વનકર્મીઓ પર હુમલાના કેસની એક મહિલા ગુનેગારને જામીન: 18 દિવસનું બાળક હોવાથી સરકારે વિરોધ ન કર્યો

વનકર્મીઓને ઘરે બોલાવીને ધાકધમકી આપીને માર મારવાના અને ખંડણી ઉઘરાવવાના ગુનામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે આરોપીઓને સજા થઈ તેમાં એક મહિલા પણ સામેલ છે. જ્યારે ચુકાદો આપવામાં આવ્યો ત્યારે મહિલાને 18 દિવસનું બાળક હતું. કોર્ટના આદેશ બાદ તેને જેલ થઈ હતી. પરંતુ હવે હાઇકોર્ટે તેને જામીન આપ્યા છે. બીજી તરફ સરકારે પણ કોઈ વિરોધ કર્યો ન હતો.

ચૈતર વસાવા અને અન્યને રાજપીપળા સેશન્સ કોર્ટે દોષી ઠેરવીને 7-7 વર્ષની સજા ફટકારી ત્યારબાદ આરોપીઓને વડોદરા મધ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોપીઓમાં ચૈતર વસાવાની પત્ની સહિત અમુક મહિલાઓ પણ છે. જેમાંથી એક શકુંતલા વસાવા નામની મહિલાનું 18 જ દિવસનું બાળક હતું.

આ મહિલાએ હાઇકોર્ટમાં જામીન માટે અરજી મૂકતાં તેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

સરકારે કહ્યું– અમને વાંધો નથી

રાજ્ય સરકારે પણ મહિલાની જામીન અરજી પર કોઈ વિરોધ નોંધાવ્યો ન હતો અને માનવતાના ધોરણે હાઇકોર્ટને કહ્યું હતું કે કેસનાં મેરિટ પર ગયા વગર કોર્ટ મહિલાને જામીન આપે તો સરકાર વિરોધ નહીં કરે.

પબ્લિક પ્રોસિક્યુટરે આ મામલે જણાવ્યું હતું કે, “કાયદો કાયદાનું કામ કરશે પરંતુ આ કેસમાં એક બાબત એ હતી કે મહિલા કન્વિક્ટને 18 જ દિવસનું નવજાત બાળક છે. આ બાબત જ્યારે સરકારના ધ્યાન પર આવી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંયુક્ત નિર્ણય લીધો હતો કે મહિલા જ્યારે જામીન અરજી કરે ત્યારે સરકાર તરફથી કોઈ વિરોધ કરવામાં નહીં આવે.”

તેમણે ઉમેર્યું કે, “જ્યારે અરજી હાઇકોર્ટમાં આવી ત્યારે અમે સરકાર તરફથી કોઈ વિરોધ કર્યા વગર કોર્ટને રજૂઆત કરી હતી કે મહિલાને મેરિટમાં ગયા વગર જામીન પર મુક્ત કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને હાઇકોર્ટે મહિલા કન્વિક્ટને જામીન આપ્યા છે.”

ચૈતર વસાવા સહિતના બાકીના આરોપીઓની જ્યાં સુધી જામીન અરજી મંજૂર ન થાય ત્યાં સુધી હાલ જેલમાં જ રહેશે.