એક સમય હતો જ્યારે ભારતમાં દૂધ માત્ર એક ખાદ્યપદાર્થ નહોતું, પરંતુ અછતનું પ્રતીક પણ હતું. શહેરોમાં વહેલી સવારથી દૂધની કતારો લાગતી, આયાતી મિલ્ક પાઉડર પર નિર્ભરતા હતી અને વધતી જતી વસ્તીને પૂરતું પોષણ પૂરું પાડવું પણ એક રાષ્ટ્રીય પડકાર હતો. આજે માત્ર થોડા દાયકાઓ પછી ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ભારત વર્ષ 1998થી વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આજે દેશનું વાર્ષિક દૂધ ઉત્પાદન 247 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે અને વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો લગભગ 25 ટકા હિસ્સો છે.
છેલ્લા એક જ દાયકામાં દેશના દૂધ ઉત્પાદનમાં 69 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે ઉત્પાદન દર વર્ષે સરેરાશ 5.5 ટકાના દરે વધી રહ્યું છે. દેશની કુલ GDPમાં ડેરી ક્ષેત્રનો ફાળો લગભગ 5 ટકા જેટલો છે. માથાદીઠ દૂધ ઉપલબ્ધતા પણ છેલ્લા દાયકામાં 52 ટકા વધીને 485 ગ્રામ પ્રતિદિન સુધી પહોંચી છે.
વિશ્વ દૂધ દિવસના અવસરે સરકારના આ આંકડા ભારતની સફળતાની ગાથા કહે છે, પરંતુ તેની સાથે એક નવો પ્રશ્ન પણ ઉભો કરે છે. દેશ દૂધ ઉત્પાદનમાં પહેલેથી જ વિશ્વમાં પ્રથમ સ્થાને છે, ત્યારે હવે આગળનું લક્ષ્ય શું હોય શકે? શું શ્વેતક્રાંતિની ગાથા અહીં પૂર્ણ થાય છે કે હવે તેની નવી આવૃત્તિ શરૂ થઈ રહી છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે ગુજરાત તરફ નજર કરવી પડે. કારણ કે જે ધરતી પરથી પ્રથમ શ્વેતક્રાંતિની સૌથી મજબૂત ગાથા લખાઈ હતી, એ જ ધરતી પર આજે એક નવી ચર્ચા શરૂ થઈ છે શ્વેતક્રાંતિ 2.0ની.
પ્રથમ શ્વેતક્રાંતિએ ભારતને શું આપ્યું?
ભારતમાં શ્વેતક્રાંતિની વાત થાય એટલે આણંદ, અમૂલ અને ડૉ. વર્ગીસ કુરિયનનું નામ અનિવાર્ય બની જાય છે. સ્વતંત્રતા પછીના દાયકાઓમાં ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણના ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું હતું. ગામડાંના પશુપાલકો દૂધ ઉત્પન્ન કરતા હતા પરંતુ તેમને યોગ્ય બજાર મળતું નહોતું. બીજી તરફ શહેરોમાં માંગ હતી પરંતુ પૂરવઠો નહોતો. આ અંતરને દૂર કરવા માટે સહકારી ચળવળનો માર્ગ અપનાવવામાં આવ્યો. ગુજરાતના ખેડૂતોએ ઉભું કરેલું અમૂલ મોડલ એટલું સફળ સાબિત થયું કે તે પછી સમગ્ર દેશ માટે માર્ગદર્શક બન્યું.
ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વમાં શરૂ થયેલા ઑપરેશન ફ્લડને કારણે લાખો ખેડૂતો ડેરી અર્થવ્યવસ્થાનો ભાગ બન્યા. દૂધનો સંગઠિત સંગ્રહ, પ્રોસેસિંગ અને વિતરણ શરૂ થયું. પરિણામે ભારત દૂધની અછત ધરાવતા દેશમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યું. પ્રથમ શ્વેતક્રાંતિનો મુખ્ય હેતુ હતો વધુ દૂધ, વધુ ઉત્પાદકો અને વધુ સહકારી સંસ્થાઓ. એ લક્ષ્ય મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ જ્યારે કોઈ ક્રાંતિ પોતાનો મૂળ ધ્યેય હાંસલ કરી લે, ત્યારે આગળનો તબક્કો શરૂ થાય છે. ગુજરાતમાં આજે એ જ તબક્કાની ચર્ચા થઈ રહી છે.
શ્વેતક્રાંતિ 2.0 એટલે શું?
જો પ્રથમ શ્વેતક્રાંતિનો હેતુ દૂધની અછત દૂર કરવાનો હતો તો બીજી શ્વેતક્રાંતિનો હેતુ ડેરી ક્ષેત્રને વધુ આધુનિક, વધુ વૈજ્ઞાનિક અને વધુ ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. હવે માત્ર દૂધની માત્રા મહત્વની નથી, પરંતુ ગુણવત્તા, કાર્યક્ષમતા અને મૂલ્યવર્ધન પણ એટલાં જ મહત્વનાં બની ગયાં છે. હવે માત્ર વધુ પશુ રાખવાની વાત નથી, પરંતુ વધુ ઉત્પાદક પશુધન ઊભું કરવાની વાત છે. હવે માત્ર દૂધ વેચવાની વાત નથી, પરંતુ દહીં, છાશ, ઘી અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો દ્વારા વધુ આવક સર્જવાની વાત છે. હવે માત્ર પશુપાલન નહીં, પરંતુ ડેટા, AI અને વૈજ્ઞાનિક સંવર્ધન સાથેનું પશુપાલન છે.
સરકારી આંકડા અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલા વિકાસોને સાથે મૂકીએ તો એક રસપ્રદ ચિત્ર સામે આવે છે. રાજ્યમાં દૂધ ઉત્પાદન વધી રહ્યું છે, પશુ આરોગ્યનું માળખું મજબૂત બની રહ્યું છે, જિનેટિક સુધારણા માટે નવી ટેક્નોલોજી અપનાવવામાં આવી રહી છે, AI આધારિત સેવાઓ શરૂ થઈ રહી છે અને ડેરી ક્ષેત્રમાં હજારો કરોડનું રોકાણ થઈ રહ્યું છે. આ બધું મળીને એક નવા યુગનો સંકેત આપે છે.
ગુજરાતના આંકડા શું સંકેત આપે છે?
ગુજરાત આજે વાર્ષિક 19 મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન કરે છે. દેશના કુલ દૂધ ઉત્પાદનમાં રાજ્યનો ફાળો 7.78 ટકા જેટલો છે. પરંતુ આંકડાઓનો સાચો અર્થ ત્યારે સમજાય છે જ્યારે આપણે છેલ્લા બે દાયકાની યાત્રા પર નજર કરીએ. આ સમયગાળા દરમિયાન ગુજરાતના દૂધ ઉત્પાદનમાં 12.5 મિલિયન ટનનો વધારો નોંધાયો છે. સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 9.30 ટકા રહી છે. કોઈપણ કૃષિ કે પશુપાલન ક્ષેત્ર માટે આ એક નોંધપાત્ર વૃદ્ધિ ગણાય.
આ વૃદ્ધિ માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત નથી. રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા છેલ્લા દાયકામાં 48 ટકા વધી છે અને આજે તે 730 ગ્રામ પ્રતિદિન સુધી પહોંચી છે. તેની સરખામણીમાં રાષ્ટ્રીય સરેરાશ 485 ગ્રામ પ્રતિદિન છે. આ તફાવત માત્ર આંકડાકીય નથી. તે દર્શાવે છે કે ગુજરાતમાં દૂધ ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વિતરણની સાંકળ વધુ મજબૂત બની રહી છે. પ્રથમ શ્વેતક્રાંતિએ જે પાયો નાખ્યો હતો તેના પર હવે વધુ આધુનિક માળખું ઊભું થઈ રહ્યું છે.
માત્ર વધુ દૂધ નહીં, વધુ સ્વસ્થ અને વધુ ઉત્પાદક પશુધન
ડેરી અર્થવ્યવસ્થાની સૌથી મોટી સંપત્તિ દૂધ નથી, પરંતુ દૂધ આપતું પશુ છે. જો પશુ સ્વસ્થ નહીં હોય તો કોઈપણ ડેરી મોડલ લાંબાગાળે સફળ થઈ શકે નહીં. કદાચ આ જ કારણ છે કે ગુજરાતે પશુ આરોગ્યને નવી શ્વેતક્રાંતિના કેન્દ્રમાં સ્થાન આપ્યું છે.
આજે રાજ્યમાં 1,137 પશુ દવાખાનાં અને 564 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો કાર્યરત છે. પરંતુ સૌથી રસપ્રદ પહેલ છે 587 ફરતાં પશુ દવાખાનાંની. ગુજરાતના દૂરનાં ગામડાંમાં જ્યાં પશુપાલક માટે સારવાર મેળવવી સરળ નથી, ત્યાં આ મોબાઇલ સેવાઓ પશુ આરોગ્યને સીધું ઘરઆંગણે પહોંચાડે છે. તેની સાથે 34 વિવિધલક્ષી પશુ ચિકિત્સાલયો અને 21 પશુ રોગ અન્વેષણ એકમો પણ કાર્યરત છે.
લગભગ પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાની સંભાળ માટે રાજ્યમાં 4,710 નોંધાયેલા પશુ ચિકિત્સકો ઉપલબ્ધ છે. જ્યારે પ્રથમ શ્વેતક્રાંતિ શરૂ થઈ હતી ત્યારે આ પ્રકારનું સુદ્રઢ પશુ આરોગ્ય નેટવર્ક કલ્પના બહારનું હતું. આજે સ્થિતિ એવી છે કે પશુ આરોગ્યને ઉત્પાદન વધારવા જેટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
સેક્સ્ડ સીમેન અને IVF
પહેલાં પશુપાલન મોટાભાગે અનુભવ અને પરંપરા પર આધારિત હતું. પરંતુ હવે ટેક્નોલોજી આ ક્ષેત્રમાં પણ પ્રવેશી ચૂકી છે. ગુજરાત સરકાર પશુપાલકોને નજીવા દરે સેક્સ્ડ સીમેન ડોઝ ઉપલબ્ધ કરાવી રહી છે. આ ટેક્નોલોજીનો હેતુ વધુ પ્રમાણમાં વાછરડી જન્મે તે સુનિશ્ચિત કરવાનો છે. તેનો સફળતા દર 90 ટકાથી વધુ છે.
તેનો સીધો અર્થ એ થાય છે કે ભવિષ્યમાં વધુ દૂધ ઉત્પાદક પશુધન ઉપલબ્ધ થઈ શકે. બીજી તરફ રાજ્યમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેક્નોલોજી માટે પણ સબસિડી આપવામાં આવી રહી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી નસલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થાય અને ઉત્પાદન ક્ષમતા વધે એ માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ શ્વેતક્રાંતિએ પશુપાલકોને બજાર સાથે જોડ્યા હતા તો બીજી શ્વેતક્રાંતિ તેમને વૈજ્ઞાનિક પશુપાલન સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.
AI બન્યું પશુપાલકોનું નવું માર્ગદર્શક
થોડાં વર્ષો પહેલાં સુધી કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને ડેરી ક્ષેત્ર વચ્ચે કોઈ સંબંધ હોય શકે. પરંતુ ટેક્નોલોજી હવે ગામડાંઓના પશુપાલકો સુધી પણ પહોંચી રહી છે. ફેબ્રુઆરી 2026માં અમૂલ દ્વારા લૉન્ચ કરાયેલ ‘અમૂલ AI’ પ્લેટફોર્મ આ પરિવર્તનનું પ્રતીક છે.
આ પહેલ અંતર્ગત ‘સરલાબેન’ નામનું AI આસિસ્ટન્ટ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના 36 લાખથી વધુ ખેડૂત અને દૂધ ઉત્પાદકોને પશુ આરોગ્ય, સંતુલિત પોષણ, નસલ સુધારણા અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવાનો તેનો હેતુ છે. એક સમય હતો જ્યારે માહિતી મેળવવા માટે પશુપાલકને નિષ્ણાતોની રાહ જોવી પડતી હતી. આજે એ જ માહિતી ડિજિટલ માધ્યમ દ્વારા તેના હાથ સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શ્વેતક્રાંતિ 2.0ની સૌથી રસપ્રદ બાબત કદાચ આ જ છે. જ્યાં પ્રથમ શ્વેતક્રાંતિનો આધાર સહકારી માળખું હતું, ત્યાં બીજી શ્વેતક્રાંતિમાં ટેક્નોલોજી પણ સમાન રીતે મહત્વપૂર્ણ ભાગીદાર બની રહી છે.
મધુર ડેરી અને બદલાતી ડેરી અર્થવ્યવસ્થા
પ્રથમ શ્વેતક્રાંતિના સમયમાં સૌથી મોટો પડકાર દૂધનું ઉત્પાદન અને તેનું સંગ્રહ હતો. દેશના લાખો ખેડૂતો પાસેથી દૂધ એકત્ર કરીને તેને શહેરો સુધી પહોંચાડવું એ જ એક મોટી સિદ્ધિ માનવામાં આવતી હતી. પરંતુ આજે ડેરી ક્ષેત્રનો પડકાર સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે પ્રશ્ન માત્ર એટલો નથી કે કેટલું દૂધ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન એ પણ છે કે તે દૂધમાંથી કેટલું મૂલ્ય સર્જી શકાય, ખેડૂતોને કેટલો વધુ લાભ મળી શકે અને ગ્રાહકો સુધી કેટલી વધુ ગુણવત્તા સાથે ઉત્પાદનો પહોંચાડી શકાય.
તાજેતરમાં ગાંધીનગરના દશેલા ખાતે શરૂ કરાયેલા મધુર ડેરીના ₹128 કરોડના અત્યાધુનિક ઓટોમેટેડ મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટને આ જ પરિવર્તનના સંદર્ભમાં જોવો જોઈએ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ માત્ર એક નવો પ્લાન્ટ નથી, પરંતુ ગુજરાતના ડેરી ક્ષેત્રની બદલાતી દિશાનું પ્રતીક છે. લગભગ 14.9 એકરમાં ફેલાયેલા આ સંપૂર્ણ સ્વયંસંચાલિત પ્લાન્ટની શરૂઆતની ક્ષમતા રોજના 2.5 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવાની છે, જેને ભવિષ્યમાં 5 લાખ લીટર સુધી વિસ્તારી શકાય છે.
પરંતુ મધુર ડેરીની વાત માત્ર એક આધુનિક પ્લાન્ટની વાત નથી. આ પ્રોજેક્ટને સમજવા માટે તેની પાછળના સહકારી મોડલને સમજવું જરૂરી છે. ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તરીકે કાર્યરત મધુર ડેરી એ જ સહકારી ચળવળનો ભાગ છે, જેણે દાયકાઓ પહેલાં અમૂલને જન્મ આપ્યો હતો. એક અર્થમાં જોવામાં આવે તો મધુર ડેરી જેવા પ્રોજેક્ટ્સ અમૂલ મોડલની આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ શ્વેતક્રાંતિ દરમિયાન અમૂલે ખેડૂતોને બજાર સાથે જોડ્યા હતા, જ્યારે આજે એ જ સહકારી માળખું વધુ આધુનિક ટેક્નોલોજી, ઓટોમેશન અને મૂલ્યવર્ધન સાથે નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે.
આ પ્લાન્ટની વિશેષતા માત્ર તેની ક્ષમતામાં નથી. અહીં દૂધ ઉપરાંત છાશ, દહીં અને ઘી જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો માટે પણ અલગ અત્યાધુનિક વિભાગો ઊભા કરવામાં આવ્યા છે. ગુણવત્તા નિયંત્રણથી લઈને પેકેજિંગ સુધીની પ્રક્રિયામાં ઓટોમેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે ડેરી ઉદ્યોગ હવે માત્ર દૂધ એકત્ર કરીને વેચવાના મોડલમાંથી બહાર આવીને વધુ મૂલ્ય સર્જતા મોડલ તરફ આગળ વધી રહ્યો છે.
મધુર ડેરીની કુલ પ્રોસેસિંગ ક્ષમતા આ નવા પ્લાન્ટ સાથે 5 લાખ લીટર પ્રતિદિન સુધી પહોંચશે અને તે ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી ડેરી તરીકે ઉભરી આવશે. વધુ પ્રોસેસિંગ ક્ષમતાનો અર્થ છે વધુ દૂધની ખરીદી, વધુ સ્થિર બજાર અને પશુપાલકો માટે વધુ સારી આવકની શક્યતા. સહકારી ક્ષેત્રની મૂળ ભાવના પણ એ જ છે કે મૂલ્યવર્ધનનો લાભ અંતે ઉત્પાદક સુધી પહોંચે.
જ્યારે ગુજરાતમાં શ્વેતક્રાંતિ 2.0ની વાત કરવામાં આવે છે ત્યારે મધુર ડેરી જેવા પ્રોજેક્ટ્સ એ વિચારને જમીન પર ઉતારતાં ઉદાહરણો બની જાય છે. પ્રથમ શ્વેતક્રાંતિએ દૂધની અછત દૂર કરી હતી અને સહકારી માળખાને મજબૂત બનાવ્યું હતું. આજે એ જ માળખું અમૂલ AI જેવી ડિજિટલ પહેલો, સેક્સ્ડ સીમેન અને IVF જેવી વૈજ્ઞાનિક ટેક્નોલોજી તથા મધુર ડેરી જેવા ઓટોમેટેડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સાથે આગળ વધી રહ્યું છે. જે સહકારી ચળવળે એક સમયે અમૂલને જન્મ આપ્યો હતો, એ જ ચળવળ હવે નવી શ્વેતક્રાંતિના અધ્યાયને આકાર આપતી દેખાઈ રહી છે.
હજારો કરોડના રોકાણ સાથે તૈયાર થઈ રહી છે નવી ડેરી ઇકોસિસ્ટમ
કોઈપણ ક્ષેત્રમાં પરિવર્તન ત્યારે જ લાંબાગાળે ટકી શકે, જ્યારે તેની પાછળ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય. ગુજરાતના ડેરી ક્ષેત્રમાં થયેલા રોકાણો એ જ વાતનો પુરાવો આપે છે.
નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં 1,606 બલ્ક મિલ્ક કુલર, 3,233 ઓટોમેટિક મિલ્ક કલેક્શન સિસ્ટમ અને 1,212 મિલ્ક એડલ્ટરેશન ડિટેક્શન મશીનો માટે ₹239.73 કરોડની સહાય ફાળવવામાં આવી છે. આ સુવિધાઓ માત્ર આંકડા નથી, તે દૂધની ગુણવત્તા જાળવવા અને સમગ્ર સપ્લાય ચેઇનને વધુ વિશ્વસનીય બનાવવા માટેનું માળખું છે.
એનીમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ રાજ્યના વિવિધ સહકારી સંઘો અને ખાનગી ડેરીઓના ₹3,425.57 કરોડના પ્રોજેક્ટ્સ સામે ₹2,691.29 કરોડની લૉન માટે વ્યાજ સહાય મંજૂર કરવામાં આવી છે. ડેરી સંઘોને કામગીરી માટે આપવામાં આવેલી લૉન પર છેલ્લા પાંચ વર્ષમાં ₹573.77 કરોડની વ્યાજ સહાય આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જૂનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને પોરબંદર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘોમાં ₹78.06 કરોડના પ્રોજેક્ટ્સ માટે છેલ્લા ત્રણ વર્ષમાં ₹23.09 કરોડની સહાય પણ ફાળવવામાં આવી છે.
આ તમામ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં ડેરી વિકાસ માત્ર વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ આગામી દાયકાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં નખાઈ રહ્યો છે શ્વેતક્રાંતિ 2.0નો પાયો
જ્યારે પ્રથમ શ્વેતક્રાંતિ શરૂ થઈ હતી ત્યારે તેનું સ્વપ્ન હતું કે ભારત દૂધની અછતમાંથી બહાર આવે. આજે તે સ્વપ્ન હકીકત બની ચૂક્યું છે. દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે. પરંતુ કોઈપણ સફળતા પછી નવા પડકારો જન્મે છે.
ગુજરાતમાં આજે જે ચિત્ર જોવા મળે છે તેમાં વધતું દૂધ ઉત્પાદન છે, મજબૂત પશુ આરોગ્ય માળખું છે, સેક્સ્ડ સીમેન અને IVF જેવી આધુનિક ટેક્નોલોજી છે, અમૂલ AI અને સરલાબેન જેવા ડિજિટલ પ્રયાસો છે, મધુર ડેરી જેવા ઓટોમેટેડ પ્લાન્ટ્સ છે અને હજારો કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો છે. આ બધું મળીને એક એવી દિશા તરફ સંકેત આપે છે, જ્યાં ડેરી ક્ષેત્ર માત્ર વધુ મોટું નહીં, પરંતુ વધુ આધુનિક અને વધુ કાર્યક્ષમ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કદાચ એટલા માટે જ આજે ગુજરાતમાં ચાલી રહેલા આ પરિવર્તનને માત્ર ડેરી વિકાસ નહીં, પરંતુ શ્વેતક્રાંતિ 2.0 તરીકે જોવાની ચર્ચા થઈ રહી છે. જે ધરતી પરથી એક વખત ભારતની પ્રથમ શ્વેતક્રાંતિને ગતિ મળી હતી, એ જ ધરતી આજે તેની નવી આવૃત્તિની ગાથા લખી રહી છે.


