ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળથી લઈને હમણાં સુધી ટેરિફને માત્ર એક આર્થિક નીતિ તરીકે નહીં, પરંતુ વિદેશ નીતિના હથિયાર તરીકે વાપર્યું છે. સંદેશ એકદમ સ્પષ્ટ હતો કે જે દેશ અમેરિકાની શરતો માનવા તૈયાર ન હોય તેમના માટે ‘ટેરિફ પેનલ્ટી’ તૈયાર હોય છે. ટ્રમ્પનાં ભાષણોમાં એ દાવો વારંવાર પુનરાવર્તિત થતો રહ્યો કે ‘બીજા દેશો’ અમેરિકાને ‘અબજો ડૉલર’ આપી રહ્યા છે અને ટેરિફથી અમેરિકાને ફાયદો થઈ રહ્યો છે.
પરંતુ હવે એક નવા સંશોધને આ આખા દાવાનો પાયો હલાવી નાખ્યો છે. જર્મનીના Kiel Institute for the World Economyના (કીલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ વર્લ્ડ ઈકોનોમી) અભ્યાસ અનુસાર ટ્રમ્પની ટેરિફ નીતિનો સૌથી મોટો બોજ વિદેશી કંપનીઓએ નહીં, પરંતુ અમેરિકનો અને આયાતકારોએ જ ઉઠાવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો જે હથિયારથી વિશ્વને ઝૂકાવવાનો ટ્રમ્પ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો, તેની અસર આખરે અમેરિકનોના ખિસ્સા પર જ પડી રહી છે. અમેરિકનો વધુ કિંમત આપીને પણ વસ્તુઓ ખરીદી રહ્યા છે.
ટેરિફનો સિદ્ધાંત ખૂબ સરળ છે, જ્યારે કોઈ દેશ કોઈ આયાતી વસ્તુ પર શુલ્ક વધારે છે, ત્યારે તે વસ્તુની કિંમત વધી જાય છે. રાજકીય મંચો પર તેને અવારનવાર એ રીતે ચલાવવામાં આવે છે કે ‘વિદેશી કંપનીઓ જ આ ટેક્સ ભરશે.’ પરંતુ વાસ્તવિક દુનિયામાં ટેરિફની વસૂલી સરહદ પર થાય છે અને તેની ચૂકવણી સામાન્ય રીતે આયાત કરનારા કરે છે, જે પછી આ ખર્ચને ગ્રાહક સુધી પહોંચાડી દે છે.
આ જ વાત કીલ ઇન્સ્ટિટ્યૂટના અભ્યાસે આંકડાઓ સાથે સાબિત કરી છે. રિપોર્ટ અનુસાર ટેરિફનો લગભગ 96% બોજ અમેરિકન પક્ષે જ ઉઠાવ્યો છે, જ્યારે માત્ર 4% બોજ વિદેશી નિકાસકારો પર પડ્યો છે. તેનો અર્થ એકદમ સ્પષ્ટ છે. ‘Foreigners pay’નો નેરેટિવ એક રાજકીય સ્લોગન હોય શકે છે, પરંતુ આર્થિક સત્ય તો તેનાથી ઘણું આગળ છે.
શું કહેવાયું સ્ટડીમાં?
આ સંશોધન સામાન્ય નથી, તેને અવગણવું કે હલકામાં લેવું પણ યોગ્ય નથી. કારણ કે તેનો સ્કેલ ખૂબ જ વિશાળ છે. સંશોધન ટીમે ટીમે 25 મિલિયનથી વધુ શિપમેન્ટ રેકોર્ડનું વિશ્લેષણ કર્યું છે, જે લગભગ 4 ટ્રિલિયન ડૉલરના અમેરિકન આયાતને આવરી લે છે. આ ડેટા જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025ની વચ્ચેનો છે.
આટલા મોટા ડેટાસેટનો ફાયદો એ છે કે તેનાથી માત્ર વેપાર જ નથી જાણી શકાતો, પરંતુ સ્પષ્ટ પેટર્ન પણ ખ્યાલ આવી જાય છે, કયા દેશમાંથી કેટલો માલ આવ્યો, કેટલી કિંમતે આવ્યો, ટેરિફ વધારા પછી વોલ્યુમ અને યુનિટ પ્રાઇસ પર શું અસર પડી અને વાસ્તવિક ખર્ચ કોણે ઉઠાવ્યો. આટલા વ્યાપક અને વિગતવાર ડેટા સાથેનું આ વિશ્લેષણ ટ્રમ્પના ટેરિફનાં ગતકડાંની વાસ્તવિકતા રજૂ કરે છે.
A lot has been said about the Greenland tariffs in the past couple of days. We've been looking at the broader picture: who actually pays the tariffs?
— Julian Hinz (@julianhinz) January 19, 2026
We analyzed 25 million shipments worth nearly $4 trillion.
The answer: Americans pay 96%. Foreign exporters absorb just 4%.
1/n pic.twitter.com/xCBle5a2gp
રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં અમેરિકાની કસ્ટમ્સ આવક લગભગ 200 બિલિયન ડૉલર વધી છે. ટ્રમ્પના સમર્થકો તેને એ રીતે રજૂ કરી શકે છે કે અમેરિકાએ પૈસા કમાઈ લીધા. પરંતુ સવાલ એ છે કે આ પૈસા કોના ખિસ્સામાંથી આવ્યા?
કીલ ઇન્સ્ટિટ્યૂટના સંશોધક અને સહ-લેખક જુલિયન હિન્ઝે કહ્યું છે કે આ લગભગ સંપૂર્ણપણે અમેરિકનો દ્વારા ભરવામાં આવેલા વધારાના ટેરિફ રેવન્યૂ તરીકે આવ્યું છે. એટલે કે આ કોઈ ‘વિદેશી ટ્રાન્સફર’ નહોતું, પરંતુ ઘરેલુ ગ્રાહકો પર પડેલો વધારાનો બોજ હતો. સંશોધન અનુસાર વિદેશી નિકાસકારો પર ટેરિફની અસર 4 ટકા જેટલી થઈ છે પણ બાકીની 96 ટકા અસર સામાન્ય અમેરિકનોને જ થઈ છે
વિદેશી એક્સપોર્ટરોએ ન ઘટાડી કિંમત
ટ્રમ્પની ટેરિફ નીતિનો એક મોટો દાવો એ પણ રહ્યો છે કે બીજા દેશો દબાણમાં આવશે અને કિંમત ઘટાડશે. પરંતુ અભ્યાસ અનુસાર આવું મોટાભાગે થયું નથી. રિપોર્ટમાં ખાસ કરીને બ્રાઝિલ અને ભારતનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, જ્યાં ઑગસ્ટમાં ટેરિફ અચાનક વધારવામાં આવ્યા હતા. બ્રાઝિલના આયાત પર 50% સુધીના ટેરિફ અને ભારત માટે 25%થી વધારીને 50% સુધીના શુલ્ક જેવી વાતો સામે આવી હતી.
જો સાચે જ વિદેશી નિકાસકારો ટેરિફ પોતે ભરી રહ્યા હોત તો અમેરિકન બજારમાં તેમની વસ્તુઓની યુનિટ કિંમત ઓછી દેખાત, જેથી તેઓ પોતાનું વેચાણ બચાવી શકે. પરંતુ રિપોર્ટ કહે છે કે એવું થયું નથી. એક્સપોર્ટ વોલ્યુમ/ વેલ્યુ ઘટ્યાં, પરંતુ યુનિટ પ્રાઇસ લગભગ એ જ રહી. એટલે કે કંપનીઓએ ‘સસ્તું કરીને’ નુકસાન ઉઠાવવાને બદલે ઓછું વેચવાનો રસ્તો પસંદ કર્યો.
અભ્યાસમાં આ જ વાત સ્પષ્ટ થાય છે કે બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં ટેરિફ વધારા (50% સુધી) પછી વિદેશી નિકાસકારોએ ડૉલરમાં તેમની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો ન કર્યો. તેના બદલે તેમણે અમેરિકા તરફના એક્સપોર્ટનું વોલ્યુમ (માત્રા) અને કુલ વેલ્યુ ઘટાડી દીધાં, કેટલાક કિસ્સાઓમાં 24% સુધીનો ઘટાડો જોવા મળ્યો.
તેનો સીધો અર્થ એ થયો કે વિદેશી કંપનીઓએ ટેરિફનો બોજ પોતે ઉપાડવાની જગ્યાએ અમેરિકન બજારમાંથી પોતાનું વેચાણ ઘટાડી દીધું અને અન્ય દેશોમાં વધારી દીધું, જેથી અમેરિકન આયાતકારો અને ગ્રાહકો પર જ વધારાની કિંમત પડી. તો નુકસાન કોને? અમેરિક ગ્રાહકો, અમેરિકન કંપનીઓ અને સમગ્ર બજારને.
જ્યારે ટેરિફ વધે છે અને યુનિટ પ્રાઇસ લગભગ એ જ રહે છે, ત્યારે અમેરિકન આયાતકારોની સામે માત્ર બે વિકલ્પો રહે છે: 1. તેઓ ખર્ચ પોતે જ ઉઠાવે (જેનાથી તેમનો નફો ઘટે) 2. તેઓ કિંમત વધારીને ગ્રાહકો પર ચોંટાડી દે (જેનાથી મોંઘવારી વધે).
બંને સ્થિતિમાં અસર અમેરિકન અર્થતંત્ર પર જ પડે છે. અભ્યાસ અનુસાર આ ટ્રેન્ડ આખરે ઇન્ફ્લેશનરી પ્રેશર (મોંઘવારીનું દબાણ) વધારી શકે છે. એટલે કે ટેરિફ ‘દેશભક્તિ’ કે ‘અમેરિકા ફર્સ્ટ’ના નામે લગાવવામાં આવ્યા હોય, પરંતુ તેમની અસર સુપરમાર્કેટના બિલમાં, કારનાં પાર્ટ્સની કિંમતમાં, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી અને રોજિંદા ખર્ચાઓમાં જ દેખાય છે.
ટેરિફનો હેતુ દબાણ બનાવવાનો ચોક્કસ હોય છે, પણ કોઈ દેશને વેપાર સમજૂતી માટે મજબૂર કરવો, રાજકીય રાહતો મેળવવી, અથવા કોઈ નીતિ પર વાટાઘાટો કરવા માટે. ટ્રમ્પે આ ટેરિફનો ઉપયોગ દંડાત્મક કાર્યવાહી માટે કર્યો, જે સાથ આપશે તેને રાહત, જે નહીં આપે તેને વધુ શુલ્ક.
પરંતુ સંશોધનનો સંકેત એ છે કે આ વ્યૂહરચના એકતરફી જીત નથી. ટેરિફથી વેપારનું વોલ્યુમ (માત્રા) ઘટે છે, સપ્લાય ચેઇનમાં અવરોધ આવે છે, વિકલ્પો ઓછા થાય છે અને આખરે ઘરેલુ બજારમાં જ તેની અસર દેખાવાની શરૂ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ટેરિફ બીજા દેશને ઈજા પહોંચાડવાના હવાતિયાંમાં પોતાની જનતાને મોંઘું જીવન આપી જાય છે અને અમેરિકામાં પણ એ જ થવાનું શરૂ થયું છે.
ભારત અને ચીનનું ઉદાહરણ
ટેરિફ નીતિનું એક રસપ્રદ પાસું એ છે કે જે દેશોને નિશાન બનાવવામાં આવ્યા, તેઓ આજેય અડીખમ રહ્યા છે. અનેક કિસ્સાઓમાં તેમણે નવા બજારો શોધી કાઢ્યા, પોતાના વેપારની દિશા બદલી, અથવા ઘરેલુ ક્ષમતા વધારી.
ભારતનું ઉદાહરણ લઈએ તો ટેરિફનાં દબાણ છતાં ભારતની વૃદ્ધિ મજબૂત રહી છે. ચીનના કિસ્સામાં પણ ટ્રેડ-વૉર અને પ્રતિસાદી કાર્યવાહીઓ છતાં તેણે મોટા વેપાર સરપ્લસનો દાવો કર્યો છે. હવે એ સવાલ ઉભો થાય છે કે ટેરિફની અસર માત્ર ટાર્ગેટેડ દેશ પર જ નથી પડતી, પરંતુ વૈશ્વિક વેપારના આખા માળખા પર પડે છે અને ક્યારેક અમેરિકા પોતાને જ નબળી સ્થિતિમાં મૂકી દે છે.


