ભારતીય અવકાશ સંશોધન સંસ્થા– ISROએ 4 સપ્ટેમ્બર 2026ના રોજ વહેલી સવારે 2:55 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લૉન્ચપેડ પરથી એક નવો ઇતિહાસ રચ્યો છે. દેશના સૌથી શક્તિશાળી લૉન્ચ વ્હીકલ પૈકીના એક GSLV-F17ના માધ્યમથી ભારતના અદ્યતન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-05 સફળતાપૂર્વક અવકાશમાં રવાના કરવામાં આવ્યો છે.
આ માત્ર એક સામાન્ય સેટેલાઇટ લૉન્ચ નથી, પરંતુ પૃથ્વીની સપાટી અને વાતાવરણનું સતત રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવા માટે બનેલ વિશિષ્ટ સેટેલાઇટ છે.
EOS-05 શું છે અને શા માટે તે આટલો ખાસ છે?
EOS– અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે પૃથ્વીનું નિરીક્ષણ કરતો ઉપગ્રહ. અત્યાર સુધી ભારતે લૉન્ચ કરેલા મોટાભાગના રિમોટ સેન્સિંગ સેટેલાઇટ પૃથ્વીની નજીકની નીચલી કક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટમાં (LEO) કામ કરે છે, જે જમીનથી 500થી 800 કિમી ઊંચાઈએ હોય છે. લોઅર અર્થ ઓર્બિટ સેટેલાઇટ પૃથ્વીની આસપાસ ખૂબ ઝડપથી ફરે છે અને ચોક્કસ સમયે જ કોઈ વિસ્તાર પરથી પસાર થાય છે, જેથી તેઓ સતત એક જ જગ્યાનું ઇમેજિંગ કરી શકતા નથી.

EOS-05ની વિશેષતા
EOS-05 ભારતનો પ્રથમ ડેડિકેટેડ ઇમેજિંગ સેટેલાઇટ છે જેને પૃથ્વીથી આશરે 36,000 કિલોમીટર દૂર ‘જીઓસિંક્રોનસ ઓર્બિટ’માં (Geosynchronous Orbit) મોકલવામાં આવ્યો છે. આ સેટેલાઇટ પૃથ્વી પોતાની ધરી પર જેટલા સમયમાં ફરે છે એટલે કે 24 કલાક, તેટલા જ સમયમાં પૃથ્વીની આસપાસ ફરે છે. આથી પૃથ્વી પરથી જોતાં સેટેલાઇટ આકાશમાં એક જ સ્થાને સ્થિર દેખાય છે.
આ સેટેલાઇટ ભારત અને તેની આસપાસના સમગ્ર ઉપખંડ, હિંદ મહાસાગર તેમજ સરહદી વિસ્તારો પર 24×7 સતત અને રિયલ-ટાઇમ નજર રાખી શકશે. EOS-05 એ માત્ર એક કેમેરો નથી પણ એક અત્યાધુનિક ઓપ્ટિકલ અને સ્પેક્ટ્રલ લેબોરેટરી છે. તેનું વજન 2,360 કિલોગ્રામથી વધુ છે. આ સેટેલાઇટ GSLV રોકેટથી લૉન્ચ કરાયેલા સૌથી ભારે અને અદ્યતન સેટેલાઇટ્સમાંનો એક છે.
આ સેટેલાઇટમાં વિઝિબલ, ઇન્ફ્રારેડ, મલ્ટી-સ્પેક્ટ્રલ, અને હાઇપર-સ્પેક્ટ્રલ લેન્સ લગાડવામાં આવ્યા છે. ઇન્ફ્રારેડ અને અન્ય હાઇ-ટેક સેન્સર્સના કારણે આ સેટેલાઇટ રાત્રિના અંધકારમાં કે વાદળોની પાછળ છુપાયેલી ચીજો અને ફેરફારોને પણ પકડી પાડે છે.
હાઇપરસ્પેક્ટ્રલ અને મલ્ટીસ્પેક્ટ્રલ સેન્સર્સ કેવી રીતે કામ કરે છે?
આપણે રોજબરોજ ફોન કે ડિજિટલ કેમેરાથી જે ફોટા પાડીએ છીએ તે ફક્ત નરી આંખે જોઈ શકાય તેવાં જ દૃશ્યો બતાવે છે. પરંતુ EOS-05માં લગાવવામાં આવેલાં અત્યાધુનિક સેન્સર્સ પૃથ્વીની એવી બાબતો પણ જોઈ શકે છે જે માનવ આંખ કે સાદો કેમેરો ક્યારેય જોઈ શકતાં નથી.
તેમાં લગાવવામાં આવેલું મલ્ટીસ્પેક્ટ્રલ સેન્સર પ્રકાશને ફક્ત RGB રંગો સુધી સીમિત રાખવાને બદલે તેને 3થી 10 અલગ-અલગબેન્ડ્સમાં વહેંચે છે. તેમાં લાલ, લીલો અને વાદળી ઉપરાંત ઇન્ફ્રારેડ અને નિયર-ઇન્ફ્રારેડજેવા અદ્રશ્ય પ્રકાશના બેન્ડ્સનો સમાવેશ થાય છે. તેનાથી એ જાણી શકાય છે કે જમીન પર પાણી ક્યાં છે, વાદળો કેટલાં ઘાટાં છે ઉપરાંત વનસ્પતિ કેટલી લીલીછમ છે.

આ ઉપરાંત હાઇપરસ્પેક્ટ્રલ સેન્સર પ્રકાશને ખૂબ જ પાતળા બેન્ડ્સમાં વહેંચી નાખે છે. પૃથ્વી પર રહેલી દરેક વસ્તુ માટી, પાણી, પાક, કેમિકલ, ધાતુની પોતાની ખાસ ‘સ્પેક્ટ્રલ સિગ્નેચર’ અથવા ફિંગરપ્રિન્ટ હોય છે, જેને આ સેન્સર તરત ઓળખી લે છે.
આને સરળ ઉદાહરણ તરીકે સમજીએ. એક ખેતરમાં બે છોડ બાજુબાજુમાં ઊભા છે– જેમાંથી એક એકદમ તંદુરસ્ત લીલો છોડ છે અને બીજામાં અંદરથી રોગ શરૂ થઈ ગયો છે પણ તે બહારથી હજી લીલો જ દેખાય છે. આવા સમયે સામાન્ય કેમેરો બંને છોડને એકસરખા લીલા બતાવશે જેથી કોઈ તફાવત નહીં દેખાય, જ્યારે મલ્ટીસ્પેક્ટ્રલ સેન્સર બતાવશે કે એક છોડમાં ક્લોરોફિલ ઓછું થઈ રહ્યું છે, અને હાઇપરસ્પેક્ટ્રલ સેન્સર એ ચોક્કસ ડેટા આપી દેશે કે છોડમાં કયો રોગ થયો છે, તેને કયા પોષક તત્વની અછત છે અને જમીનમાં ભેજનું પ્રમાણ કેટલું ઓછું છે!
દેશ માટે EOS-05ના વ્યાપક વ્યવહારિક ઉપયોગો
બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં જ્યારે પણ કોઈ વાવાઝોડું સર્જાય છે ત્યારે નીચલી કક્ષાના સેટેલાઇટ તેને દિવસમાં માત્ર 1 કે 2 વાર જ જોઈ શકે છે. પરંતુ EOS-05 જીઓસિંક્રોનસ કક્ષામાં હોવાથી વાવાઝોડાના ચક્ર, તેની ગતિ અને વાદળોના બંધારણ પર દર મિનિટે રિયલ-ટાઇમ ડેટા આપશે.
આ સિવાય પૂર, ભૂસ્ખલન, દાવાનળ કે ભૂકંપ જેવી અણધારી કુદરતી આપત્તિઓ વખતે EOS-05 અસરગ્રસ્ત વિસ્તારોનો ત્વરિત અને વ્યાપક નકશો સરકારી એજન્સીઓને પૂરો પાડશે. વધુમાં હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગ વડે પાકની તંદુરસ્તી, જમીનમાં ભેજનું પ્રમાણ, પાકમાં આવતા રોગ અને વિસ્તારવાર પાકની ઉપજનું પૂર્વઅનુમાન લગાવી શકાશે.
આ ઉપરાંત દેશનાં મોટાં જળાશયો, નદીઓ અને ડેમોમાં પાણીના સ્તરનું સતત મોનિટરિંગ કરવું શક્ય બનશે. સરહદી વિસ્તારો, દરિયાઈ સીમાઓ અને વ્યૂહાત્મક સ્થળો પર થતી મોટી ભૌગોલિક કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ હલનચલન પર સતત નજર રાખીને EOS-05 દેશની સુરક્ષા એજન્સીઓને ‘સિચ્યુએશનલ અવેરનેસ’ પૂરી પાડશે.
GSLV-એફ17 રોકેટ
GSLV એટલે કે જીઓસિંક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ એ ISROનું એક અત્યંત શક્તિશાળી 3-સ્ટેજ રોકેટ છે, અને તાજેતરનું મિશન આ પ્રોગ્રામની 19મી સફળ ઉડાન હતી. આ રોકેટમાં સેટેલાઇટને લૉન્ચિંગ દરમિયાન સુરક્ષિત રાખવા માટે તેની ટોચ પર 4 મીટર વ્યાસની વિશેષ હીટ શીલ્ડ એટલે કે કમ્પોઝિટ પેલોડ ફેયરિંગ લગાડવામાં આવી હતી.
આ રોકેટ ત્રણ અલગ-અલગ તબક્કામાં કામ કરે છે. પહેલા અને બીજા તબક્કામાં સોલિડ અને લિક્વિડ ઇંધણવાળાં એન્જિન રોકેટને જમીન પરથી ઉપર તરફ ધકેલે છે. ત્યારપછી સૌથી છેલ્લે ભારતનું સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન ચાલુ થાય છે, જે લિક્વિડ હાઇડ્રોજન અને ઓક્સિજનના બળતણથી સેટેલાઇટને પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર મોકલવા માટે જરૂરી પ્રચંડ તાકાત આપે છે.
લૉન્ચથી લઈને અંતિમ કક્ષા સુધીની મુસાફરી
રોકેટે ઉડાન ભર્યાની આશરે 18 મિનિટ પછી GSLV-F17 રોકેટે EOS-05 સેટેલાઇટને પૃથ્વીથી લગભગ 190 કિલોમીટર ઊંચાઈએ આવેલી ‘સબ-જીટીઓ’ નામની ટેમ્પરરી કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડી દીધો હતો. લૉન્ચિંગ થતાં જ સેટેલાઇટની સોલર પેનલ્સ પણ આપોઆપ ખૂલી ગઈ હતી, જેથી તેને સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મળવાની શરૂઆત થઈ ગઈ છે અને સેટેલાઇટ હાલ સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ છે.
હવે આ સેટેલાઇટ 190 કિલોમીટરની ઊંચાઈએ જ નહીં રહે, પરંતુ તેમાં જ લાગેલાં નાના ‘એન્જિન’ને આગામી કેટલાક દિવસોમાં તબક્કાવાર ચાલુ કરવામાં આવશે. આ મોટરની મદદથી સેટેલાઇટ ધીમે-ધીમે ઉપર તરફ ધકેલાશે અને તેને 190 કિલોમીટરની નીચલી કક્ષામાંથી ખેંચીને પૃથ્વીથી 36,000 કિલોમીટર દૂર તેની અંતિમ અને કાયમી ‘જીઓસિંક્રોનસ કક્ષા’માં સ્થાપિત કરી દેવામાં આવશે.
સામાન્ય લો અર્થ ઓર્બિટ vs જીઓસિંક્રોનસ ઇમેજિંગ સેટેલાઇટ
સામાન્ય લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ પૃથ્વીની ખૂબ નજીક એટલે કે 500થી 800 કિલોમીટરની ઊંચાઈએ હોય છે, જ્યારે EOS-05 સેટેલાઇટ પૃથ્વીથી લગભગ 36,000 કિલોમીટર દૂર ખૂબ ઊંચાઈએ ‘જીઓસિંક્રોનસ કક્ષા’માં કામ કરે છે.
નીચે રહેલા સામાન્ય સેટેલાઇટ પૃથ્વીની આસપાસ ખૂબ ઝડપથી ચક્કર લગાવતા રહે છે, જ્યારે EOS-05 પૃથ્વી ફરે તે જ ઝડપે ફરતો હોવાથી પૃથ્વી પરથી જોતાં આકાશમાં એક જ જગ્યાએ સ્થિર દેખાય છે.
ઝડપથી ફરતા સામાન્ય સેટેલાઇટ ચોક્કસ સમયે જ કોઈ ચોક્કસ નાના વિસ્તાર પરથી પસાર થાય છે અને ત્યારે જ તેનો ફોટો લઈ શકે છે, જ્યારે EOS-05 એક જ જગ્યાએ રહીને આખા દેશ અને આસપાસના વિશાળ વિસ્તાર પર 24 કલાક સતત નજર રાખી શકે છે.
નજીક હોવાના કારણે સામાન્ય સેટેલાઇટ જમીન પરની નાની-નાની વિગતોના હાઇ-રિઝોલ્યુશન ફોટા પાડવામાં મદદરૂપ બને છે, જ્યારે ઊંચાઈ પરથી કામ કરતો EOS-05 વાવાઝોડું, પૂર જેવી આપત્તિઓ અને હવામાનમાં થતા ઝડપી ફેરફારો પર ક્ષણે-ક્ષણની નજર રાખવામાં સૌથી વધુ ઉપયોગી થાય છે.

આ મિશનના સફળ લોન્ચિંગ પર ઇસરોના વડા વી. નારાયણને જણાવ્યું કે આ રોકેટની ક્ષમતા 2250 કિલોગ્રામ વજન ઊંચકવાની છે. ઉપગ્રહને નક્કી કરેલી 29,934 કિલોમીટરની કક્ષાની સરખામણીએ રોકેટે તેને 31,000 કિલોમીટર સુધી પહોંચાડીને પોતાની શ્રેષ્ઠ ક્ષમતા સાબિત કરી છે. હવે સેટેલાઇટની પોતાની પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરીને તેને જરૂરી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહનું આયુષ્ય 7 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ ઈસરોને વિશ્વાસ છે કે તે 9 વર્ષથી પણ વધુ સમય સુધી સફળતાપૂર્વક કામ કરશે.
#WATCH | Sriharikota, Andhra Pradesh: On the launch of GSLV-F17/EOS-05 mission, ISRO Chief V Narayanan says, "… This vehicle's capability is 2250 kgs… The predicted performance of the approach was 29934 km, against that we have got 31000 kilometers, and this is the capability… pic.twitter.com/i9bQgP9hCw
— ANI (@ANI) September 4, 2026
આ સફળતા ISRO માટે એક અત્યંત રાહતજનક અને ગર્વની ક્ષણ છે, કારણ કે 2025 અને 2026 દરમિયાન ISROએ છમાંથી ત્રણ મિશનમાં રોકેટ કે એન્જિનની અણધારી તકનીકી ખામીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પડકારો બાદ મળેલી આ ભવ્ય સફળતાએ ISROના વૈજ્ઞાનિકોનો આત્મવિશ્વાસ પુનઃ મજબૂત કર્યો છે અને સ્પેસ પ્રોગ્રામમાં એક નવો પ્રાણ પૂરી દીધો છે.
આ મિશન પાછળ એક મોટો ઐતિહાસિક સંદર્ભ પણ છુપાયેલો છે. ઓગસ્ટ 2021માં GSLV-F10 રોકેટ દ્વારા EOS-03 લૉન્ચ કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્રીજા તબક્કાના ક્રાયોજેનિક એન્જિનમાં ખામી આવતાં તે નિષ્ફળ ગયું હતું. આ મિશન ફેબ્રુઆરી 2026માં જ તૈયાર થઈ ગયું હતું, પરંતુ સહેજ પણ જોખમ ન લેવાના હેતુથી ISROએ સિસ્ટમનું કડક ટેસ્ટિંગ અને સમીક્ષા હાથ ધરી હતી. પાંચ વર્ષની અથાક મહેનત પછી EOS-5ના આ સફળ લૉન્ચિંગ સાથે ISROએ પોતાની ખોવાયેલી ક્ષમતા ફરી મેળવીને જૂનો હિસાબ ચૂકતે કર્યો છે.
EOS-5 માત્ર અવકાશમાં મોકલેલો કોઈ સાદો કેમેરો નથી પણ ભારત માટે ડેટા તૈયાર કરતું એક શક્તિશાળી મશીન છે. તે પૃથ્વી પર સતત નજર રાખીને આપણા દેશની ખેતી, રાષ્ટ્રીય સુરક્ષા, હવામાનની અગાઉથી જાણકારી અને આપત્તિ વ્યવસ્થાપન જેવાં અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સચોટ માહિતી આપીને ભારત માટે એક મજબૂત કવચ સાબિત થશે.


