Thursday, April 18, 2024
More
  હોમપેજસંપાદકની પસંદપ્રદર્શનમાં હિંદુ દેવી-દેવતાઓનાં વિવાદિત ચિત્રો મૂકાતાં વડોદરાની એમએસ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી...

  પ્રદર્શનમાં હિંદુ દેવી-દેવતાઓનાં વિવાદિત ચિત્રો મૂકાતાં વડોદરાની એમએસ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી વિવાદમાં : એબીવીપીનો ઉગ્ર વિરોધ, ડીનના રાજીનામાની માંગ

  વડોદરાની એમએસ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી દ્વારા આયોજીત કરવામાં આવનારા એક પ્રદર્શનમાં હિંદુ દેવી-દેવતાઓના કટિંગ્સમાં લાગણી દુભાય તેવા સમાચારો મુકવામાં આવતા હોબાળો મચી ગયો હતો.

  - Advertisement -

  વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ફરીથી વિવાદમાં આવી છે. એમએસ યુનિવર્સીટી સ્થિત ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલા વાર્ષિક પ્રદર્શન દરમિયાન અમુક વિદ્યાર્થીઓએ હિંદુ દેવી-દેવતાઓનાં વિવાદિત ચિત્રો તૈયાર કર્યાં હતાં, જે મામલે વિવાદ સર્જાયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન તેમજ યુનિવર્સીટીના અન્ય વિદ્યાર્થીઓએ આ મામલે વિરોધ કરી ફેકલ્ટીના ડીનનાં રાજીનામાની માંગ કરી હતી.

  પ્રાપ્ત વિગતો અનુસાર, એમએસ યુનિવર્સીટી ખાતે આવેલ ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશન માટે વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર ચિત્રો અને આર્ટ વર્ક તૈયાર કર્યાં હતાં. પરંતુ તેમાંથી કેટલાંક ચિત્રોએ વિવાદ સર્જ્યો હતો. હિંદુ દેવી-દેવતાઓના ચિત્રો અને કટ-આઉટ મામલે વિરોધ થયો હતો તો કેટલાંક વિવાદિત નગ્ન ચિત્રો પણ દોરવામાં આવ્યાં હતાં, જેને લઈને પણ વિવાદ સર્જાયો હતો.

  પ્રદર્શનમાં સામેલ ચિત્રો અને આર્ટ વર્ક પૈકી કેટલાંક હિંદુ દેવી-દેવતાઓના કટ આઉટ પણ સામેલ હતાં. જે તૈયાર કરવા માટે ન્યૂઝપેપરના કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ હિંદુ દેવી-દેવતાઓનાં કટ-આઉટ બનાવવા માટે જે ન્યૂઝપેપર કટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ બળાત્કારની ઘટનાઓના સમાચારવાળા હતા. જેના કારણે સમગ્ર વિવાદ સર્જાયો હતો.

  - Advertisement -

  સમગ્ર બાબત સામે આવ્યા બાદ વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલાક વિદ્યાર્થીઓ ફેકલ્ટીમાં ધસી ગયા હતા અને તેમણે સૂત્રોચ્ચાર કરી ડીનનું રાજીનામું માંગ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓએ આ મામલે યોગ્ય તપાસ કરી કડક દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ આ મામલે એબીવીપીના હોદ્દેદારોએ ફેકલ્ટીના ડીન તેમજ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘બળાત્કારની ઘટનાઓની આઇકોનોગ્રાફી માટે હિંદુ દેવી-દેવતાઓનો ઉપયોગ કરવો એ કલંકિત ઘટના છે. તેમજ હિંદુ દેવી-દેવતાઓના ફોટાની પાછળ બળાત્કાર જેવી ઘટનાઓના પેપર કટિંગ મૂકવામાં આવ્યા હતા, જે પણ નિંદનીય બાબત છે.’

  ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં ભૂતકાળમાં પણ હિંદુઓની લાગણીઓ દુભાય તેવા આર્ટ વર્ક મૂકવામાં આવ્યા હતા તેમ જણાવીને આવેદનપત્રમાં ઉમેરવામાં આવ્યું હતું કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમણે ફેકલ્ટીના ડીનના રાજીનામાની પણ માંગ કરી હતી.

  ઉક્ત મામલે એબીવીપીના વ્રજ ભટ્ટે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, “આગામી સાતમી તારીખે ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં પ્રદર્શન છે, જે માટે અલગ-અલગ તસવીરો તૈયાર કરવામાં આવી છે. પરંતુ ઘણાં ચિત્રો એવાં હતાં જેની અંદર હિંદુ દેવી-દેવતાઓનાં કટ-આઉટ રાખ્યા હોય અને તેની પાછળ રેપની ઘટનાઓના સમાચારના કટિંગ મૂક્યાં હતાં. તેમણે કહ્યું કે, પ્રદર્શન રાખો, રેપના ન્યૂઝ બતાવો એ બરાબર છે, એમાં હિંદુ દેવોને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે? તેથી અમારી માંગણી એ પણ છે કે ડીનને રસ્ટીગેટ કરવામાં આવે. આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને યુનિવર્સીટી તરફથી આ મામલે યોગ્ય તપાસ થશે તેવી ખાતરી આપવામાં આવી છે.”

  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક લેખિત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, એમએસ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં આર્ટના નામે મૂકવામાં આવેલ પ્રદર્શનીમાં ભારતીય દેવી-દેવતાઓના ચિત્રો સાથે ચેડાં કરતાં ભારતીય સંસ્કૃતિના અપમાનજનક અને બીભત્સ ચિત્રો મૂકીને હિંદુ ધર્મનું ઈરાદાપૂર્વક અપમાન કરવામાં આવ્યું છે. તેમજ દેશની આસ્થા સમાન અશોક સ્તંભની નીચે પણ વિકૃત છબીઓ લગાવી તેને દૂષિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમ જણાવવામાં આવ્યું છે.

  સંગઠને માંગ કરી છે કે, આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ કે પ્રાધ્યાપકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના ડીનને જવાબદારીમાંથી તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે તેવી માંગ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર સમક્ષ કરવામાં આવી છે. તેમજ જો યુનિવર્સીટી કડક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

  જોકે, બીજી તરફ આ મામલે ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલે બચાવ કરતા કહ્યું હતું કે, અમારી ફેકલ્ટીમાં આવા ડિસ્પ્લે નથી, કોઈ બીજી જગ્યાના ફોટા વાયરલ થઇ રહ્યા છે. આ મામલે વધુ વિગતો મેળવવા માટે એમએસ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો.

  (પૂરક માહિતી લિંકન સોખડિયા દ્વારા)

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં