હોમપેજગુજરાતકોડીનાર પાસે જ કેમ બનશે ગુજરાતનું નવું સ્પેસપોર્ટ? જાણો ભારતના અવકાશ અભિયાન...

કોડીનાર પાસે જ કેમ બનશે ગુજરાતનું નવું સ્પેસપોર્ટ? જાણો ભારતના અવકાશ અભિયાન માટે આ સ્થળ કેટલું મહત્વનું

વાત એટલી જ છે કે ભારત અવકાશમાં આગળ વધી રહ્યું છે તો હવે પ્રશ્ન માત્ર કેટલા ઉપગ્રહો લૉન્ચ થશે એટલો નથી, પ્રશ્ન એ પણ છે કે તેમને લૉન્ચ કરવા માટે દેશ પાસે કેટલાં વ્યૂહાત્મક દરવાજા હશે. કોડીનાર એમાંથી એક નવો દરવાજો બની શકે છે.

- Advertisement -

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું કોડીનાર હવે માત્ર ગીર સોમનાથના નકશા પરનું એક શહેર નહીં રહે, ગુજરાત સરકારની નવી યોજના આગળ વધતાની સાથે તેનું નામ ભારતના અવકાશ નકશા પર પણ ચમકી શકે છે. રાજ્ય સરકારે કોડીનાર નજીક નવું સેટેલાઇટ લૉન્ચિંગ મથક એટલે કે સ્પેસપોર્ટ વિકસાવવાની જાહેરાત કરી છે. પ્રસ્તાવિત સ્થળ દીવ અને કોડીનાર વચ્ચેના દરિયાકાંઠે હોવાનું જણાવાયું છે. આ સ્થળને ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર એટલે કે IN-SPACe સાથેની ચર્ચા બાદ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મૂકવા માટે યોગ્ય ગણવામાં આવ્યું હોવાનું ગુજરાત સરકારે જણાવ્યું હતું.

પરંતુ અહીંથી અસલી સવાલ શરૂ થાય છે. ગુજરાતનો દરિયાકાંઠો લાંબો છે તો કોડીનાર પાસે જ કેમ? શું દરિયાની નજીક હોવું જ કારણ છે? કે પછી આ જગ્યાની પસંદગી પાછળ રોકેટની ઉડાન, તેની દિશા, સુરક્ષા, રોકેટના અલગ પડતા તબક્કા, ભવિષ્યની લૉન્ચિંગ જરૂરિયાતો અને ભારતના અવકાશ કાર્યક્રમની બદલાતી જરૂરિયાતો જેવાં અનેક પરિબળો કામ કરે છે? હકીકતમાં સ્પેસપોર્ટ માટે જગ્યા પસંદ કરવી એ જમીન પસંદ કરવાની નહીં, પરંતુ આકાશમાં એક આખો સુરક્ષિત માર્ગ પસંદ કરવાની પ્રક્રિયા છે.

સ્પેસપોર્ટ માટે જગ્યા પસંદ કરવી એટલે શું?

રોકેટ લૉન્ચપેડ પર ઊભું હોય ત્યારે તે માત્ર એક યંત્ર છે, પરંતુ તે ઊડાન ભરે ત્યારથી તેની આસપાસનો વિશાળ વિસ્તાર પણ મિશનનો ભાગ બની જાય છે. રોકેટ કઈ દિશામાં જશે, કેટલા સમય પછી તેનો પહેલો તબક્કો અલગ થશે, તે તબક્કો ક્યાં પડશે, આગળનો તબક્કો ક્યાં જશે અને અંતે ઉપગ્રહને કઈ ભ્રમણકક્ષામાં પહોંચાડવાનો છે, આ બધું પહેલેથી નક્કી કરવું પડે છે.

- Advertisement -

ભારત સરકારે સંસદમાં આપેલા એક સત્તાવાર જવાબમાં નવા લૉન્ચિંગ સ્થળની પસંદગીના માપદંડો સમજાવતાં ઇચ્છિત પેલોડ ક્ષમતા, રોકેટના ઉડાન માર્ગ માટેનો અઝિમુથ કોરિડોર, રોકેટના તબક્કા ક્યાં પડશે તેનાં નિર્ધારિત સ્થળો અને જરૂરી સુરક્ષા વિસ્તાર જેવાં પરિબળોનો ઉલ્લેખ કર્યો હતો. એટલે કોઈ જગ્યા પસંદ થાય ત્યારે માત્ર અહીં દરિયો છે એટલું જોવામાં આવતું નથી. આખા મિશનનો માર્ગ જમીન પરથી આકાશ અને ત્યાંથી સમુદ્ર સુધી ગણવામાં આવે છે.

આ જ બાબત કોડીનારને સમજવા માટે સૌથી મહત્વની છે.

કોડીનાર-દીવ વચ્ચેનો દરિયાકાંઠો કેમ મહત્વનો?

પ્રસ્તાવિત વિસ્તાર દીવ અને કોડીનાર વચ્ચેના દરિયાકાંઠે છે. આ સ્થાનની સૌથી દેખીતી વિશેષતા છે વિશાળ અરબી સમુદ્રની નજીકનું સ્થાન. રોકેટના ઉડાન માર્ગ માટે જો સમુદ્ર તરફ સુરક્ષિત કોરિડોર ઉપલબ્ધ હોય તો રોકેટના કેટલાક તબક્કા અને અન્ય ભાગો માટે વસ્તીવાળા જમીન વિસ્તારને બદલે સમુદ્રમાં નિર્ધારિત વિસ્તાર રાખવાની શક્યતા ઊભી થાય છે.

પરંતુ અહીં એક સામાન્ય ગેરસમજ દૂર કરવી જરૂરી છે. દરિયાકાંઠે લૉન્ચપેડ બનાવવાનો અર્થ એ નથી કે રોકેટ સીધું દરિયામાં ફેંકી દેવામાં આવશે અથવા રોકેટનો કાટમાળ જ્યાં ત્યાં સમુદ્રમાં પડશે. રોકેટના દરેક તબક્કાના પડવાના વિસ્તારની આગોતરી ગણતરી થાય છે. આ જ કારણસર ISRO નવા લૉન્ચિંગ સ્થળ માટે ઇમ્પેક્ટ પોઇન્ટ્સ અને સુરક્ષા વિસ્તારને પસંદગીના માપદંડમાં ગણે છે.

એટલે કે દરિયો અહીં માત્ર ભૌગોલિક સુવિધા નથી, યોગ્ય ઉડાન માર્ગ સાથે જોડાય ત્યારે તે સુરક્ષા વ્યવસ્થાનો પણ એક ભાગ બની શકે છે.

પણ રોકેટ તો પૂર્વ તરફ જવું જોઈએ તો કોડીનારથી શું થશે?

આ સવાલ ખૂબ સ્વાભાવિક છે. સામાન્ય રીતે પૃથ્વીના પરિભ્રમણનો લાભ લેવા માટે પૂર્વ દિશામાં પ્રક્ષેપણ કરવું ઊર્જાની દૃષ્ટિએ ફાયદાકારક હોય છે. આ કારણસર ભારતનું હાલનું મુખ્ય પ્રક્ષેપણ કેન્દ્ર શ્રીહરિકોટા પૂર્વ કિનારે છે.

પરંતુ અહીંથી દરેક રોકેટ પૂર્વમાં જ ઊડવું જોઈએ એવો નિયમ કાઢી શકાય નહીં. રોકેટની દિશા તેના મિશન અને જરૂરી ભ્રમણકક્ષા પ્રમાણે નક્કી થાય છે. લૉન્ચિંગ સ્થળ પસંદ કરતી વખતે આ માટે જ અઝિમુથ કોરિડોર એટલે કે રોકેટ કયા દિશાત્મક માર્ગમાં જઈ શકે તેનો વિસ્તાર મહત્વનો બને છે. ISROએ સંસદમાં આપેલા જવાબમાં આ બાબતને સ્પષ્ટ માપદંડ તરીકે દર્શાવી છે.

ભારતમાં નવા લૉન્ચિંગ મથકોના આયોજનમાં પણ આ વાત જોવા મળે છે. ઉદાહરણ તરીકે, તમિલનાડુના કુલશેખરપટ્ટિનમ ખાતે વિકસાવવામાં આવી રહેલી લૉન્ચ સુવિધા ચોક્કસ પ્રકારના પ્રક્ષેપણ માટે અલગ ઉડાન માર્ગ અને અઝિમુથની શક્યતાઓ આપે છે. એટલે ભારત માટે એકથી વધુ સ્પેસપોર્ટ હોવાનો અર્થ એ નથી કે દરેક સ્થળેથી દરેક રોકેટ એક જ દિશામાં જશે. જુદી ભ્રમણકક્ષા માટે જુદા લૉન્ચિંગ માર્ગ વધુ યોગ્ય હોય શકે છે.

આથી કોડીનારનો સવાલ રોકેટ પૂર્વમાં જશે કે પશ્ચિમમાં? કરતાં મોટો છે. સવાલ એ છે કે કોડીનારથી કઈ ભ્રમણકક્ષાઓ માટે સુરક્ષિત અને વ્યવહારુ ઉડાન માર્ગ તૈયાર કરી શકાય? આનો અંતિમ જવાબ તકનીકી મૂલ્યાંકન બાદ જ વધુ સ્પષ્ટ થશે.

કાટમાળ ક્યાં પડશે, એ પણ પહેલેથી નક્કી થાય છે

રોકેટના તબક્કા અલગ પડે છે ત્યારે તે બધા પાછા લૉન્ચપેડ પાસે જ પડતા નથી. રોકેટની ગતિ, ઊંચાઈ અને ઉડાનના માર્ગ પ્રમાણે તેમના પડવાના સ્થળો અલગ હોય છે. તેથી લૉન્ચ પહેલાં જ આ વિસ્તારનું ગણિત કરવામાં આવે છે.

ISRO મુજબ, નવા લૉન્ચિંગ સ્થળની પસંદગી માટે ઇમ્પેક્ટ પોઇન્ટ્સને ખાસ માપદંડ તરીકે દર્શાવવામાં આવ્યા છે. સાથે જરૂરી સલામતી વિસ્તાર પણ જોવામાં આવે છે. એટલે લૉન્ચપેડ પસંદ કરનારાઓ માટે સવાલ માત્ર એટલો નથી કે રોકેટ ક્યાંથી ઊડશે? પરંતુ એટલો પણ છે કે રોકેટનો કયો ભાગ ક્યારે અને ક્યાં પાછો આવશે?

કોડીનાર જેવા દરિયાકાંઠાના સ્થળની સંભવિત ઉપયોગિતા અહીં સમજાય છે. જો મિશનનો ઉડાન માર્ગ અને તબક્કાઓના પડવાના વિસ્તારો સમુદ્ર તરફ સુરક્ષિત રીતે ગોઠવી શકાય તો જમીન પરની વસ્તી માટેનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. જોકે કોડીનાર માટેના ચોક્કસ ઉડાન માર્ગ કે ઇમ્પેક્ટ પોઇન્ટ્સ જાહેર થયા નથી, તેથી હાલ આ બાબતે ચોક્કસ નકશો દોરવો યોગ્ય નહીં બને.

કોડીનારની પસંદગી પાછળ બીજું શું?

અત્યાર સુધી જાહેર થયેલી માહિતીમાંથી એક બાબત ચોક્કસ છે કે કોડીનારનું સ્થળ IN-SPACe સાથેની ચર્ચા બાદ ઓળખવામાં આવ્યું છે. એટલે આ પસંદગી માત્ર રાજ્ય સરકારની પસંદગી તરીકે જોવી યોગ્ય નથી. માર્ચમાં ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્ય સાથેની ચર્ચા બાદ IN-SPACeએ દીવ અને કોડીનાર વચ્ચેનો વિસ્તાર યોગ્ય ગણાવ્યો છે.

આ ઉપરાંત સ્થળની પસંદગીમાં આસપાસની માનવ વસાહત, જમીનનો ઉપયોગ, સલામતી વિસ્તાર, પરિવહન અને અન્ય માળખાકીય સુવિધાઓ પણ મહત્વની બનવાની છે. લૉન્ચિંગ મથક માત્ર લોન્ચપેડથી બને નહીં, અહીં ભારે સાધનો, રોકેટના ભાગો, ઉપગ્રહ, ઇંધણ અને વિવિધ તકનીકી સુવિધાઓ પહોંચાડવાની વ્યવસ્થા પણ જરૂરી હોય છે.

કોડીનાર-મૂળ દ્વારકા વિસ્તાર પહેલેથી જ માર્ગ અને દરિયાઈ માળખા સાથે જોડાયેલો છે અને દીવનું હવાઈ જોડાણ પણ નજીક છે. આ વિસ્તારની અન્ય સરકારી માળખાકીય યોજનાઓના દસ્તાવેજોમાં પણ કોડીનાર, દીવ એરપોર્ટ અને માર્ગ જોડાણોની નજીકતા નોંધાયેલી છે. જોકે અંતિમ તકનીકી માપદંડો જાહેર થયા પછી જ તે નિશ્ચિત થશે.

શ્રીહરિકોટા છે તો ગુજરાતમાં નવું સ્પેસપોર્ટ શા માટે?

આ સવાલનો જવાબ ભારતના અવકાશ ક્ષેત્રમાં આવેલા મોટા પરિવર્તનમાં છુપાયેલો છે. એક સમય હતો જ્યારે રોકેટ અને ઉપગ્રહ લૉન્ચિંગનો અર્થ મુખ્યત્વે ISROના સરકારી મિશનો હતો. હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. નાના ઉપગ્રહો, ખાનગી સ્પેસ કંપનીઓ, વ્યાવસાયિક પ્રક્ષેપણો અને ઉપગ્રહોની વધતી વૈશ્વિક માંગને કારણે લૉન્ચિંગ ક્ષમતાની જરૂરિયાત પણ વધી રહી છે.

ગુજરાત સરકારે આ જ સંદર્ભમાં જણાવ્યું હતું કે દેશને ઉપગ્રહોના ઉત્પાદનની સાથે-સાથે રોકેટ લૉન્ચિંગ માટે પણ વધુ માળખાની જરૂર પડશે. રાજ્યએ એપ્રિલ 2025માં પોતાની સ્પેસટેક નીતિ જાહેર કરી હતી અને સાણંદ નજીક 100 એકરમાં ગુજરાત સ્પેસ પાર્ક વિકસાવવાની યોજના પણ આગળ ધપાવી છે.

એટલે કે કોડીનારનો પ્રસ્તાવ એકલો નથી. એક છેડે સાણંદમાં ઉપગ્રહ ઉત્પાદન અને સ્પેસ ઉદ્યોગ માટેનું પરિસર ઊભું કરવાનો પ્રયાસ છે અને બીજા છેડે કોડીનાર પાસે પ્રક્ષેપણ ક્ષમતા ઊભી કરવાની સંભાવના છે. જો બંને કડીઓ સફળતાપૂર્વક જોડાય તો ગુજરાત માટે માત્ર લૉન્ચપેડ નહીં, પરંતુ ઉપગ્રહ બનાવવાથી લઈને તેને અવકાશમાં મોકલવા સુધીની આખી ઇકોસિસ્ટમ ઊભી થઈ શકે છે.

ગુજરાત માટે આ માત્ર રોકેટ લૉન્ચિંગની વાત નથી

રાજ્ય સરકારે જણાવ્યું છે કે સાણંદના સ્પેસ પાર્કમાં નાના ઉપગ્રહોના ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રનું રોકાણ પણ આવી રહ્યું છે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અઝિસ્ટા એરોસ્પેસ દ્વારા નાના ઉપગ્રહોના ઉત્પાદન માટે ₹500 કરોડના રોકાણ સાથે કામ શરૂ થયું છે. આ સુવિધામાં ઉપગ્રહની રચના, એન્જિનિયરિંગ, એસેમ્બલી અને પરીક્ષણ જેવી કામગીરી કરવાનો હેતુ છે.

અહીં કોડીનારનું મહત્વ વધુ મોટું બની શકે છે. ઉત્પાદન એક જગ્યાએ અને પ્રક્ષેપણ બીજી જગ્યાએ, આ બંને વચ્ચેનું અંતર ઘટાડતી ઇકોસિસ્ટમ ઊભી થાય તો ગુજરાત અવકાશ ક્ષેત્રમાં માત્ર રોકાણ ખેંચનાર રાજ્ય નહીં, પરંતુ અવકાશ ઉદ્યોગની સપ્લાય ચેઇનનો મહત્વનો ભાગ બની શકે.

કોડીનારનું સ્પેસપોર્ટ ક્યારે અને કેવી રીતે બનશે?

હાલ માહિતી એટલી છે કે દીવ અને કોડીનાર વચ્ચેનું સ્થળ સ્પેસપોર્ટ માટે યોગ્ય ગણાયું છે અને ગુજરાત સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. માર્ચમાં આ જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી હતી અને ઑગસ્ટમાં રાજ્ય સરકારે કોડીનાર નજીક નવા સ્પેસપોર્ટની યોજના અંગે ફરી જાહેરાત કરી છે.

પરંતુ તેનો અર્થ એ નથી કે અહીં આવતી કાલથી ISROનું શ્રીહરિકોટા જેવું પૂર્ણ લૉન્ચિંગ સેન્ટર ઊભું થઈ જશે. જમીન, તકનીકી અભ્યાસ, જરૂરી મંજૂરીઓ, માળખાકીય સુવિધાઓ અને પ્રક્ષેપણ માટેના અંતિમ સુરક્ષા માપદંડો જેવી અનેક પ્રક્રિયાઓ હજુ બાકી છે.

આથી કોડીનારની વાર્તાને માત્ર ગુજરાતમાં નવું રોકેટ લૉન્ચપેડ બનશે એટલી નાની કરીને જોવાની જરૂર નથી. અસલી રસ એમાં છે કે ભારતના વધતા અવકાશ અભિયાન માટે ગુજરાતના પશ્ચિમ કિનારે એવું કયું સ્થાન મળ્યું છે જેને IN-SPACeએ ઉપગ્રહ પ્રક્ષેપણ માટે યોગ્ય ગણાવ્યું?

જવાબ એક જ પરિબળમાં નથી. કોડીનાર-દીવ વચ્ચેનો દરિયાકાંઠો, સંભવિત ઉડાન માર્ગ, રોકેટના તબક્કાઓના પડવાના વિસ્તારો, સુરક્ષા, જરૂરી ભ્રમણકક્ષાઓ અને ગુજરાતમાં ઊભી થઈ રહેલી સ્પેસટેક ઇકોસિસ્ટમ, આ બધાં પરિબળો સાથે મળીને આ સ્થાનને મહત્વનું બનાવે છે.

વાત એટલી જ છે કે ભારત અવકાશમાં આગળ વધી રહ્યું છે તો હવે પ્રશ્ન માત્ર કેટલા ઉપગ્રહો લૉન્ચ થશે એટલો નથી, પ્રશ્ન એ પણ છે કે તેમને લૉન્ચ કરવા માટે દેશ પાસે કેટલાં વ્યૂહાત્મક દરવાજા હશે. કોડીનાર એમાંથી એક નવો દરવાજો બની શકે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં