મહાનગરપાલિકામાં 40, તાલુકા પંચાયતોમાં 250થી વધુ ઉમેદવારો બિનહરીફ: સ્થાનિક ચૂંટણીમાં મતદાન થાય એ પહેલાં ભાજપે જીતી લીધી 700 બેઠકો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Gujarat Local Body ELections) આવી રહી છે, જેના માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો બુધવારે (15 એપ્રિલ) અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે લગભગ ચારસોથી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધાં હતાં. જેના કારણે બિનહરીફ બેઠકોની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો.

આ પહેલાં સામે આવ્યું હતું કે ત્રણસોથી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે ફોર્મ ભરાયા ન હતાં, જેથી તેઓ બિનહરીફ થયા હતા. ત્યારબાદ ફોર્મ ખેંચવાના દિવસે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારોએ વધુ 400 જેટલી બેઠકો પર પીછેહઠ કરતાં આ આંકડો 700 પાર કરી ગયો છે. ભાજપના ઉમેદવારો 700થી વધુ બેઠકો પર બિનહરીફ વિજેતા થયા છે.

ચૂંટણી પંચે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની કુલ 9,992 બેઠકો પર ચૂંટણી જાહેર કરી હતી. ફોર્મ ચકાસણી અને ખેંચવાની અંતિમ તારીખ વીતી ગયા બાદ હવે ફાઈનલ આંકડો સામે આવ્યો છે. જે અનુસાર 724 બેઠકો પર ઉમેદવાર બિનહરીફ થયા છે. આ આંકડો જોકે પાર્ટી પ્રમાણે નથી, પરંતુ આમાં નજીવી સંખ્યાને બાદ કરતાં બાકીના તમામ ભાજપ ઉમેદવારો છે. બાકીની 9,270 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે.

ક્યાં-કેટલી બેઠકો પર ઉમેદવારો બિનહરીફ?

આ બેઠકોમાંથી મહાનગરપાલિકાની 1044માંથી 43, નગરપાલિકાની 2626 બેઠકોમાંથી 377, જિલ્લા પંચાયતની 1090 બેઠકોમાંથી 52 અને તાલુકા પંચાયતોની 5234 બેઠકોમાંથી 252 બેઠકો બિનહરીફ થઈ છે.

કડી નગરપાલિકામાં ભાજપે મતદાન થાય તે પહેલાં જ 2/3 બહુમતી હાંસલ કરી લીધી છે. ઉપરાંત બાયડ, ગણદેવી સહિતની અમુક નગરપાલિકાઓમાં પણ અમુક બેઠકો બિનહરીફ થઈ જતાં પાર્ટી સત્તાની નજીક પહોંચી ગઈ છે. કુલ 260માંથી 6 તાલુકા પંચાયતોમાં ભાજપ પાસે મતદાન પહેલાં જ બહુમતી છે.

મહાનગરપાલિકાઓમાં લગભગ 40 જેટલા ભાજપ ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં પોરબંદરમાં 11, આણંદમાં 12 અને મહેસાણામાં 5 ઉમેદવારોનો સમાવેશ થાય છે. અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના 2-2 ઉમેદવાર બિનહરીફ થયા છે.

બાકીની બેઠકો પર 26 એપ્રિલના રોજ એકસાથે મતદાન યોજવામાં આવશે અને 28 એપ્રિલે પરિણામો ઘોષિત કરવામાં આવશે.