Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ફાઈન આર્ટ્સમાં આ બાબતો બહુ સામાન્ય છે’: MS યુનિવર્સીટીમાં હિંદુ દેવી-દેવતાનાં વાંધાજનક...

    ‘ફાઈન આર્ટ્સમાં આ બાબતો બહુ સામાન્ય છે’: MS યુનિવર્સીટીમાં હિંદુ દેવી-દેવતાનાં વાંધાજનક ચિત્રો બનાવનાર વિદ્યાર્થીને હાઇકોર્ટ તરફથી રાહત, યુનિવર્સીટીનો નિર્ણય રદ કર્યો

    વિદ્યાર્થીના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેનાં ચિત્રો પ્રદર્શનનો ભાગ ન હતાં અને માત્ર પરીક્ષાનો ભાગ હતાં. 

    - Advertisement -

    મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં હિંદુ દેવી-દેવતાઓનાં આપત્તિજનક ચિત્રો બનાવનાર વિદ્યાર્થીને યુનિવર્સીટીએ બરતરફ કર્યા બાદ તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે હાઇકોર્ટે વિદ્યાર્થીને રાહત આપીને MS યુનિવર્સીટીનો નિર્ણય રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે, તપાસ ગફલતભરી હતી અને તેમાં ઝડપ દાખવવામાં આવી હતી. 

    મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા બરતરફ કરવામાં આવેલા વિદ્યાર્થી કુંદન મહતોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને યુનિવર્સીટીના નિર્ણયને પડકાર્યો હતો અને દલીલ મૂકી હતી કે તેને પોતાનો પક્ષ મૂકવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો. વિદ્યાર્થીના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેનાં ચિત્રો પ્રદર્શનનો ભાગ ન હતાં અને માત્ર પરીક્ષાનો ભાગ હતાં. 

    મામલાની સુનાવણી કરતાં કોર્ટે કહ્યું કે, મામલામાં ઝડપી અને ગફલતભરી તપાસ કરવામાં આવી હતી. ફેકલ્ટી સામેની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ આ પગલાં લઇ શકાયાં હોત. તમે એક વિદ્યાર્થીને કઈ રીતે બહાર કરી શકો? પ્રદર્શન જાહેર ન હતું. યુનિવર્સીટી તેને પરીક્ષામાં નાપાસ કરી શકી હોત અને તે અપમાનજનક હોવાનું કારણ અપાયું હોત. આ કોઈ મોટો ગુનો નથી. યુનિવર્સીટીએ તેમની કાર્યવાહી માટે યોગ્ય કારણો આપવાં પડશે.”

    - Advertisement -

    કોર્ટે વિદ્યાર્થીને આવતીકાલથી જ ક્લાસમાં બેસવા માટેની પરવાનગી આપતાં ટિપ્પણી કરી કે, “ગુરુની શું ભૂમિકા હોય છે? શું શાળામાં કોઈ વિદ્યાર્થી ગેરવર્તન કરે તો શિક્ષક તેની આંખ બંધ કરી દે છે? તમારી ફેકલ્ટીના સભ્યોએ મન ખુલ્લાં રાખવાં જોઈએ. ફાઈન આર્ટ્સમાં આવી બધી બાબતો (ચિત્રો) સામાન્ય છે. તમને તો સારી રીતે ખબર હોવી જોઈએ કારણ કે તમારી યુનિવર્સીટી એમએફ હુસૈનના સમયથી પ્રખ્યાત છે.”

    ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં વિવાદિત ચિત્રો બનાવાયાં હતાં, હિંદુ સંગઠનોએ કર્યો હતો વિરોધ

    આ મામલો 5 મે, 2022ના રોજ સામે આવ્યો હતો, જ્યારે વડોદરાની MS યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીની કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી જેમાં પ્રદર્શનમાં હિંદુ દેવી-દેવતાઓનાં વિવાદિત ચિત્રો લગાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ABVP અને હિંદુ સંગઠનોએ હોબાળો મચાવીને તાત્કાલિક પગલાં લેવા માટે આવેદન આપ્યું હતું અને કાર્યવાહી ન થવા પર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. 

    પ્રદર્શનમાં સામેલ ચિત્રો અને આર્ટ વર્ક પૈકી કેટલાંક હિંદુ દેવી-દેવતાઓના કટ આઉટ પણ સામેલ હતાં. જે તૈયાર કરવા માટે ન્યૂઝપેપરના કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હિંદુ દેવી-દેવતાઓનાં કટ-આઉટ બનાવવા માટે જે ન્યૂઝપેપર કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ બળાત્કારની ઘટનાઓના સમાચારવાળા હતા. જેના કારણે સમગ્ર વિવાદ સર્જાયો હતો.

    ત્યારબાદ આ મામલે એક સમિતિની રચના કરવામાં આવી હતી અને જેના રિપોર્ટ બાદ દેવી-દેવતાઓનાં આપત્તિજનક ચિત્રો બનાવનાર કુંદન મહતો નામના વિદ્યાર્થીને MS યુનિવર્સીટીએ બરતરફ કરી દીધો હતો. હવે હાઇકોર્ટે તેને રાહત આપી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં