હોમપેજગુજરાતકોઈ પણ મુદ્દામાં જ્ઞાતિ શોધી કાઢવાની કળા

કોઈ પણ મુદ્દામાં જ્ઞાતિ શોધી કાઢવાની કળા

અમુક રાજ્યોમાં હજુ જાતિનું રાજકારણ હાવી રહે છે. જોકે ત્યાં પણ હવે ધીમેધીમે જાતિગત રાજકારણનું જોર ઓછું અને બીજા મુદ્દાઓનું મહત્ત્વ વધતું જાય છે. સમીકરણો ધીમેધીમે બદલાઈ રહ્યાં છે. પણ ગુજરાતે છેલ્લા થોડા સમયથી અવળી દિશા પકડવા માંડી છે. રાધર, અવળી દિશા પકડાવવા માટેના સુવ્યવસ્થિત, આયોજનબદ્ધ પ્રયાસો ચાલી રહ્યા છે.

- Advertisement -

ગુજરાત બહારના પત્રકારો, રાજકીય વ્યક્તિઓ સાથે ચર્ચા કરતી વખતે એક ફરિયાદ કાયમ સાંભળવા મળે કે ગુજરાત રાજકીય રીતે બહુ ‘હેપનિંગ’ સ્ટેટ રહ્યું નથી. ફરિયાદ ઘણે અંશે સાચી પણ છે. આપણે આ બધી બાબતોમાં મૂળ શાંતિપ્રિય પ્રજા છીએ. પાંચ વર્ષે એક વખત ચૂંટણી થાય, ચૂંટણી વખતે થોડીઘણી હલચલ થાય. નવી સરકાર રચાઈ જાય એટલે ફરી આપણું ધ્યાન ધંધામાં. પાંચ વર્ષ પછી ચૂંટણી આવે તો ત્યારની વાત ત્યારે. છેલ્લાં થોડાં વર્ષોથી આવું જ ચાલે છે. પણ હવે આ ધારો બદલાઈ રહ્યો છે. આમ તો હમામમાં બધા જ નિર્વસ્ત્ર છે, પણ આ બધામાં મોટો ફાળો વિપક્ષોનો, તેમની ઇકોસિસ્ટમનો છે. કારણ કે ત્રણ દાયકા સુધી અળગા રહ્યા બાદ સત્તા સુધી પહોંચવા માટે હવે સંભવતઃ તેમની પાસે આ એક જ માર્ગ વધ્યો છે.

અમુક રાજ્યોમાં હજુ જાતિનું રાજકારણ હાવી રહે છે. જોકે ત્યાં પણ હવે ધીમેધીમે જાતિગત રાજકારણનું જોર ઓછું અને બીજા મુદ્દાઓનું મહત્ત્વ વધતું જાય છે. સમીકરણો ધીમેધીમે બદલાઈ રહ્યાં છે. પણ ગુજરાતે છેલ્લા થોડા સમયથી અવળી દિશા પકડવા માંડી છે. રાધર, અવળી દિશા પકડાવવા માટેના સુવ્યવસ્થિત, આયોજનબદ્ધ પ્રયાસો ચાલી રહ્યા છે.

ગુજરાતમાં જોકે એક સમયે સ્થિતિ આવી હતી, એવું ઇતિહાસ વાંચીએ તો જાણવા મળે છે. માધવસિંહની ‘ખામ’ થિયરી બહુ જાણીતી છે. 2001 સુધી આવું બધું ચાલ્યું પણ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી રાજકારણના કેન્દ્રમાં જાતિ ઓછી અને વિકાસ, અર્થતંત્ર વગેરે આવતાં ગયાં. મોદીના 13 વર્ષના ઐતિહાસિક શાસનકાળ દરમિયાન ગુજરાતની કાયાપલટ થઈ એમાં એક કારણ આ પણ ખરું. આવા બધા વિષયો પરથી ધ્યાન હટાવીને જે કરવાનું છે એની ઉપર કેન્દ્રિત કરીએ તો જ પરિણામ મળે એ મોદીને ખબર હતી. સરકાર અને સમાજનું ધ્યાન જ્યારે કોઈ એક મુદ્દે કેન્દ્રિત થાય ત્યારે વિપક્ષે અનિચ્છાએ પણ એ જ પીચ પર રમતા રહેવું પડે છે અને ક્યાંય આઘોપાછો થઈ શકતો નથી.

- Advertisement -

2014માં મોદી ગુજરાત છોડીને ગયા પછી કાયમ અલગ પીચ પર રમવાની તકો શોધાતી રહે છે. 2014ની લોકસભા ચૂંટણી પછી બીજા જ વર્ષે 2015માં ગુજરાતમાં આંદોલનોનો એક દોર શરૂ થયો, જેમાં કેન્દ્રમાં સમાજો, જાતિઓ હતાં. સમાજના મુદ્દાઓ પર શરૂ થયેલાં આંદોલનોમાં પછી બીજું પણ ઘણું આવ્યું અને આખરે એ જ થયું જે આવાં બધાં આંદોલનોમાં અંતે થાય છે: સરકાર પર જોખમ ઊભું થયું. આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યું, વિજય રૂપાણીના નેતૃત્વમાં નવી સરકાર રચાઈ.

આ સરકાર સામે પણ પડકારો ઘણા હતા. જાતિગત રાજકારણ હજુ હાવી હતું. બે વર્ષ પછી 2017ની વિધાનસભા ચૂંટણી આવી અને એમાં ભાજપ સત્તામાંથી ફેંકાઈ જવામાં માત્ર 7 બેઠક દૂર રહ્યો. 99 બેઠકે સરકાર બચાવી લીધી, પણ સ્થિતિ સારી ન હતી. બે દાયકામાં વિપક્ષ સત્તાની સૌથી નજીક હતો.

99 બેઠકો સાથે ભાજપે સત્તા જાળવી રાખી હતી, પણ એ પકડ મજબૂત ન હતી. 2015માં વિવિધ સમાજોને આગળ કરીને અસ્થિરતા અને અરાજકતાને રાજ્યમાં ઘૂસાડવામાં આવી ત્યારથી જ સરકાર માટે કપરો સમય શરૂ થયો હતો. તેનાં જ પરિણામો તેમણે 2017માં ભોગવવાં પડ્યાં. જો 2017ની ચૂંટણીનાં પરિણામો જુદાં હોત તો કેન્દ્રની સ્થિતિ પણ જુદી હોત એ કહેવામાં અતિશયોક્તિ નથી, પણ હવે આ બધી જો અને તોની વાત છે.

2017ના આ રિઝલ્ટ પછી ભાજપે નવેસરથી કામ કરવાનું શરૂ કર્યું અને પાર્ટી સતત મજબૂત બનતી ગઈ. બીજી તરફ કોંગ્રેસ સદંતર નબળી પડી ગઈ હોવાના કારણે 2017 પહેલાં જે તીવ્રતાથી કાવાદાવા ચાલ્યા, તે સદંતર બંધ થઈ ગયા. 2022 આવતાં સુધીમાં વાતાવરણ આ જ રહ્યું. ભાજપે ભૂતકાળમાંથી શીખ લઈને સમીકરણો બરાબર સેટ કર્યાં, બીજાં અમુક ફેક્ટરો કામ કરી ગયાં અને 2022માં ન ભૂતો ન ભવિષ્યતિ જેટલું પરિણામ આવ્યું. ભાજપને 156 બેઠકો મળી. આજે આ આંકડો 162 પર પહોંચી ગયો છે. કુલ બેઠકો 182 છે.

2022ની ચૂંટણીમાં ભાજપની આ ઐતિહાસિક વાપસી પછી ફરીથી એક સુવ્યવસ્થિત પ્રયાસ શરૂ થયો, જેના કેન્દ્રમાં ફરી એ જ એજન્ડા છે– કોઈ પણ રીતે ગુજરાતને ફરીથી 2015ની સ્થિતિમાં નાખવું. ફરીથી જાતિઓને આગળ કરવી, ફરીથી કોઈને કોઈ રીતે તેમનામાં અસંતોષ પેદા કરવો.

ધ્યાનથી જોશો તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આ પેટર્ન જોવા મળી રહી છે. કોઈ પણ મુદ્દો રાજ્યવ્યાપી બને કે બનાવવામાં આવે ત્યારે સાથે જાતિનું આવરણ ચડાવી દેવામાં આવે છે. જે-તે સમાજના અગ્રણીઓને આગળ કરવામાં આવે છે. અગ્રણી થયા હોય એટલે આગળ દેખાવાની, પોતે સમાજ માટે ઘસાઈ રહ્યા છે એવું ધરાર સાબિત કરવાની ચળ કાયમ ઉપડતી હોય એ માણસનું સ્વભાવગત લક્ષણ છે, એટલે તેમાં આ લોકોની ભૂલ નથી, પણ તેનાં પછી આખા સમાજે પરિણામો ભોગવવાં પડે છે. આવા અગ્રણીઓ કૂદે, તેમાં રાજકારણ ભળે અને આખરે આખું વાતાવરણ ડહોળી નાખવામાં આવે છે.

કોઈ વાતનો વિષય જાતિ જ હોય તો ઠીક વાત છે, પણ જેમાં જાતિનો ક્યાંય પ્રશ્ન જ ન હોય એવા મામલાઓમાં પણ આ મુદ્દો ઘૂસાડવામાં આવતો રહ્યો છે. થોડા દિવસ પહેલાં અંબાજી મંદિર ટ્રસ્ટ અને રાજવી પરિવારના વિવાદમાં હાઇકોર્ટે ચુકાદો આપીને નવરાત્રિ પર રાજવી પરિવારને પૂજાનો વિશેષાધિકાર મળતો હતો એ ખતમ કરવાનો આદેશ કર્યો. આમાં પણ મુદ્દાને જાતિનો રંગ આપવાના પ્રયાસો સોશિયલ મીડિયા પર અમુક ઠેકાણે થયા. તાજેતરમાં સૌરાષ્ટ્રના બગદાણામાં સરપંચ પર હુમલો થયો, તેમાં પણ બે જાતિ સામસામે આવે તેવો માહોલ બની ગયો. સુરેન્દ્રનગરમાં તાજેતરમાં જમીન કૌભાંડ પકડાયું અને તેમાં એક કલેક્ટરની ધરપકડ થઈ, તો તેમની જાતિ સાથે EDની કાર્યવાહીને જોડી દેવામાં આવી. વચ્ચે લગ્ન, પ્રેમલગ્નો જેવા ક્ષુલ્લક વિષયોને રાજ્યવ્યાપી બનાવીને તેમાં પણ સમાજોને ઘૂસાડવામાં આવ્યા. થોડા સમય પહેલાં ગોંડલના અમુક મુદ્દાઓમાં પણ આવું જ થયું.

સમાજ અને જાતિ વગેરે એવા વિષયો છે, જેમાં સરકાર અને રાજકીય પાર્ટીઓએ ફૂંકીફૂંકીને ચાલવું પડે છે. પણ ગુજરાતમાં જે કંઈ ગુમાવવાનું છે એ સત્તાપક્ષને ગુમાવવાનું છે. વિપક્ષો પાસે હવે ગુમાવવા જેવું કશું રહ્યું નથી. એટલે જ તેઓ પણ સમયે-સમયે આવા મુદ્દાઓને હવા આપવાના પ્રયાસોમાં લાગેલા રહે છે.  

વિપક્ષો અને તેમની ઇકોસિસ્ટમ જાણે છે કે વિકાસ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવા મુદ્દાઓ પર આવતાં દસ વર્ષ સુધી ભાજપને ગુજરાતમાં હરાવી શકાય એમ નથી. આ સંજોગોમાં તેમની પાસે આ અંતિમ માર્ગ વધે છે– સમાજોને આગળ કરીને રાજકારણ કરવું. એ જ કારણ છે કે કોઈ પણ મુદ્દામાં જાતિનો મુદ્દો ઘૂસાડી દેવાય છે અને ગમે તેમ કરીને મુદ્દો સળગતો રાખવાના પ્રયાસો ચાલતા રહે છે.

અગાઉ પણ એક લેખશ્રેણીમાં વિગતવાર સમજાવ્યું હતું તેમ આ વાતાવરણ સર્જવામાં યુટ્યુબરિયા પત્રકારો, કથિત ઇન્ફ્લૂએન્સરોથી માંડીને આખી ઇકોસિસ્ટમ સતત પ્રયાસોમાં લાગેલી રહે છે. કોઈને કોઈ રીતે આ બધાના સમાચારો જાતિઓ પર જ કેન્દ્રિત હોય છે. કોઈને કોઈ રીતે આ બધા મુદ્દાઓ પર આપણને ચર્ચા કરતા કરવામાં આવે છે. ચર્ચા કરીએ એ ઠીક છે, પણ પરિણામો-દુષ્પરિણામોથી વાકેફ પણ રહીએ એ જરૂરી છે. કારણ કે 2027 સુધી આવું ઘણું આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં