હોમપેજદેશ‘ભગવાન રામ જ તમામ મિલકતના માલિક’: એમપી હાઇકોર્ટના મંદિર વિવાદના એક ચુકાદામાં...

‘ભગવાન રામ જ તમામ મિલકતના માલિક’: એમપી હાઇકોર્ટના મંદિર વિવાદના એક ચુકાદામાં ‘જ્યુરિસ્ટિક પર્સન’ શું છે? જાણો સમગ્ર મામલો

સિદ્ધાંતનો મૂળ નિયમ એ છે કે કોઈપણ 'જ્યુરિસ્ટિક પર્સન'ને અમર્યાદિત માનવીય અધિકારો નથી મળતા, પણ અદાલતે જે ચોક્કસ હેતુ માટે તેને આ દરજ્જો આપ્યો હોય તેટલા જ અધિકારો તેને મળે છે.

- Advertisement -

મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઈન્દોર બેન્ચે 25 ઑગસ્ટ 2026ના રોજ ખાચરોદના 72 વર્ષ જૂના શ્રીરામ મંદિર કેસમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ‘જ્યુરિસ્ટિક પર્સન’ સિદ્ધાંત હેઠળ સ્પષ્ટ કર્યું છે કે મંદિર અને તેની તમામ ચલ-અચલ મિલકતના સાચા માલિક ભગવાન શ્રીરામ પોતે જ છે. આ સાથે અદાલતે એ પણ નક્કી કર્યું કે મંદિરનું સંચાલન રાજ્ય સરકારના રેવેન્યુ ડિપાર્ટમેન્ટ પાસે રહેશે, જ્યારે રતનદાસ પાસે માત્ર મંદિરના પૂજારી તરીકે પૂજા-પાઠ કરવાનો અધિકાર રહેશે.

આ કેસ ભારતીય કાયદાના એક ખૂબ જ અનોખા સિદ્ધાંત ‘જ્યુરિસ્ટિક પર્સન’ સાથે જોડાયેલ છે. આ સિદ્ધાંત મુજબ સામાન્ય માનવી ન હોવા છતાં કાયદાની નજરે ચોક્કસ અધિકારો અને જવાબદારીઓ ધરાવતી કોઈ પણ સંસ્થા કે સત્તાને વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. અગાઉ 2019ના અયોધ્યા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રામલલ્લા વિરાજમાનને અને જુલાઈ 2026માં મદ્રાસ હાઇકોર્ટે તમિરાબારાની નદીને દેવી સ્વરૂપ ગણીને આ રીતે ‘જ્યુરિસ્ટિક પર્સન’ તરીકે માન્યતા આપેલી છે.

‘જ્યુરિસ્ટિક પર્સન’ એટલે શું?

સામાન્ય ભાષામાં પર્સન એટલે માનવી, પરંતુ કાયદામાં તેનો અર્થ માત્ર હાડ-માંસના માણસ સુધી સીમિત નથી. કાયદો એવી સંસ્થાઓ કે સત્તાઓને પણ અલગ ઓળખ આપે છે જે માનવી નથી, પણ કાયદાની નજરે એક ‘લીગલ પર્સન’ છે. જેમ કે એક કંપની પોતાની મિલકત રાખી શકે છે, કેસ કરી શકે છે કે તેની સામે કેસ થઈ શકે છે.

- Advertisement -

ભારતીય કાયદામાં ચોક્કસ સંજોગોમાં દેવતા અથવા પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિને પણ ‘જ્યુરિસ્ટિક પર્સન’ માનવામાં આવે છે. આ સિદ્ધાંતનો અર્થ એ છે કે મંદિરની મિલકત કોઈ પૂજારી કે મહંતની અંગત માલિકીની નથી હોતી, પરંતુ કાયદાની નજરે તેના માલિક ખુદ દેવતા હોય છે.

હવે સવાલ એ થાય કે ભગવાન પોતે કોર્ટમાં જઈને કેસ લડી શકતા નથી, તેથી તેમના હિતોનું રક્ષણ કરવા માટે કોઈ કાયદેસરના પ્રતિનિધિ કે પૂજારી મારફતે કામ કરવામાં આવે છે. વર્ષ 1969ના યોગેન્દ્રનાથ નાસ્કર વિરુદ્ધ કમિશનર ઑફ ઈન્કમ ટેક્સ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે હિંદુ ભગવાનની મૂર્તિ એક ‘જ્યુરિસ્ટિક એન્ટિટી’ છે, જે પોતાની મિલકત ધરાવી શકે છે અને તેના શિબૈત મારફતે તમામ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

શું હતો આ મંદિરનો મામલો?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવેલા ખાચરોદના શ્રીરામ મંદિરના કાયદેસરના મેનેજમેન્ટ અને માલિકી હકને લઈને દાયકાઓથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ મુખ્યત્વે ત્રણ પક્ષો વચ્ચે હતો. રામાનંદ સંપ્રદાયના મહંત અને તેમના ઉત્તરાધિકારીઓ, મહેશ્વરી સમાજના પંચો અને રાજ્ય સરકારનું રેવેન્યુ ડીપાર્ટમેન્ટ.

મંદિરની સ્થાપના અને નિર્માણને લઈને બે અલગ દ્રષ્ટિકોણ સામે આવ્યા હતા. રતનદાસ પક્ષનો દાવો હતો કે સંવત 1584માં બાબા મયારામદાસે મંદિર સ્થાપ્યું હતું અને ત્યારથી ગુરુ-શિષ્ય પરંપરા ચાલતી આવી છે, પરંતુ હાઇકોર્ટને આ અંગે પૂરતા દસ્તાવેજી પુરાવા મળ્યા નહોતા. બીજી તરફ, મહેશ્વરી સમાજે મંદિરના વિકાસમાં મોટું આર્થિક યોગદાન આપ્યું હતું, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પૈસા ખર્ચવાથી કોઈ મંદિરનું માલિક બની જતું નથી.

વર્ષ 1907માં મહંત ગોપાલદાસે એક વિલ બનાવી હતી, જેમાં ઉત્તરાધિકારી અવિવાહિત રહે તેવી શરત હતી અને લગ્ન કરે તો મહેશ્વરી પંચોને નિર્ણય લેવાની સત્તા આપી હતી. જોકે, કોર્ટે આ વિલના આધારે મહેશ્વરી સમાજની માલિકી ફગાવી દીધી હતી. આ કિસ્સામાં ‘શિબૈત’ એટલે કે દેવતાના માનવીય સંચાલક અથવા સેવકની ભૂમિકા મહત્વની છે, જે મંદિરનું મેનેજમેન્ટ કરે છે પણ પોતે માલિક બનતો નથી.

મહંત મોરલિદાસ અને મહેશ્વરી સમાજ વચ્ચેના મતભેદોને કારણે 1927માં મંદિરનું મેનેજમેન્ટ સરકારી તંત્ર હેઠળ લાવવાની પ્રક્રિયા શરૂ થઈ. અંતે 15 ઑક્ટોબર 1930ના રોજ ગ્વાલિયર સ્ટેટના રેવન્યુ ડિપાર્ટમેન્ટે મંદિર અને તેની મિલકતોને સરકારી દેખરેખ હેઠળ લઈ લીધી. આ જ સમયગાળામાં મહેશ્વરી સમાજે ગિફ્ટ ડીડ દ્વારા પણ મિલકતો આપી હતી, પરંતુ કાયદા મુજબ મિલકત દાનમાં આપવી અને માલિક બનવું એ બંને અલગ બાબતો છે.

1937માં મહંત મોરલિદાસના અવસાન પછી રામાનંદ સંપ્રદાયની પરંપરા મુજબ ભેખ સમારોહ કરીને રતનદાસને મહંત તરીકે પસંદ કરાયા. ત્યારબાદ 1948માં રેવન્યુ ડિપાર્ટમેન્ટે રતનદાસને પૂજારી તરીકે નીમ્યા અને ચાર્જ આપ્યો, પણ મહેશ્વરી સમાજના વિરોધને કારણે 1949માં તેમની પાસેથી ચાર્જ પાછો લઈ લેવાયો. આમ છતાં રતનદાસે મંદિરના પૂજારી તરીકે પોતાની પૂજા-સેવા ચાલુ રાખી હતી.

આ વિવાદનો કાયદાકીય ઉકેલ લાવવા માટે 24 ડિસેમ્બર 1954ના રોજ રતનદાસે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો. તેમણે માંગ કરી કે મહેશ્વરી સમાજને મેનેજમેન્ટમાંથી દૂર કરવામાં આવે અને તેમને મેનેજમેન્ટ તથા પૂજારીના અધિકારો મળે. લાંબી કાયદાકીય કાર્યવાહી બાદ 28 જૂન 1968ના રોજ ટ્રાયલ કોર્ટે રતનદાસનો દાવો ફગાવી દીધો, જેના વિરોધમાં ઑક્ટોબર 1968માં પહેલી અપીલ દાખલ કરવામાં આવી.

જુલાઈ 1993માં મધ્ય પ્રદેશ હાઇકોર્ટના સિંગલ જજે રતનદાસની અપીલ મંજૂર કરી અને ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કર્યો. આ નિર્ણય સામે મહેશ્વરી સમાજે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. 26 ફેબ્રુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો 1993નો નિર્ણય રદ કર્યો અને તમામ પુરાવાઓ ફરીથી તપાસીને નવેસરથી નિર્ણય આપવા માટે કેસ પાછો હાઇકોર્ટમાં મોકલ્યો.

લગભગ 72 વર્ષની લાંબી કાયદાકીય લડાઈ પછી 25 ઑગસ્ટ 2026ના રોજ જસ્ટિસ વિનય સરાફની બેન્ચે આ કેસમાં અંતિમ ચુકાદો આપ્યો. કોર્ટે રતનદાસની અપીલ આંશિક રીતે ગ્રાહ્ય રાખી. કોર્ટે અતિ મહત્વનો નિર્ણય આપતા સ્પષ્ટ કર્યું કે ખાચરોદના શ્રીરામ મંદિર અને તેની તમામ ચલ-અચલ મિલકતોના આખરી અને પૂર્ણ માલિક માત્ર ને માત્ર ભગવાન શ્રીરામ જ છે.

કોર્ટે આ ચુકાદામાં ત્રણ અલગ અલગ ભૂમિકાઓ સ્પષ્ટ રીતે સીમાંકિત કરી દીધી છે. પ્રથમ, મંદિર અને મિલકતના માલિક ભગવાન શ્રીરામ છે. દ્વિતીય, મંદિરનું મેનેજમેન્ટ અને સંચાલન રાજ્ય સરકારના રેવેન્યુ ડિપાર્ટમેન્ટ પાસે રહેશે. તૃતીય, રતનદાસને માત્ર મંદિરના નિયુક્ત પૂજારી તરીકે પૂજા-અર્ચના કરવાનો અધિકાર રહેશે, પણ મિલકત પર કોઈ માલિકી હક મળશે નહીં.

આ ચુકાદો ભારતીય કાયદાના ‘જ્યુરિસ્ટિક પર્સન’ના સિદ્ધાંતને ઉત્કૃષ્ટ રીતે દર્શાવે છે. કાયદાની નજરે ભગવાન એક કાયદાકીય વ્યક્તિ છે જે મિલકત ધારણ કરી શકે છે, જ્યારે પૂજારી કે ટ્રસ્ટી માત્ર તેમના સેવક છે. આ નિર્ણયથી એ સાબિત થયું કે કોઈ પણ મહંત, સમાજ કે ટ્રસ્ટ મંદિરની મિલકતનો પોતાની અંગત માલિકી તરીકે દાવો કરી શકતું નથી.

ભગવાનને ‘જ્યુરિસ્ટિક પર્સન’નો દરજ્જો ભારતમાં નવો નથી

ભારતીય કાયદામાં હિંદુ દેવતાઓને કાયદાકીય વ્યક્તિ એટલે કે ‘જ્યુરિસ્ટિક પર્સન’ તરીકે માન્યતા આપવાનો આ પ્રથમ કેસ નથી. વર્ષ 1969માં સુપ્રીમ કોર્ટે ‘યોગેન્દ્રનાથ નાસ્કર વિરુદ્ધ કમિશનર ઑફ ઈન્કમ ટેક્સ’ કેસમાં સ્પષ્ટ કર્યું હતું કે હિંદુ મૂર્તિ (આઈડલ) એક ‘જ્યુરિસ્ટિક એન્ટિટી’ છે, જે પોતાના નામે મિલકત રાખી શકે છે અને તેના શિબૈત એટલે કે પ્રતિનિધિ મારફતે અદાલતમાં કાયદાકીય લડાઈ લડી શકે છે.

આ ઉપરાંત વર્ષ 1999ના ‘રામ-જાનકીજી વિરુદ્ધ સ્ટેટ ઑફ બિહાર’ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે દેવતાને જમીન સંબંધિત કાયદાઓ માટે કાયદાકીય વ્યક્તિ તરીકે સ્વીકાર્યા હતા. આ સિવાય 2019ના અયોધ્યા ચુકાદામાં ‘ભગવાન શ્રી રામ વિરાજમાન’ રામલલ્લાને ‘જ્યુરિસ્ટિક પર્સન’ ગણવામાં આવ્યા હતા. 2026ના તાજેતરના કિસ્સામાં મદ્રાસ હાઇકોર્ટે ‘સિવાનુ પાંડિયન વિરુદ્ધ ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર’ કેસમાં તમિરાબારાની નદીને મર્યાદિત હેતુ માટે ‘જ્યુરિસ્ટિક પર્સન’ જાહેર કરી છે.

નદી કિનારે દબાણ અને પ્રદૂષણના વિવાદ દરમિયાન કોર્ટના ધ્યાને આવ્યું કે મે 2026માં માત્ર થોડા અઠવાડિયામાં જ નદીમાંથી 86થી 90 ટન કપડાં અને કચરો કાઢવામાં આવ્યો હતો. આ ભયાનક પ્રદૂષણથી નદીનું રક્ષણ કરવા માટે અદાલતે આ કાયદાકીય પગલું ભર્યું હતું.

મદ્રાસ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે તમિરાબારાની માત્ર એક પાણીનો પ્રવાહ નથી, પરંતુ હિંદુ પરંપરામાં તેને દેવી તરીકે પૂજવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ, મહાભારત અને કાલિદાસના રઘુવંશ જેવા પ્રાચીન ગ્રંથોનો ઉલ્લેખ કરીને કોર્ટે નોંધ્યું કે આ નદી પવિત્ર માનવામાં આવે છે. તેથી, તેને ‘જ્યુરિસ્ટિક પર્સનાલિટી’નો દરજ્જો નદી હોવાના કારણે નહીં, પણ તેને દેવી તરીકે પૂજવામાં આવે છે તે ધાર્મિક માન્યતાના આધારે આપવામાં આવ્યો છે.

અહીં એ સમજવું જરૂરી છે કે મદ્રાસ હાઇકોર્ટે તમિરાબારાની નદીને સામાન્ય માનવી જેવા તમામ અધિકારો આપ્યા નથી. કોર્ટે તેને માત્ર ‘પ્રદૂષિત ન થવાનો અધિકાર’ (રાઈટ નોટ ટુ બી પોલ્યુટેડ) આપ્યો છે. આ ચુકાદા મુજબ, હવે નદીને પ્રદૂષિત કરવી એ માત્ર પર્યાવરણીય કાયદાનો ભંગ નથી, પરંતુ તમિરાબારાની નદીના પોતાના વ્યક્તિગત કાયદાકીય અધિકારનું પણ ઉલ્લંઘન ગણાશે, જેના માટે કાર્યવાહી થઈ શકે છે.

આ પહેલાં 2017માં ઉત્તરાખંડ હાઇકોર્ટે પણ ગંગા અને યમુના નદીઓને જીવંત કાયદાકીય વ્યક્તિ (લિવિંગ એન્ટિટી) જાહેર કરી હતી. પરંતુ, 7 જુલાઈ 2017ના રોજ સુપ્રીમ કોર્ટે એ નિર્ણય પર સ્ટે લગાવી દીધો હતો, કારણ કે આ નદીઓ અનેક રાજ્યોમાંથી પસાર થતી હોવાથી વહીવટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ હતી. તેથી ગંગા-યમુનાના કેસથી અલગ, 2026નો તમિરાબારાનીનો ચુકાદો માત્ર દેવી સ્વરૂપ અને પ્રદૂષણથી રક્ષણ પૂરતો જ મર્યાદિત છે.

શું દરેક પવિત્ર વસ્તુ કાયદાકીય વ્યક્તિ બની શકે?

કોઈપણ પવિત્ર કે ધાર્મિક વસ્તુને આપોઆપ ‘જ્યુરિસ્ટિક પર્સન’ બનાવી શકાતી નથી. સુપ્રીમ કોર્ટે 2019માં સ્પષ્ટ કર્યું હતું કે કાયદાકીય વ્યક્તિ બનાવવાથી તેને માનવી જેવા બધા અધિકારો મળતા નથી, પણ જે હેતુ માટે આ દરજ્જો આપ્યો હોય તેટલી જ તેની મર્યાદા રહે છે. મદ્રાસ હાઇકોર્ટે પણ તમિરાબારાનીના કિસ્સામાં આ જ કાયદાકીય મર્યાદા જાળવી રાખીને તેના કાયદાકીય અધિકારોને માત્ર પ્રદૂષણ વિરોધી રક્ષણ પૂરતા સીમિત રાખ્યા છે.

આ આખી કાયદાકીય વ્યવસ્થા લાવવા પાછળનો મૂળ હેતુ એ છે કે જો ભગવાનને કાયદાકીય ઓળખ ન આપવામાં આવે, તો મંદિરની મિલકતો પર કોઈ પણ વચેટિયાઓ કે પૂજારીઓ પોતાનો અંગત દાવો કરી બેસે. આ સિદ્ધાંતથી એ સ્પષ્ટ થાય છે કે મિલકતના મૂળ માલિક દેવતા પોતે છે, જ્યારે માનવીઓ માત્ર તેના વહીવટકર્તા કે સેવક છે. આનાથી ભગવાનની મિલકત અને પૂજારી કે ટ્રસ્ટીની વ્યક્તિગત મિલકત વચ્ચે એક મજબૂત કાયદાકીય રેખા દોરાઈ જાય છે.

ભારતીય કાયદાકીય વ્યવસ્થામાં ‘જ્યુરિસ્ટિક પર્સન’નો ખ્યાલ કોઈને સામાન્ય માનવી બનાવી દેવાનો નથી, પરંતુ તે એક એવું કાયદાકીય સાધન છે જેના દ્વારા ચોક્કસ સંસ્થા, ધાર્મિક એકમ કે પૂજાતી નદીને કાયદાકીય ઓળખ આપીને તેના હિતોનું રક્ષણ કરવામાં આવે છે. શ્રીરામ મંદિર કેસમાં આ સિદ્ધાંતનો ઉપયોગ મંદિરની મિલકતના માલિકી હક ભગવાન શ્રીરામના નામે સ્પષ્ટ કરવા માટે થયો, અયોધ્યા કેસમાં રામલલાના ધાર્મિક અને મિલકતી અધિકારોનું રક્ષણ કરવા માટે થયો, જ્યારે તમિરાબારાની નદીના કેસમાં તેને પ્રદૂષણથી બચાવવા માટે માત્ર ‘પ્રદૂષિત ન થવાના’ મર્યાદિત કાયદાકીય અધિકાર સુધી લંબાવવામાં આવ્યો.

આ સિદ્ધાંતનો મૂળ નિયમ એ છે કે કોઈપણ ‘જ્યુરિસ્ટિક પર્સન’ને અમર્યાદિત માનવીય અધિકારો નથી મળતા, પણ અદાલતે જે ચોક્કસ હેતુ માટે તેને આ દરજ્જો આપ્યો હોય તેટલા જ અધિકારો તેને મળે છે. આમ, પૂજારી કે વહીવટકર્તાઓ સેવક તરીકે પોતાની વ્યવસ્થા ચાલુ રાખે છે અને કાયદો જે-તે પવિત્ર કે કાયદાકીય એકમને તેના નિર્ધારિત હેતુ મુજબ સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.

તાજેતરના ખાચરોદ શ્રીરામ મંદિરના ચુકાદામાં હાઇકોર્ટે ત્રણેય પાસાઓને અલગ કરી દીધા છે. પ્રથમ, મંદિરની તમામ મિલકતના માલિક પોતે ભગવાન શ્રીરામ છે, બીજું, તેનું સંચાલન રાજ્ય સરકારના રેવેન્યુ ડિપાર્ટમેન્ટ પાસે રહેશે અને ત્રીજું, પૂજારી રતનદાસને માત્ર પૂજા કરવાનો અધિકાર છે. કોઈ વ્યક્તિ મંદિરનો પૂજારી હોય કે સમાજે વિકાસમાં પૈસા ખર્ચ્યા હોય, તોપણ તેઓ મંદિરની મિલકતના માલિક બની શકતા નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં