીલોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “મેં હંમેશા કહ્યું છે કે હું હંમેશા કોર્ટના નિર્ણયનો આદર કરીશ. કેસ જે કોઈ પ્રક્રિયા હેઠળ થયો હોય, મને ફરિયાદીઓ પ્રત્યે કોઈ વેરભાવ નથી. મામલો આંદોલન દરમિયાન દાખલ કરવામાં આવ્યો હતો. આ એક રાજકીય કેસ હતો, હત્યા કે બળાત્કારનો નહીં. મને વિશ્વાસ હતો કે હું નિર્દોષ સાબિત થઈશ.”

    ગોરખપુરમાં જીતુલ્લાહ ખાને તિરંગાથી પોતાની ઈ-રિક્ષા સાફ કરી: રાષ્ટ્રધ્વજના અપમાન પર લોકોમાં રોષ, પોલીસ ફરિયાદ દાખલ

    ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યાનો મામલો સામે આવ્યો છે. અહીં ગોરખપુરમાં એક જીતુલ્લાહ ખાન નામના ઈસમે તિરંગાથી પોતાની ઈ-રિક્ષા સાફ કરી હતી. એટલું જ નહીં, જ્યારે લોકોએ તેને પૂછ્યું ત્યારે તેણે વાત હસવામાં કાઢી નાંખી હતી. તેની આ કરતૂતનો વિડીયો કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો, ત્યારબાદ તેની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

    અહેવાલો અનુસાર, ગોરખપુરમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા જીતુલ્લાહ ખાને તિરંગાથી ઈ-રિક્ષા સાફ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આ વ્યક્તિ જીતુલ્લાહ ખાન બિહારનો રહેવાસી છે. વીડિયોમાં આ વ્યક્તિ તિરંગાથી ઈ-રિક્ષા સાફ કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે તેને ‘હિન્દુસ્તાની છો?’ તેમ પૂછવામાં આવ્યું, તેના જવાબમાં તે એક નફ્ફટાઈ ભરેલું સ્મિત આપીને જાણે કશું કર્યું જ ન હોય તેમ રાષ્ટ્રધ્વ્જથી રિક્ષા સાફ કરવામાં લાગી જાય છે.

    વિડીયો વાયરલ થયા બાદ લોકોએ તેની સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસને અપીલ કરી હતી. ફરિયાદ પર ગોરખપુર પોલીસે તરત જ સંજ્ઞાન લઈને કેસ નોંધી મામલાની તપાસ શરૂ કરી દીધી. ઇન્સ્પેક્ટર દુર્ગેશ સિંહે આ બાબતે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર મળેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે.”

    ગોરખપુર પોલીસે ટ્વિટર પર પણ આ બાબતની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, આ મામલે ગોરખનાથ પોલીસ મથકે કાયદેસર ફરિયાદ દાખલ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    બિહારનો રહેવાસી છે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર મુસ્લિમ વ્યક્તિ

    વીડિયોમાં તિરંગાથી ઈ-રિક્ષા સાફ કરતો વ્યક્તિ પોતાનું નામ જીતુલ્લાહ ખાન જણાવી રહ્યો છે અને તે બિહારનો રહેવાસી હોવાનો દાવો કરી રહ્યો છે. વીડિયોમાં આ વ્યક્તિ તિરંગાથી જે ઈ-રિક્ષા સાફ કરી રહ્યો છે, તેનો નંબર યુપી-53-એફટી-6293 છે. જ્યારે આ ઈ-રિક્ષા ગોરખપુર આરટીઓમાં મમતા ત્રિપાઠી નામની મહિલાના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રિક્ષા દોઢ મહિના પહેલાં મુજીબુર્રહમાન ખાનને વેચી દેવામાં આવી હતી. મમતા ત્રિપાઠીના પતિના કહેવા અનુસાર તેમણે મુજીબુર્રહમાન ખાનને અનેક વખત રિક્ષા નામે કરવા કહેવા છતાં તેને એમ જ કોઈને ફેરવવા આપી દીધી હતી.

    ભાવનગર: હિંદુ પરિવાર પર મુસ્લિમ ટોળાનો ઘાતક હુમલો, કાકાને બચાવવા વચ્ચે પડેલી સગીરાની કરપીણ હત્યા, આરિફ સહિત 6 સામે ગુનો દાખલ

    ભાવનગરના સિહોરમાં મુસ્લિમ ટોળાએ એક હિંદુ પરિવાર ઉપર હુમલો કરી દેતાં વચ્ચે પડેલી 16 વર્ષીય સગીરાનું મોત થયું છે. તે તેના કાકાને બચાવવા માટે વચ્ચે પડી હતી, ત્યારે આરિફ નામના ઈસમે છરી મારીને સગીરાની હત્યા કરી નાંખી હતી. આ મામલે છ ઈસમો સામે ગુનો દાખલ કરીને અટકાયત કરી લેવામાં આવી છે. 

    ઘટના સિહોરના વરલ ગામની છે. અહીં ટાવરનું કામ ચાલી રહ્યું હોઈ ગુરુવારે (9 ફેબ્રુઆરી, 2023) રાત્રે 10 વાગ્યાના અરસામાં ગામનો આરિફ અલ્લારખા પાયક ટ્રેક્ટર લેવા માટે ગયો હતો. જ્યાં ગામના પૂર્વ સરપંચ લશ્કરભાઈ બારૈયા સાથે તેને બોલાચાલી થઇ ગઈ હતી. ત્યારબાદ બંને ઝઘડવા માંડ્યા હતા.

    બોલાચાલી દરમિયાન આરિફ ઉશ્કેરાઈ જઈને પોતાની છરી વડે લશ્કરભાઈને મારવા માટે દોડ્યો હતો. તે જ સમયે ત્યાં જ હાજર લશ્કરભાઈની ભત્રીજી રાધિકા (16) વચ્ચે પડતાં આરિફે તેને છરી મારી દીધી હતી. જીવલેણ ઘાના કારણે લોહીલુહાણ હાલતમાં રાધિકાને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, પરંતુ બચી શકી ન હતી. ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડી દીધો હતો. 

    આ મારામારીમાં અન્ય પણ કેટલાક લોકો ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, મૃતક સગીરાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 

    સગીરાની હત્યા બાદ સિહોરમાં આસપાસના લોકોના ટોળાં ઉમટી પડ્યાં હતાં અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે. 

    રિપોર્ટ અનુસાર, આ મામલે પોલીસે આરિફ સહિત 6 ઈસમો સામે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તમામની અટકાયત કરી લીધી હતી. જેમની ઓળખ આરિફ, અશરફ, અરમાન, ઈરફાન, અમીન અને આદિલ તરીકે થઇ છે.

    એક રિપોર્ટ મુજબ, લશ્કરભાઈ બારૈયાના નાના ભાઈ જગદીશ બારૈયાને પુત્ર કે પુત્રી ન હોવાના કારણે લશ્કરભાઈએ તેમની પુત્રી રાધિકાને ભાઈ જગદીશને દત્તક આપી હતી. 

    ઘટનાને પગલે વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને લોકો સગીરાની હત્યાના ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ, પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે. 

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનું ભોપાળું; વિધાનસભામાં સાત મિનીટ સુધી ગયા વર્ષનું બજેટ વાંચતાં રહ્યાં

    રાજસ્થાનની વિધાનસભામાં આજે વર્ષ 2022-23નું બજેટ મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. પરંતુ આ દરમ્યાન તેમણે એક ભોપાળું પણ વાળ્યું હતું. પોતાનાં બજેટ ભાષણની શરૂઆતની પુરી સાત મિનીટ સુધી અશોક ગેહલોત જુનું બજેટ બોલતાં રહ્યાં હતાં. છેવટે તેમની ભૂલ ધ્યાને આવતાં તેમણે વિધાનસભા અધ્યક્ષની માફી માંગી હતી અને નવું બજેટ પ્રસ્તુત કરવાનું શરુ કર્યું હતું.

    પૂર્વ કેન્દ્રીયમંત્રી અને રાજસ્થાન ભાજપનાં વરિષ્ઠ નેતા રાજયવર્ધનસિંહ રાઠોડે એક વિડીયો ટ્વીટ કરીને આ માહિતી આપતાં કહ્યું હતું કે રાજસ્થાનની લીક સરકારમાં કશું પણ થવું સંભવ છે.

    સવારે બરોબર 11 વાગ્યે અશોક ગહેલોત જેઓ રાજ્યનાં નાણા મંત્રાલયનો પણ હવાલો સંભાળે છે તેમણે બજેટ વાંચવાનું શરુ કર્યું હતું. બરોબર સાત મિનીટ બાદ મનરેગામાં 125 દિવસની રોજગાર ગેરંટીની યોજનાની જાણકારી વિષે બોલતાં જ કોંગ્રેસનાં એક ધારાસભ્યને ખ્યાલ આવ્યો કે અશોક ગેહલોત ગયા વર્ષનું બજેટ વાંચી રહ્યાં છે.

    વિડીયોમાં ન દેખાતાં આ ધારાસભ્યે મંત્રી મહેશ જોશી જેઓ મુખ્યમંત્રીની બાજુમાં બેઠાં હતાં તેમને પોતાની પાસે બોલાવીને આ ભૂલ વિષે માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ મહેશ જોશી અશોક ગેહલોતની પાછળ ઉભાં રહ્યાં અને તેમને કાનમાં આ ભોપાળા વિષે કહ્યું. અશોક ગેહલોત તરતજ રોકાઈ ગયાં અને બજેટની ફાઈલનું કવર જોતાં જ તેમને ખ્યાલ આવી ગયો કે પોતે જુનું બજેટ જ રજુ કરી રહ્યાં છે.

    ત્યારબાદ અશોક ગેહલોત જુનું બજેટ બોલી રહ્યાં છે તેનો ખ્યાલ આવી જતાં તેમણે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીની માફી માંગી હતી અને નવાં બજેટની ફાઈલ મંગાવીને નવું બજેટ વાંચ્યું હતું. પરંતુ વિપક્ષ આ બાબતે ગુસ્સે થયો હતો અને તેણે ગૃહમાં હંગામો મચાવવાનું શરુ કરી દીધું હતું. જો કે અધ્યક્ષ સીપી જોશીએ વિપક્ષને વિરોધ નોંધાવાની મંજુરી આપી ન હતી.

    રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ આ ઘટનાક્રમ પર પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ એક અભૂતપૂર્વ ઘટના છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી અથવાતો નાણાં મંત્રી બજેટ ભાષણ બોલવું શરુ કરે તેની પહેલાં તેનાં ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી વાંચી લેતાં હોય છે. પરંતુ આમ ન કરતાં અશોક ગેહલોત જુનું બજેટ પુરી આઠ મિનીટ સુધી બોલતાં રહ્યાં અને તેમને તેનો ખ્યાલ પણ ન આવ્યો. હવે તમે સમજી શકો છો કે આવાં મુખ્યમંત્રીનાં હાથમાં રાજ્યની સત્તા કેટલી સુરક્ષિત હોઈ શકે.     

    આ પ્રકારની ગંભીર શરતચૂક બાદ હવે અશોક ગહેલોતનો ગુસ્સો મંત્રાયલથી સંલગ્ન કયા અધિકારી પર ઉતરશે તે અંગેની અટકળો રાજસ્થાનના રાજકીય વર્તુળોમાં તેજ બની ગઈ છે.