‘યા અલ્લાહ, રસગુલ્લા, દહી ભલ્લા’ કહેવા પર ભારતી સિંઘ-શેખર સુમન સામે નોંધાયેલી FIR રદ, બૉમ્બે હાઇકોર્ટ કહ્યું- ખાદ્ય પદાર્થોમાં મજહબ ન શોધો

બૉમ્બે હાઇકોર્ટે તાજેતરમાં ટેલિવિઝન જગતના જાણીતા ચહેરા શેખર સુમન અને ભારતી સિંઘ વિરુદ્ધ નોંધાયેલી એક દાયકા જૂની FIR રદ કરવાનો મહત્વનો આદેશ આપ્યો છે. આ મામલો વર્ષ 2010નો છે, જેમાં એક કોમેડી પ્રોગ્રામ દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણી બદલ તેમની સામે મજહબી લાગણી દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જસ્ટિસ અમિત બોરકરની ખંડપીઠે 29 એપ્રિલના રોજ આપેલા ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે કલાકારોનો કોઈ દૂષિત ઈરાદો નહોતો અને આ કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાનો દુરુપયોગ ગણાશે.

શું તો સમગ્ર વિવાદ?

આ સમગ્ર વિવાદ સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થતા લોકપ્રિય શો ‘કોમેડી સર્કસ કા જાદુ’ના એક એપિસોડથી શરૂ થયો હતો. 20 નવેમ્બર 2010ના રોજ પ્રસારિત આ શોમાં પ્રદર્શન દરમિયાન “યા અલ્લાહ! રસગુલ્લા! દહી ભલ્લા!” એવી ટિપ્પણી કરવામાં આવી હતી. રઝા એકેડમીના પ્રમુખ મોહમ્મદ ઈમરાન દાદાણીએ પાયધોની પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં IPCની કલમ 295-એ અને કલમ 34 હેઠળ ગુનો દાખલ રવામાં આવ્યો હતો.

હાઇકોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે ‘કોમેડી સર્કસ’ એ એક ફેમિલી એન્ટરટેઈનમેન્ટ પ્રોગ્રામ છે, જે વર્ષ 2007થી અલગ-અલગ ફોર્મેટમાં સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. કોર્ટે નોંધ્યું કે શોમાં વપરાયેલા શબ્દો સ્ક્રિપ્ટનો ભાગ હતા અને તેનો ઉદ્દેશ્ય કોઈ પણ મજહબ, જ્ઞાતિ કે સમુદાયનું અપમાન કરવાનો નહોતો. પ્રોગ્રામનું ફોર્મેટ કલાકારો દ્વારા પર્ફોર્મન્સ આપવાનું અને જજ દ્વારા તેનું મૂલ્યાંકન કરવાનું છે, જેમાં હળવી મજાક અને મનોરંજન મુખ્ય પાસું હોય છે.

‘નથી કોઈ મજહબી જોડાણ’

કોર્ટે ખાસ કરીને ‘રસગુલ્લા’ અને ‘દહી ભલ્લા’ જેવા શબ્દોના ઉપયો ગઅંગે ટિપ્પણી કરતા કહ્યું કે, આ સામાન્ય ખાદ્ય પદાર્થોના નામ છે અને તેની સાથે કોઈ મજહબી જોડાણ નથી. આ શબ્દોનો ઉપયોગ માત્ર પ્રાસ બેસાડવા અને કોમેડીના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. કોઈ પણ તર્કસંગત વ્યક્તિ આ શબ્દોને ધાર્મિક દુશ્મનાવટ ભડકાવનારા માની શકે નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદ્ય પદાર્થોમાં ધર્મ શોધવો એ અયોગ્ય છે.

ચુકાદામાં કલમ 295-એના ટેકનિકલ પાસાંઓ પર પ્રકાશ પાડતા જણાવાયું હતું કે આ કલમ હેઠળ ગુનો ત્યારે જ બને છે જ્યારે કોઈ કૃત્ય પાછળ ‘જાણીજોઈને અને દૂષિત ઈરાદો’ (Deliberate and Malicious Intent) રહેલો હોય. આ કિસ્સામાં એવો કોઈ ઈરાદો નહોતો. આ ઉપરાં શેખર સુમન અને ભારતી સિંઘ સામે ગુનાહિત હેતુના કોઈ પુરાવા મળ્યા નહોતા, જેના કારણે IPCની કલમ 34 હેઠળનો આરોપ પણ ટકી શક્યો નહોતો.

અંતમાં હાઇકોર્ટે કલાકારોના પક્ષમાં મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું કે કોઈ જોક્સ ન ગમ્યા હોય એટલા માટે થઈને કોઈ કલાકાર કે જજ પર કેસ ન ચલાવી શકાય. કોઈ પણ વિધાનને તેના યોગ્ય સંદર્ભમાં જોવું જરૂરી છે. 14 વર્ષ સુધી ચાલેલી આ કાયદાકીય લડાઈનો અંત આવ્યો છે. કોર્ટે એમ પણ સ્વીકાર્યું કે આટલા લાંબા સમય સુધી કાર્યવાહી ચાલુ રાખવી એ આરોપીઓ માટે બિનજરૂરી ઉત્પીડન સમાન છે.