Sunday, November 10, 2024
More
    હોમપેજદેશપોલીસ સહિતનાં સશસ્ત્ર દળોમાં અગ્નિવીરોને અપાશે પ્રાધાન્ય, ખાસ અનામતની પણ જોગવાઈ: કારગિલ...

    પોલીસ સહિતનાં સશસ્ત્ર દળોમાં અગ્નિવીરોને અપાશે પ્રાધાન્ય, ખાસ અનામતની પણ જોગવાઈ: કારગિલ વિજય દિવસે ગુજરાત, UP સહિત 7 ભાજપશાસિત રાજ્યોની ઘોષણા

    ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, આસામ અને ઓડિશાના મુખ્યમંત્રીઓએ અગ્નિવીરોને રાજ્ય પોલીસ બેડામાં અનામત આપવાની ઘોષણા કરી છે.

    - Advertisement -

    અગ્નિપથ યોજના પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વિપક્ષો જાતજાતનાં જુઠ્ઠાણાંનો સહારો લઈને યોજના વિશે સતત અપપ્રચાર ફેલાવતા રહ્યા છે. તેવામાં કારગિલ વિજય દિવસ પર ગુજરાત સહિત દેશનાં 7 રાજ્યોએ અગ્નિવીરોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, આસામ અને ઓડિશાના મુખ્યમંત્રીઓએ અગ્નિવીરોને રાજ્ય પોલીસ બેડામાં અનામત આપવાની ઘોષણા કરી છે.

    તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતે જ આ વિશે માહિતી આપી હતી. તેમણે રાજ્ય પોલીસ સહિતના અન્ય કેટલાંક સશસ્ત્ર દળોમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડ સીએમ પુષ્કર સિંઘ ધામી, મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવ, છત્તીસગઢના વિષ્ણુ દેવ સાય, ઓડિશા સીએમ મોહન ચરણ માંઝી અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ અગ્નિવીરો માટે રાજ્યમાં અનામત ઉપરાંત છૂટછાટની ઘોષણા કરી છે.

    સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી માહિતી

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરીને અગ્નિવીરો માટે ઘોષણા કરવા સાથે-સાથે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું કે, “વિપક્ષ આ યોજનાને લઈને ફેલાવવામાં આવેલા ભ્રમ પાયાવિહોણા અને નિંદનીય છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં અનેક નવા સુધારા થઈ રહ્યા છે. અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે. આ યોજનાથી સેના વધુ યુવા બનશે. આ યોજના એવા યુવાઓ તૈયાર કરશે જે સેનામાં પોતાની સેવાઓ બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. ગુજરાત સરકાર અગ્નિવીરોને આર્મ્ડ પોલીસ ફોર્સ અને SRPની ભરતીઓમાં પ્રાધાન્ય આપશે.”

    - Advertisement -

    સીએમ યોગીએ પણ કરી મહત્વપૂર્ણ જાહેરાત

    બીજી તરફ આ મામલે સીએમ યોગીએ કહ્યું હતું કે અગ્નિવીર જ્યારે પોતાની સેવા આપીને પરત આવશે તો યુપી પોલીસ, પીએસી સહિત અનેક જગ્યાએ આ યુવાનોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, તેમના માટે એક નિશ્ચિત અનામતની સુવિધા ઉત્તર પ્રદેશ પોલીસમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું, “આજે અગ્નિવીરમાં યુવાઓ ભરતી થઇ રહ્યા છે. તેમને સેનામાં સારી તકો મળવાની છે. પેરા મિલેટ્રી ફોર્સ પણ તેમને સમાયોજન કરવાની વ્યવસ્થા કરી રહી છે. BSF, CISF સહિતની ફોર્સ તેમને સારા અવસરો આપશે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશ સરકાર તેમને પોલીસ સેવામાં, પીએસીમાં આ નવયુવાનોને પ્રાથમિકતાના આધારે સમાયોજન કરવાની સુવિધા આપશે. તેમના માટે એક નિશ્ચિત અનામત સુવિધા પ્રદેશ પોલીસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    આસામના મુખ્યમંત્રીની પણ જાહેરાત

    ગુજરાત અને ઉત્તર પ્રદેશ ઉપરાંત આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ પણ અગ્નિવીરોને લઈને મહત્વપૂર્ણ વાત કરી. તેમણે X પર લખ્યું કે, “અગ્નિપથ યોજના પર જૂઠ્ઠાણું ફેલાવવું, ભારતીય સેનાને કમજોર બનાવવી અને તેને હરાવવી એ વિપક્ષનું મિશન છે અને ભારત તેને નિષ્ફળ બનાવશે. આસામ ભારતીય સેનાને આધુનિક કરવાના પ્રયત્ન કરી રહેલા વડાપ્રધાન મોદી સાથે અડીખમ ઉભું છે. આસામ સરકારે નિર્ણય લીધો છે કે અગ્નિવીરોને રાજ્ય પોલીસમાં પ્રાધાન્ય આપવામાં આવશે.”

    અન્ય કયા રાજ્યોની જાહેરાત?

    આ ઉપરાંત ઉત્તરાખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ અગ્નિવીરોને લઈને મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર અગ્નિવીરને સરકારી સેવાઓમાં અનામત આપશે અને તેના માટે અધિનિયમ પણ લાવશે. બીજી તરફ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ કહ્યું હતું કે સૈનિક આપણું ગૌરવ છે, રાજ્યમાં અગ્નિવીરોને 10 ટકા અનામત અને ઉમરમાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે. સાથે જ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે પણ અગ્નિવીરો માટે રાજ્ય પોલીસ ઉપરાંત જેલ રક્ષક અને વન વિભાગમાં અનામત આપવાની ઘોષણા કરી હતી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ પોલીસ તેમજ સશસ્ત્ર દળોની ભરતીમાં અગ્નિવીરોને અનામત આપવાની જાહેરાત કરી છે.

    કેન્દ્ર પહેલાં જ કરી ચૂક્યું છે અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ ઘોષણા

    ઉલ્લેખનીય છે કે અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં જ મહત્વપૂર્ણ જાહેરાત કરીને અર્ધલશ્કરી દળોમાં 10% અનામતની ઘોષણા કરી દીધી હતી. BSF, RPF અને CISF માટે સરકારે નિર્ણય લીધો હતો કે આ ત્રણેય ફોર્સમાં અગ્નિવીરો માટે 10% અનામતનો નિયમ લાગુ કરવામાં આવે. આ યોજના અંતર્ગત ત્રણેય ફોર્સમાં અગ્નિવીરોને અનામાત ઉપરાંત ઉંમરમાં પણ છૂટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, સાથે જ શારીરિક માપદંડોમાં અગ્નિવીરની નોકરી કરીને આવેલા ઉમેદવારો માટે ખાસ છૂટ આપવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં