હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઓમકારેશ્વર જ્યોતિર્લિંગ: જ્યાં વિંધ્યની તપસ્યા ‘ૐ’ના પરમ તત્વ સુધી લઈ જાય છે

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ: જ્યાં વિંધ્યની તપસ્યા ‘ૐ’ના પરમ તત્વ સુધી લઈ જાય છે

અને ‘ૐ’ જેનો નાદ ઉચ્ચારથી શરૂ થાય છે અને મૌનમાં વિલીન થાય છે, એ માણસને બહારની દુનિયાથી અંદરના શિવત્વ સુધી લઈ જતો સંકેત બની જાય છે. ઓમકારેશ્વર એટલે એ યાત્રા, જ્યાં વિંધ્યની ઊંચાઈ ઓગળે છે અને ‘ૐ’ની અનંતતા સામે આવે છે.

- Advertisement -

પર્વતની ઊંચાઈ માપી શકાય છે. તેની ટોચ સુધી પહોંચી શકાય છે. તેની સામે બીજો પર્વત ઊભો કરીને કહી શકાય છે કે કોણ વધારે ઊંચું. પરંતુ મનુષ્યના અહંકારની ઊંચાઈ માપવાનો કોઈ માપદંડ નથી. તે જ્યાં સુધી પોતાની બહાર કોઈને જુએ છે, ત્યાં સુધી પોતાને કોઈને કોઈ સાથે તોલતો રહે છે અને કદાચ એટલે જ વિંધ્યની કથા માત્ર એક પર્વતની કથા નથી. તેમાં માણસના મનની એક એવી ગતિ છુપાયેલી છે, જે આજેય એટલી જ ઓળખીતી છે. પોતાની મહત્તા કરતાં બીજાની મહત્તા વધુ ખટકવી.

કથા કહે છે કે એક વખત નારદ મુનિ વિંધ્ય પર્વત પાસે પહોંચ્યા. વિંધ્ય પોતાના વૈભવથી સંતુષ્ટ હતો. તેને લાગતું હતું કે તેની પાસે હવએ કશાની કમી નથી. નારદે તેના મનની આ સ્થિતિ ઓળખી. તેમણે વિંધ્યને કોઈ લાંબો ઉપદેશ આપ્યો નહીં, માત્ર મેરુ પર્વતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે મેરુ તારા કરતાં ઊંચો છે અને દેવતાઓમાં તેનું વિશેષ સ્થાન છે. આટલું સાંભળવું પૂરતું હતું. વિંધ્યને પોતાની ઊંચાઈ નાની લાગવા લાગી. નારદ ત્યાંથી ચાલ્યા ગયા, પરંતુ તેમના શબ્દો વિંધ્યના મનમાં રહી ગયા. અંતે તેણે શિવને પ્રસન્ન કરવા તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો.

વિંધ્ય ઓમકારના પવિત્ર ક્ષેત્રમાં પહોંચ્યો. ત્યાં તેણે માટીનું શિવલિંગ બનાવ્યું અને છ મહિના સુધી અચળ રહીને શિવની ઉપાસના કરી. તપસ્યાથી પ્રસન્ન થયેલા શિવે તેને દર્શન આપ્યાં અને વરદાન માગવા કહ્યું. વિંધ્યે પોતાની ઇચ્છા સિદ્ધ થાય તેવી બુદ્ધિ માગી. શિવે તેને વરદાન આપ્યું. દેવો અને ઋષિઓએ પણ શિવને ત્યાં જ નિવાસ કરવાની પ્રાર્થના કરી. શિવે લોકકલ્યાણ માટે તે પ્રાર્થના સ્વીકારી. આ રીતે ઓમકારના ક્ષેત્રમાં શિવની ઉપસ્થિતિ સ્થિર થઈ.

- Advertisement -

પરંતુ આ કથાનો સૌથી મહત્વનો પ્રસંગ હજુ બાકી છે. શિવપુરાણ અહીં શિવના સ્વરૂપને ‘ઓમકાર’ સાથે સીધું જોડે છે. પ્રણવમાં સદાશિવ ઓમકાર તરીકે ઓળખાય છે અને વિંધ્યે બનાવેલા માટીના લિંગમાંથી પરમેશ્વરનું સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે ઓમકારેશ્વરની ઉત્પત્તિની કથામાં ‘ૐ’ કોઈ બાજુનો સંકેત નથી, તે જ શિવના પ્રાગટ્ય સાથે જોડાયેલું તત્વ છે. અહીંથી વિંધ્ય પાછળ રહી જાય છે અને ‘ૐ’ સામે આવે છે.

ઊંચાઈની શોધમાંથી અનંતતાની શોધ સુધી

વિંધ્યની આખી કથાને જો એક જ દૃશ્યમાં સમેટવી હોય તો એ તે છે કે એક પર્વત પોતાની ઊંચાઈથી અસંતુષ્ટ છે અને શિવ સામે બેસી જાય છે. શરૂઆતમાં તેની દૃષ્ટિ મેરુ પર હતી, અંતે તેની દૃષ્ટિ શિવ પર સ્થિર થાય છે. આ ફેરફાર નાનો નથી. અહંકારની નજર હંમેશા બહાર હોય છે. તેને પોતાની ઓળખ માટે કોઈ બીજાની જરૂર પડે છે. હું કેટલો મોટો છું તે જાણવા માટે તે કોઈને નાનો શોધે છે. હું કેટલો શક્તિશાળી છું તે જાણવા માટે કોઈને નબળો શોધે છે. વિંધ્યને પણ પોતાની ઊંચાઈ ત્યારે જ અપૂરતી લાગી જ્યારે તેની સામે મેરુ ઊભો થયો.

પરંતુ સાધનાની દિશા જુદી છે. ત્યાં બહારની સરખામણી ધીમે-ધીમે છૂટે છે અને દૃષ્ટિ અંદરની તરફ વળે છે. વિંધ્ય મેરુને વટાવવા નીકળ્યો હતો, પરંતુ શિવની ઉપાસનામાં બેસતાં તેની યાત્રા કોઈ બીજી જ દિશામાં વળી. પર્વત બહારથી વધવા માગતો હતો, સાધનાએ તેને અંદરથી સ્થિર કર્યો.

ભારતીય આધ્યાત્મિક પરંપરામાં તપસ્યાનું આ જ એક ગહન રહસ્ય છે. તપ એટલે માત્ર કઠિનતા સહન કરવી નહીં. તપ એટલે ચિત્તને એક દિશામાં સ્થિર કરવું. બહારની અસંખ્ય ઇચ્છાઓમાંથી મનને પાછું ખેંચીને એક તત્વ પર સ્થિર કરવું. વિંધ્યની છ મહિનાની અચળ ઉપાસનાને આ દૃષ્ટિએ જોઈએ ત્યારે કથા અચાનક વધુ અર્થપૂર્ણ બની જાય છે. મેરુને વટાવવાની ઇચ્છાથી શરૂ થયેલી ગતિ અંતે શિવ સામેની સ્થિરતામાં આવીને અટકે છે અને એ જ ક્ષણે ઓમકારેશ્વરનો સાચો દ્વાર ખૂલે છે.

‘ૐ’, જેમાં આખું અસ્તિત્વ સમાઈ જાય છે

‘ૐ’ને આપણે સામાન્ય રીતે મંત્રના આરંભમાં સાંભળીએ છીએ. જપમાં ઉચ્ચારીએ છીએ. ઉપાસનામાં તેનું સ્મરણ કરીએ છીએ. પરંતુ ઉપનિષદોની દૃષ્ટિએ ‘ૐ’ને માત્ર એક પવિત્ર ધ્વનિ માની લેવું તેની વ્યાપકતાને ખૂબ નાની કરી દે છે. માણ્ડૂક્ય ઉપનિષદની શરૂઆતમાં જ કહેવાયું છે કે ‘ૐ ઇત્યેતદક્ષરમિદં સર્વમ્।’ અર્થાત,’આ સમગ્ર અસ્તિત્વ ઓમકારથી સૂચિત થાય છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય, ત્રણે કાળ ઓમકાર છે અને જે ત્રિકાળથી પરે છે તે પણ ઓમકાર જ છે.’

વિચારીએ તો માણસનું સમગ્ર જીવન સમયના પ્રવાહમાં જ ગોઠવાયેલું છે. જે બની ગયું તે ભૂતકાળ, જે બની રહ્યું છે તે વર્તમાન અને જે બનવાનું છે તે ભવિષ્ય. આપણું મન આ ત્રણની વચ્ચે સતત આવનજાવન કરે છે. સ્મૃતિ આપણને પાછળ લઈ જાય છે, કલ્પના આગળ લઈ જાય છે અને અનુભવ વર્તમાનમાં રાખે છે. પરંતુ માણ્ડૂક્ય અહીં એક અદભૂત દિશા ખોલે છે કે જો ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય ઓમકારથી સૂચિત થાય છે તો ઓમકાર માત્ર સમયની અંદરની કોઈ વસ્તુ નથી, તે સમયને સમાવી લેતા તત્વ તરફ સંકેત કરે છે.

આથી ‘ૐ’નો અર્થ માત્ર એક અવાજ નથી. તે સમગ્ર અસ્તિત્વને એકરૂપે જોવાની દૃષ્ટિ છે અને અહીં ઓમકારેશ્વર નામની ઊંડાઈ સમજાય છે. શિવપુરાણમાં જે શિવ ઓમકાર તરીકે પ્રગટ થાય છે, તેમને માણ્ડૂક્ય ઉપનિષદના ઓમકાર સાથે મૂકીએ ત્યારે શિવત્વ કોઈ એક સ્થળ, એક ક્ષણ કે એક આકાર પૂરતું રહેતું નથી. ‘ૐ’ તેને સમગ્ર અસ્તિત્વ તરફ વિસ્તારે છે. વિંધ્ય માટે શરૂઆતમાં દુનિયા બે પર્વતોની સરખામણી હતી, વિંધ્ય અને મેરુ. ઓમકાર તેને આખા અસ્તિત્વ તરફ લઈ જાય છે. જ્યાં આખું અસ્તિત્વ જ એક સંદર્ભ બની જાય, ત્યાં સરખામણીની જગ્યા ક્યાં રહે?

‘અ’, ‘ઉ’, ‘મ’ અને તેના પછીનું મૌન

માણ્ડૂક્ય ઉપનિષદની વિશેષતા એ છે કે તે ‘ૐ’નો અર્થ માત્ર બ્રહ્માંડ સુધી રાખતું નથી. તે તેને માણસની પોતાની ચેતના સાથે જોડે છે. ઉપનિષદ આત્માને ચાર પાદમાં સમજાવે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. જાગ્રત અવસ્થામાં ચેતના બહારના વિષયો તરફ વળેલી છે. સ્વપ્નમાં તે અંદરની દુનિયામાં પ્રવેશે છે. સુષુપ્તિમાં બંનેનો સ્પષ્ટ અનુભવ શાંત થઈ જાય છે. પરંતુ આ ત્રણેયથી પરે ચોથું તત્વ છે, જેને ઉપનિષદ તુરીય કહે છે.

આ ત્રણ અવસ્થાઓને ‘અ’, ‘ઉ’ અને ‘મ’ સાથે જોડવામાં આવે છે. પરંતુ અહીં સૌથી સુંદર વાત એ છે કે ‘ૐ’નો અંત માત્ર ‘મ’ પર થતો નથી. ‘મ’ પછીનું મૌન પણ અર્થ ધરાવે છે. માણ્ડૂક્ય તેને ચતુર્થ સાથે જોડે છે કે જે વ્યવહારથી પરે છે, પ્રપંચની શાંતિ છે, શાંત છે, શિવ છે અને અદ્વૈત છે.

આ વાતને સમજવા માટે ‘ૐ’નો એક સામાન્ય અનુભવ જ પૂરતો છે. ઉચ્ચાર શરૂ થાય છે. ‘અ’માંથી ‘ઉ’ તરફ ગતિ થાય છે, પછી ‘મ’માં ધ્વનિ સમેટાય છે અને અંતે અવાજ શાંત થઈ જાય છે. પરંતુ એ મૌન માત્ર અવાજનો અભાવ નથી. તે ઉચ્ચારની પાછળ રહેલી શાંતિ છે. માણ્ડૂક્ય આ શાંતિને જ અંતિમ દિશા બનાવે છે.

એટલે ઓમકારેશ્વરમાં ‘ૐ’નો અર્થ માત્ર એટલો નથી કે અહીં ઓમકાર નામે શિવ પ્રગટ થયા. અહીં ‘ૐ’ માણસને પોતાની જ ચેતનાની રચના તરફ જોવાનું શીખવે છે. જાગ્રત અવસ્થામાં જે જગત એટલું વિશાળ લાગે છે, સ્વપ્નમાં જે બીજું જગત ઊભું થાય છે અને સુષુપ્તિમાં જે બધું અદૃશ્ય થઈ જાય છે, આ બધાની પાછળ જે તત્વ છે, તેની શોધમાં ઉપનિષદ આપણને તુરીય સુધી લઈ જાય છે.

અને તુરીયને વર્ણવતાં ઉપનિષદ જે શબ્દ પસંદ કરે છે તે છે- ‘શિવમ્’.

ઓમકાર અને શિવત્વ વચ્ચેનું અંતર અહીં ઓગળી જાય છે

અહીં ઓમકારેશ્વરનો દાર્શનિક અર્થ પોતાના સૌથી ઊંડા બિંદુએ પહોંચે છે. એક તરફ શિવપુરાણ કહે છે કે ઓમકારમાં સદાશિવનું સ્વરૂપ પ્રગટ થયું. બીજી તરફ માણ્ડૂક્ય કહે છે કે સમગ્ર અસ્તિત્વ ઓમકારથી સૂચિત છે અને તેની અંતિમ ચતુર્થ અવસ્થા શાંત, શિવ અને અદ્વૈત છે. બંને ગ્રંથોની ભાષા એક નથી, તેમનો સંદર્ભ પણ એક નથી. પરંતુ બંનેને સાથે વાંચીએ ત્યારે ‘ઓમકાર’ અને ‘શિવત્વ’ વચ્ચેનો સંબંધ અચાનક વધુ સ્પષ્ટ બનવા લાગે છે.

અહીં શિવત્વનો અર્થ માત્ર શિવની મૂર્તિ નથી. મૂર્તિ ઉપાસનાનું કેન્દ્ર બની શકે છે, જ્યોતિર્લિંગ ઉપસ્થિતિનું ચિહ્ન બની શકે છે, પરંતુ તેની પાછળનું તત્વ નામ અને રૂપથી વિશાળ છે. ‘ૐ’ એ વિશાળતાનો સંકેત છે. એટલે જ્યોતિર્લિંગની પરંપરામાં ‘લિંગ’ને માત્ર પથ્થર કે આકાર તરીકે જોવું પૂરતું નથી. તે ચિહ્ન છે- જે દૃશ્યમાંથી અદૃશ્ય તરફ ઈશારો કરે છે. ઓમકારેશ્વરમાં આ ચિહ્નને ‘ૐ’નો નાદ મળે છે. જ્યોતિ, લિંગ અને પ્રણવ, ત્રણેય મળીને શિવત્વને બહારના સ્વરૂપથી અંદરના અનુભવ સુધી લઈ જાય છે.

અહીં એક રસપ્રદ વાત છે. વિંધ્યે માટીનું લિંગ બનાવ્યું હતું. માટીનું એ સ્વરૂપ ક્ષણભંગુર હતું, પરંતુ તેની ઉપાસનાથી જે શિવપ્રાગટ્ય થયું તે પરમ તત્વ તરફ લઈ જાય છે. જાણે કથા પોતે જ કહી રહી હોય કે સાધનાનું મૂલ્ય સાધનના પદાર્થમાં નથી, તેની દિશામાં છે. માટીનું લિંગ હોય કે પથ્થરનું જ્યોતિર્લિંગ, ચિહ્ન ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે નજર ચિહ્નની પાર જાય.

વિંધ્યની કથા અહીં ફરી પાછી આવે છે

આટલી ઊંચાઈ સુધી પહોંચ્યા પછી ફરી વિંધ્ય તરફ જોવું જરૂરી છે. કારણ કે ઓમકારેશ્વરની આખી યાત્રા તેની સાથે જ શરૂ થઈ હતી. વિંધ્યને મેરુ કરતાં ઊંચો થવું હતું. તેને પોતાની ઊંચાઈથી અસંતોષ હતો. પરંતુ શિવની સામે પહોંચ્યા પછી તેની યાત્રાનો કેન્દ્ર બદલાઈ ગયો. હવે પ્રશ્ન મેરુને વટાવવાનો રહ્યો નહીં, પ્રશ્ન શિવને પામવાનો રહ્યો.

આ જ પરિવર્તન માણસની આધ્યાત્મિક યાત્રામાં પણ આવે છે. શરૂઆતમાં માણસ બહારની સિદ્ધિઓને પોતાની ઓળખ માને છે. પછી એક દિવસ સમજાય છે કે સિદ્ધિઓ વધતી જાય છતાં અંદરનો પ્રશ્ન ત્યાં જ છે. વધુ મેળવવાથી, વધુ ઊંચા થવાથી, વધુ જાણીતા થવાથી તે પ્રશ્ન સમાપ્ત થતો નથી. ત્યારે દિશા બદલાય છે.

બહારની દુનિયા જીતવાની જગ્યાએ માણસ પોતાના ચિત્તને સમજવા બેસે છે અને ત્યાંથી ઉપનિષદની યાત્રા શરૂ થાય છે કે ‘હું શું મેળવી શકું?’માંથી ‘હું મૂળમાં કોણ છું?’ સુધી. માણ્ડૂક્ય આ પ્રશ્નને ચેતનાની ચાર અવસ્થાઓમાંથી પસાર કરીને તુરીય સુધી લઈ જાય છે. ઓમકારેશ્વરની પુરાણકથા આ યાત્રાને વિંધ્યની કથામાં માનવીય સ્વરૂપ આપે છે. એક પર્વત પોતાની બહારની ઊંચાઈથી અસંતુષ્ટ થાય છે અને અંતે શિવની સામે સ્થિર થાય છે. વિંધ્યને ઊંચું થવું હતું, તેને નમવું પડ્યું અને નમ્યા પછી જ તેને ઓમકાર મળ્યો.

ઓમકારેશ્વર એટલે અનંત તરફ જતો નાદ

ભારતના જ્યોતિર્લિંગોમાં દરેક સ્થાન શિવત્વનો એક અલગ આયામ ખોલે છે. મહાકાલેશ્વરમાં કાળથી પરેનું શિવત્વ સામે આવે છે. મલ્લિકાર્જુનમાં શિવ-શક્તિના અવિભાજ્ય એકત્વની અનુભૂતિ તરફ યાત્રા થાય છે. ઓમકારેશ્વર ત્યાંથી આગળ એક બીજો પ્રશ્ન ઊભો કરે છે કે જે શિવને આપણે જ્યોતિર્લિંગમાં શોધીએ છીએ, તે શિવત્વનું મૂળ સ્વરૂપ શું છે? ‘ૐ’ તેનો એક મહાન સંકેત બને છે.

તે ભૂત છે, વર્તમાન છે, ભવિષ્ય છે અને ત્રિકાળાતીત પણ છે. તે જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ છે અને તેની પારનું તુરીય પણ છે અને તુરીયને માણ્ડૂક્ય શાંત, શિવ અને અદ્વૈત કહે છે. એટલે ઓમકારેશ્વરનો અર્થ કોઈ એક ચમત્કારિક ઘટનામાં બંધાતો નથી. વિંધ્યની કથા આપણને બહારની ઊંચાઈમાંથી અંદરની યાત્રા તરફ વાળે છે. શિવનું ઓમકાર સ્વરૂપ આપણને ‘ૐ’ના અનંત અર્થ સુધી લઈ જાય છે. અને માણ્ડૂક્ય ઉપનિષદ એ જ ‘ૐ’ને પોતાની ચેતનાના મૂળ સુધી પહોંચવાનો માર્ગ બનાવે છે.

શરૂઆતમાં વિંધ્યને લાગતું હતું કે મેરુથી ઊંચું થવામાં મહત્તા છે. અંતે શિવની સામે બેસીને તેને જે મળ્યું તે કોઈ પર્વત કરતાં ઊંચું હતું, પોતાના અહંકારની સીમાથી બહાર જવાની દિશા. ઓમકારેશ્વરની સૌથી સુંદર વાત આ જ છે. ઊંચાઈ અહીં પર્વતની નથી રહી. ઊંચાઈ ચેતનાની બની ગઈ.

અને ‘ૐ’ જેનો નાદ ઉચ્ચારથી શરૂ થાય છે અને મૌનમાં વિલીન થાય છે, એ માણસને બહારની દુનિયાથી અંદરના શિવત્વ સુધી લઈ જતો સંકેત બની જાય છે. ઓમકારેશ્વર એટલે એ યાત્રા, જ્યાં વિંધ્યની ઊંચાઈ ઓગળે છે અને ‘ૐ’ની અનંતતા સામે આવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં