ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધોમાં આજે એક નવો અને સુવર્ણ અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયાની સત્તાવાર યાત્રા દરમિયાન વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા ‘સબાંગ પોર્ટ’ના (Sabang Port) સંયુક્ત વિકાસ અંગેની ઔપચારિક ઘોષણા કરવામાં આવી છે. આ કોઈ સામાન્ય જાહેરાત નથી, પરંતુ હિંદ મહાસાગરની ભૂરાજકીય શતરંજ પર ભારત અને ઈન્ડોનેશિયાનો એક એવો મોહરો છે, જે બંને દેશો વચ્ચેના સંરક્ષણ અને આર્થિક સહયોગને એક અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જશે.
આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત દરમિયાન બંને દેશો માત્ર પોર્ટ ડેવલપમેન્ટ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રે પણ પોતાની ભાગીદારીનો વ્યાપ મોટાપાયે વધારી રહ્યા છે. આ મજબૂત જુગલબંધી સમગ્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શક્તિનું સંતુલન બદલવાની ક્ષમતા ધરાવે છે અને આજના ગ્લોબલ સિનારીયોમાં ભારત માટે આ એક બહુ મોટી કૂટનીતિક અને સૈન્ય જીત માનવામાં આવી રહી છે.
સબાંગ પોર્ટ શું છે અને તેનું ભૌગોલિક મહત્વ
સબાંગ પોર્ટ એ ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના ઉત્તરીય છેડે આવેલા આચે (Aceh) પ્રાંતમાં સ્થિત એક કુદરતી અને ઊંડા સમુદ્રનું બંદર (Deep-sea port) છે. આ પોર્ટની સૌથી મોટી ભૌગોલિક વિશેષતા એ છે કે તેની ઊંડાઈ એટલી છે કે તે વિશ્વનાં તમામ પ્રકારનાં વિશાળ માલવાહક જહાજો, નૌકા સૈન્યના અદ્યતન યુદ્ધજહાજો અને સબમરીનને પણ હોસ્ટ કરવા માટે સક્ષમ છે. લાંબા સમયથી ભારત અને ઈન્ડોનેશિયા આ પોર્ટના સંયુક્ત વિકાસ માટેની સંભાવનાઓ ચકાસી રહ્યા હતા, જેનો વિગતવાર સંભવિત અભ્યાસ (Feasibility Study) હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યો છે.
નકશા પર નજર કરીએ તો સમજાશે કે આ પોર્ટ ભારતની કેટલી નજીક છે. સબાંગ પોર્ટ ભારતના અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહથી આશરે 700 કિલોમીટર અને ગ્રેટ નિકોબારના છેલ્લો છેડો ગણાતા ‘ઇન્દિરા પોઇન્ટ’થી માત્ર 90 નોટિકલ માઇલના (આશરે 160 કિમી) અંતરે આવેલું છે. આ ભૌગોલિક નિકટતાનો અર્થ એ થાય કે ભારત માટે પોતાના ઘરઆંગણેથી આ મહત્વપૂર્ણ વિસ્તાર સુધી સીધી પહોંચ બનાવવી હવે ડાબા હાથનો ખેલ બની જશે.
મલાક્કા સ્ટ્રેટનું મહત્વ અને ભારતનું વ્યૂહાત્મક સ્થાન
સબાંગ પોર્ટ જે જગ્યાએ આવેલું છે, તે વિશ્વના સૌથી વ્યસ્ત અને સંવેદનશીલ દરિયાઈ વેપાર માર્ગોમાંના એક એવા ‘સ્ટ્રેટ ઑફ મલાક્કા’નું (Strait of Malacca) પ્રવેશદ્વાર છે. મલાક્કાની સામુદ્રધુની એ ઈન્ડોનેશિયા અને મલેશિયા વચ્ચે આવેલો એક સાંકડો સમુદ્રી માર્ગ છે, જ્યાંથી વૈશ્વિક વેપાર, કન્ટેનર શિપ અને ઓઇલ કાર્ગોનો એક બહુ મોટો હિસ્સો પસાર થાય છે. પૂર્વ એશિયાને મધ્ય-પૂર્વ અને યુરોપ સાથે જોડતી આ એકમાત્ર લાઈફલાઈન છે.
આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ ચોક પોઇન્ટ (Choke Point) પર સબાંગ બંદરના માધ્યમથી ભારત પોતાની મજબૂત હાજરી નોંધાવી શકશે. આ પોર્ટ પર પગ જમાવ્યા પછી ભારત ગ્લોબલ શિપિંગ લેન પર ખૂબ જ બારીકાઈથી નજર રાખી શકશે. આ સાથે જ ભારતની નૌસેનાને આ ક્ષેત્રમાં હાઇ-ટેક સર્વેલન્સ અને નૌકા કામગીરી માટે એક મજબૂત મથક મળશે, જે ભારતની પોતાની દરિયાઈ સુરક્ષાને અભેદ્ય બનાવશે.
સબાંગ પોર્ટ વિકસવાથી ભારતને વૈશ્વિક વેપારના કેન્દ્ર સમાન મલાક્કા સ્ટ્રેટ સુધી વધુ સરળ અને અત્યંત ઝડપી પહોંચ મળશે. ભારતના અંદમાન-નિકોબાર ટાપુઓ અને ઈન્ડોનેશિયાના આચે વિસ્તાર વચ્ચે સીધો સમુદ્રી સંપર્ક સ્થાપિત થશે. પરિણામે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો (ASEAN) સાથેનો વેપાર વધુ સરળ બનશે, જેનાથી લોજિસ્ટિક્સ ખર્ચ અને સમય બંનેની બચત થશે. તથા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની એક સિક્યોરિટી પ્રોવાઇડર તરીકેની છબી વધુ મજબૂત થશે.
ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ સાથે જોડાણ
આ વ્યૂહાત્મક બાબતનો સૌથી રસપ્રદ અને માસ્ટરસ્ટ્રોક જેવો ભાગ ભારતનો પોતાનો ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ છે. તાજેતરમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) તરફથી આશરે ₹90,000 કરોડના આ મેગા પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ મળી ગયું છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારત ગેલેથિયા ખાડીમાં (Galathea Bay) એક વિશાળ અને અત્યાધુનિક ઇન્ટરનેશનલ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે, જે વૈશ્વિક શિપિંગ ક્ષેત્રે સિંગાપોર અને કોલંબોને ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે.
મલાક્કા સ્ટ્રેટના પ્રવેશદ્વાર પર એક તરફ ભારત પોતાના અંદમાન-નિકોબારમાં ગેલેથિયા પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે અને તેની બરાબર સામેની બાજુએ માત્ર 160 કિલોમીટર દૂર ઈન્ડોનેશિયા સાથે મળીને સબાંગ પોર્ટનો વિકાસ કરી રહ્યું છે. આ બંને પોર્ટ મળીને મલાક્કા સ્ટ્રેટના મુખ પર એક એવા અભેદ્ય કિલ્લા જેવી સ્થિતિનું નિર્માણ કરે છે, જ્યાં ભારતની મંજૂરી વગર પક્ષી પણ પાંખ મારી ન શકે.
અત્યાર સુધી ભારતની કમનસીબી એ હતી કે આપણા પોતાના જ મોટાભાગના કાર્ગો કન્ટેનરો સિંગાપોર, કોલંબો કે દુબઈ જેવા વિદેશી બંદરો પર હેન્ડલ થતાં હતાં, જેના કારણે ભારતે કરોડો રૂપિયાનો લોજિસ્ટિક્સ ટેક્સ ચૂકવવો પડતો હતો. પરંતુ સબાંગ અને ગ્રેટ નિકોબારના આ સંયુક્ત પ્રભાવથી ભારત પોતે એક આંતરરાષ્ટ્રીય શિપિંગ હબ તરીકે ઉભરી આવશે, જે ભારતીય અર્થતંત્ર માટે ‘ગેમ-ચેન્જર’ સાબિત થવાનું છે.
ડ્રેગન પર લગામ: ચીન ફેક્ટર
આ સમગ્ર ડેવલપમેન્ટ પાછળનો સૌથી મોટો અને મહત્વનો એંગલ છે ‘ચીન ફેક્ટર’. ચીન ભલે ગમે તેટલી દાદાગીરી કરતું હોય, પણ તેનું લગભગ 80 ટકાથી વધુ કાચું તેલ અને વેપાર પુરવઠો આ સાંકડી મલાક્કા સ્ટ્રેટમાંથી જ પસાર થાય છે. ચીન સદાકાળ એ વાતથી ડરતું રહ્યું છે કે જો ક્યારેય યુદ્ધની સ્થિતિ સર્જાય અને કોઈ દેશ મલાક્કા સ્ટ્રેટને બ્લોક કરી દે તો ચીનનું અર્થતંત્ર ભાંગી પડે. ચીનની આ નબળાઈને વૈશ્વિક રાજનીતિમાં ‘મલાક્કા ડિલેમા’ (Malacca Dilemma) કહેવામાં આવે છે.
ચીન હિંદ મહાસાગરમાં પગ પેસારો કરવા માટે શ્રીલંકાના હંબનટોટા અને પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર કબ્જો જમાવી રહ્યું છે, ત્યારે બરાબર તેની નસ પર હાથ મૂકતા ભારતે ઈન્ડોનેશિયા સાથે મળીને મલાક્કાના દરવાજા પર જ પગ જમાવ્યા છે. જો ભારત અને ઈન્ડોનેશિયા મલાક્કા સ્ટ્રેટની બંને બાજુએ સજ્જ થઈને ગોઠવાઈ જાય તો હિંદ મહાસાગરમાં પ્રવેશતા ચીનનાં કોઈપણ શંકાસ્પદ જહાજ કે નૌસેનાની સબમરીન પર ભારત સીધી નજર રાખી શકશે.
ઈન્ડોનેશિયાના ટોચના નેતાઓએ પણ અગાઉ સબાંગ પોર્ટનો લશ્કરી કે સબમરીન હોસ્ટિંગ માટે ઉપયોગ થઈ શકે તેવા સંકેતો આપ્યા હતા. પરિણામે ભવિષ્યમાં જો કોઈ સુરક્ષા સંકટ ઊભું થાય તો ભારત આ ચોક પોઇન્ટ પરથી ચીનની આખી લાઈફલાઈનને ઘૂંટણીયે લાવી દેવાની ક્ષમતા રાખશે. આ વ્યૂહાત્મક બઢતને કારણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની સરખામણીએ ભારતનો હાથ હંમેશાં ઉપર રહેશે.
2018થી શરૂ થયો સહયોગ
ભારત-ઈન્ડોનેશિયાની આ દોસ્તીની શરૂઆત આજકાલની નથી. વર્ષ 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તે સમયના ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સબાંગ વિસ્તારના વિકાસ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લીધો હતો. બંને દેશોએ આચે અને અંદમાન-નિકોબાર વચ્ચે કનેક્ટિવિટી વધારવા પર પણ ભાર મૂક્યો હતો. ત્યારથી અનેક સ્તરે ચર્ચાઓ અને ટેક્નિકલ અભ્યાસ થયા છે.
ભારતે સબાંગ પોર્ટના વિસ્તરણ અને વિકાસ માટે સંયુક્ત ફિઝિબિલિટી સ્ટડી પૂર્ણ કરી છે. તેમાં પોર્ટના વિસ્તરણ, વેપાર, કનેક્ટિવિટી અને વ્યૂહાત્મક ઉપયોગ અંગે વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો છે. આ બાબતે ઈન્ડોનેશિયા સરકાર દ્વારા સમીક્ષા કરાયા બાદ હવે બંને દેશો વિકાસને આગળ વધારવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે સબાંગ પોર્ટ વિકસવાથી ભારત અને દક્ષિણપૂર્વ એશિયા વચ્ચે માલસામાનનું પરિવહન વધુ ઝડપી બની શકે છે. ભારતીય કંપનીઓ માટે ઈન્ડોનેશિયામાં રોકાણની નવી તકો ઉભી થશે અને બંને દેશો વચ્ચે વેપાર તથા સપ્લાય ચેઇન વધુ મજબૂત બનશે. આ સમગ્ર વિસ્તાર માટે આર્થિક વિકાસનું નવું કેન્દ્ર બની શકે છે.
તાજેતરના વર્ષોમાં ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાની હાજરી સતત મજબૂત કરી રહ્યું છે. ક્વાડ, એક્ટ ઈસ્ટ પોલિસી અને અંદમાન-નિકોબારના વિકાસ બાદ હવે સબાંગ પોર્ટનો વિકાસ પણ આ જ વ્યૂહરચનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. જે ભારતને હિંદ મહાસાગરમાં વધુ સક્રિય અને પ્રભાવશાળી બનાવશે.
તાજેતરની મુલાકાતમાં સંરક્ષણ અને ક્રિટિકલ મિનરલ્સમાં વ્યાપક સહયોગ
પીએમ મોદીની આ વર્તમાન ઈન્ડોનેશિયા મુલાકાત માત્ર સબાંગ પોર્ટની જાહેરાત પૂરતી સીમિત નથી. બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રે પણ ડીલ પર મહોર મારી છે. ઈન્ડોનેશિયા હવે ભારત પાસેથી વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ‘બ્રહ્મોસ’ (BrahMos) અને હવામાંથી હવામાં પ્રહાર કરનાર ઘાતક ‘અસ્ત્ર’ (Astra Mk-1) મિસાઈલો ખરીદવા જઈ રહ્યું છે. આ મિસાઈલોને ઈન્ડોનેશિયાના રશિયન બનાવટના સુખોઈ-30 (Su-30) ફાઇટર પ્લેન્સમાં ફિટ કરવામાં આવશે, જેનું ટેકનિકલ ઇન્ટિગ્રેશન ભારતની સરકારી કંપની ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) કરશે.
સંરક્ષણ ઉપરાંત ભવિષ્યની ટેકનોલોજી માટે જે સૌથી જરૂરી છે તેવા ‘ક્રિટિકલ મિનરલ્સ’ની (મહત્વપૂર્ણ ખનિજો) સપ્લાય ચેઈન અંગે પણ બંને દેશોએ ઐતિહાસિક કરાર કર્યા છે. ઈન્ડોનેશિયા વિશ્વમાં નિકલનો સૌથી મોટો ભંડાર ધરાવે છે. અત્યાર સુધી આ સેક્ટરમાં ચીનની કંપનીઓનો એકચક્રી શાસન હતું, પરંતુ હવે આ નવા કરાર હેઠળ ભારત ઈન્ડોનેશિયામાં સ્ટીલ, નિકલ અને રેર-અર્થ પરમેનન્ટ મેગ્નેટના પ્રોસેસિંગ પ્લાન્ટ્સમાં મોટું રોકાણ કરશે. આ સીધો પ્રહાર ચીનની ગ્લોબલ સપ્લાય ચેઇનની મોનોપોલી પર છે.
આ તમામ નિર્ણયો પરથી એક વાત સાબિત થઈ ગઈ છે કે ભારતની જૂની ‘લુક ઇસ્ટ’ નીતિ હવે માત્ર કાગળ સંપૂર્ણપણે સક્રિય અને આક્રમક ‘એક્ટઇસ્ટ’માં પરિવર્તિત થઈ ચૂકી છે. ભારત હવે ક્વાડ (Quad), ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ (IPOI) અને અંદમાન-નિકોબારના સૈન્ય કમાન્ડના આધારે દરિયામાં પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે.
સબાંગ પોર્ટ ભારત માટે માત્ર એક સિમેન્ટ-કોંક્રિટનું બંદર નથી, પરંતુ તે દરિયાઈ સુરક્ષા, આંતરરાષ્ટ્રીય વેપાર, ઇન્ડો-પેસિફિક વ્યુહરચના અને ચીન સામેના વૈશ્વિક સંતુલનનું મુખ્ય કેન્દ્રબિંદુ બનવા જઈ રહ્યું છે. આ માસ્ટરસ્ટ્રોક આગામી દાયકાઓમાં હિંદ મહાસાગરમાં ભારતને સર્વોચ્ચ સ્થાન અપાવવામાં સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પગલું સાબિત થશે.


