રાજા રઘુવંશી હત્યા કેસ: મુખ્ય આરોપી સોનમ રઘુવંશીના જામીન રદ કરાવવા સુપ્રીમ કોર્ટ પહોંચી મેઘાલય સરકાર

મે 2025ના રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને આરોપી સોનમ રઘુવંશીના જામીન રદ કરવાની માંગ કરી છે. સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજી દાખલ કરીને શુક્રવારે (3 જુલાઈ) તાત્કાલિક સુનાવણી કરવા માટે રજૂઆત કરી હતી, જેને માન્ય રાખીને સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે શુક્રવારે સુનાવણી હાથ ધરવા માટે સહમતી દર્શાવી છે.

રાજ્ય સરકારની દલીલ એ છે કે સોનમ રઘુવંશીને આપવામાં આવેલા જામીન રદ કરવામાં આવે કારણ કે તે જેલની બહાર રહેશે તો ફરાર થઈ શકે છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.

આ સમગ્ર મામલો વર્ષ 2025નો છે, જ્યારે મધ્યપ્રદેશના ઇન્દોરનો 29 વર્ષીય યુવક રાજા રઘુવંશી પત્ની સોનમ સાથે મેઘાલયમાં હનીમૂન મનાવવા આવ્યો હતો. 23 મે 2025ના રોજ આ યુગલ ગુમ થઈ ગયું હતું અને બાદમાં 2 જૂનના રોજ સોહરાની એક ખીણમાંથી રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો. પછીથી સોનમ રઘુવંશી ઉત્તર પ્રદેશથી પકડાઈ હતી. પોલીસ તપાસ અને 700 પાનાંની ચાર્જશીટ મુજબ, પત્ની સોનમે જ પોતાના પ્રેમી રાજ કુશવાહા અને અન્ય આરોપીઓ સાથે મળીને પતિની હત્યાનું પૂર્વયોજિત કાવતરું ઘડ્યું હતું.

પોલીસે સોનમ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ તમામની ધરપકડ કરી લીધી હતી. પછીથી આરોપીઓએ ટ્રાયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જે મંજૂર કરી દેવામાં આવી હતી. સરકારે જામીન હાઇકોર્ટમાં પડકારતાં ત્યાંથી પણ જામીન બહલ કરવામાં આવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો છે.

ટેકનિકલ ભૂલના કારણે હાઇકોર્ટે આપ્યા હતા જામીન

મેઘાલય હાઇકોર્ટે 29 જૂનના રોજ નીચલી અદાલતના આદેશને માન્ય રાખતાં સોનમને જામીન આપ્યા હતા. હાઇકોર્ટે જામીન આપવાનું મુખ્ય કારણ એ દર્શાવ્યું હતું કે પોલીસે ધરપકડ દરમિયાન સોનમને તેની ધરપકડનાં યોગ્ય ગ્રાઉન્ડ જણાવ્યાં ન હતાં. ધરપકડના દસ્તાવેજોમાં હત્યાની કલમને (BNS 103) બદલે ટાઈપિંગની ભૂલના કારણે બીજી કલમ (BNS 403) લખાઈ ગઈ હતી. જોકે હાઇકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે તેઓ ટ્રાયલ કે ચાર્જશીટ પર કોઈ પ્રશ્ન ઉઠાવી રહ્યા નથી.

સુપ્રીમ કોર્ટમાં સરકાર પક્ષે દલીલ કરી છે કે હાઈકોર્ટે જામીન આપવામાં મોટી ભૂલ કરી છે. દસ્તાવેજોમાં માત્ર ટાઈપિંગની ભૂલ હતી અને તેનાથી આરોપીને કોઈ અન્યાય થયો નથી કારણ કે તે તેના પર લાગેલા આરોપો અંગે અગાઉથી જાણતી હતી. તેથી આવી ગંભીર હત્યાના કેસમાં માત્ર ટાઈપિંગની ભૂલના આધારે જામીન ન આપી શકાય. હવે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે.