મોદીદ્વેષ માટે જાણીતું (કુખ્યાત) અખબાર ‘ગુજરાત સમાચાર’ ફરી એક વખત ચર્ચામાં છે. હમણાં તેની ચર્ચા પાછળનું કારણ છે અખબારમાં પ્રકાશિત થયેલો એક રિપોર્ટ. 26 માર્ચના રોજ અખબારે એક રિપોર્ટ છાપ્યો હતો, જેનું મથાળું હતું- ‘ભારતમાં બેરોજગારી: 40 ટકા યુવા ગ્રેજ્યુએટ્સ પાસે નોકરી નથી’. રિપોર્ટમાં અંદર ‘એક રિપોર્ટ’ને ટાંકીને ઘણા દાવા કરવામાં આવ્યા છે. સૌપ્રથમ તો અખબારે અહીં જે રિપોર્ટના આધારે આવા દાવા ઠોકવામાં આવ્યા છે એનું નામ જ નથી લખ્યું! છતાં દાવા એવા કરવામાં આવ્યા છે કે ભારતમાં 40% યુવાનો બેરોજગાર છે.
અખબારે રિપોર્ટમાં અંદર શું લખ્યું એ પછી જોઈએ, પણ પહેલાં ચર્ચા હેડલાઇનની કરીએ. પહેલી નજરે આ હેડલાઇન કોઈપણ વાચકને ધ્રુજાવી નાખે છે. એવું લાગે છે કે દેશના યુવાનો સંપૂર્ણપણે બેરોજગારીના અંધકારમાં ડૂબી ગયા છે. પરંતુ જ્યારે આ આંકડાઓને થોડા વ્યવહારુ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે હેડલાઇન જેટલી ડરામણી છે, વાસ્તવિકતા એટલી સીધી નથી.

અહીં સૌથી પહેલાં સમજવાની જરૂર છે કે આંકડાઓને કેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે અને તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે કયા તથ્યોને અવગણવામાં આવ્યા છે. ગુજરાત સમાચારના લેખમાં અંદર એવું કહેવામાં આવ્યું છે કે 15થી 25 વર્ષના યુવાનોમાં બેરોજગારી 40% છે, જ્યારે 25થી 29 સુધીમાં તે માત્ર 20% છે. હવે સમજીએ કે કઈ રીતે આ અખબારે સામાન્ય વાચકો સાથે આંકડાઓનો ખેલ કરવાનો પ્રયાસ કર્યો છે.
15થી 29 વર્ષના યુવાનોને એકસાથે જોડવાની ચાલ
ગુજરાત સમાચારે જે રિપોર્ટના આધારે આ લેખ ઢસડી માર્યો છે, એ રિપોર્ટ કેટલો સાચો અને કેટલો ખોટો એ બાજુ પર રાખીએ. મૂળ વાત એ છે કે તેને અખબારે રજૂ કેવી રીતે કર્યો છે. આ આખા નેરેટિવની સૌથી મોટી ખામી ઉંમરના વર્ગીકરણમાં છુપાયેલી છે. 15થી 29 વર્ષનો આયુ-વર્ગ એક ખૂબ મોટો અને વિવિધતાપૂર્ણ વર્ગ છે, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, પોસ્ટ-ગ્રેજ્યુએશન કરતા યુવાનો અને નોકરી શોધી રહેલા લોકો બધા આવી જાય છે.
વ્યવહારુ રીતે જોવામાં આવે તો 15થી 22-23 વર્ષની ઉંમર સુધી મોટાભાગના યુવાનો પોતાના અભ્યાસમાં વ્યસ્ત રહે છે. 12મા પછી ગ્રેજ્યુએશન, પછી અનેક કિસ્સાઓમાં માસ્ટર્સ અથવા પ્રોફેશનલ કોર્સ- આ એક સામાન્ય શૈક્ષણિક યાત્રા છે. આ દરમિયાન રોજગારની તલાશ કરવી ન તો પ્રાથમિકતા હોય છે, ન જ અપેક્ષિત. ઇવન આ સમયગાળામાં તે યુવાનો ક્યારેય સભાનતાથી ‘રોજગાર’ વિશેના પ્રયાસો પણ કરતા નથી અને તે સામાન્ય પણ છે.
સરળ ભાષામાં સમજીએ તો 21-22 વર્ષ સુધી તો યુવાનો સ્નાતક કરી રહે છે, ત્યારબાદ આગળ ભણવા માટે અન્ય એકાદ-બે વર્ષ લે છે, આવી રીતે 25 વર્ષ વીતી જાય છે. ત્યારબાદના 25-29 વર્ષના ગાળામાં એ જ વિદ્યાર્થીઓ રોજગાર શોધવા પર કામ કરે છે અને કોઈક જગ્યાએ કામે લાગી જાય છે. તેથી 15થી 25 વર્ષ સુધીનો બેરોજગારી આંકડો 40 ટકામાંથી 25થી 29 સુધીમાં સીધો 20 ટકા થઈ જાય છે અને તે વ્યવહારુ પણ છે, કારણ કે દેશની વસ્તી કરોડોમાં છે.
આવી સ્થિતિમાં આ આખા આયુ-વર્ગને ‘બેરોજગારી’ના આંકડાઓમાં સામેલ કરવો જ અયોગ્ય છે. જે યુવાન હજુ અભ્યાસ કરી રહ્યો છે, તેને બેરોજગાર માનવો તર્કસંગત છે? આ જ તે મૂળભૂત સવાલ છે, જેને ‘ગુજરાત સમાચાર’નો રિપોર્ટ સંપૂર્ણપણે અવગણે છે.
40%થી 20%: આંકડો જ જણાવી રહ્યો છે હકીકત
રિપોર્ટનો બીજો ભાગ વધુ રસપ્રદ છે. 15થી 29 વર્ષના વર્ગમાં જ્યાં 40% બેરોજગારીનો દાવો કરવામાં આવ્યો હતો, ત્યાં 25થી 29 વર્ષના યુવાનોમાં આ આંકડો અચાનક ઘટીને 20% રહી જાય છે. આ ઘટાડો પોતે જ ઘણી વાતો કહી રહ્યો છે. જ્યારે યુવાન 25 વર્ષની ઉમરની આસપાસ પહોંચે છે, ત્યાર સુધીમાં તેનો અભ્યાસ લગભગ પૂરો થઈ ગયો હોય છે અને તે સક્રિયપણે રોજગારની શોધમાં આવી જાય છે. આ કારણે સ્વાભાવિક રીતે જ રોજગારના આંકડા વધુ સારા દેખાય છે.
એટલે કે જે યુવાનોને 15થી 25 વર્ષની વચ્ચે ‘બેરોજગાર’ દેખાડવામાં આવ્યા હતા, તેમાંથી મોટો ભાગ વાસ્તવમાં અભ્યાસ કરી રહ્યો હતો, ન કે નોકરીની શોધમાં હતો. જેવો તે યુવાન રોજગાર બજારમાં પ્રવેશે છે, આંકડા પોતે જ સંતુલિત થઈ જાય છે. પરંતુ આ સ્પષ્ટ અને સામાન્ય તથ્યને હેડલાઇનમાં ક્યાંય જગ્યા આપવામાં આવી નથી. કેમ? કારણ કે તેનાથી ડરનો નેરેટિવ નબળો પડી જાય છે.
હેડલાઇન વિરુદ્ધ વાસ્તવિકતા: ડર પેદા કરવાની ટેકનિક
પત્રકારત્વનો એક મૂળ હેતુ હોય છે માહિતી આપવી. પરંતુ જ્યારે હેડલાઇન એવી રીતે તૈયાર કરવામાં આવે કે તે વાસ્તવિકતા કરતાં વધુ ભાવનાત્મક પ્રતિક્રિયા જગાડે, ત્યારે સવાલ ઊઠવો સ્વાભાવિક છે. ‘40% બેરોજગારી’ જેવા શબ્દોનો ઉપયોગ સંદર્ભ વગર કરવો વાચકના મનમાં ભય પેદા કરે છે. એવી છાપ આપવામાં આવે છે કે દરેક બીજો યુવાન બેરોજગાર છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ આંકડામાં મોટી સંખ્યા એવા યુવાનોની છે જેઓ હજુ અભ્યાસ કરી રહ્યા છે અને રોજગારની શ્રેણીમાં આવતા જ નથી. સામાન્ય મગજની વાત છે કે જે માણસ હજુ સ્કૂલોમાં ભણે છે તે બેરોજગાર કઈ રીતે થઈ ગયો? અહીં સામાન્ય બુદ્ધિની જરૂર હતી, ખેર ગુજરાત સમાચારના અડીખમ ‘પત્રકારો’ પાસે સામાન્ય બુદ્ધિની અપેક્ષા રાખવી પણ ખોટી છે.
અહીં સમસ્યા માત્ર આંકડાઓની નથી, પરંતુ તેમના પ્રસ્તુતિકરણની છે. એક જ તથ્યને બે રીતે કહી શકાય — એક સંતુલિત રીતે અને બીજું સનસનાટી ફેલાવવાની રીતે. ‘ગુજરાત સમાચારે’ સ્પષ્ટપણે બીજો રસ્તો પસંદ કર્યો છે. જ્યારે કોઈ સમાચારમાં સંદર્ભ હટાવીને માત્ર એક ડરામણો આંકડો સામે મૂકવામાં આવે છે, ત્યારે તે એક નેરેટિવ બની જાય છે.
આ કેસમાં પણ એવું જ થયું છે. પૂરી તસવીર એ હોવી જોઈતી હતી કે: 15થી 25 વર્ષના મોટાભાગના યુવાનો અભ્યાસમાં હોય છે. 25 વર્ષ પછી તેઓ રોજગાર બજારમાં પ્રવેશ કરે છે. તેથી શરૂઆતના આયુ-વર્ગમાં બેરોજગારીનો આંકડો સ્વાભાવિક રીતે વધુ દેખાય છે. પરંતુ આ મુદ્દાઓને બાજુ પર રાખીને સીધો ‘40% બેરોજગારી’નો શોર મચાવવો એ દર્શાવે છે કે ઉદ્દેશ્ય માહિતી આપવાનો ઓછો અને સનસનાટી ફેલાવીને સરકારને ઘેરવાનો વધુ હતો.
કોઈપણ દેશમાં બેરોજગારી ગંભીર મુદ્દો હોય છે અને તેના પર ચર્ચા થવી જોઈએ. પરંતુ જ્યારે આંકડાઓને સંદર્ભ કાપીને રજૂ કરવામાં આવે ત્યારે તે ચર્ચા ભટકી જાય છે. ‘ગુજરાત સમાચાર’નો આ રિપોર્ટ એ જ વલણનું ઉદાહરણ છે, જ્યાં માહિતી તો છે, પરંતુ તેને એવી રીતે પ્રસ્તુત કરવામાં આવી છે કે એક ખાસ પ્રકારનો ડર અને નિરાશાનું વાતાવરણ ઊભું થાય. જરૂર એ વાતની છે કે વાચકો પણ આવા આંકડાઓને આંખ બંધ કરીને સ્વીકારવાને બદલે તેની પાછળની વાસ્તવિકતાને સમજે. કારણ કે દરેક મોટો આંકડો સાચો નથી હોતો, અનેક વખત તે માત્ર એક અધૂરી વાર્તા હોય છે, જેને સંપૂર્ણપણે બતાવવાના પ્રયાસો જાણીજોઈને કરવામાં આવતા નથી.
ગુજરાત સમાચારે આવું પહેલી વખત નથી કર્યું. અગાઉ પણ ઘણી વખત તેણે આવી હરકતો કરીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જુલાઈ 2024માં અંકલેશ્વરની એક કંપનીએ ‘અનુભવી’ ઉમેદવારો માટે વેકન્સી બહાર પાડી હતી, જે બાદ મોટી સંખ્યામાં ત્યાં લોકો પહોંચ્યા હતા અને ભારે ઘસારાના કારણે ત્યાં રેલિંગ પણ તૂટી પડી હતી. આ જ ઘટનાના વિડીયો સાથે કોંગ્રેસ ઇકોસિસ્ટમે એ નેરેટિવ સેટ કરવાના પ્રયાસો કર્યા હતા કે ગુજરાતમાં કેટલા ‘શિક્ષિત બેરોજગારો’ છે તે આ વિડીયોથી જાણી શકાય છે. આ સાથે ગુજરાત સમાચારે પણ આ જ રાગ આલાપ્યો હતો. જ્યારે વાસ્તવિકતા એ હતી કે કંપનીએ ‘અનુભવી ઉમેદવારો’ માટે ભરતી પાડી હતી તો ત્યાં આવેલા મોટાભાગના લોકો કોઈ અન્ય સ્થાને કામ કરી રહ્યા હતા, તો જ તેઓ અનુભવી કહેવાય. આવી સામાન્ય બાબતને અવગણીને ગુજરાત સમાચારે તે સમયે પણ આ જ નેરેટિવ આગળ ધપાવ્યો હતો.


