
તાજેતરમાં જામનગર કોર્ટે મુંબઈ બ્લાસ્ટ સાથે જોડાયેલ 1993ના હથિયાર સ્મગલિંગ કેસમાં 12 આરોપીઓને સજા ફટકારી છે. આ કેસ 1993થી ચાલી રહ્યો હતો અને હવે 33 વર્ષ બાદ જામનગરની સ્પેશિયલ ટાડા (TADA) અદાલતના ન્યાયાધીશ આર.પી. મોગેરાએ 4 મેના રોજ આ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
કોર્ટે આ કેસમાં 10 દોષિતોને 5 વર્ષની સખત કેદ અને ₹5,000નો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય 2 મુખ્ય દોષિતોને 7 વર્ષની સખત કેદની સજા અને ₹8,000નો દંડ ફટકાર્યો છે. આ સિવાય પૂરતા પુરાવાના અભાવે કોર્ટે 17 લોકોને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે.
અદાલતે જે 12 શખસોને દોષિત જાહેર કર્યા છે તેમાં ઓસ્માણ ઉમર કોરેજા, મામદ અલીમામદ, હારૂન સંધાર, એહમદ ઈસ્માઈલ ઓલીયા, આરીફ લંબુ મેમણ, ઈફતેખાર અંસારી, મહંમદ અયુબ ઉર્ફે અયુબ ટકલો, લખમણ હરદાસ આહીર, સલીમ કુત્તા, મમુમીયા પંજુમીયા, ઈસ્તીયાક અંસારી અને કદીર અહેમદ શેખનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ ઘાતક આતંકી કાવતરાના મુખ્ય સૂત્રધાર એવા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ, ટાઈગર મેમણ (ઇબ્રાહીમ અબ્દુલ રઝાક), અનીશ ઈબ્રાહીમ કસ્કર, છોટા શકીલ અને અનવર સાંબા સહિત કુલ 15 આરોપીઓને ટાડા કોર્ટની કલમ 8(3)(એ) હેઠળ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
શું હતું સમગ્ર કાવતરું?
વર્ષ 1992માં બાબરી ઢાંચા પર થયેલી કારસેવાનો બદલો લેવાના અને ભારતમાં આતંક તેમજ અરાજકતા ફેલાવવાના નાપાક ઈરાદાથી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને મુસ્તફા ડોસા ઉર્ફે મુસ્તફા મજનુએ આતંકી કાવતરું ઘડ્યું હતું. જેના માટે પાકિસ્તાનની મરીન સિક્યુરીટી એજન્સી અને લશ્કરી અધિકારીઓની સીધી મદદ લેવામાં આવી હતી.
કરાંચી નજીક મધદરિયે પાકિસ્તાની બોટમાંથી ‘સદા અલ બહાર’ નામની લૉન્ચ મારફતે ભારે માત્રામાં આરડીએક્સ (RDX), 150થી વધુ આધુનિક ઘાતક હથિયારો, રાઈફલો અને હેન્ડ ગ્રેનેડનો જથ્થો પોરબંદરના ગોસાબારા બંદર પર ઉતારીને ટ્રકો મારફતે ગુજરાતના સુરત, વલસાડ તેમજ ઉત્તર પ્રદેશ અને મુંબઈ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ જ હથિયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટમાં થયો હતો.
આ સમગ્ર કાવતરું બહાર આવ્યા બાદ જામનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 15 જુલાઈ 1993ના રોજ ગુનો નોંધાયો જેની તપાસ 2018 સુધી ચાલી હતી. આ કેસમાં ટાડા એક્ટ, આઈપીસી, આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો અંતર્ગત કુલ 46 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાંથી 11 આરોપીઓ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન મૃત્યુ પામ્યા હતા અને 6 આરોપીઓને સુપ્રીમ કોર્ટના આદેશથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને હવે 12ને સજા ફટકારવામાં આવી છે.

