હોમપેજએક્સપ્લેઇનરએક પછી એક તૂટતી વિપક્ષી પાર્ટીઓ, વધતું જતું NDAનું સંખ્યાબળ: ફરી આવ્યું...

એક પછી એક તૂટતી વિપક્ષી પાર્ટીઓ, વધતું જતું NDAનું સંખ્યાબળ: ફરી આવ્યું ડિલિમિટેશન બિલ, તો થઈ જશે પાસ

એપ્રિલમાં 54 મત ઓછા પડવાના કારણે સરકાર બિલ પાસ કરાવી શકી ન હતી, પરંતુ ત્યારબાદ ઘણું બધું બદલાઈ ચૂક્યું છે. ઘણાં રાજકીય સમીકરણો બદલાયાં છે. હવે સરકાર બહુ નજીક આવી ગઈ છે.

- Advertisement -

બે મહિના પહેલાં કેન્દ્ર સરકારે અચાનક સંસદનું એક વિશેષ સત્ર બોલાવીને સીમાંકન માટેનું બિલ રજૂ કર્યું એ પાસ થઈ શક્યું ન હતું. બંધારણીય સુધારો હોવાના કારણે બિલ પસાર કરવા માટે 2/3 બહુમતની જરૂર પડે છે અને સરકાર આ આંકડા સુધી પહોંચી ન શકી. બિલ લોકસભામાં આવ્યું, ચર્ચા થઈ, મતદાન થયું તો રદ થઈ ગયું. ત્યારબાદ રાજ્યસભામાં જવાનો કોઈ અર્થ ન હતો. હવે ફરી સંસદનું ચોમાસું સત્ર આવી રહ્યું છે અને આ બંને સત્ર વચ્ચે ભારતના રાજકારણમાં ઘણું બધું બદલાઈ ચૂક્યું છે.

પરિસ્થિતિ એ છે કે હવે ફરીથી ડિલિમિટેશન બિલ આવ્યું તો પસાર થવાની શક્યતાઓ એપ્રિલ કરતાં અનેકગણી વધારે છે. કારણ છે તાજેતરમાં વિપક્ષમાં એક પછી એક થયેલી ઉથલપાથલ. બંગાળ વિધાનસભા ચૂંટણી હારી ગયા બાદ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ કેન્દ્ર-રાષ્ટ્રીય બંને સ્તરે તૂટી ગઈ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટી છે. બીજાં પણ અમુક પરિબળો કામ કરી રહ્યાં છે.

બંધારણીય સુધારો કરવા માટે સંસદનાં બંને ગૃહમાં 2/3 બહુમતની જરૂર પડે છે. 543 સભ્યોની લોકસભામાં આ આંકડો 163 થાય છે. હાલ 3 બેઠકો ખાલી છે એટલે બહુમતનો આંકડો 360 થાય. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી હતી. અન્ય સહયોગી પાર્ટીઓના સમર્થનથી NDAનો આંકડો 293 પર પહોંચે છે.

- Advertisement -

એપ્રિલમાં જ્યારે ડિલિમિટેશન બિલ આવ્યું ત્યારે NDA પાસે 293નું સમર્થન હતું. બિલ પર ચર્ચા દરમ્યાન લોકસભામાં 540માંથી 528 સાંસદો હાજર હતા. નિયમ એવો છે કે ગૃહમાં હાજર સભ્યોમાંથી 2/3 સભ્યોનું સમર્થન બિલને મળવું જોઈએ. એટલે ત્યારે બહુમત માટેનો આંકડો 352 હતો. પરંતુ સરકારને 54 મત ઘટ્યા અને બિલ પસાર ન થઈ શક્યું.

આ ઘટનાક્રમ એપ્રિલમાં બન્યો હતો. ત્યારબાદ ઘણું બદલાયું છે.

બંગાળમાં ટીએમસી તૂટી, 20 સાંસદો હવે NDA સાથે

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીના પરાજય અને ભાજપના ભવ્ય વિજય પછી મમતા બેનર્જીની પાર્ટી તૂટવાની શરૂ થઈ. પહેલાં ટીએમસીના 80માંથી 60 સાંસદોએ બળવો કરીને વિધાનસભામાં મમતાએ જે નેતાને વિપક્ષ નેતા તરીકે પસંદ કર્યા હતા તેમને દૂર કરીને સસ્પેન્ડ કરવામાં આવેલા રિતબ્રતા બેનર્જીને વિપક્ષ નેતા તરીકે બેસાડી દીધા. સ્પીકરના આ નિર્ણયને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો પણ કોર્ટે પણ આદેશ પર રોક લગાવવાની હાલ ના પાડી દીધી છે.

વિધાનસભા પછી દિલ્હીમાં પણ TMC તૂટી. પહેલાં પાર્ટીનાં સાંસદ કાકોલી ઘોષે રાજીનામું ધરી દીધું અને પછીથી તેમના નેતૃત્વમાં પાર્ટીના 28માંથી 20 સાસંદોએ એક અલગ જૂથ બનાવી દીધું. આ જૂથ લોકસભા સ્પીકરને એક પત્ર સોંપીને નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયામાં સામેલ થવા માટે જણાવી ચૂક્યું છે. સાથે એમ પણ કહ્યું છે કે તેઓ તમામ NDAને સમર્થન આપશે અને વિનંતી કરી છે કે લોકસભામાં તેમની તમામની બેઠક વ્યવસ્થા પણ NDA સાંસદો સાથે કરવામાં આવે.

સ્પીકર આ મુદ્દે બંને પક્ષોને સાંભળીને નિર્ણય કરશે અને જો ટીએમસીના 20 બળવાખોર સાંસદોના NCPIમાં વિલયને મંજૂરી મળી તો NDAનો આંકડો 293 પરથી સીધો 313 થઈ જશે.

ટીએમસીના લોકસભામાં કુલ 28 સાંસદો છે. તેમાંથી 2/3થી વધુ સાંસદો એકસાથે પક્ષ બદલે તો પક્ષપલટાનો કાયદો લાગુ ન પડે અને તેમનું સભ્યપદ યથાવત રહે. ટીએમસી માટે આ આંકડો 19 છે અને હાલ બળવાખોરોના જૂથમાં 20 સાંસદો છે.  

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 6 સાંસદો પણ NDAમાં

આ તરફ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણ સર્જાયું છે. ઉદ્ધવ જૂથના હાલ લોકસભામાં 9 સાંસદો છે, જેમાંથી 6 સાંસદો પક્ષપલટો કરીને એકનાથ શિંદેની શિવસેનામાં જઈ રહ્યા છે. તમામ લોકસભા સ્પીકરને પત્ર પણ સોંપી ચૂક્યા છે. સ્પીકર આ મુદ્દે પણ નિર્ણય કરશે. તાજેતરમાં જ શિવસેના (ઉબાઠા)એ એક બેઠક બોલાવી હાટી, જેમાં 6માંથી માત્ર 3 સાંસદો જ આવ્યા, જેથી બાકીના 6 હવે પક્ષપલટો કરશે એ નક્કી છે. અહીં પણ સંખ્યાબળ જોતાં પક્ષપલટાનો નિયમ લાગુ પડી શકે એમ નથી.

ઉદ્ધવ ઠાકરે સેનાના 6 સાંસદો એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાયા તો NDAની સંખ્યામાં વધુ 6નો વધારો થશે, અને આંકડો પહોંચશે 319 પર.

જોકે તેમ છતાં હજુ NDAને વધુ સાંસદોના સમર્થનની જરૂર પડશે. એ ક્યાંથી આવશે?

DMKએ INDI ગઠબંધન છોડ્યું

એપ્રિલ પછી દક્ષિણના રાજકારણમાં પણ એક મોટો બદલાવ આવ્યો છે. વર્ષોથી ગઠબંધનમાં રહેલા DMK અને કોંગ્રેસ છૂટાં પડી ગયાં છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી બંને સાથે મળીને લડ્યાં, પણ બહુમત ન મળ્યો તો કોંગ્રેસે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી TVKને સમર્થન જાહેર કરી દીધું. ત્યારબાદ DMKએ છેડો ફાડ્યો.

DMK હવે INDI ગઠબંધનનો પણ ભાગ નથી. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ગઠબંધનની બેઠકમાં પણ પાર્ટી તરફથી કોઈ આવ્યું ન હતું. કહેવાય છે કે સરકાર DMKનો પણ સંપર્ક કરી રહી છે. જોકે જાહેરમાં અત્યાર સુધી DMKએ બિલવિરોધી વલણ જ રાખ્યું છે અને કહ્યું છે કે માત્ર ગઠબંધનમાંથી અલગ પડવાના કારણે તેઓ સરકારના બિલને સમર્થન આપશે તેવું નથી. પરંતુ રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે.

સરકાર અનેક વખત સ્પષ્ટતા કરી ચૂકી છે કે ઉત્તર-દક્ષિણ વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વગર દક્ષિણનાં રાજ્યોને પણ સમાન પ્રતિનિધિત્વ મળે એ સુનિશ્ચિત કરવામાં આવશે. એપ્રિલમાં જ બિલ પરની ચર્ચા દરમ્યાન અમિત શાહે ચાલુ ચર્ચાએ બિલમાં જોગવાઈઓ ઉમેરવાની તૈયારી દર્શાવી હતી. એ પણ શક્ય છે કે સરકાર આ વખતે દરેક રાજ્યની બેઠકમાં 50%નો વધારો કરવાની જોગવાઈ ઉમેરીને જ બિલ રજૂ કરે.

આ સંજોગોમાં DMK સમર્થન આપે તો બહુ નવાઈ ન કહેવાય કારણ કે અગાઉ વિરોધ જ એ મુદ્દે હતો કે વસ્તી અસંતુલનના કારણે ઉત્તરનાં રાજ્યોને વધુ બેઠકો મળશે અને દક્ષિણને અન્યાય થશે. પરંતુ જો તમામની બેઠકો સમપ્રમાણમાં વધતી હોય તો દક્ષિણના પક્ષને, કમસેકમ DMKને કોઈ વાંધો ન હોય. જોકે જાહેરમાં તો તેમણે હજુ સમર્થન જાહેર કર્યું નથી.

DMKના લોકસભામાં 22 સાંસદો છે. તેમનું સમર્થન મળે તો NDAનો આંકડો હજુ આગળ વધી શકે તેમ છે.

આગલો વારો સમાજવાદી પાર્ટીનો?

બીજી એક ચર્ચા એ પણ છે કે સમાજવાદી પાર્ટી પણ નજીકના ભવિષ્યમાં તૂટી શકે છે. ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના અનેક સાંસદો ભાજપમાં આવવા માટે તૈયાર છે અને રામગોપાલ યાદવે ગૃહ પ્રધાન અમિત શાહને એક ચિઠ્ઠી પણ સોંપી દીધી છે.

ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પણ દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના સાંસદો ભાજપમાં સામેલ થવા માટે તૈયાર છે. જોકે સમાજવાદી પાર્ટી આ બધી વાતો નકારી રહી છે, પણ ટીએમસી અને ઉદ્ધવ સેના પણ નકારતી હતી. રાજકારણમાં ક્યારેય કંઈ પણ થઈ શકે છે.

એક હકીકત એ પણ છે કે 360નો આંકડો એ પરિસ્થિતિ માટે છે જ્યારે ગૃહના તમામ સભ્યો હાજર હોય, જે ઓછું બને છે. ઉપર કહ્યું એમ એપ્રિલમાં પણ ડિલિમિટેશન બિલ પર મતદાન વખતે બારેક સભ્યો ગેરહાજર હતા. જેથી હવે જ્યારે બિલ આવે ત્યારે જેટલા સભ્યો ગેરહાજર હશે તેટલો બહુમતનો આંકડો પણ નીચે આવશે. ઉપરાંત સરકાર અમુક નાના પક્ષો પાસેથી પણ સમર્થન મેળવી શકે છે.

ટૂંકમાં હવે ડિલિમિટેશન બિલ આવ્યું તો તેના પસાર થવાની શક્યતા એપ્રિલની સ્થિતિ કરતાં અનેકગણી વધારે છે.

રાજ્યસભામાં શું સ્થિતિ છે?

રાજ્યસભાની વાત કરીએ તો ત્યાં ભાજપ પહેલેથી બહુ સારી સ્થિતિમાં છે. ભાજપના એકલે હાથે 116 સાંસદો છે. NDA પાસે 149નું સંખ્યાબળ છે. રાજ્યસભામાં બહુમત માટે 163ની જરૂર રહે છે.

હાલ રાજ્યસભા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ઝારખંડથી અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીની જીત નક્કી છે. તેઓ ભાજપના સમર્થનથી જ ચૂંટાઈ રહ્યા છે એટલે તેમનું NDAને સમર્થન નક્કી છે. મિઝોરમમાંથી ચૂંટાયેલા સાંસદ પણ સમર્થન આપે તો આંકડો 151 સુધી પહોંચશે.

આ સિવાય પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદો રાજીનામું આપી ચૂક્યા છે. જેથી સંખ્યાબળ ઘટી ગયું છે. આ બેઠકો પર પેટાચૂંટણી થાય તો વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતાં ત્રણેય બેઠક ભાજપને મળશે એ નક્કી છે.

DMKએ INDI ગઠબંધન છોડવાની અસર રાજ્યસભામાં પણ પડશે. ઉપરાંત આમ આદમી પાર્ટી પણ કહી ચૂકી છે કે તેઓ હવે INDI ગઠબંધનનો ભાગ નથી. જોકે AAP સરકારના બિલનું સમર્થન નહીં કરે પણ AAPના રાઘવ ચઢ્ઢા સહિતના રાજ્યસભા સાંસદો હવે ભાજપમાં સામેલ થઈ ગયા છે.

ટૂંકમાં સરકાર માટે રાજ્યસભામાં બિલ પસાર કરવું પ્રમાણમાં સરળ રહેશે. મૂળ સમસ્યા લોકસભામાં હતી જે હવે ઉકેલાતી જણાય રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં