Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધંધા કરના હૈ તો મુજે હર મહિને 15 હજાર દેના પડેગા’: વેપારીઓ...

    ‘ધંધા કરના હૈ તો મુજે હર મહિને 15 હજાર દેના પડેગા’: વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા સુરતના માથાભારે હાસિમ સિદ્દીકી સામે FIR, શોધખોળ શરૂ

    વેપારી અનુસાર ગત 8 જાન્યુઆરીની સાંજે માથાભારે હાસિમ સિદ્દીકી અને તેના ત્રણ સાગરીતોએ તેની દુકાને આવીને ધમકી આપી હતી અને 15 હજાર રૂપિયા પડાવી લીધા હતા. 

    - Advertisement -

    ફિલ્મી ઢબે વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા સુરતના માથાભારે ઈસમ હાસિમ સિદ્દીકી સામે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સિદ્દીકીએ એક વેપારીને ધમકાવીને દર મહિને 15 હજાર આપવા માટે કહ્યું હતું, જેને લઈને તેણે પોલીસનો સંપર્ક કરી તેની સામે ફરિયાદ દાખલ કરી હતી. 

    લિંબાયત વિસ્તારમાં આવેલ મસ્જિદની સામે ગાંધીચોકમાં રહેતો ઈલિયાસ ખાલિદ જનાબ આ જ વિસ્તારમાં ઇલેક્ટ્રિક અને હાર્ડવેરની દુકાન ચલાવે છે. તેણે પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે, ગત 8 જાન્યુઆરીની સાંજે માથાભારે હાસિમ સિદ્દીકી અને તેના ત્રણ સાગરીતોએ તેની દુકાને આવીને ધમકી આપી હતી અને 15 હજાર રૂપિયા પડાવી લીધા હતા. 

    ફરિયાદ અનુસાર, હાસિમે વેપારીને ધમકી આપીને કહ્યું હતું કે, “તું ક્યું ઇધર ધંધા કરતા હૈ, તુજે યહાં ધંધા કરના હૈ તો મુજે હર મહિને 15 હજાર રૂપિયા દેના પડેગા.” ત્યારબાદ ધમકીથી ડરી જનાર વેપારીએ હાસિમને 15 હજાર રૂપિયા આપી દીધા હતા. તેણે જણાવ્યું કે, ત્યારબાદ પણ તેને હાસિમ અને તેના સાગરીતો તરફથી જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. 

    - Advertisement -

    આ સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેને લઈને વેપારી પોલીસ મથકે પહોંચ્યો હતો અને હાસિમ સહિત ચારેય સામે ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે પોલીસે આઇપીસીની કલમ 384 (વસૂલી) FIR દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

    પોલીસ અનુસાર, હાસિમ સહિતના તમામ આરોપીઓ હાલ ફરાર છે અને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 

    અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે હાસિમ

    એક રિપોર્ટ અનુસાર, લિંબાયત વિસ્તારમાં રહેતા હાસિમ સિદ્દીકી વિરુદ્ધ અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ખંડણી, લૂંટ, મારામારી, હત્યાના પ્રયાસ વગેરે ગંભીર ગુનાઓ સામેલ છે. તે મૂળ બિહારનો વતની છે અને વર્ષોથી સુરતમાં રહીને ગુનાખોરીમાં સંડોવાયેલો છે. 

    હાસિમના તમામ સાગરિતો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. જેમાંથી અમુક પોતાના વતનમાં પણ ગુનાઓ આચરી ચૂક્યા હોવાનું અને ફરાર હોવાનું જાણવા મળ્યું છે. હાસિમ સિદ્દીકીની ગેંગ વેપારીઓને ધાકધમકી આપીને ઉઘરાણી કરવાનું કામ કરે છે. ખાસ કરીને લિંબાયત, ઉધના, ઉન અને સચિન વિસ્તારોમાં આ ગેંગ સક્રિય છે. 

    અનેક ગુનાઓમાં સંડોવાયેલા હાસિમ અને તેની ગેંગથી પોલીસ પણ ત્રાસી ચૂકી હતી પરંતુ પૂરતી ફરિયાદો ન હોવાના કારણે પહોંચી શકતી ન હતી. હવે તાજેતરમાં વધુ એક ફરિયાદ થઇ હોવાથી પોલીસે આ સમગ્ર ગેંગ પર સકંજો કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેમને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવા માટે તજવીજ હાથ ધરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં