મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ હવે મમતા બેનર્જીની પાર્ટી રહી નથી. પહેલાં બંગાળ વિધાનસભામાં 80માંથી 60 ધારાસભ્યોએ બળવો કર્યા બાદ 28માંથી 20 સાંસદો પણ અલગ જૂથ બનાવી ચૂક્યા છે. આ તમામ 20 સાંસદો રવિવારે (14 જૂન) દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના ઘરે એકઠા થયા હતા. ત્યાંથી તેઓ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ મળવા ગયા. અહીં તમામ સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખીને નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયામાં સામેલ થવા માટે જણાવ્યું છે અને ભાજપના નેતૃત્વવાળા NDAને ટેકો આપવાની પણ ઘોષણા કરી છે.
લોકસભા સ્પીકર સાથેની બેઠક બાદ સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું, “અમે તૃણમૂલ કોંગ્રેસના 20 ચૂંટાયેલા સાંસદો આજે લોકસભા અધ્યક્ષને મળ્યા હતા અને અલગ બેઠક વ્યવસ્થાની માંગ સાથે તેમને એક પત્ર સોંપ્યો હતો. આ 20 સાંસદો પાસે કુલ સંખ્યાનું 2/3 સંખ્યાબળ છે. અમે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છીએ. હવે અમે રાષ્ટ્રનિર્માણમાં સહયોગ આપવા માટે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળના NDAમાં સામેલ થઈશું.”
Rebel TMC MPs met Lok Sabha Speaker Om Birla at his residence, in Delhi today
— ANI (@ANI) June 14, 2026
After meeting him, Rebel TMC MP Kakoli Ghosh Dastidar said, "We, the twenty MPs elected from the AITC, met the Speaker and submitted a letter requesting to sit separately; these twenty MPs constitute… pic.twitter.com/HTFttYCXdm
બીજી તરફ એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે આ નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા છે શું, જેનું આજ સુધી ક્યારેય નામ પણ સાંભળવામાં આવ્યું ન હતું અને હવે અચાનક તેના વીસ સાંસદો થઈ જશે એવી સ્થિતિ નિર્માણ પામી છે.
નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા વાસ્તવમાં પશ્ચિમ બંગાળની જ એક પ્રાદેશિક પાર્ટી છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર પાર્ટીનું મુખ્યમથક બંગાળના હાવડામાં છે. જોકે તેનું મુખ્યમથક હાવડામાં હોવા છતાં પાર્ટી ત્રિપુરામાં વધુ સક્રિય હોવાનું કહેવાય છે. પાર્ટી ભારતના ચૂંટણી પંચ હેઠળ નોંધાયેલી છે, પરંતુ ‘અનરેકગ્નાઇઝ્ડ’ પાર્ટી છે.
શું હોય છે ‘રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ’ પાર્ટી?
ભારતમાં હજારો પાર્ટીઓ નોંધાયેલી છે, જેને ચૂંટણી પંચે બે પ્રકારોમાં વહેંચી છે. રેકગ્નાઇઝ્ડ અને અનરેકગ્નાઇઝ્ડ પાર્ટીઓ. રેકગ્નાઇઝ્ડ પાર્ટીમાં પણ નેશનલ અને સ્ટેટ એમ બે પ્રકારની પાર્ટીઓ આવે છે.
નેશનલ પાર્ટીઓમાં સમગ્ર દેશમાં ફેલાવો ધરાવતી પાર્ટીઓ આવે છે. જેના માટે પક્ષે અમુક શરતો પૂર્ણ કરવી પડે છે. લોકસભામાં ત્રણ જુદાં-જુદાં રાજ્યોમાંથી ઓછામાં ઓછી 2% બેઠકો (11) હોવી જરૂરી છે અથવા ચાર કે તે કરતાં વધારે રાજ્યોની લોકસભા/વિધાનસભા ચૂંટણીમાં 6%થી વધુ વૉટશેર હોવો જોઈએ. અથવા પાર્ટી ઓછામાં ઓછાં ચાર રાજ્યોમાં સ્ટેટ પાર્ટી તરીકે નોંધાયેલી હોવી જોઈએ. ભાજપ, કોંગ્રેસ એ નેશનલ પાર્ટીઓ છે.
સ્ટેટ પાર્ટીઓ એટલે પ્રાદેશિક પક્ષો. જેને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા 6% મત મળ્યા હોય અને ઓછામાં ઓછી 2 બેઠકો જીતી હોય અથવા લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા 6% મત મળ્યા હોય અને ઓછામાં ઓછી એક સીટ જીતી હોય કે કુલ વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 3% સીટો જીતી હોય અથવા એક પણ બેઠક ન જીતી હોય પણ ઓછામાં ઓછા 8% વોટ મળ્યા હોય તે પાર્ટીને પ્રાદેશિક પક્ષ તરીકેનો દરજ્જો મળી શકે.
જ્યારે અનરેકગ્નાઇઝ્ડ પાર્ટી એટલે ચૂંટણી પંચ હેઠળ નોંધાયેલી તો હોય પણ ઉપર જણાવી એ શ્રેણીઓમાં આવતી ન હોય. ઓળખપ્રાપ્ત પક્ષોને કાયમી ચૂંટણી ચિહ્ન મળે છે એ સુવિધા આ પાર્ટીઓને નથી મળતી એટલે દર ચૂંટણી પહેલાં તેમણે ચિહ્ન માગવું પડે છે અને ચૂંટણી પંચ કામચલાઉ ધોરણે તે ચૂંટણી પૂરતું આ ચિહ્ન આપે છે. ઉપરાંત નેશનલ-સ્ટેટ પાર્ટીઓને 40 સ્ટાર પ્રચારકોની અનુમતિ હોય એ આ પાર્ટીઓને માત્ર 20ની જ હોય. મોટી પાર્ટીઓએ નામાંકન માટે માત્ર એક ટેકેદારની જરૂર પડે, આ પાર્ટીઓએ દસ ટેકેદારો લઈ જવા પડે. ઉપરાંત ઓળખપ્રાપ્ત પક્ષોને ચૂંટણી પહેલાં મતદાર યાદીની નિઃશુલ્ક નકલ મળે છે એ સુવિધા અન્ય પાર્ટીઓને નથી મળતી.
નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા આ રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પાર્ટીઓની શ્રેણીમાં આવે છે. હાલ આ પાર્ટી બંગાળ કે અન્ય કોઈ પણ રાજ્યમાં ક્યાંય કોઈ બેઠક ધરાવતી નથી. જો TMCના બળવાખોર સાંસદોના મર્જરને સ્પીકર પરવાનગી આપે તો NCPIના 20 સાંસદો થઈ જશે.
રણનીતિ હેઠળ થયું મર્જર
આ મર્જર એક મોટી રણનીતિનો ભાગ છે. નિયમો અનુસાર ચૂંટાયેલા સાંસદો કે ધારાસભ્યો બીજા પક્ષમાં જવાથી બરતરફ થઈ શકે છે, પણ એક વ્યવસ્થા એવી પણ છે કે કુલ સંખ્યાબળના 2/3 સાંસદો જો અન્ય પક્ષ સાથે જોડાય તો તેમનું સભ્યપદ યથાવત રહે છે. ટીએમસીના 28માંથી 20 સાંસદોએ એક અલગ જૂથ બનાવી રાખ્યું છે. પરંતુ તેઓ જો અલગ જૂથ રહીને એનડીએને ટેકો પણ આપે તો કાયદાકીય ચકાસણી હેઠળ પસાર થવું પડે અને સભ્યપદ પર પણ જોખમ રહે. આથી આ બળવાખોર સાંસદો નવું જૂથ કે નવી પાર્ટી ન બનાવી શકે પણ પહેલેથી નોંધાયેલી પાર્ટીમાં જોડાય તો પક્ષપલટાવિરોધી કાયદાની જોગવાઈઓમાંથી બચી જાય અને સભ્યપદ પણ યથાવત રહે. છતાં મમતા જૂથ આ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં તો જશે પરંતુ બધું નિયમાનુસાર થયું હોવાના કારણે કોર્ટ પણ વધુ હસ્તક્ષેપ કરે એમ લાગતું નથી.


