ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી મર્ડર કેસમાં (Raja Raghuvanshi Murder Case) એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર સોનમ રઘુવંશીએ તેના પતિ રાજા રઘુવંશીની હત્યામાં પોતાની સંડોવણી સ્વીકારી લીધી છે. મેઘાલયમાં હનીમૂન દરમિયાન થયેલી આ ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા પૂછપરછ દરમિયાન સોનમે આ ગુનો કબૂલ્યો હોવાનું કહેવાય રહ્યું છે.
અહેવાલ અનુસાર, સોનમે તેના કથિત પ્રેમી રાજ કુશવાહાની મદદથી તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાની પણ કબૂલાત કરી હતી. રાજ કુશવાહાએ એક દિવસ પહેલાં જ ગુનો કબૂલી લીધો હતો. નોંધનીય છે કે અત્યાર સુધી તેણે તેની સાથે લૂંટફાટ થઈ હોવાના દાવા કર્યાં હતા.
જોકે, પોલીસે તપાસમાં CCTVથી લઈને કોલ રેકોર્ડ સહિતના પુરાવા સોનમ તરફ જ ઈશારો કરી રહ્યા હતા. ત્યારે અંતે પૂછપરછ દરમિયાન તે રડી પડી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હોવાનું સામે આવ્યું છે.
SIT દ્વારા સોનમની ધરપકડ કરવામાં આવી છે અને તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આ કેસની નાનામાં નાની વિગતોની તપાસ કરી રહી છે, જેમાં ઘટનાસ્થળના પુરાવા, સોનમના નિવેદનો અને અન્ય સાક્ષીઓની પૂછપરછનો સમાવેશ થાય છે.