‘ચૂંટણી પંચ પોતે નિર્ણય લેવામાં સ્વતંત્ર, કશું ખોટું નથી’: કાઉન્ટિંગમાં કેન્દ્રીય કર્મચારીઓની નિયુક્તિ સામે સુપ્રીમ કોર્ટે TMCની અરજી ફગાવી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. શનિવારે એક વિશેષ સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના એ નિર્ણયને માન્ય રાખ્યો છે જેમાં મતગણતરી કેન્દ્રો પર કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને PSU સ્ટાફને તૈનાત કરવાની સત્તા આપવામાં આવી છે. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પ્રક્રિયામાં સ્ટાફની પસંદગી કરવાનો સંપૂર્ણ અધિકાર ચૂંટણી પંચનો છે.

સુપ્રીમ કોર્ટે શનિવારે એક મહત્વના આદેશમાં જણાવ્યું છે કે મતગણતરી કેન્દ્રો પર કયા કર્મચારીઓને તૈનાત કરવા તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર ભારતીય ચૂંટણી પંચ પાસે છે. કોર્ટે TMCએ દાખલ કરેલી અરજી પર કોઈ પણ નવો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આ અરજી કલકત્તા હાઇકોર્ટના તે નિર્ણય વિરુદ્ધ કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે ચૂંટણી પંચના પરિપત્રને માન્ય રાખ્યો હતો.

ચૂંટણી પંચના પરિપત્રને ન કરી શકાય રદ

જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે આ મામલે વિશેષ સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે અવલોકન કર્યું કે જો મતગણતરી સુપરવાઈઝર અને કાઉન્ટિંગ એજન્ટ બંને કેન્દ્રીય સરકારી અધિકારીઓ હોય, તો માત્ર તે આધારે ચૂંટણી પંચના પરિપત્રને રદ કરી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ પાસે એક જ સ્ત્રોત એટલે કે માત્ર કેન્દ્રીય કર્મચારીઓમાંથી સ્ટાફ પસંદ કરવાની સત્તા છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ જણાવ્યું કે નિયમો મુજબ ચૂંટણી પંચ પાસે વિકલ્પ ખુલ્લો છે કે તે કાઉન્ટિંગ સુપરવાઈઝર અને આસિસ્ટન્ટ તરીકે કેન્દ્રીય અથવા રાજ્ય સરકારના કર્મચારીઓની પસંદગી કરી શકે. જ્યારે આ વિકલ્પ ઉપલબ્ધ હોય, ત્યારે પંચના જાહેરનામાને ગેરકાયદેસર કહી શકાય નહીં. કોર્ટના આ કડક વલણ બાદ ટીએમસીએ પોતાનું વલણ બદલ્યું હતું અને પંચના પરિપત્રના કડક અમલીકરણની માંગ કરી હતી.

ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વકીલ ડી.એસ. નાયડુએ કોર્ટને ખાતરી આપી હતી કે ગાઈડલાઈન્સનું યોગ્ય પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે સમજાવ્યું કે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં કાઉન્ટિંગ સુપરવાઈઝર કેન્દ્રીય કર્મચારી હોય ત્યાં કાઉન્ટિંગ એજન્ટ તરીકે રાજ્ય સરકારના કર્મચારીને રાખવામાં આવે. વધુમાં રિટર્નિંગ ઓફિસર જે રાજ્ય સરકારના કર્મચારી હોય છે, તેમની પાસે સ્ટાફની તહેનાતી અંગેના તમામ અધિકારો સુરક્ષિત છે.

પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટેની વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે. હવે આ આખા ચૂંટણી જંગનું પરિણામ 4 મેના રોજ આવવાનું છે, જેના માટે મતગણતરીની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ હવે મતગણતરીની પ્રક્રિયામાં કેન્દ્રીય કર્મચારીઓની ભૂમિકા નિશ્ચિત થઈ ગઈ છે અને કાયદાકીય અવરોધો દૂર થયા છે.