હોમપેજફેક્ટ-ચેકશું સાચો GDP ગ્રોથ રેટ માત્ર 2.6% છે?– કોંગ્રેસી પ્રોપગેન્ડા અને હકીકત

શું સાચો GDP ગ્રોથ રેટ માત્ર 2.6% છે?– કોંગ્રેસી પ્રોપગેન્ડા અને હકીકત

સરકાર બહુ સચોટ રીતે, નવી પદ્ધતિએ GDP ડેટા મેળવે છે. એવું નથી કે આ વર્ષે ગ્રોથ રેટ વધારે દેખાય એ માટે ગયા વર્ષના આંકડામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસીઓ જૂની સિરીઝનો ડેટા નવી સિરીઝના ડેટા સાથે સરખાવીને હોબાળો મચાવી રહ્યા છે.

- Advertisement -

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર એવી બાબતો છે જેમાં સરળતાથી લોકોને ગેરમાર્ગે દોરી શકાય છે. અટપટું ગણિત અને પહેલી નજરે ન સમજાય એવી ચીજોને અલગ રીતે રજૂ કરીને, અમુક સંદર્ભો કાપીને ધારેલો નિષ્કર્ષ આપી શકાય છે. લોકો દર વખતે ફેક્ટચેક કરવા જતા નથી. આ બધી બાબતોનું ફેક્ટચેક કરવું પ્રમાણમાં કઠિન પણ હોય છે. કોઈ તસ્દી લે તોપણ ત્યાં સુધીમાં સમય વીતી ચૂક્યો હોય અને પ્રોપગેન્ડા ફેલાવવા પાછળનો હેતુ પાર પડી ચૂક્યો હોય છે. બીજું, ઇકોસિસ્ટમ પાસે હાથ ઝાઝા છે, જે રળિયામણા નથી પણ હોબાળો મચાવવામાં અને ઘોંઘાટ કરવામાં મદદરૂપ થઈ રહે છે. ફેક્ટચેક થાય તોપણ આ ઘોંઘાટમાં દબાઈ જાય છે.

હમણાં નાણાંકીય વર્ષ 2026-27ના પહેલા ત્રિમાસિક ગાળા (એપ્રિલથી જૂન 2026) માટેનો GDP ગ્રોથ રેટ જાહેર થયો પછી કોંગ્રેસ ઇકોસિસ્ટમ આ જ કામ કરી રહી છે.

કોંગ્રેસ ઇકોસિસ્ટમની આદત છે કે અમુક અર્થશાસ્ત્રીઓ જે કંઈ કહે તેને ‘અંતિમ સત્ય’ માનીને એ આગળ ધપાવવા માંડે છે. પહેલેથી ખબર હોય છે કે આ અર્થશાસ્ત્રીઓનો સૂર શું હશે અને તેમાં તેઓ શું કહી રહ્યા છે, સાચું કહી રહ્યા છે કે ખોટું કહી રહ્યા છે એ પણ ચકાસવાની જરૂર રહેતી નથી. આમાં રઘુરામ રાજનનું નામ મોખરે આવે છે. આવા જ એક બીજા ‘અર્થશાસ્ત્રી’ છે સુભાષ ચંદ્ર ગર્ગ.

- Advertisement -

ગર્ગ પહેલાં નાણાં મંત્રાલયમાં સચિવ હતા. નાણાં મંત્રાલયમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યા પછી તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. પછીથી તેઓ એક ચોક્કસ લીગમાં જોડાઈ ગયા જેને સરકારના દરેક નિર્ણયમાં વાંધો પડે છે.

ગર્ગે હમણાં NDTV અને અન્ય અમુક ચેનલો સાથેની વાતચીતમાં દાવો કરતાં કહ્યું કે સરકાર 7.8 GDP ગ્રોથનો ઢોલ પીટી રહી છે પણ વાસ્તવિક ગ્રોથ તો આના કરતાં તદ્દન ઓછો લગભગ 2.6% જેટલો છે.

ગર્ગનો શું દાવો છે?

સુભાષ ચંદ્ર ગર્ગ કહે છે કે ગયા વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDP 86 ટ્રિલિયન રૂપિયા જેટલી હતી. તેને પછીથી 80 ટ્રિલિયન રૂપિયા રિવાઈઝ કરી દેવામાં આવી. આ વર્ષની GDP લગભગ 10.3% જેટલી વધી. જો ગયા વર્ષની GDP રિવાઈઝ ન થઈ હોત તો આ વર્ષે ગ્રોથ માત્ર 2.6% જેટલો જ હોત.

અહીં એન્કર ગર્ગને પૂછે છે કે શું તેઓ એમ કહેવા માગે છે કે આંકડાઓને એટલા માટે જ રિવાઇઝ કરવામાં આવ્યા હતા જેથી બીજા વર્ષે ગ્રોથ વધુ દેખાય શકે. તેઓ જવાબમાં કહે છે, “હું બહુ જવાબદારીપૂર્વક આ જ વાત કહી રહ્યો છું.”

ગર્ગે ન્યૂઝ ચેનલો સાથેની વાતચીતમાં જે વાત કહી તેના આધારે હવે કોંગ્રેસે હોબાળો મચાવવાનો ચાલુ કર્યો છે અને દાવો થઈ રહ્યો છે કે વાસ્તવિક ગ્રોથ માત્ર 2.6% જેટલો છે અને સરકાર મેનિપ્યુલેશન કરીને આંકડો 7.8% લઈ ગઈ છે.

કોંગ્રેસે એક પોસ્ટ કરીને લખ્યું, 7.8% GDP ગ્રોથ એ ખોટો ડેટા છે, સાચો આંકડો 2.6% છે. મોદી સરકારના જ પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જ પોલ ખોલી દીધી અને જણાવ્યું કે કઈ રીતે સરકાર GDPના ડેટામાં ગોટાળો કરી રહી છે.

આગળ કોંગ્રેસ લખે છે, ‘ગર્ગ અનુસાર, સરકારે જાણીજોઈને ગયા વર્ષના GDP આંકડાઓ ઘટાડી દીધા જેથી આ વર્ષનો ગ્રોથ રેટ વધી શકે. જો આ આંકડાઓમાં ગોલમાલ ન થઈ હોત તો સાચો GDP ગ્રોથ રેટ માત્ર 2.6% જેટલો હોત, 7.8% નહીં. આ સરકારના પોતાના ડેટા જ સાબિત કરે છે.’

ત્યારપછી પવન ખેડાથી લઈને સુપ્રિયા શ્રીનેત સુધીના નેતાઓ, કોંગ્રેસ સોશિયલ મીડિયા ટીમના સભ્યો અને ઈન્ટરનેટ પર સક્રિય ટ્રોલ સેના આ વિડીયો લઈને ફરી રહી છે અને સરકાર પર GDPના આંકડાઓમાં આમતેમ કરવાના અને જાણીજોઈને ગ્રોથ રેટ વધારે દર્શાવવાના આરોપો લગાવી રહી છે.

હકીકત શું છે?

પહેલી નજરે વાસ્તવિક અને તથ્યાત્મક લાગી શકે એવી આ વાતમાં બહુ મોટો ઝોલ છે. વાસ્તવમાં સુભાષ ચંદ્ર ગર્ગ અને કોંગ્રેસી ગેંગ બે જુદી-જુદી GDP સિરીઝનો ડેટા સરખાવી રહ્યાં છે.

તેઓ જૂની GDP સિરીઝના ડેટાને નવી GDP સિરીઝના ડેટા સાથે સરખાવી રહ્યાં છે. સરળ ભાષામાં– સફરજનની સરખામણી નારંગી સાથે કરી રહ્યાં છે.

ગર્ગે આપેલા 2.6%ના આંકડા પાછળ તેમનું ગણિત એવું છે કે 2025માં જ્યારે સરકારે પ્રથમ ત્રિમાસિક ગાળાનો GDP ગ્રોથ રેટ જાહેર કર્યો ત્યારે GDP ₹86 લાખ કરોડ હતી. પછીથી આ ડેટા રિવાઈઝ કરીને આંકડો ₹80 લાખ કરોડ કરી દેવામાં આવ્યો. જો અગાઉનો ₹86 લાખ કરોડનો આંકડો લઈએ અને હાલની GDP જોઈએ (જે ₹88 લાખ કરોડ છે) તો ગ્રોથ રેટ માત્ર 2.6% (86 અને 88 વચ્ચેનો ફેર) જ આવે.

એટલે સુભાષ ચંદ્ર ગર્ગનું કહેવું છે કે સરકારે અગાઉ આંકડો રિવાઈઝ કર્યો હતો એટલે આ વખતે ગ્રોથ રેટ વધુ દેખાય રહ્યો છે.

હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર આંકડો ₹86 લાખ કરોડ પરથી ₹80 લાખ કરોડ પર ગયો હતો. જવાબ છે– હા. પણ તેની પાછળ એક તથ્યાત્મક કારણ છે.

₹86 લાખ કરોડનો આંકડો જૂની GDP સિરીઝના આધારે થયેલી ગણતરી પરથી આવ્યો હતો. જે ઑગસ્ટ 2025માં જાહેર થયો હતો. પછીથી ફેબ્રુઆરીમાં સરકારે અગાઉના 2011-12ના વર્ષને સ્થાને વર્ષ 2022-23ને બેઝ યર બનાવીને નવી સિરીઝનો ઉપયોગ શરૂ કર્યો. આ પ્રમાણે નવેસરથી ગણતરી કરવામાં આવી તો આંકડો ₹80 લાખ કરોડ આવ્યો.

હવે સમજો કે GDP બેઝ યર શું છે.

GDP ગુડ્સ અને સર્વિસની કિંમત પર માપવામાં આવે છે એ સર્વસામાન્ય જ્ઞાન છે. પણ આ ભાવ બદલાતા રહે છે. ઉત્પાદનોના ભાવ વધે તો રૂપિયામાં તેની કિંમત પણ વધે. ભલે તેનું ઉત્પાદન પ્રમાણમાં સરખું રહે. અર્થશાસ્ત્રીઓ જ્યારે એ જુએ કે અર્થતંત્ર વધુ ઉત્પાદન કરી રહ્યું છે કે કેમ ત્યારે તેમને એક રેફરન્સ પોઈન્ટની જરૂર પડે છે, જેથી ભાવમાં ફેરફારોને અલગ કરી શકાય. આને બેઝ યર કહેવાય છે.

અગાઉ બેઝ યર 2011-12 લેવામાં આવતું હતું. ફેબ્રુઆરી 2026માં બેઝ યર 2022-23 કરી દેવામાં આવ્યું.

નવી GDP સિરીઝમાં શું સુધારા કરવામાં આવ્યા હતા (ફોટો- PIB)

બેઝ યર બદલવું એ સામાન્ય પ્રક્રિયા છે. સમયાંતરે થતી પ્રક્રિયા છે. સરકારે એ કરવું પડે છે. કારણ કે અર્થતંત્ર સતત બદલાતું રહે છે, આંકડાઓ બદલાતા રહે છે. આજનું અર્થતંત્ર 2011-12ના અર્થતંત્ર કરતાં ઘણું બદલાઈ ગયું છે. દરેક સેક્ટર બદલાયાં છે, ઉદ્યોગો વિકસ્યા છે, અમુક સેક્ટર જે 2011-12માં એટલાં મહત્ત્વનાં ન હતાં તેનું મહત્ત્વ હવે વધ્યું છે. હવે ડેટા વધુ સારી રીતે ઉપલબ્ધ થઈ શકે છે.

જ્યારે GDP સિરીઝ અપડેટ કરવામાં આવે ત્યારે માત્ર બેઝ યર નથી બદલાતું પણ ડેટા સોર્સ, સેક્ટોરલ વેઇટ (કયા સેક્ટરને કેટલો ભાર આપવો) ઉપરાંત GDP માપવા માટેની પદ્ધતિ વગેરેમાં પણ ફેરફારો આવે છે. દરેક સરકાર આ કરતી રહે છે એટલે બેઝ યર બદલવું એ મેનિપ્યુલેશનનો સંકેત નથી. સામાન્ય પ્રક્રિયા છે.

બીજું, જ્યારે જ્યારે નવી સિરીઝ આવે છે ત્યારે સરકાર પાછળ જઈને અગાઉના GDP આંકડાઓ ફરીથી માપે છે અને ત્યારે એ નવી પદ્ધતિએ મપાય છે. ત્યારે આંકડાઓમાં ફેરફાર આવવો સ્વાભાવિક છે.

વાસ્તવમાં શું થયું?

આને ગર્ગે કરેલા દાવાના સંદર્ભમાં જોશો તો સમજાશે કે ઑગસ્ટ 2025માં સરકારે ગયા નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના આંકડા જાહેર કર્યા એ જૂની પદ્ધતિ અનુસાર (બેઝ યર 2011-12) હતા. ત્યારે GDP ₹86 લાખ કરોડ હતી.

પછીથી ફેબ્રુઆરી 2026માં સરકારે નવી GDP સિરીઝ અપનાવી (બેઝ યર 2022-23) એટલે ફરીથી GDP માપવામાં આવી અને ત્યારે 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો આંકડો ₹80 લાખ કરોડ થયો.

આ વર્ષે જ્યારે 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો ડેટા કાઢવામાં આવ્યો ત્યારે GDP ₹88 લાખ કરોડે પહોંચી. નૉમિનલ GDP ગણો તો આ ડેટા 10.3% થાય છે. તેમાંથી ભાવવધારાની અસર બાદ કરીએ તો રિયલ GDP 7.8% મળે છે.

ગર્ગ અને અન્યોની ભૂલ ત્યાં થાય છે કે તેઓ જૂની GDP સિરીઝનો ડેટા લઈને નવી સિરીઝ સાથે તેની સરખામણી કરી રહ્યા છે, પણ GDPની ગણતરી આમ થતી નથી. બંને ડેટા નવી સિરીઝના લઈને સરખામણી કરવી પડે છે અને તેમ કરીએ તો GDP ગ્રોથ રેટ એ જ આવે છે જે સરકાર કહી રહી છે.

આ જ ચર્ચામાં બીજી એક વાત આવે છે, સ્ટેટિસ્ટિકલ ડિસ્ક્રેપેન્સી. ગુજરાતી કરીએ તો આંકડાકીય વિસંગતતા એવું કશુંક કરી શકાય. પરંતુ તેનાથી પણ એ સાબિત થતું નથી કે GDP ગ્રોથ રેટના આંકડામાં ગોલમાલ છે.

GDP સૈદ્ધાંતિક પદ્ધતિથી વાત કરીએ તો બે રીતે જોવાય છે. અર્થતંત્ર ઉત્પાદન શું અને કેટલું કરી રહ્યું છે અને લોકો, વ્યવસાયો, સરકાર ખર્ચ કેટલો કરી રહ્યાં છે. થિયરીની રીતે જોઈએ તો બંને પદ્ધતિથી સરખો જવાબ આવવો જોઈએ કારણ કે આ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન છે, દેશભરમાં ઉત્પાદિત થતા ગુડ્સ અને સર્વિસનું મૂલ્ય. પણ વ્યવહારિક ગણતરી કરીએ ત્યારે ડેટામાં થોડો ફેરફાર આવે છે અને એને જ આ ડિસ્ક્રેપેન્સી કહે છે.

પરંતુ આનો અર્થ એ નથી કે GDPમાં આંકડાકીય વધારો કરી દેવાયો હતો. બીજું, વર્તમાન કિસ્સામાં જોઈએ તો ડિસ્ક્રેપેન્સીના કારણે તો ગ્રોથ રેટ વધ્યો નથી ઘટ્યો છે. આ ફેરફારના કારણે ગ્રોથ રેટ 3.2% ઘટ્યો છે, જો વિસંગતતા કાઢી નાખીએ તો ગ્રોથ રેટ 11.2% સુધી પહોંચી જાય છે.

મુદ્દો મોંઘવારીનો પણ આવે છે.

એક હોય છે નૉમિનલ GDP, જે કરન્ટ પ્રાઇઝ પર મપાય છે. તેમાંથી ભાવવધારાની અસરની બાદબાકી કરી નાખો તો રિયલ GDP મળે છે. જેનાથી ખબર પડે કે ખરેખર અર્થતંત્ર આગળ વધી રહ્યું છે અને એવું નથી કે ઉત્પાદન ત્યાંનું ત્યાં છે પણ માત્ર ભાવ વધી રહ્યો છે.

આ વર્ષે પ્રથમ ત્રિમાસિક ગાળામાં નૉમિનલ ગ્રોથ રેટ 10.3% રહ્યો. રિયલ GDP 7.8% જેટલી છે. આ ફેરફાર એટલે GDP ડિફ્લેટર 2.3% જેટલો છે. પણ યાદ રહે કે GDP ડિફ્લેટર એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ફ્લેશન નથી.

CPI ગુડ્સ અને સર્વિસના ભાવમાં થતો વધારો માપે છે. પણ GDP ડિફ્લેશનમાં રોકાણ, સરકારી સેવાઓ, એક્સપોર્ટ, ડોમેસ્ટિક પ્રોડક્શન વગેરે સહિત અર્થતંત્રનો વિશાળ હિસ્સો કવર કરી લેવાય છે. એટલે CPI અને GDP ડિફ્લેટરને સમાન ન ગણી શકાય અને બંને સરખો આંકડો પણ આપતા નથી.

સરકાર રિયલ GDP માટે માત્ર નૉમિનલ GDPને એક જ ઇન્ફ્લેશન રેટ સાથે ડિવાઇડ કરી દેતી નથી. અર્થવ્યવસ્થાના અલગ-અલગ સેક્ટરોની કિંમતો અલગ-અલગ રીતે બદલાય છે. એટલે નવી GDP સિરીઝમાં અલગ-અલગ ચીજો અને સેક્ટરો માટે અલગ-અલગ પ્રાઇઝ ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ તરીકે કારની કિંમત 3% વધી હોય, સ્ટીલની કિંમત 10% વધી હોય અને સોફ્ટવેરની કિંમત 1 જ ટકા વધી હોય તો તમામને એક જ ઇન્ફ્લેશન રેટ સાથે ન ગણી શકાય. નવી સિરીઝમાં અલગ-અલગ સેક્ટર અને પ્રોડક્ટના ભાવમાં ફેરફારોને અલગ-અલગ રીતે જોવાય છે, જેનાથી જાણવા મળે છે કે કિંમત વધવાના કારણે જ GDP વધી રહી છે કે ખરેખર ઉત્પાદન વધી રહ્યું છે.

ઉપરાંત નવી સિરીઝમાં ડબલ ડિફ્લેશનનો પણ ઉપયોગ થાય છે. અર્થાત્ મેન્યુફેક્ચરિંગમાં વપરાતી ચીજોની કિંમત અલગ-અલગ રીતે જોવાય છે. ફેક્ટરી જે ચીજ વેચતી હોય અને તેને બનાવવા માટે જે કાચો માલ ખરીદતી હોય બંનેની કિંમત એકસાથે અને એક જેવી વધઘટ થતી નથી. ઉદાહરણ તરીકે રૉ મટિરિયલની કિંમત 10% વધી ગઈ અને આઉટપુટની કિંમત 3% જ વધી, તો માત્ર આઉટપુટની કિંમત જોઈને ન જાણી શકાય કે ફેક્ટરીએ વાસ્તવમાં કેટલું ઉત્પાદન કર્યું.

એટલે ડબલ ડિફ્લેશનમાં આઉટપુટ અને ઇનપુટની કિંમત અલગ-અલગ જોવાય છે અને બદલાવની અસર હટાવીને જાણી શકાય છે કે વાસ્તવિક ઉત્પાદન કેટલું વધ્યું છે.

ટૂંકમાં સરકાર બહુ સચોટ રીતે, નવી પદ્ધતિએ GDP ડેટા મેળવે છે. એવું નથી કે આ વર્ષે ગ્રોથ રેટ વધારે દેખાય એ માટે ગયા વર્ષના આંકડામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસીઓ જૂની સિરીઝનો ડેટા નવી સિરીઝના ડેટા સાથે સરખાવીને દેકારો કરી રહ્યા છે, પણ હકીકત ઉપર જણાવી એ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં