ભાવનગર નકલી દારૂના કેસમાં વધુ ત્રણનાં મોત, મૃત્યુઆંક 12 પર પહોંચ્યો

ભાવનગરના નકલી દારૂ કેસમાં સારવાર લેતા વધુ ત્રણ દર્દીઓનાં મોત થતાં મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. સવારે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દાખલ 35 વર્ષીય હાર્દિક કિલજીનું મોત થયું હતું. ત્યારબાદ આ જ હોસ્પિટલમાં દાખલ અવિનાશ પરમારનું મોત થયું. જ્યારે ભાવનગરથી સુરત આવેલા અને સારવાર દરમ્યાન બ્રેઇનડેડ ઘોષિત કરાયેલા સંજયસિંહ ડોડિયાને પણ મૃત્ય ઘોષિત કરવામાં આવ્યા છે.

18 ઑગસ્ટના રોજ સામે આવેલા નકલી દારૂ કેસમાં કુલ 16 લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 12નાં મોત થઈ ચૂક્યાં છે. બાકીના અમુક હાલ સારવાર હેઠળ છે. અમુકની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

બીજી તરફ રિપોર્ટ અનુસાર ભાવનગર જૂની પોલીસ લાઇન સામેના ગ્રાઉન્ડમાંથી રોયલ સ્ટેગની બે ખાલી બોટલો મળી આવી હોવાનું કહેવાય છે. જે મામલે હાલ વધુ તપાસ ચાલી રહી છે.

FSL રિપોર્ટમાં સામે આવ્યું છે કે મૃતકોએ જે દારૂ પીધો હતો તેમાં ઈથેનોલ નહીં પણ મિથેનોલનું પ્રમાણ વધુ હતું. લગભગ 38.59% મિથેનોલની સામે ઇથેનોલ માત્ર 0.94 ટકા જેટલું હતું.

તપાસમાં જાણવા મળ્યા મુજબ ગૌતમ સોલંકી નામના એક બુટલેગરે દારૂ બનાવવા માટે મધ્ય પ્રદેશથી માણસો બોલાવ્યા હતા. તે ઉજ્જૈનના એક રઈસ નામના શખ્સ સાથે સંપર્કમાં હતો. તેમણે અમદાવાદથી મિથેનોલ સહિતનાં કેમિકલ, બોટલ, સ્ટીકર વગેરે મેળવીને દારૂ બનાવવાનો પ્લાન કર્યો હતો. જેના માટે ઉજ્જૈનથી એક નરેંદ્રસિંહ યાદવ નામના શખ્સને બોલાવવામાં આવ્યો હતો. તેણે અન્યોની મદદથી ગૌતમના ઘરે દારૂ બનાવ્યો હતો.

પહેલા બેચમાં 51 પેટી દારૂ બનાવ્યો હતો જેને છૂટક વેચી નાખવામાં આવ્યો. બીજા બેચમાં દારૂ ખરાબ બનતાં નાશ કરી દેવાયો હતો. ત્રીજા બેચમાં જે દારૂ બન્યો એ મિથેનોલયુક્ત હતો અને એ 25 પેટી વેચવામાં આવી હતી. આ ભાવનગર શહેર અને ગામડાંમાં વેચાઈ, જે પીને વારાફરતી પીનારાઓ બીમાર પડતા ગયા અને એક પછી એક મોત થયાં. મૃતકોમાં એક દારૂ બનાવનારો નરેન્દ્ર યાદવ પણ છે.

પોલીસે આ મમાલે ગૌતમ સહિતના આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરીને 13ની ધરપકડ કરી લીધી હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.